વાંચવાના વ્યસની થઈએ – ડૉ. ઊર્મિલા શાહ

અવર ચાઈલ્ડ અવર ચેલેન્જ(‘અવર ચાઈલ્ડ-અવર ચૅલેન્જ’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)

‘અરે નંદિત ! તું શું કરે છે ? લેસન કરી લીધું ? કેમ આજે આટલી બધી વાર ? બહુ લેસન આપ્યું છે ? પછી રિવિઝન ક્યારે કરીશ ? પરીક્ષા તો આમ ને આમ આવી જશે. હજી તારા રિવિઝનનાંય ઠેકાણાં નથી. ખબર નહીં ક્યારનો તું શું કરે છે ?’

‘મમ્મી ! થોડી વાર ઊભી રહે ને ! હમણાં આવું છું… મને આટલું વાંચી લેવા દે ને !’

‘કોણ જાણે શું લઈને બેઠો છે ? સમજ નથી પડતી. લાવ જોવા દે તો… અરે ! આ તો ‘સફારી’, પાછું આ ક્યાંથી તારા હાથમાં આવી ગયું ? એક બાજુ લેસન અને ભણવાના ટાઇમનાં તો ફાંફાં પડી ગયાં છે. ટ્યૂશનવાળા સાહેબ કાલેય ફરિયાદ કરતા હતા કે ‘લેસન પૂરું નથી કરતો’ તેમાં વળી આ ‘સફારી’ હાથમાં આવ્યું ? કોણ જાણે ક્યાંથી આવુંઆવું તારા હાથમાં આવી જાય છે ! નથી ભણવામાં ઠેકાણાં. પરીક્ષા તો જોતજોતામાં આવી જશે. આજે તો આવવા દે તારા પપ્પાને હું કહી જ દેવાની છું. કાલે વળી પેલું બીજું લઈને આવ્યો હતો. રોજરોજ તમને આવાં મૅગેઝિનો કોણ લાવી આપે છે ! તારું ભણવાનું બગડે નહીં એટલે એ બધાં મૅગેઝિનો હું મંગાવતી નથી ત્યારે તું તો ગમે ત્યાંથી એ બધું લઈ જ આવે છે. કરવું શું ? મને તો કાંઈ સમજ પડતી નથી.’

‘મમ્મી ! તું ભલે મને એવી વાર્તાની ચોપડીઓ લાવી આપે નહીં પણ અમને તો એ બધુંય સ્કૂલની લાઇબ્રેરીમાંથી મળે જ છે. મને તો લાઇબ્રેરીમાં જવું બહુ ગમે છે. બધા છોકરા રિસેસમાં પકડદાવ કે બૉલ રમતાં હોય ત્યારે હું તો લાઇબ્રેરીમાં બેસીને વાંચતો હોઉં છું. મને ત્યાં એટલી બધી મજા પડે છે. મમ્મી ! અરે ! મમ્મી ! ત્યાં તો કંઈ ચોપડીઓ છે ! જાતજાતની ને ભાતભાતની ! શું વાંચવું ને શું નહીં તેમાં જ મૂંઝાઈ જવાય. બાલવાર્તાઓ, સાહસકથાઓ, શૌર્યકથાઓ, જાતજાતનાં મૅગેઝિનો… મને તો એવું થાય છે કે બસ ! રોજેરોજ આવું નવુંનવું વાંચ્યા જ કરું.’

‘હા તને તો ગમે જ ને ! એક ભણવાનું નથી ગમતું… પણ પછી તારી પરીક્ષાનું રિઝલ્ટ કેવું આવશે એ તો વિચાર કર ! ગઈ વખતે પણ તારે કુણાલ કરતાં ઓછા માર્ક્સ આવ્યા હતા.’

બાળક મોટું થવા માંડે એટલે એને બહારની દુનિયા વધુ ને વધુ જોવા મળતી થાય. તેની જિજ્ઞાસાવૃત્તિ સળવળવા માંડે ને નવું નવું જાણવાની ઈચ્છા થાય. ઈશ્વરે માનવમાત્રમાં જિજ્ઞાસાવૃત્તિ તો મૂકી જ છે. અરે ! અઢી-ત્રણ વર્ષનું નાનકડું બાળક પણ સવારથી ઊઠીને જાતજાતના પ્રશ્નો પૂછે છે, એની જિજ્ઞાસાને પોષવા એ સતત મથામણ કરે છે અને એટલે આવાં મૅગેઝિનોમાંથી એને ઘણું જાણવાનું, શીખવાનું મળે છે. નવુંનવું જાણવાનું તેને ખૂબ ગમે છે. પણ આજનાં કહેવાતાં શિક્ષિત માબાપોને મન પરીક્ષાના માર્ક્સ માત્ર એટલા બધા મહત્વના બની ગયા છે કે ભણવાની ચોપડીઓ સિવાય બાળક કંઈ પણ હાથમાં વાંચવાનું લે એટલે એમ જ કહે કે, ‘તું સમય બગાડે છે.’

ખરેખર તો બાળક નાનું હોય ત્યારથી જ એને ઇતર વાચનનો રસ જગાડવો જોઈએ. એની નજરમાં આવે, એના હાથમાં લઈને નિરાંતે જોઈ શકે એવી ચિત્રવાર્તાઓની ચોપડીઓથી એ શરૂઆત કરવી જોઈએ. ધીરેધીરે એની ઉંમરના તબક્કા પ્રમાણેનું સાહિત્ય એને સુલભ રીતે મળે તેવી વ્યવસ્થા દરેક ઘરમાં થવી જોઈએ. બાળકને તે માટે વાતાવરણ મળવું જોઈએ. બાળક આપણે કહીએ તેમ નહીં પણ આપણે કરીએ તેમ કરે છે અને એટલે ઘરમાં જ જો આસપાસ સારાં પુસ્તકો અને મૅગેઝિનો હાથવગાં હોય, ઘરનાં સૌ સભ્યો રોજેરોજ એનું વાચન કરતાં જ હોય એ અંગેની ઘરમાં વાતોચીતો અને ચર્ચાઓ થતી હોય તો બાળકને બાળપણથી જ ઇતરવાચન માટેની રુચિ કેળવાય છે. બાળક નાનું હોય ત્યારે સાથે બેસી ચિત્રવાર્તાઓથી શરૂ કરી તેમાં રસ લેતું કરાય તો ધીરેધીરે ઇતરવાચન તેને માટે વ્યસન જેવું બની જાય છે. એટલું જ નહીં પણ એ બાળક નાનું હોય ત્યારથી જ એને એનું પુસ્તકાલય વસાવવાની પણ ટેવ પાડવી જોઈએ. વર્ષગાંઠ કે વારતહેવારે અવારનવાર બાળકને પુસ્તકમેળામાં સાથે લઈ જઈને તેને તેની પસંદગીનાં પુસ્તકો અપાવવા માંડો અને પછી જુઓ… એ પુસ્તકો રસથી વાંચશે તો ખરો જ પણ જીવની જેમ તેનું જતન કરશે ને જાળવશે પણ ખરાં. બાળકના ઘડતરનું આ એક અતિ મહત્વનું પાસું છે.

સ્કૂલમાં બાળકનો સર્વાંગી વિકાસ થાય એટલા માટે પુસ્તકાલય એ દરેક શાળાનું એક અવિભાજ્ય અંગ જ હોય એ સ્વાભાવિક છે અને એ પુસ્તકાલયનો બાળકો જે ઉત્સાહથી ઉપયોગ કરે છે, ક્યારેક તો એમ થઈ જાય કે માબાપને લાઇબ્રેરીમાં બોલાવીને બતાવું કે બાળકને જ્ઞાન મેળવવા માટે કેટલી વધી પિપાસા છે !

એમાંય ક્યારેક પ્રયોગાત્મક રીતે અમુક પ્રૉજેક્ટ કર્યો હોય કે અમુક સમય દરમિયાન જે વધુ પુસ્તકો વાંચશે તેને નવાજવામાં આવશે… અને પછી જુઓ… આવો પ્રૉજેક્ટ શાળામાં જ્યારે જ્યારે કર્યો છે ત્યારે ખૂબ સફળ નીવડ્યો છે. વિદ્યાર્થીઓએ રસથી વિવિધ લેખકોનાં વિવિધ પુસ્તકો વાંચ્યાં અને એમાંય વિષયવૈવિધ્ય તો ખરું જ પણ એ વાંચ્યા પછી એની નોંધ અને વિવેચન તેઓએ જે રીતે રજૂ કર્યાં… મને આશ્ચર્ય થયું, બાળકોમાં પણ કેટલું હીર પડ્યું છે ! વૅકેશનમાં લાઇબ્રેરી અમુક દિવસ ખોલવી પડે. વિદ્યાર્થી ભાઈબહેનો ચોપડી બદલાવવા અચૂક આવે ! આમેય વૅકેશનમાં જ તેઓને આ માટે સમય સારો મળે.

કોઈ પણ સારી ટેવ બાળકમાં પાડવા માટે તેનું વાતાવરણ ઊભું કરવું પડે છે અને તેમાંય વાચનનો શોખ એ તો જીવનભર જ્ઞાન તો વધારે છે જ પણ એક સારા મિત્રની પણ ગરજ સારે છે અને સારા ચારિત્ર્યનું ઘડતર પણ કરે છે. આજે તો ‘અરધી સદીની વાચનયાત્રા’ જેવાં પુસ્તકો કે જેમાં છેલ્લા અડધા દાયકાની સાહિત્યની ઉત્તમ કૃતિઓ સંકલિત થઈ છે એ પણ આપણને ખૂબ જ નજીવી કિંમતે એક જ પુસ્તકના રૂપમાં હાથવગી થઈ શકી છે તો એવા સાહિત્યના રસાસ્વાદને માણ્યા વિના તો કેમ રહેવાય ! એ તો તળાવે જઈને તરસ્યાં પાછાં આવ્યાં જેવી વાત કહેવાય એવું મને લાગે છે. આપણાં બાળકોને રોજેરોજ ગમે તે રીતે પણ સમય કાઢીને પણ ઇતરવાચન કરવાની ટેવ બાળપણથી જ પાડવી જોઈએ. પરીક્ષાના માર્ક્સની સાથે સાથે જીવનભર જીવનને જીવંત રાખવા ઇતરવાચનનો શોખ બહુ જરૂરી છે.

થોડા સમય પર વીકીપીડીયાના ઉપક્રમે ‘મારા પ્રિય સાહિત્યકાર’ વિષય પર નિબંધસ્પર્ધા યોજી તો વિદ્યાર્થીઓએ સ્કૂલની લાઇબ્રેરીમાંથી કેટકેટલા સાહિત્યકારો વિશે સંશોધનાત્મક રીતે જ્ઞાનસભર નિબંધો લખ્યા. મને આશ્ચર્ય થયું. આ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં ખૂબ સારું રિસર્ચ વર્ક કરી શકે તેવી શક્તિ ધરાવે છે, અને તેમની રજૂઆત, ભવિષ્યમાં સારા પત્રકાર થઈ શકવાની તેમની ક્ષમતામાં તેમાં દર્શન થતાં હતાં.

અરે ! બાલસાહિત્ય ક્ષેત્રના આપણા વિદ્વાન સારસ્વત એવા શ્રી યશવંતભાઈ મહેતા ! પંચોતેર વર્ષ સુધીમાં જેમણે ૫૦૦ જેટલાં પુસ્તકો લખ્યાં છે અને હજી જેમની કલમ નિરંતર ચાલ્યા જ કરે છે. તે નાના હતા ત્યારે પડીકું બંધાઈને આવે એવો પસ્તીનો કાગળ પણ વાંચ્યા વિનાં રહી ન શકતા. આવું છે એ વાંચવાનું વ્યસન અને એમાંથી જ તેઓ આવી સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યા છે.

[કુલ પાન ૨૨૬. કિંમત રૂ.૧૮૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]

‘બાળક એ પરમાત્માએ માનવજાત પર લખેલો પ્રેમપત્ર છે.’ – ગિજુભાઈ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “વાંચવાના વ્યસની થઈએ – ડૉ. ઊર્મિલા શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.