આપણે એના કોણ ? – નિખિલ દેસાઈ

(‘અખંડ આનંદ’ સામયિકના જૂન, ૨૦૧૬ના અંકમાંથી સાભાર)

ઝાડીની ઘટામાંથી બહાર નીકળતાં ઢાળ આવે. દોડવું ન હોય તો પણ દોડી જવાય. બંને જણા દોડતાં ઢાળ ઊતરી ગયા. “જલદી કર ગાડીનો ટાઇમ થઈ ગયો છે… ગાડી ચૂકી ગયા તો પાછી ધાણી થશે.”

“એવું બોલ મા, ભાઈ… ગાડી ચૂકી ગયાં તો ખલ્લાસ…!”

બે જણા ગામથી સ્ટેશન તરફ ભાગતા જઈ રહ્યા છે. કારણા કે ગાડી ચૂકી ગયા તો બીજી ગાડી કાલે સવારે મળે. સ્ટેશન સાવ નાનું છે. આંબલી ગામથી આંબલીરોડ સ્ટેશન ક્યાંનું ક્યાં દૂર છે. નદીનો સૂકો પટ વટાવી ગાડાવાટ ઉપર આવ્યા ત્યાં દૂરથી ઝાડીની ઘટામાંથી સરકતી ગાડી અલપ-ઝલપ દેખાણી.

“આમ જો, મહારાણી જઈ રહી છે.”

“માર્યા ઠાર, હવે શું કરવું ? ગઈકાલનો દિવસ તો કાઢ્યો માંડ માંડ આ ગામમાં ત્યાં વળી હવે આજનો દિવસ પણ રહેવું પડશે.”

સાવ હારણ થઈને બંને એક પથ્થર ઉપર ફસડાઈને બેસી પડ્યા. થોડી વાર બેઠા પછી લથડતે પગલે ગામ તરફ પાછા ફર્યા.

“ટેન્શન છે આ બધા પર, આવાં અંતરિયાળ ગામનાં કામ લેવાનાં જ નહીં. ખાલીપીલી ભેજું ખરાબ થાય છે.”

“આપણે તો એ લોકો જે કામ સોંપે તે બધાં કરવાં પડે અને એ માટે જ્યાં જવાનું થાય ત્યાં જવું પણ પડે, સમજ્યો ?”

“પણ હવે જશું, ક્યાં આ ગામમાં બોલ. – નથી કોઈની ઓળખાણ પિછાણ – કે નથી આવ્યા આ પહેલાં અહીં ક્યારેય, હવે કરવું શું ?”

“એ બધું ગોઠવવું પડે આપણે. નથી આપણી પાસે ભણતર-ગણતર કે નથી એવી કોઈ હુશિયારી, તને કે મને નોકરીએ કોણ રાખવાનું ભોજિયો ? પાછા ચ્‍હા-પાણીના ખર્ચા કરવા છે, પાન-બીડીનાં શોખ છે – હોટેલમાં જવાના ધખારા છે – ને સિનેમાના ચસ્કા છે. ક્યાંથી કાઢીશ આ બધાના પૈસા ? આ તો ખાનભાઈ કે ઇભુશેઠ જેવા લોકો આપણને આવાં આડાંઅવળાં કામ આપે છે તે આપણે કરી આપવાનાં. એ લોકોનાં કામ થાય ને આપણને બે પૈસાની કમાણી થાય.”

“કમાણી થાય પણ ભાગદોડ ને ટેન્શન કેટલું ? હું તો થાકી ગયો દોડી દોડીને, પાછી ગાડી તો ચૂકી ગયા. દોડી દોડીને મને તો પેટમાં આંટી ચડી ગઈ છે ને તરસ પણ ઘણી લાગી છે.”

જોકે આમ તો ગામ નજીક આવી ગયું છે પણ તે પહેલાં સામે જ એક ખખડધજ મકાન દેખાય છે. વર્ષોથી મરમ્મત વગરનું જાણે ખંડેર. જીર્ણશીર્ણ થઈ ગયેલ બારણાંવાળું એ ડેલીબંધ મકાન છે. લખ્યું છે.

“ભગવાનદાસ ગોરનું ઘર.” કુદરતની કેવી અકળ ચાલ. મુંબઈની અંધારી આલમના લોફર-મવાલી-રખડુ અને ગુંડા જેવા યુવાનોને કર્મકાંડી અને ધર્મનિષ્ઠ એવા ભગવાનદાસ ગોરની ડેલી સામે ઊભા કરી દીધા.

“સાંકળ ખખડાવ કોઈ ઉઘાડશે.”

“પણ અત્યારે બપોરે દોઢ-બે વાગે બધાં સૂતાં નહીં હોય ?”

“સૂતાં હશે તો ઊઠશે. તું તારે સાંકળ ખખડાવ જોરથી.”

સાંકળ ખખડાવી જોરથી. થોડી વાર થઈ છતાં ડેલી ખૂલી નહીં. તેથી બીજી વાર સાંકળ જોરજોરથી ખખડાવી. બારણામાં મોટી મોટી તિરાડ છે. હાથની હથેલી જાય એવડી મોટી તિરાડો. તેમાંથી પણ અંદર નજર કરી સાથે સાથે કોમેન્ટરી ચાલુ થઈ. “એક મોટી કોઠી જેવી જાડી બાઈ ધીમે ધીમે ચાલી આવે છે – પગમાં કે ગોઠણમાં કંઈક તકલીફ લાગે છે. એટલે ધીમે ધીમે ઠીચુક ઠીચુક કરતી ચાલે છે. બસ હવે નજીક આવી ગઈ છે, હમણાં દરવાજો ખૂલશે.” ત્યાં ડેલીનો દરવાજો ખૂલ્યો.

“અમારે પાણી પીવું’તું ને એટલે.” સામે પરસેવે રેબઝેબ ને હાંફતા બે યુવાનો ઊભા છે.

“પરગામના લાગો છો ભાઈ.”

“હમણાં ગાડી ચૂકી ગયા એટકે પાછા ગામમાં જઈએ છીએ.”

“તે આવો આવો, ભઈલા અંદર આવો. બારણે શું કામ ઊભા છો ?… કંઈ તાપ છે ને માડી ! તમતમારે અંદર આવો. સાંયડે બેસો, હાલ્યા આવો મારી પાછળ પછળ.”

આગળ ગોરાણી ને પાછળ બંને યુવકો ચાલ્યા. મોટું ફળિયું પસાર કરી ઓસરી પાસે ફળિયામાં લીમડાના ઝાડને છાંયે ખાટલા પડ્યા છે.

“બેસો ભઈલા હું પાણી લાવું છું.”

ઝોળ ખાઈ ગયેલ ખાટલામાં ઘોડિયાંની જેમ ઝૂલવાની બંનેને મજા આવી.

ગોરાણી પાણી લાવ્યાં “તે અહીં તમે કોને ઘેર ઊતર્યા છો ?”

“કોઈને ઘેર નહીં, અહીં અમારી કોઈ ઓળખાણ નથી. આ તો સાવરમાં માતાજીના દર્શને આવેલા. અત્યારે પાછા ફરવું’તું પણ ગાડી ચૂકી ગયા.”

“અરેરે… કઠણાઈ થઈને માડી… પણ હવે તમે જશો ક્યાં ?”

“ક્યાંક ધર્મશાળામાં તપાસ કરશું.”

“તે આંયાં પડ્યા રે’જો. ભગવાનદાસ ગોરના કમાડ અતિથિ માટે હમેશાં ખુલ્લાં જ છે. લખ્યાં ઓસડ ને મુંડ્યા જતી એમ પરોણાને કંઈ નાત-ગામ પૂછાય નહીં. એના કંઈ નેડા નહીં ‘ભલે આવે’ એમ હોય. ને ગોર હયાત નથી તે શું થઈ ગયું ? હું બેઠી છું ને જીવતી જાગતી, તમતમારે અહીં રોકાઈ જાવ.”

“પણ તમને તકલીફ…”

“એ શું બોલ્યા દીકરા, મને શેની તકલીફ ? ઊલટાનું મારે થોડો બોલાશ રહેશે. મારો પરભુડો ગયો ત્યારની ઘરમાં એકલી એકલી ભૂતની જેમ ફર્યા કરું છું. કોની હારે બોલવું ?”

“ના… આ તો અમારે મુંબઈ જવું છે ને મુંબઈની ગાડી કાલે સવારે મળે. આમ આખી રાત કાઢવાની છે એટલે.”

“તે તમે મુંબૈના છો ? મુંબૈમાં તો મારો પરભુડો પણ છે. પરભુદાસ ભગવાનદાસ તરવેદી. પણ મુંબૈમાં તો કે છે કે મલકની ભીડ. બહુ મોટું શેર એમાં કોઈ કોઈને ઓળખે પણ નહીં ચહા પીવો છો ભઈલા ?”

આ તો ભાવતું’તું ને વૈદ્યે કીધું એવું થયું. છતાં વિવેક ખાતર કહ્યું.

“પણ એક જ કપ બનાવજો એમાંથી અમે બંને પી લેશું.’ ગોરાણી અંદર ગયાં.

ઘરનું નિરીક્ષણ ચાલું થયું. ફળિયાને છેડે કૂવો દેખાય છે. ત્યાં રસ્સી બાંધલ બાલદી પણ પડી છે. કૂવામાંથી પાણી ખેંચવા માટે હશે. કંપાઉન્ડની જર્જરિત દીવાલમાં પીપળા અને એવાં નાનાં બીજાં ઝાડ ઊગી નીકળ્યાં છે. દીવાલમાં ઠેકઠેકણે ગાબડાં પડી ગયાં છે. દીવાલની ઉપરના ભાગમાં કાચના નાના નાના ટુકડાઓ લગાવ્યા છે.

“આ દીવાલ ઉપર કાચના ટુકડાઓ લગાવવાનું કારણ કંઈ સમજાયું નહીં.”

“ચોર દીવાલ ઉપર ચડીને ઘરમાં ઘૂસી ન જાય એટલે, સમજ્યો ?”

મનિયાને હસવું આવ્યું, “પણ ચોરને દીવાલ પર ચડાવાની શું જરૂર ? આ સાવ સડી ગયેલાં બારણાંને એક લાત મારે ત્યાં કડડભૂસ કરતું જમીન ઉપર પડી જાય.”

“જો મનિયા, લાત મારવાની વાત આવી એટલે યાદ આવ્યું. તારો જે લાગતો વળગતો હોય તે પેલા બાબુડાને સમજાવી દેજે મારા રસ્તામાં ન આવે. જો મારું દિમાગ સટક્યું તો ભારે પાડી દઈશ.”

“તે…”

ત્યાં ગોરાણી રસોડામાંથી ચાના બે કપ લઈને બહાર આવ્યાં. ગોરાણીને જોતાં બંનેના ચહેરા પરથી કરડાકી દૂર થઈ ગઈ. ભોળા ભગત જેવો ચહેરો કરી કહ્યું, “અરે બે કપ કેમ બનાવ્યા ? એકમાંથી અમે બે પી લેશું. એક તમે લ્યો.”

“મારે તો ભઈલા આજ નિર્જળા એકાદશી. આખો દિવસ મોઢામાં અન્નનો દાણો નહીં ને પાણીનું ટીપું નહીં.”

“આખો દિવસ આમ ને આમ ?”

“અગિયારસ ને પૂનમ એવું બધું કરી મેલ્યું છે તે ધરમમાં પાળવું જ પડે ને.”

ફળિયામાં ચકબક કરતાં ચકલાં, પવનથી ઝૂલતાં ઘેઘૂર લીંબડામાંથી આવતી લીમડાના કોલની મઘમઘતા સુવાસ વચ્ચે ગોરાણી વાત્સલ્ય ભરી આંખે બંનેને ચા પીતાં જોઈ રહયં. એક તો પરભુડાને ઘણા સમયથી જોયો નથી, એમાં વળી એના જ ગામથી આવેલા તેવતેવડા આ બે જુવાનો – જાણે સામે પરભુડો – સ્નેહ નીતરી રહ્યો.

ચા પીતાં પીતાં કૂવા સામે જોઈ એકે કહ્યું, “આ સામે કૂવો દેખાય છે ત્યાં બાલદી પણ છે.”

“ઈ બધાં પરભુડાના કામાં. પીટ્યો સવાર-બપોર-સાંજ નાહ્યા જ કરે.”

“આમ નહાવાની તો મજા આવે.”

“તે નહાઓને તમતમારે, ઘણે વખતે કોઈ કૂવા પાસે નહાશે. પરભુડાના ગયા પછી ત્યાં સુનકાર થઈ ગયો છે.”

“તે પરભુદાસ પૂજા-પાઠ કરવા સવાર-સાંજ નહાતા હશે.”

“રામ… રામ… કરો. પરભુ ને પૂજા-પાઠ ! એને તો સંઘ્યા કરમ સાંતીડું ને કોદાળી ખટ કરમ. ઈ કાંઈ પૂજાપાઠ શીખ્યો જ નહીં. મેં ઘણી વાર કીધું કે ગામ છે કોઈ ને કોઈ ઘેર પૂજા-હવન-કથા, મૂરત જોવરાવવાં એવાં કામ નીકળ્યાં કરે. જો વિધિવિધાન શીખે તો ગામને પણ લાભ થાય ને આપણને પણ કંઈક દક્ષિણા મળે. પણ ના, એને તો મુંબે જવાના ધખારા હતા. એના બાપુ કહેતા કે મુંબૈમાં તો અઢારે વરણનાં લોક રહેતાં હોય ત્યાં ધરમ ધ્યાન થઈ શકે નહીં. બધી ભેળાસેળી થઈ જાય. ધરમ પાળી ન શકાય. ગોર હતા ત્યાં સુધી રહ્યો પછી ગુરુજી ગોકળ ને પાછળ મોકળ. બહુ સમજાવ્યો પણ ન માન્યો. ને એના ગોઠિયાઓ પણા સાંધા વાંધા ને સૂટકામાં હુશિયાર. આને એવાં એવાં આંબા આંબલી દેખાડ્યાં કે એની વાત્યંમાં આવી ગ્યો ને હાલી નીકળ્યો એના ભેળો, વયો ગ્યો મુંબૈ ને નંઈ નંઈ તોય એને આઠ મહિના થઈ ગયા. કાગળ તો બચાડો લખ્યા કરે હોં મહિને… મહિને…”

ગોરાણી શ્વાસ ખાવા રહ્યાં. થોડી વાર બેસી રહ્યાં પછી બોલ્યાં, “પણ હમણાં હમણાં બેક મહિનાથી કંઈ ખર ખબર નથી. મને તો ચંત્યા થાય. ખોટું શું !… ને આંઈ આજુબાજુનાં ગામે હોય તો હુંય હડી કાઢીને પોગી જાઉં પણ આ તો ક્યાંનો ક્યાં જઈને બેઠો છે ! ન્યાં મારા હાથ હેઠા પડે.”

પછી સ્વગત બોલતાં હોય તેમ ધીમા અવાજમાં બોલ્યાં.

“બીજું બધું તો ઠીક પણ ઈ પારકાં મલકમાં સાજોમાંદો થિયો તો આપણું કોણ. કોણ જાણે શું કરતો હશે બચાડો.” થોડું અટકીને બેઠાં રહ્યાં, મનમાં જાણે પરભુડાનો વિચાર કરી રહ્યાં પછી બોલ્યાં, “મેં બે ત્રણ કાગળ લખ્યા છે એનો પણ જવાબ નથી. પણ ઈ તો ઓલ્યા રોયા મગનાએ ડબામાં બરાબર નાખ્યા નહીં હોય ને પરભુડાને કદાચ પહોંચ્યા પણ ન હોય બાકી મારો કાગળ મળ્યા ભેગો જવાબ લખી વાળે એવો છે.”

બંનેને ચુપચાપ બેઠેલા જોઈ ગોરાણી પોતાના વલોપાતમાંથી વર્તમાનમાં આવ્યાં, “હું ય પાછી કેવી હૈયાફૂટી. તમારી આગળ મારાં રોદણાં રોવા બેસી ગઈ. લ્યો, તમારે નહાવું છે ને ભઈલા. તમને પરભુડાના સાવલિયા જેવું કંઈક આપું. કૂવે જઈને નહાઓ તમતમારે બરોબરના.

પરભુડો કંઈ ધરમધ્યાનમાં સમજ્યો નહીં પણ તમે કેવા સમજદાર ને ઘડાયેલ કે ઠેઠ મુંબૈથી માતાજીનાં દરશને આવી પુગ્યા. બાકી મુંબૈમાં તો કે’ છે કે મવાલી અને ગુંડાઓ પણ હોય છે. ઈ… તો… છોરાંઓને જેમ ઘડો એમ ઘડાય. જેવાં ઘડતર ઈ માંયલા સંસ્કાર એમાં સીંચાય. પરભુડાના બાપુ કહેતા કે લોઢાનો એક ટુકડો વેચવા જાઓ તો પચ્ચીસ રૂપિયા મળે. તેને ઘડીને ધારદાર કોશ બનાવો તો પચ્ચાસ રૂપિયામાં વેચાય ને વધુ મહેનત કરીને વધુ ઘડીને દાતરડાં જેવું ઓજાર બનાવો તો સિત્તેર રૂપિયામાં વેચાય, આમ જેમ ઘડાય તેમ એની કિંમત વધતી જાય. માણાંનું પણ એવું. છોરાંને જેમ ઘડો તેમ ગુણ ખીલતા જાય ને આમ તમારા જેવા ધરમધ્યાનવાળા થાય.”

બંનેએ એકબીજા સામું જોઈ મરકી લીધું. બંને ખૂબ નાહ્યાં. ફ્રેશ થઈ ખાટલામાં ઊંઘી ગયા. રાત્રે ગોરાણીએ ખીચડી બનાવી. પાટલા ઢાળીને બાજુમાં પાણીના ગ્લાસ મૂક્યા. બંનેને જમવા બેસાડ્યા. થાળીમાં ખીચડી પીરસતાં પૂછ્યું,
“ખીચડી ભાવશે ને દીકરા ?”

“હોવ્વે.”

“મારા પરભુડાને તો પીટ્યાને ખીચડી એવી ભાવે એવી ભાવે કે મારે માટે ય નો રાખે. ન્યાં બચાડાને કોણ કરી આપે ? તમતમારે ખાજો હો ભઈલા. મારે માટે રાખવાની નથી. મારે તો ઉપવાસ છે. બધી ખાઈ જજો, સવારના ભૂખ્યા છે જો બચાડા.”

જમી કારવીને બંને પાછા ઠંડકમાં મંદ મંદ પવનની લહેરખીમાં ખાટલામાં સુઈ ગયા. સવારમાં મોડા ઊઠ્યા. ચા-પાણી પીને કૂવાકાંઠે ખૂબ નાહ્યા. નહાઈ ધોઈને તૈયાર થઈ ગયા, ગઈકાલની જેમ પાછું થાય નહીં એથી સ્ટેશને વહેલાસર પહોંચી જવું છે. આમ સ્ટેશને જવા તૈયાર થઈ ગયા. ગોરાણી બહાર આવ્યાં.

“બસ જવું છે દીકરા ?”

“હા બા, હવે જઈએ. વહેલાસર સ્ટેશને પહોંચવું સારું.”

“બેટા, મારું એક કામ કરશો ? મારા પરભુડાને આ કાગળ પહોંચાડશો. એનું સરનામું ઉપર લખેલ છે.” એમ કહી હાથમાંનો કાગળ તેમના હાથમાં મૂક્યો.

“ભલે.” કહીને મનિયાએ કાગળ લીધો ને ખિસ્સામાં નાખ્યો. ડેલી સુધી ગોરાણી વળાવવા આવ્યાં. “એ સાચવીને જજો ભઈલા.”

“ભલે.” કહીને બંને ચાલતા થયા.

“બેટા, ગોરાણીનું ઓલ્યું કામ કરજો ભઈલા, ભગવાન તમારું ભલું કરે.” દૂર ગયા ત્યાં સુધી ગોરાણી ડેલીએ ઊભાં રહ્યા.

બંને સ્ટેશન તરફ ચાલતા થયા. “મારો પરભુ આમ ને મારો પરભુ તેમ – મારો પરભુડો આમ નહાય ને મારો પરભુડો આમ ખીચડી ખાય.”

“મા બધી એવી જ હોય.”

“તને જાણે માના બહુ અનુભવ.”

“ને તને કોઈએ નાનપણમાં હીંચોળ્યો હોય એવી વાત કરે છે.”

“એમ નહીં. હું આપણા બેયની વાત કરું છું. આપણે ક્યાં મા જોઈ છે ? મા કોને કહેવાય એની જ કોને ખબર છે ?”

ગાડી ટાઇમસર આવી. ખાલી છે. બંનેએ જગ્યા લીધી.

“આપણે એકાદ બે દિવસનું મોડું થઈ ગયું. ઇભુશેઠ છોતરાં કાઢી નાખશે.”

“હા યાર, એ પણ ટેન્શન છે.”

“એમાં વળી આ કાગળ. પરભુદાસ ભગવાનદાસ તરવેદીને શોધીને આપવા જવાનું.”

“એક બાજુ ઇભુશેઠ ને ખાનભાઈ આપણી લેફ્ટ રાઈટ લેશે એમાં વળી આ કાગળ માટે ક્યાં ક્યાં રખડશું ? ફેંકને યાર ડૂચો વાળીને ખૂણામાં. આપણે કંઈ પોસ્ટમેન છીએ ?” મનિયાએ ડૂચો વાળીને કાગળ ખૂણામાં જવા દીધો.

ચીસ પાડતી ગાડી ડુંગરા પાછળ છુપાઈ ગઈ ને ડીઝલ એન્જિનના ધુમાડાથી આકાશ કાળું મેંશ થઈ ગયું. ગાડી ધમધમાટ કરતી ભાગી રહી છે. બપોરના એક દોઢનો સમય થયો. બંનેને કકડીને ભૂખ લાગી. રસ્તામાં નાનાં સ્ટેશને ખાવાનું મળતું નથી ને જંક્શન સ્ટેશન ઘણું દૂર છે.

“યાર કકડીને ભૂખ લાગી છે.”

“ભૂખ તો મને ય બહુ લાગે છે. – ગોરાણી આમાં કેમ કંઈ ખાધા પીધા વગર આખો દિવસ રહી શકતાં હશે ?”

“એનું ઈ જાણે. હવે એક કામ કર. ખાવાનું કંઈ નથી પણ થેલામાં જો એકાદ ગુટકાની પડીકી મળી જાય તો એનાથી ચલાવી લઈએ.”

“કંઈ નહીં હોય, છેલ્લી હતી તે ગઈકાલે આપણે પૂરી કરી નાખી.”

“ટ્રાય તો કર.” મનિયાએ થેલામાં હાથ નાખી ફંફોસતાં તેમાંથી કાગળમાં વીંટેલ કંઈક બંડલ જેવું મળ્યું. તે ખોલતાં તેમાં જાડા પડીંબા જેવા બે રોટલા અને થોડાંક લીલાં મરચાં નીકળ્યાં.

એક તો કકડીને ભૂખ લાગી છે તેમાં આ બે રોટલા નીકળ્યા. બંને ઘડીકમાં રોટલા સામું ને ઘડીકમાં એકબીજા સામું જોઈ રહ્યા.

“ગોરાણીએ ભારે કરી.”

“આપણે એક ટંકના ઉપવાસથી હારણ થઈ ગયા ને ગોરાણીને ગઈકાલનો ખાધાપીધા વગરનો ઉપવાસ હતો છતાં આપણા માટે આ રોટલા બનાવી નાખ્યા. ગઈકાલથી અત્યાર સુધીમાં ગોરાણીએ આપણા માટે કેટલું બધું કર્યું ? બાકી આપણે એના કોણ ?”

ભૂખ અનુ દુઃખ માણસને આર્દ્ર બનાવે છે. ગાડીને એક આંચકો આવ્યો. કદાચ સ્ટેશન આવ્યું. બહાર લીમડાની ઘટાટોપ વનરાજી. લીમડાના કોલની મઘમઘતી સુગંધથી ડબ્બો ભરાઈ ગયો. આ ક્યાંની પરિચિત સુગંધ ? ખખડધજ મકાન-કૂવો-પડઘા સંભળાતા. “તમતમારે નહાઓ બરોબરના.” એ સ્નેહભીની આંખો. દ્રશ્યોના રંગ સાથે સૂર પણ વણાઈ ગયા. બોલેલા બોલ પડઘાઈ રહ્યા – “આપણે ક્યાં મા જોઈ છે” ને “મા બધી આવી જ હોય.” બધું ભેળસેળ થઈ ગયું. ગોરાણીનો કાગળ ફેંકવા બદલ થોડા અપરાધ ભાવની લાગણી થઈ. ઊભા થઈ ખૂણામાંથી કાગળનો ડૂચો ઉપાડી બરાબર કરી ખિસ્સામાં મૂક્યો મનિયાએ.

બંને ચુપચાપ બેસી રહ્યા, કાળી રાત વીતી. સવાર પડી. મોહમયી નગરીનો ધમધમાટ શરૂ થયો. દુનિયા કામે વળગી.

“મનિયા, ચાલ શેઠની દુકાને ! શેઠ રાહ જોતા હશે.”

ચૂપચાપ બેસી રહ્યો મનિયો.

“તને કહું છું.”

“મારે હવે ત્યાં નથી આવવું.”

“કેમ ?”

“સૂરિયા, હું ગઈકાલ રાતથી વિચાર કરું છું કે ગોરાણીમાં કોઈને મદદરૂપ થવાની કેવી સમજ. આપણું કેટલું ધ્યાન રાખ્યું ? આપણે આવડા થયા ત્યાં સુધીમાં કોઈએ આપણને દીકરો કે બેટા એવું કંઈ કહ્યું ? અને આપણે સાવ કેટા ડઠ્ઠડ કે એનું એક કામ કરવાની પણ સમજ નહીં.”

“સાચી વાત છે, મનિયા.”

“અરે, હું કહું છું કે આખા મુંબઈમાં ખૂણે-ખાંચરે છુપાયેલા કોઈને પકડી પાડવાની આપણી કેવી માસ્ટરી છે ?”

“સવ્વાલ જ નથી.”

“છતાં આપણે પરભુદાસને શોધીને એ કાગળ ન પહોંચાડ્યો.”

મનિયો શૂન્ય નજરે રસ્તા પરની ધમાલ જોઈ રહ્યો. રોજની જેમ રસ્તો માણસોથી ઊભરાઈ રહ્યો. દરેકને કામ પતાવવાની દોદાદોડી છે. હાથ ગાડીવાળા ભીડમાંથી રસ્તો કરતા જઈ રહ્યા છે. માથા પર બોજો ઊંચકેલા પાટીવાળા બાજુ-બાજુ એવી બૂમો પાડવા ભીડમાંથી જઈ રહ્યા છે. નાકા ઉપર લારીમાં ગરમ ગરમ ભજિયાં ખાવા ભીડ છે. સામેથી પાન ચાવતો ગીધો નીકળ્યો પણ આજે તેને હાક મારીને બોલાવવાનો મૂડ નથી. સૂરિયા સામે જોઈને કહ્યું મનિયાએ,

“સૂરિયા, આપણે સાવ નાનકડા હતા ત્યારથી શું કરીએ છીએ ? કોઈની વસ્તુ ઝૂંટવીને ભાગી જવું – કોઈની વસ્તુ પડાવી લેવી. થોડા મોટા થયા પછી નાની સૂની ચોરી, પછી પાકીટ મારી – થિયેટર ઉપર ટિકિટના કાળાબજાર અને અત્યારે મારામારી અને આવાં આડાંઅવળાં ગુંડાગીરીનાં કામ. આપણે કદી કોઈનું ભલાઈનું કામ કર્યું ? આપણે સાવ આવા કેમ ?”

સૂરિયો અવાચક થઈને મનિયા સામે જોઈ રહ્યો. મનિયો આગળ બોલ્યો.

“ગોરાણી શું કહેતાં હતાં ? કે છોકરાંવને ઘડવાં પડે કે એવું કંઈક. સૂરિયા મને થાય છે કે આપણને નાનપણમાં જો મા હોત તો આપણે સાવ આવા ન હોત.”

“મનિયા, આજે તને આ શું થઈ ગયું છે ?”

“અને પરભુદાસને કાગળ પહોંચાડવા આપણે ન ગયા તેનું બીજું કારણ ખબર છે ?”

“ઇભુશેઠ અને ખાનભાઈની બીક.”

“એમાં નવું શું છે ?”

“સૂરિયા, આટલી બધી ગુલામી અને લાચારી શા માટે ? એ લોકોના આવા જાકુબના ધંધા જેવા આડાંઅવળાં કામ કરીને પાંચ પૈસા કમાવા કરતાં દાણાબજારમાં મજૂરી કરીને એ પૈસા કમાવા વધુ સારા.”

“ગોરાણીએ ઘડી નાખ્યો લાગે છે, ચાલ. હવે ઊભો થા, છોકરી જેવી વાત કર મા.”

“તું જા. હું નહીં આવું.”

“ચાલ હવે, મજાક-મશ્કરી બહુ થયાં. લે હવે ઊભો થા.”

“હું ખરેખર નથી આવવાનો. આજથી તારા ને મારા રસ્તા જુદા.”

સૂરિયો મનિયા સામે જોઈ રહ્યો આજનો મનિયો તેને જુદો લાગ્યો. તે મનિયાની બાજુમાં બેસી ગયો ને બોલ્યો,

“મનિયા, આપણે નાના હતા ત્યારથી સાથે ને સાથે જ છીએ.” ને હાથ પકડતાં બોલ્યો, “ને છેવટ સુધી સાથે જ રહેવાનું છે – તારા ને માર રસ્તા જુદા શેના ? લે ચાલ હવે ઊભો થા.”

‘ક્યાં ?”

“પરભુદાસ ભગવાનદાસ તરવેદીને શોધવા.”

*****
સંપર્ક :
બી-૧૦૨, શ્રી અજિત રેસીડેન્સી ૨, રામકૃષ્ણનગર વેસ્ટ, રાજકોટ-૩૬૦૦૦૨

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

16 thoughts on “આપણે એના કોણ ? – નિખિલ દેસાઈ”

Copy Protected by Chetan's WP-Copyprotect.