શબદ દેહે કૈલાસ માનસ યાત્રા – પરીક્ષિત જોશી

(કૈલાસ-માનસ યાત્રા વિષય ઉપર થયેલા ગુજરાતી પુસ્તકો વિશેનો સંશોધનાત્મક લેખ રીડગુજરાતીને પાઠવવા બદલ શ્રી પરીક્ષિત જોશીનો આભાર. તેમનો સંપર્ક તેમના મોબાઈલ ૯૦૯૯૦ ૧૬૨૬૧ પર કરી શકાય છે.)

કૈલાસ-માનસ યાત્રા વિશેના ગુજરાતી પુસ્તકો –

  • ક્રિષ્ણાનંદજી કૃત કૈલાસ દર્શન (૯૮ પાના).
  • સ્વામી પ્રણવાનંદ કૃત કૈલાસ-માનસરોવર (૧૯૪૩, હિન્દી-અપ્રાપ્ય) જેનો ગુજરાતી અનુવાદ (૨૦૦૯, ૨૫૦ પાના).
  • સ્વામી પ્રાણતીર્થ કૃત દક્ષિણ કૈલાશ દર્શન (૧૯૫૭, ૧૨૭ પાના).
  • ધીરજલાલા ગજ્જરે લખેલું કૈલાશ (૧૯૬૯, ૪૮ પાના).
  • ઇન્દ્રા વસાવડાએ લખેલું બ્રહ્મપુત્ર માનસરોવરના રહસ્યની શોધમાં (૧૯૭૮, ૫૨ પાના).
  • અરૂણા ચોક્સીએ લખેલું ચલો રે મનવા માનસરોવર (૧૯૯૧, પાના ૩૫૧).
  • પ્રભા પટેલે લખેલું કૈલાશ માનસરોવરના સાંનિધ્યમાં (૧૯૯૮, ૧૯૧ પાના).
  • અવિચલદાસજી કૃત કૈલાસ માનસ પ્રદક્ષિણા (૨૦૦૫, ૭૩૨ પાના).
  • અખિલેશ અંતાણી કૃત આદિ કૈલાશ (૨૦૦૭, ૧૬૬ પાના).
  • પ્રજ્ઞા પટેલનું શિવભૂમિનો સાદ, કૈલાસ-માનસ અને અન્ય યાત્રાઓ (૨૦૧૫, ૩૪૦ પાના).

કૈલાસ-માનસરોવર ગ્રંથ : પાનેપાનાંની એક ઝલક

ચાર તરંગ-ખંડ અને એના ૧૧ અધ્યાય સાથે ૨૭ તાલિકા અને તિબ્બતી સહિતના અન્ય શબ્દોના કોશ સહિતના કુલ ૨૫૦ પાનાંમાં વિશાળ ફલક ઉપર પથરાયેલા કૈલાસ-માનસરોવરની યાત્રાના અલૌકિક સંસ્મરણો સહિતની અનેક જાણી-અજાણી માહિતી આ ગ્રંથના પાનેપાને સચવાઇ છે. જે કૈલાસ-માનસના યાત્રીને તો ઉપયોગી છે જ પરંતુ આ વિષયે જાણવા ઇચ્છતા દરેક વાંચનપ્રેમી માટે એક અવર્ણનીય આનંદની અનુભૂતિ કરાવે છે.

પહેલાં તરંગમાં સ્વામીજીએ માનસરની ચૈતન્યસભર કાવ્યમય પ્રશસ્ત કરી છે. પોતાના કૈલાસ-માનસતીર નિવાસ દરમિયાનના સમયગાળામાં એમણે કરેલાં સૂક્ષ્મ નિરીક્ષણોનો સાર છે આ પહેલું તરંગ. પ્રથમ તરંગના કુલ ત્રણ અધ્યાયમાં કૈલાસ-માનસરોવર વિશેની તિબેટી-હિન્દુ પુરાણ કથાઓ, પરિક્રમા, ચાર મહાનદીઓના ઉદગમસ્થાનો, માનસ અને રાક્ષસતાલ, ગંગા છૂ, માનસનું ઉષ્ણતામાન, એના થીજી જવાની ઘટના જેવા વિષયોને આવરી લેવાયા છે.

બીજા તરંગમાં સ્વામીજીએ આ પ્રદેશના લોકોને સ્પર્શતી તમામ વિગતોને ઘણી ચીવટથી સંગ્રહી આપી છે. દ્વિતીય તરંગના કુલ ૬ અધ્યાયનો પટ ઘણો વિશાળ છે. એના પહેલા બે અધ્યાયમાં તિબેટ, કૈલાસ-માનસખંડમાંથી નીકળતી ચાર મહાનદીઓ-ઉત્તરમાં સિંધુ, પૂર્વમાં બ્રપુત્ર, દક્ષિણમાં કરનાલી અને પશ્ચિમમાં સતલજના ઉદભવસ્થાનો, પર્વતો, તળાવો, હવામાન, વનસ્પતિની સ્થતિ, સુવર્ણ-ટંકણખાર જેવા ખનિજો વિશે માહિતી આપેલી છે. એ પછીના ત્રણ અધ્યાયોમાં આ પ્રદેશના નિવાસીઓ, એમના ઘર, ખાનપાન, વેશભૂષા, અભિવાદન, ભાષા અને લિપિ,  જન્મ અને મરણ સહિતની વિધિઓ, તિબેટમાં બૌદ્ધ ધર્મ, વિવિધ સંપ્રદાય, પર્વ અને તહેવાર, ખેતી, કસ્તૂરી મૃગ, યાક, કૂતરાં, ગવ્ય સહિત જંગલી અને પાલતુ પશુપંખીઓ સાથે વ્યાપાર અને બજાર વિશેની માહિતી સમાવાયેલી છે. છેલ્લાં છઠ્ઠા અધ્યાયમાં દલાઇ લામાથી શરૂ કરીને અંગ્રેજોના શાસનકાળ સહિત નેપાળ, તિબેટ અને ભૂતાનના સંબંધો ઉપરાંત માનસખંડના પ્રસિ યાત્રીઓ સાથે જાેરાવરસિંહની વિગતવાર માહિતી ઉપલબ્ધ છે.

પુસ્તકના ૩જા અને ૪થા તરંગો વાંચ્યા પછી તો જેના લીધે કૈલાસ-માનસયાત્રાને દુર્ગમ માનવામાં આવે છે એ અંગેની અનેક વિટંબણાઓ જાણે કે નામશેષ બની જતી અનુભવાય છે. તૃતીય તરંગમાં કૈલાસ-માનસની યાત્રાની તૈયારી સંદર્ભે વિવિધ માર્ગ, યાત્રા કોણ કરી શકે ત્યાંથી શરૂ કરીને વિઝા, યાત્રા માટે જરૂરી વસ્ત્રો, ઔષધિઓ, વિવિધ સામગ્રીઓ સહિત ખર્ચ, ટપાલ, સિક્કા જેવી ચીજવસ્તુઓની યાદી, માર્ગમાં સહાયરૂપ ચીજોની યાદી, રોકાવાના સ્થળો, યાત્રાનો યોગ્ય સમય વિશેની વિગતોનો સમાવેશ કરાયેલો છે. ચતુર્થ તરંગમાં વિવિધ ૨૭ માર્ગતાલિકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેને અંતે કેટલાંક તિબ્બતી અને અન્ય શબ્દોનો કોશ પણ ઉમેરેલો છે.

* * *

પ્રવાસયાત્રાના વર્ણનોને ગુજરાતી સાહિત્યમાં એક નિબંધ સાહિત્યના અંગ તરીકે સ્વીકારાયેલો હોવાથી આપણને દેશ અને દુનિયાના પ્રવાસ વિશેના અદભૂત અને અઢળક પુસ્તકો મળતાં રહ્યાં છે. એટલું જ નહીં, પ્રવાસ સાહિત્યને પોતાની સાહિત્યક યાત્રામાં એક અગત્યના પાસા તરીકે વિકસાવનારા અનેક સાહિત્યસેવીઓ પણ આપણે ત્યાં થયાં છે. કાકાસાહેબ કાલેલકર-સ્વામી આનંદથી માંડીને ભોળાભાઇ પટેલ-નરોત્તમ પલાણ સુધીના લેખકોના લખાણમાં પ્રવાસ વર્ણને એક પ્રકારે વિકાસ સાધ્યો છે. આમ તો યાત્રા-પ્રવાસનો ઇતિહાસ જોઇએ તો એ ગાંધીયુગથી પણ આગળ પહોંચે છે.

પરંતુ આપણે જે પ્રવાસયાત્રાની વાત કરવી છે એ પુસ્તકનો પણ એક ઇતિહાસ છે. કૈલાસ-માનસરોવર જેવા પવિત્ર ધર્મસ્થાન વિશે જે કોઇપણ શ્રધ્ધાળુએ મુલાકાત લીધી છે એણે પોતાનાથી બનતી શક્તિએ, પોતાને ફાવે એવી ભાષામાં, આ યાત્રાપ્રવાસના અવનવા અનુભવો ગ્રંથસ્થ કરવાનો પ્રયત્ન કર્યો છે. એમાંના કેટલાંક પુસ્તકો વિશેની માહિતી અહીં અલગ બોક્સમાં સમાવી પણ છે છતાં એ અધૂરી છે એ અમને પણ ખબર છે.

કૃષ્ણાનંદજી કૃત કૈલાશ દર્શન પુસ્તકનું પ્રકાશન વર્ષ પ્રાપ્ય નથી એટલે અહીં કરેલી યાદી મુજબ સૌથી પહેલું પુસ્તક ગણવું હોય ૧૯૪૩માં માત્ર પચ્ચીસ દિવસના ટૂંકાગાળામાં પોતાની ૧૫ કૈલાશયાત્રા અને ૧૭ માનસરોવર યાત્રાના અનુભવોને આધારે હિન્દી પુસ્તક લખનારા સ્વામી પ્રણવાનંદજીના પુસ્તકને નિર્વિવાદીત રીતે આ વિષયનું સર્વપ્રથમ પુસ્તક ગણી શકાય. શ્રી કૈલાશ-માનસરોવર તીરે જ વસનારા સ્વામીજીએ સૌ પહેલી કૈલાસ માનસયાત્રા ૧૯૨૮માં કરી હતી. એટલું જ નહીં, આ પુસ્તકમાં કૈલાસ અને માનસરોવર વિશે સ્વામીજીએ કરેલાં સંશોધનો વિશે વાંચો તો તમને ખ્યાલ આવે કે આ વિષયે લખાયેલું પહેલું પુસ્તક હોવા છતાં એક રીતે સંપૂર્ણ પણ છે. કૈલાસયાત્રાનું આટલું સંપૂર્ણ પુસ્તક અને પ્રશસ્ત પથદર્શક પુસ્તક હજુ સુધી કદાચ કોઇપણ ભાષામાં પ્રસિદ્ધ થયું નથી.

કાઠિયાવાડના મહારાજાશ્રી સર કૃષ્ણકુમારસિંહજી કે.સી.એસ.આઇની વિશેષ સહાયતાને લીધે સ્વામીજી પોતાની રીતે કેટલાંક સંશોધનો પાર પાડી શક્યાં હતા. એ રીતે, આ પુસ્તકનો ગુજરાત સાથે સીધો સંબંધ પણ ખરો. અને આમ પણ પ્રવાસની બાબતે ગુજરાતીઓને કોણ પહોંચે. છેક ૧૯૨૮માં નારાયણ સ્વામી સાથે ગુજરાતી મહિલાઓનો એક સંઘ પણ આ યાત્રાએ ગયો હતો. આમ પણ ગુજરાતનો કૈલાસ-માનસ સાથેનો સંબંધ અતૂટ છે. આજે પણ આ પવિત્ર યાત્રાએ જનારાઓમાં દર વર્ષે અડધોઅડધ લોકો તો ગુજરાતીઓ જ હોય છે.

-ગુજરાતી ભાષામાં આ પુસ્તકના અવતરણ પ્રસંગે લખાયેલી પ્રસ્તાવનામાં ધીમંત પુરોહિતે લખ્યું છે એમ સાચે જ સ્વામી પ્રણવાનંદજી લિખીત આ ગ્રંથ કૈલાસ માનસરોવર વિશે ભગવદ ગીતા કહી શકાય એવો એક અને એક માત્ર પ્રમાણભૂત ગ્રંથ છે. કારણ, આ માત્ર યાત્રાપ્રવાસ નથી. એમાં ધર્મ છે, અધ્યાત્મ છે. ઇતિહાસ છે તો ભૂગોળ પણ છે. સંસ્કૃતિ અને પુરાણ પણ છે. સમગ્ર હિમાલય ક્ષેત્રમાં વર્ષો સુધી પરિભ્રમણ કરનારા સ્વામી પ્રણવાનંદજીએ લગભગ દોઢેક દાયકા સુધી સતત કૈલાસ-માનસરોવરને હ્દયની આંખે જોયાં છે, અનુભવ્યા છે. પૂર્વજીવનમાં ભૂસ્તરશાસ્ત્રી તરીકે કાર્ય કરી ચૂકેલાં સ્વામીજીએ પ્રદેશનું વિજ્ઞાનીની દ્રષ્ટિએ પણ અધ્યયન કયુ અને વિશ્વને માનસરોવરના ખરાં ઊંડાણનો અંદાજ આવ્યો.

આ પુસ્તકમાં ઉલ્લેખાયેલાં સંદર્ભો ભારતની આઝાદીકાળની આસપાસના છે. એ પછી આપણે છ દાયકા ઉપરનો સમય જોઇ ચૂક્યાં છીએ. એ અર્થમાં પુસ્તકના મોટાભાગના સંદર્ભો આઉટ ઓફ ડેટ થઇ ચૂક્યાં છે પરંતુ પુસ્તક નહીં. કારણ, કૈલાસ-માનસમાં છે એ બધું જ પુસ્તકમાં છે અને પુસ્તકમાં છે એવું જ કૈલાસ-માનસમાં છે, એવું મહાભારતવાક્ય કહીએ તો એમાં લગીરેય અતિશયોક્ત નથી. પુસ્તકમાં છબી સ્વરૂપે પથરાયેલો કૈલાસ-માનસના પ્રાકૃતિક સાદર્યને રજૂ કરનારા છબીકારોએ પણ આ સાદર્યને અનેક રીતે ઊભારી આપ્યું છે.

કૈલાસના અનેક અર્થો છે પરંતુ એનો મુખ્ય અર્થ કૈલાસ એટલે સ્ફટિક કે એના સ્વરૂપનો પર્વત, કુબેર ભંડારીનું નિવાસસ્થાન, શિવ અને શિવાની નૃત્યભૂમિ-કાયમી નિવાસસ્થાન. કૈલાસ-માનસના દર્શન કરીએ એટલે જાણે કે અંતરમાંથી જ બ્રહ્મનાદ જાગે છે કે શ્રીકૈલાસ સર્વશક્તિમાનની પ્રત્યક્ષ મૂર્તિ છે. તેનું દર્શનમાત્ર શ્રદ્ધા અને ભક્તિથી આંતરમન સભર કરી દે છે, સહજ રીતે જ નતમસ્તક થઇ જવાય છે. ભૂગોળમાં સર્વપ્રથમ જ્ઞાત માનસ હિન્દુપુરાણોમાં અતિપ્રસિદ્ધ છે. એની ચારેતરફ પર્વતમાળા છે : ઉત્તરમાં શ્રીકૈલાસ, દક્ષિણમાં ગુરલા-માંધાતા, પશ્ચિમમાં રાવણહ્રદ અને પૂર્વમાં નાનીમોટી પર્વતમાળા.

કૈલાસ-માનસખંડમાંથી નીકળતી ચાર મહાનદીઓ-ઉત્તરમાં સિંધુ, પૂર્વમાં બ્રહ્મપુત્ર, દક્ષિણમાં કરનાલી અને પશ્ચિમમાં સતલજના ઉદભવસ્થાનો વિશે ભૂગોળવેત્તાઓ માટે અત્યંત રસપ્રદ વિષય રહ્યો છે. સ્વીડિશ સ્વેન હેડિન દ્વારા સૌ પ્રથમવાર કરાયેલાં સર્વસ્વીકાર્ય સંશોધન પછી સ્વામીજીએ આ સંદર્ભમાં પોતાનો મત આપીને પ્રશંસનીય કાર્ય કર્યું છે. જેનું વિસ્તૃત વિવરણ કલકત્તા વિશ્વવિદ્યાલય દ્વારા પ્રકાશિત પુસ્તક ‘એક્સપ્લોરેશન ઇન તિબેટ’માં ગ્રંથસ્થ છે.

સ્વામીજીએ કરેલાં હૃદયગંમ અનેક વર્ણનો ભાવવિભોર કરી દે છે. સમુદ્રતલથી ૧૪૯૫૦ ફૂટની સ્વર્ગીય ઊંચાઇએ આવેલું માનસ ૫૪ માઇલનો પરિઘ અને સરેરાશ ૩૦૦ ફીટની ઊંડાઇ સાથે ૨૦૦ ચોરસ માઇલના વિશાળ વિસ્તારમાં પથરાયેલું છે. તેના તટ ઉપર આઠ બૌદ્ધ મઠ આવેલાં છે. એને જોતાં-જોતાં જો પરિક્રમા કરવામાં આવે તો ૬૪ માઇલની થાય. શિયાળામાં જ્યારે નદી-નાળા થીજી જાય છે ત્યારે એના કિનારે કિનારે પરિક્રમા થઇ શકે છે. અથવા તો વસંત કે શરદમાં જ્યારે નાની નદીઓ સુકાઇ જાય અને મોટીમાં પાણીનો જથ્થો ઓછો હોય ત્યારે તિબેટીઓ પરિક્રમા કરે છે. ઉનાળા અને વર્ષાઋતુમાં ભયંકર પૂરના લીધે પરિક્રમા થઇ શક્તી નથી. ૧૯૩૬-૩૭ના અરસામાં માનસનું તાપમાન એટલું નીચું ગયું હતું કે શાહી જામી ગઇ હતી, સરસવનું શું તલનું તેલ પણ પથ્થર જેવું બની ગયું હતું. ઘી તો કાપવું પડે એવી સ્થિતિ હતી. લામાઓ અને તિબેટીઓના અંદાજ પ્રમાણે માર્ગશીર્ષની પૂર્ણિમાના દિવસે માનસ જામી જશે. અને થયું પણ એવું જ. પૂરાં ૩ દિવસ માનસ જામી ગયું.

માનસની પરિક્રમા ચાર કે પાંચ દિવસમાં થઇ શકે છે. સ્વામીજીએ શિયાળામાં જામેલા બરફ ઉપર ૬ વખત અને અન્ય ઋતુઓમાં ૧૧ એમ કુલ ૧૭ વખત પરિક્રમા કરી હતી. એટલે જ તો  સ્વામીજી ત્યાં સુધી લખે છે કે જો તમારે માનસનું ખરૂં મહત્ત્વ અને દૈવી સૌંદર્ય માણવું હોય તો ઓછામાં ઓછા ૧૨ મહિના તો એના તટ ઉપર રહેવું જ જોઇએ.

ધર્મપરાયણ તિબેટીઓ પોતાના જીવનમાં શક્તિ પ્રમાણે ૩ કે ૧૩ પરિક્રમા કરે છે. કેટલાંક વિશેષ ધાર્મિક લોકો અનન્ય શ્રધ્ધા ભક્તથી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતાં કૈલાસની ૧૫ દિવસમાં અને માનસની ૨૮ દિવસમાં પરિક્રમા પૂરી કરે છે. તિબેટી પુરાણોના આદેશ મુજબ કૈલાસની ૧૨ પરિક્રમા કર્યા પછી, યાત્રી ૧૩મી પરિક્રમા વખતે વજ્રપાણિ-અવલોક્તિશ્વર પાસેથી પસાર થતાં ડિરફૂક ગોમ્પાવાળા માર્ગથી યાત્રા કરવાનો અધિકારી બને છે. સ્વામીજીએ આ માર્ગે ૪૧-૪૨ના અરસમાં બે વાર પરિક્રમા કરી હતી. એવી જ રીતે ૧૩ પરિક્રમા કરવાવાળા સિવાય કોઇ સેરદુ-ચુકસુમ કે કપાલસરમાં જઇ શકે નહીં. સ્વામીજી આ માર્ગે પણ ૩૭-૪૨માં કુલ ૩વાર જઇ આવ્યા હતા.

સ્વીડિશ સંશોધક સ્વેન હેડિન પણ આ જગ્યાએ જઇ શક્યો નહતો. એણે કપાલા તરીકે ગૌરીકુંડને જ ઓળખાવી દીધો હતો. ખરેખર, બેય સરોવર જુદાં છે એની એમને એ વખતે ખબર નહતી. હિડનના સંશોધનના ૩૦ વર્ષ પછી સ્વામીજીએ ૧૯૩૭માં ચારેય મહાનદીના ઉદગમસ્થાનોને પરંપરા, જલપરિમાણ, લંબાઇ અને હિમનદીની ગણતરી સાથે સ્વયં એ સ્થાનોની મુલાકાત લઇને માહિતી મેળવી. સતલજ એક જ એવી નદી છે જે રાક્ષસતાલ-રાવણહ્રદના વાયવ્ય ખૂણામાંથી નીકળે છે.

માનસની પશ્ચિમે રાવણહ્દ છે જેને લોકો રાક્ષસતાલ તરીકે ઓળખે છે. આ સરોવરના તીરે લંકેશ રાવણે કૈલાસાધિદેવ શિવજીને પ્રસન્ન કરવા ઉગ્ર તપસ્યા કરી હતી. માનસ અને રાક્ષસતાલને જોડતી નદી છે ગંગા-છૂ. જ્યારે માનસમાં પાણી વધી જાય ત્યારે એ ગંગા-છૂ દ્વારા રાક્ષસતાલમાં જાય છે. પરંતુ રાક્ષસતાલનું પાણી માનસરોવરમાં જતું નથી.

માનસમાં ત્રણ પ્રકારના પક્ષીઓ જોવા મળે છે. શ્વેતભૂરા હંસ, બદામી બતક અને પૂંછડી-પાંખ સિવાયના ભાગે સફેદ ચકરમા પક્ષીઓ. આ અને આવી અનેક જાણવાજોગ બાબતો આ પુસ્તકમાં સંગ્રહાયેલી છે. તો ક્યારેક આપણને અચંબિત કરી મૂકે એવી અદભૂત વાતો પણ વાંચવા મળે છે. કારણ, સ્વામીજીએ પુસ્તક લખવા ખાતર લખ્યું નથી. એમને મન તો આ પુસ્તક એ પણ શ્રીકૈલાસ-માનસની એક પરિક્રમા જ છે. એટલે તો એમણે ચીવટથી, કાળજીથી એક પરિક્રમાવાસીને, એક કૈલાસ-માનસયાત્રીને લાગુ પડતી બધી જ બાબતો વિશે ખૂબ જ છણાવટ સાથે લખ્યું છે.

સ્વામીજીની વિજ્ઞાન સંમાર્જિત દ્રષ્ટિને કારણે એમના અવલોકનો પણ માણવાલાયક બન્યા છે. સુવર્ણ વિશે લખે છે કે ગંગા-છૂની દક્ષિણે માનસથી રાવણહદના તટ સુધી સોનાની ખાણો હતી. બે ગજ એટલેકે આશરે ૬ જેટલી ઊંડાઇએ કાચુસોનું મળી આવતું. શિતળાના પ્રકોપને લીધે ખાણોમાં ખોદકામ બંધ કરી દેવું પડ્યું એ પહેલાં ખોદકામમાં કૂતરાના આકારનો સોનાનો એક ગઠ્ઠો મળી આવેલો. ૧૯૨૯ની આસપાસ લ્હાસામાં સોનાનો ભાવ એક તોલાના ૧૦ રૂપિયા હતો.

૧૯૪૩માં લખાયેલું આ પુસ્તક ઘણી પરિશ્રમ પછી સૌ ગુજરાતી શિવભક્તોને ૨૦૦૯માં પવિત્ર શિવરાતના દિવસે સુલભ બન્યું હતું. અંગ્રેજી અને હિન્દીમાં અપ્રાપ્ય બનેલા આ શિવલાભ માટે મીડિયા સોસાયટીની હિમાલય ગ્રંથમાળાના માધ્યમરૂપ બની એ પણ આનંદની વાત છે. શ્રીકૈલાસ-માનસતીરવીસી સ્વામી પ્રણવાનંદજી લિખિત આ પુસ્તકને ગુજરાતીમાં લાવવાનું નિમિત્ત બનનારા સૌ કોઇ અભિનંદનને પાત્ર છે. ગુજરાતમાં ભગવાન સદાશિવના પ્રખ્યાત દ્વાદશ જ્યોર્તિલિંગોમાંનું સર્વપ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ આવેલું છે. અને આમ પણ ગુજરાત શૈવમાર્ગી રહ્યું છે. શિવભક્તના અનેકમાર્ગો પણ અહીં પ્રચલિત રહ્યાં છે. એ  સંદર્ભમાં મૂકીને જોઇએ તો પણ ગુજરાતી ભાષામાં કદાચ કૈલાસ-માનસ વિશેના આવા સંપૂર્ણ ગ્રંથ નહીં, સંદર્ભગ્રંથને લાવીને મીડિયા સોસાયટીએ પણ પોતાનો સામાજિક ધર્મ સુપેરે નીભાવ્યો છે.

આ ગ્રંથરાજ એવો નથી કે એકાદ-બે પાના કે એકાદ-બે હપ્તામાં એના વિશે બધું જ ન્યાયપૂર્વક લખી શકાય. એ માટે તો એક આખી શ્રેણી કરવી પડે કાં તો એક આખું પુસ્તક. અરે, કૈલાસ-માનસ યાત્રા વિશે જેટલી શબદયાત્રાઓ થઇ છે એ દરેક ઉપર એક-એક લેખ તો, ઓછામાં ઓછો શક્ય છે જ.

છતાં સમગ્ર પુસ્તકનો અલૌકિક આનંદ અનુભવ્યા પછી એટલું જ કહેવાનું કે, પુસ્તકનો ખરો આનંદ તો જાતે વાંચીએ તો જ મળે. બાકી, પુસ્તક પરિચય તો પરિચય જ છે. એ માત્ર દિશાનિર્દેશ કરી આપે. બોક્સમાં લખ્યાં છે એ તરંગો કે અધ્યાયો કે તાલિકાઓ વિશે હજુ લખવું હોય તો ઘણુંય લખી શકાય એમ છે પરંતુ શિવમહિમ્ન સ્તોત્રમાં કહ્યું છે એમ શિવનો મહિમા અનંત છે, અપાર છે. અને હા, જો કૈલાસ-માનસની યાત્રા કરવા વિશે વિચારતા હો તો તો આ પુસ્તક તમારે ભગવદગીતાની જેમ વાંચી જવા જેવું છે. તો ક્યારે શરૂ કરો છો આ પુસ્તક સાથે કૈલાસ-માનસની શબદ-યાત્રા…

– પરીક્ષિત જોશી

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

12 thoughts on “શબદ દેહે કૈલાસ માનસ યાત્રા – પરીક્ષિત જોશી”

Copy Protected by Chetan's WP-Copyprotect.