ઘર – મોહનલાલ પટેલ

(‘નવચેતન’ સામયિકના જૂન, ૨૦૧૬ના અંકમાંથી સાભાર)

એ ઘરથી હું તંગ આવી ગયો હતો. ઘર મારું હતું, પોતાનું. એમાં હું જન્મ્યો હતો, ઊછર્યો હતો. છતાં મને એમાં સુખ કે ચેન નહોતાં. હું એને ધિક્કારતો હતો. ભવોભવના કોઈ દુશ્મનને ધિક્કારતો હોઉં એમ ! એ ઘર માટેની મારી આ નફરત કદાચ બીજા કોઈને સમજાય એવી પણ નહોતી. ક્યાંથી સમજાય ? મને જે મિત્રો કે પરિચોતો મળવા આવતા એ સૌ તો મારા આ રહેઠાણની વિવિધ રીતે પ્રશંસા જ કરતા. કોઈને સ્થળ રમણીય લાગતું, તો કોઈને એની આસપાસનું વાતાવરણ અદ્‍ભુત શાંતિમય જણાતું. કોઈકે તો અહીંના જીવનને નરી કવિતા જ સમજતા. એ સૌના અભિપ્રાયો કંઈ બેબુનિયાદ પણ નહોતા. આમ તો મારું ઘર વસ્તીના કોલાહલથી દૂર વગડાઉ પ્રદેશમાં હતું. એની આસપાસનો વિસ્તાર વૃક્ષોથી ભરપૂર હતો. ત્યાં વસંતથી માંડીને વર્ષા સુધી કોયલો ટહુકતી હતી.

આ બધું જોઈને મિત્રો કહેતા : “જીવનની આ જ સાચી મજા છે. તમે તો એવું સ્થળ દબાવીને બેઠા છો કે ભલભલાને તમારી ઈર્ષ્યા થાય.”

એ મિત્રોને મારે શી રીતે સમજાવવું કે એ લોકો જેને જીવનની સાચી મજા માણવાનું સ્થળ ગણતા હતા એ તો મારા માટે દોઝખ હતું અને એનાથી તો હું ગળે સુધી આવી ગયો હતો !

આ તે કંઈ ઘર કહેવાય ? બાપદાદા તરફથી વારસામાં મળેલું. કોણે એ બંધાવ્યું હતું એની મને ખબર નહોતી. પણ જેણે એ બંધાવ્યું હશે એણે માળ બાંધવો ન પડે અને છતાં મહેલનો ઠઠારો દેખાય એટલો વિસ્તાર આંતર્યો હતો. ધૂળ-છેપટ ખેરવતા છાપરા નીચે પડાળી, પરસાળ, અનેક ઓરડા અને માળિયાં… બારી-બારણાંનો કોઈ પાર નહીં, અષાઢ ગરજવા માંડે અને વાયરા-વરસાદનું તોફાન શરૂ થાય એટલે એ બારી-બારણાંનાં કમાડ ભટાભટ અથડાયા કરે. એ ખુલ્લાં કબાટોમાં હું મારાં પુસ્તકો અને અન્ય ચીજો ગોઠવતો.

અને છતાં આ ઘરને ‘કવિતા હાઉસ’ કહેવામાં પેલા મિત્રોને એક પ્રકારનો આનંદ થતો. ઘણી વાર તો કવિતા માણવા જ જાણે, એ અહીં આવી પહોંચતા. અને કોઈક વાર તો એમના મહેમાનોને પણ લઈ આવતા.

એક વખત મારો એક મિત્ર એના અમેરિકન મિત્રને ત્યાં લઈ આવ્યો. એણે મને કહ્યું, “વર્ડ્‍ઝવર્થના ઘરની વાત નીકળી એટલે મને તારું ઘર યાદ આવી ગયું, અને મિ. જોન્સને હું તારે ત્યાં લઈ આવ્યો.”

મેં કહ્યું, “વર્ડ્‍ઝવર્થના ઘર જેવી કવિતા અહીં નથી, એના ઘરના રસોડામાં થઈને પાણીનું ઝરણું વહેતું હતું. મારું ઘર તો એક અવાવરું ભોંયરા જેવું છે. તું મિ. જોન્સને અહીં ક્યાં લઈ આવ્યો ?”

પણ જોન્સની નજર તો મારા ઘરમાં એક ભૂલા પડેલા સાપની જેમ થાંભલા, એમના ઉપર કોતરેલી ખજૂરીઓ, ખારેકો, સોપારીઓ… બારી-બારણાં ઉપરની કોતરણી, છત વગેરે ઉપર સરકતી સરકતી ઘૂમવા લાગી હતી. એમના ચહેરા ઉપર પ્રસન્‍નતા ચોખ્ખી દેખાતી હતી. થોડી વાર પછી એ બોલ્યા, “ભાઈ વાહ, આખો આવાસ એક મોહક એન્ટિક જ છે ! ફેન્ટાસ્ટિક, વન્ડરફુલ !!”

“આખું મકાન ફરીફરીને જોવા જેવું છે.” મારા મિત્રે જોન્સને કહ્યું.

મારા મિત્ર તરફ કરડી આંખ કરીને આપણી ભાષામાં મેં એને કહ્યું, “તું તો ઇજ્જત લેવા બેઠો છે, કંઈ !”

મિ. જોન્સે ઉત્સાહપૂર્વક કહ્યું, “ફોટોગ્રાફ્સ લઉં તો વાંધો નથી ને ?”

મારે તો આટલું જ કહેવાનું હોય ને, “ઘણી ખુશીથી !”

મિ. જોન્સે ક્લિક ક્લિક ચાંપ દાબવા લાગ્યા. ક્યાંક ક્યાંક છાજલી કે માળિયા ઉપર બેઠેલાં કબૂતર પણ કેમેરામાં ઝડપાવા લાગ્યાં. મિ. જોન્સ એવા શૉટ્‍સ કદાચ ઇરાદાપૂર્વક પસંદ કરતા હતા. ફિલ્મમાં કવિતા પણ કંડારાતી રહે ને !

એક ઓરડા આગળ મિ. જોન્સ ઊભા રહ્યા. એમની નજર એક દેહલી-દીપક ઉપર મંડાઈ હતી.

“આ શું છે ?” મિ. જોન્સે મારા મિત્રને પૂછ્યું.

“દીવો.” મિત્રે ટૂંકો જવાબ આપી દીધો.

આવો સાદો જવાબ મને રુચ્યો નહીં એટલે મેં કહ્યું, “એ દેહલી-દીપક છે.” ‘દેહલીદીપક’માં મારા મિત્રને પણ ગમ નહોતી. એટલે એણે જ પૂછ્યું, “એ વળી શું ?”

પહેલાં તો મેં એ દીપકને આંગળીનાં ટેરવાંથી થોડો ઘુમાવ્યો. પછી સમજાવ્યું, “દહેલી એટલે ઉંબરો. આ ઉંબરા પરનો દીવો. ઉંબરા ઉપર મૂકેલો દીવો બે ખંડમાં અજવાળું આપે. દીવો ઉંબરા ઉપર મૂકવાનું ફાવે નહીં એટલે એને ચાડાની જગ્યાએ ખીલડા પર ફિક્સ કર્યો છે.”

મિ. મિ. જોન્સે લોભામણી નજરે મારા મિત્ર તરફ જોયું. મિત્ર પોતે લાચાર હોય એમ હસી રહ્યો. હું એમના મનોભાવ કળી ગયો. મેં એ દીપકને ખીલામાંથી કાઢીને મિ. જોન્સ તરફ ધરતાં કહ્યું, “આ તમે લઈ જઈ શકો છો.”

“પણ… પણ…”

“ચિંતા ન કરતા. આ ઘરમાં એવા ત્રણ દીપકો છે. અને હવે તો વીજળીનો ઉપયોગ થાય છે એટલે એની ઉપયોગિતા પણ રહી નથી. આને એક સ્મૃતિચિહ્‍ન તરીકે તમે લઈ જશો તો મને ખૂબ આનંદ થશે.”

મિ. જોન્સ રાજીના રેડ થઈ ગયા. એમણે મારો ખૂબ ખૂબ આભાર માન્યો અને ફરી એક વાર લાગણી પ્રગટ કરી : “અ વન્ડરફુલ હાઉસ ટીમિંગ વિથ સ્પ્લેન્ડિડ એન્ટિક્સ.”

વન્ડરફુલ હાઉસ ! મારે મિ. જોન્સને શું કહેવું ? મારી જીભ ઉપર તો શબ્દો આવી રહ્યા હતા, ‘એ હીડિયસ ડન્જન !’

હુ ગૂંગળાતો હતો. અહીંથી નીકળી જઈને ક્યાંક ફ્લૅટ લઈ લેવાની મારી ગુંજાઈશ નહોતી. તેમ છતાં આ ગોઝારા ઘરથી છુટકારો મેળવી લેવા હું સતત તલસી રહ્યો હતો. બાપદાદાએ વારસામાં આપેલી જાયદાદા માટે આવું બોલનાર માણસ માટે ભારતીય સંસ્કૃતિના ચાહકો કંઈ સારો અભિપ્રાય ન ધરાવે એ હું જાણું છું છતાં આ ઘર માટે મને બીજો શબ્દ જડતો નથી.

એ ઘરના ગોઝારાપણાની પ્રતીતિ હું ઘણી વાર કરી ચૂક્યો છું. એક વાર મારે થોડા દિવસ માટે બહારગામ જવાનું થયું. જતી વખતે મેં ઘરમાં ભરાયેલાં કબૂતરને સોંટી ખખડાવી-ખખડાવીને ઉડાડી મૂક્યાં હતાં. જ્યારે બહારગામથી પાછો ફર્યો ત્યારે મેં જોયું કે એક રૂમમાં ત્રણ-ચાર કબૂતર મરેલાં પડ્યાં હતાં ! મરતાં અગાઉના એમના તરફડાટની સ્થિતિની કલ્પનાથી હું હાલી ઊઠ્યો હતો. એમના દેખાતાં તમે બારણાં વાસો તો પણ ઊડી ન જાય. એ ક્યાં ભરાઈ બેઠું છે એની તમને ખબરેય ન પડે. જતી વખતે મેં તકેદારી તો રાખી જ હતી. છતાંય હોનારત સર્જાઈ ગઈ ! મને તો આમાં કબૂતરની બાઘાઈ કરતાં આ ઘરની રચનાનો જ દોષ દેખાય છે. બહાર જતી વખતે તમે ઘરના ખૂણેખાંચરે ક્યાં ફરતા રહો ? અને માળિયામાંથી કબૂતરને ભગાડવું એ કંઈ સહેલી વાત નથી. વળી, માળિયામાં એણે ઈંડાં મૂક્યાં હોય ત્યારે તો એને ત્યાંથી ખસેડવું એ એક મોટો વિગ્રહ આદરવા બરાબર બની રહે છે. એક વખત એણે માળો રચ્યો અને ઈંડાં મૂક્યાં એટલે બસ ! એનો માળો પચાસ વાર ફેંકી દો તોપણ એ સ્થળ એ કદી છોડવાનું જ નહીં. આજ લીધે અનેક કબૂતરના પ્રાણ આ ઘરે હરી લીધા હતા.

એકલાં કબૂતર જ કેમ ? ચકલાં અને ખિસકોલાંના માળાય આ ઘરમાં થતા રહેતા અને પેલાં કબૂતરની જેમ એમના જીવ પણ ઘણી વાર હરાઈ જતા. એમને બચાવી લેવાનો મારો પુરુષાર્થ હમેશાં ચાલુ રહેતો. પણ એમાં હું ખાસ ફાવ્યો હોઉં એમ જણાયું નથી. ચકલાં પંખાની હડફટમાં આવી જતાં અને ખિસકોલાંનાં બચ્ચાં બિલાડાંનો ભક્ષ્ય બની જતાં. કબૂતર અને ખિસકોલાં પણ ક્યારેક બિલાડાંનો ભક્ષ્ય બની જતાં. ચકલાં પંખાની હડફટમાં આવી ન જાય એટલા માટે ઉનાળામાં શરીરે પરસેવાના રેલા ઊતરતા હોય ત્યારે પણ ઘણી વાર હું પંખો બંધ રાખતો.

એ ઘરમાં મારી સ્થિતિ કફોડી હતી. એ ઘરને હું મારું ઘર માનતો. પણ હકીકતમાં તો પ્રકૃતિના પેલા જીવો જ મારા કરતાંય વધારે અધિકારપૂર્વક એનો ઉપયોગ કરતા. હું એ કોઈને રોકી શકતો નહીં. એ સૌને ઘરમાં પ્રવેશ કરતાં રોકવા માટે મેં ઘણા પ્રયત્નો કર્યા હતા. ફાંફાં માર્યા હતા. પણ હું કદાપિ ફાવી શક્યો નહોતો. ઊલટું, ઘણી વાર તો મારે એમના ભય નીચે જીવવું પડતું. મારા માટે આ ભયનું સૌથી મોટું કારણ હતા સાપ. આસપાસ વગડો હતો એટલે ગમે તે પળે સાપ ઘરમાં ઘૂસી આવે. ઘરમાં ઘૂસી આવેલા કાળા સાપને જોઈને મારો જીવ અધ્ધર થઈ જતો. ઘરમાં ફરી રહેલા સાપને પકડવો કે મારવો તો પડે જ. હું મારી જમીન ઉપર રહેતા મજૂરને બોલાવી લાવતો. એ ડાંગ લઈને આવે અને સાપને પૂરો કરે. મજૂર ઘણી વાર કહેતો, “સાહેબ, આટલામાં ક્યાંક રાફડો હોવો જોઈએ. નહીંતર આટલા બધા સાપ દેખાય નહીં.” કોઈ વાર સાપ આવી ચઢે અને મજૂર હાજર ન હોય તો સાપના ચાલ્યા જવાની રાહ જોવા સિવાય મારા માટે બીજો કોઈ માર્ગ રહેતો નહીં ! મજૂર આવે, સાપનો નિકાલ કરે, પછી જ ગૃહપ્રવેશ થઈ શકતો.

સાપ તો શું, ઉંદર જેવો તુચ્છ જીવ પણ મારે માટે ઘણી વાર ભયનું કારણ બની રહેતો. રાત્રે ગમે ત્યારે ઉંદર બહાર નીકળે અને હાથપગનાં આંગળાં કે કોણીએ અથવા પાની ઉપર દાંત બેસાડી જય. જાગી જાઉં ત્યારે તો લોહી ફૂટી ચૂક્યું હોય. એક વખત ઉંદર કરડી ગયેલો અને પંદરવીસ દિવસ પછી ઝીણો ઝીણો તાવ શરૂ થયો. સાધારણ તાવ એટલે દરકાર કરી નહીં. મહિનો વીતી ગયો પણ સ્થિતિમાં કંઈ ફેર પડ્યો નહીં. તાવ લંબાયો એટલે ડૉક્ટરની દવા શરૂ કરી. ત્રણ ડોક્ટરો બદલ્યા. પણ તાવ હટતો નહોતો. ચોથા ડૉક્ટર પાસે ગયો. ઘરની તપાસ કર્યા પછી ડૉક્ટરે પૂછ્યું, “કંઈ કરડ્યું હતું ?”

હું ડોક્ટર સામે જોઈ રહ્યો. મેં કહ્યું, “ડૉક્ટર, આ તો તાવ…”

“હા, હા, તાવ. પણ કહો તો ખરા, કંઈ કરડ્યું હતું ?”

હું ડૉક્ટરને શી રીતે સમજાવું કે મારા ઘરમાં જે કરડી જાય એમ છે એ કરડે તો અહીં સુધી આવવા માટે પણ હું જીવતો ન રહું ! પણ ડૉક્ટરને એવું બધું કહ્યા વિના મેં વ્યવહારુ વાણીમાં કહ્યું, “તાવ શરૂ થયો એ દિવસોમાં કશું કરડ્યું નથી.”

“એ અગાઉ ?”

“એ અગાઉ શું કરડે ?”

“બધુંય કરડે.”

“તો મરી ગયા હોઈએ ને ?”

“કશુંક તો કરડ્યું હશે જ. વિચાર કરે જુઓ. તાવ શરૂ થયો એ પહેલાં પાંચ, પંદર, પચીસ દિવસ અગાઉ…”

“કશુંક કરડ્યું જ છે એવું બયાન આપવાનું હોય તો એક રાંકડા જીવ ઉપર ધ્યાન બેસે છે, ડૉક્ટર.”

મારી લાપરવાહી ઉપર ડૉક્ટર ખિજાયા હોય એવું લાગ્યું. એટલે મેં ઝટ કહી દીધું : “ઉંદર.”

“હા, પકડાઈ ગયું.” ઉત્સાહમાં આવી જઈને ડૉક્ટર બોલ્યા, “રેટ ફીવર.”

“રેટ ફીવર ?”

“હા, હા, રેટ ફીવર. આટલું ન બોલ્યા હોત તો ઓગળી-ઓગળીને વરસદા’ડામાં તો તમે ગુજરી ગયા હોત. હવે વાંધો નહીં આવે.”

વાંધો ન આવ્યો. હું બચી ગયો અને ઘર ખુલ્લું રહ્યું. અને પેલા જીવો એનો બેફામ ભોગવટો કરતા રહ્યા. સાપ, ઉંદર, છછુંદર, કબૂતર, ખિસકોલી, ચકલાં, વંદા… વંદાને તમાકુ બહુ ભાવતી જણાય છે. એ મારી સિગરેટને કાણાં પાડી જતા. એને સળગાવ્યા પછી હું ગમે તેટલા કસ ખેંચવા પ્રયત્ન કરું તોપણ ધુમાડો મોં સુધી પહોંચતો જ નહીં. કાણાંમાંથી હવા ખેંચાયા કરે, ધુમાડો ખેંચાય નહીં.

પણ બીજી એક વાત અહીં કરી લઉં. મારી પત્ની સાથે મારે આ જીવો બાબતમાં જ સતત ઝઘડો ચાલતો રહેતો. એની એક જ દલીલ હતી, “આવા જીવજંતુથી ભરપૂર એ વગડા વચ્ચેના ઘરમાં રહી શકાય જ નહીં.”

એની એકની એક દલીલનો હું હંમેશાં એકનો એક જવાબ આપતો, “હું આ ઘરમાં જન્મ્યો છું, મોટો થયો છું પણ જ્યારથી સમજણો થયો ત્યારથી હું પણ તારી જેમ આ ઘરને ધિક્કારું છું.”

“તો પછી એને છોડી કેમ દેતા નથી ?”

“મજબૂરી.”

મારી આ સતત મજબૂરીથી પત્ની કંટાળી ગઈ હતી. અમારી વચ્ચે વારંવાર ઝઘડા થતા રહેતા હતા. દિવસે એને સૂનકાર ખાઈ જતો. અને રાત્રે ચોર કે ધાડપાડુની એને બીક લાગતી. વગડામાં કંપની વિનાનું જીવન એને શુષ્ક અને વેરાન લાગતું હતું. આખરે એ મને છોડીને ચાલી ગઈ હતી.

હું એકલવાયો બનીને પેલા અનેક જીવો વચ્ચે રહેતો હતો. એ બધા જ જીવો મારા કટ્ટર દુશ્મન હતા. એ દુશ્મન હોવા છતાં આ ઘરમાં એમનો સંહાર થતો જોઈ મને અપાર સહાનુભૂતિ થતી.

આમ તો એ ઘરને કોણ જાણે ક્યાંય સુધી હું સહન કર્યા કરત. પણ એક દિવસ મારી સહનશીલતાનો અંત આવી ગયો. એ દિવસે હું ‘કરુણા’ ઉપર લેખ લખતો હતો અને મારે ‘મર્ચન્ટ ઓફ વેનિસ’ અને ‘સેઇંગ્ઝ ઓફ બુદ્ધ’ની જરૂર પડી. મારો અંગત પુસ્તકસંગ્રહ ઠીક ઠીક સમૃદ્ધ છે. અગાઉ મેં કહ્યું તેમ મારાં પુસ્તકો પેલાં ખુલ્લાં કબાટોમાં ઠાંસોઠાંસ ભરાયેલાં રહેતાં. અત્યારના રેફરન્સ માટે શેક્સપિયરની સઘળી કૃતિઓવાળું વૉલ્યૂમ મેં એક કબાટમાંથી ખેંચી કાઢ્યું. પણ એને હાથમાં લેતાં જ મારા ક્રોધનો પાર ન રહ્યો. અસલ મોરક્કોના ચામડામાં બંધાયેલા એ પુસ્તકનાં પૂઠાં અને પીઠ અકબંધ હતાં પણ પીઠ પાછળ એક પોલાણ કોતરાઈ ગયું હતું. ઓનિયન સ્કીન કાગળનાં તેરસોય પાનાં તીક્ષ્ણ દાંત વડે કતરાઈને બે પૂઠાં વચ્ચે એક માળાનો મુલાયમ કોશેટો બની રહ્યાં હતાં. અંદર ખિસકોલાંનો એક આવાસ રચાઈ ગયો હતો ! માળો તૈયાર કરતાં અગાઉ ખિસકોલાંએ ઘણાં પુસ્તકો નાણી જોયાં. એ પ્રક્રિયામાં ‘ઝેનોની’, ‘મધર ઇન્ડિયા’, ‘અંકલ ટૉમ્સ કૅબિન’ વગેરે નકામાં બની ગયાં હતાં !

આ પાયમાલીથી રોષ અને હતાશા વચ્ચે મેં એ ઘર ત્યજી દેવાનો નિર્ણય લઈ લીધો. ઘણાં વર્ષોથી આ ઈચ્છા મનમાં તો ઘૂમરાયા જ કરતી હતી. એટલે સાધારણ લાગતી વાત ઉપર આટલો મોટો નિર્ણય લઈ શકાયો. લોભામણી વાતો કરી કરીને એક ગ્રાહક ઊભો કર્યો. સારી એવી રકમ મળી અને એમાંથી એક શ્રીમંત વિસ્તારમાં મેં ફ્લેટ પણ ખરીદી લીધો.

આખરે મેં છુટકારાનો એક દમ લીધો. અને પત્નીને આ વાતની જાણ કરતો પત્ર લખ્યો. અલગ રહેવાનું કારણ હવે નાબૂદ થયું હતું. પોતાનો વિજય થયો જાણી પત્ની પાછી આવી.

ફ્લૅટમાં રહેવા જવા માટેનો દિવસ અને મુહૂર્ત નક્કી થઈ ગયાં. સામાન પેક થયા, ટ્રકમાં ગોઠવાયો અને એ ઘરને છેલ્લા રામરામ કરવાની ઘડી આવી પહોંચી. ઘરનાં બારીબારણાં બંધ કરવા, અથવા કહો કે છેલ્લી વાર એકેએક ખંડમાં ડોકિયું કરી લેવા હું એ ખંડોમાં પ્રેવશવા લાગ્યો. આદત પ્રમાણે કેટલાંક કબૂતર હજુય માળિયાંમાં હતાં. એકાદ-બે સમાધિસ્થ જીવની જેમ બેઠકરૂમની છાજલી ઉપર બેઠાં હતાં. મેં લાકડી ખખડાવીને એ બધાંને ઉડાડી મૂક્યાં. હું વચલા રૂમમાં આવ્યો. છાજલી ઉપરનાં વાસણ ઉઠાવી લેવાયાં હતાં એટલ એક ખિસકોલીનો માળો ખુલ્લો થઈ ગયો હતો. ગુલાબી ત્વચાવાળાં ખિસકોલીનાં બચ્ચાં સળવળી રહ્યાં હતાં. કશુંક ઢાંક્યું હોય તો સારું એવા ખ્યાલથી કંઈક મેળવવા મેં આસપાસ જોયું. ઘર ખાલીખમ હતું. ક્યાંય એક સળી સરખી પણ નજરે પડતી નહોતી. કશોય ઉપાય જાણવા મેં પત્નીને સાદ કર્યો. ખાલી ઘર ગાજતું હતું. મારો અવાજ પડઘાતો હતો. મેં દીવાલે તરફ જોયું. કવિઓ ઘણી વાર મૌન દીવાલોની વાત કરે છે. એ દીવાલો જોતાં મને કંઈક યાદ આવતું હોય એમ લાગ્યું. પત્નીનો કશો પ્રત્યુત્તર નહોતો. મેં ફરી સાદ કર્યો, ‘વિભા !’ ઓરડામાં પડઘાતા મારા અવાજને સાંભળવા મેં સાદ કર્યો, શાથી એ તો મનેય સમજાયું નહીં.

હું બાજુના ખંડમાં ગયો. ત્યાં પાણિયારું હતું. મારી નજર પાણિયારા ઉપર જતાં જ સ્થિર થઈ ગઈ. પાણિયારા પર એક કોડિયામાં ઘીનો દીવો પ્રગટેલો હતો. દીપકની સામે વિભા બે હાથ જોડીને ઊભી હતી. દીપકની સ્થિર જ્યોત તરફ કેટલીક ક્ષણ સુધી હું પણ જોઈ રહ્યો.

કશું સમજ્યો હોઉં કે નહીં, પણ હું બોલ્યો, “વિભા, આ સારું કર્યું તેં.”

સ્નિગ્ધ સ્વરે વિભા બોલી, “તમે ક્યારેય મંદિરે જતા નથી. એ હું જાણું છું. પણ આજે તો આવો, તમે પણ બે હાથ જોડીને બે પળ અહીં ઊભા રહો. ગૃહદેવતાની વિદાય લઈએ.”

હું વિભાની બાજુમાં ઊભો રહી ગયો. મારી નજર પેલા દીપકની હિરણ્યમયી જ્યોત ઉપર સ્થિર થઈ હતી. હું કોઈ અતીતમાંથી ઊતરતો હોઉં એમ મને લાગ્યું. વિભાના શબ્દોએ મને એ સ્થિતિમાં પ્રવેશતાં અટકાવ્યો. એણે કહ્યું, “આપણા વડીલો ખાસ પ્રસંગે અહીં-પાણિયારે દીવો કરતા. એટલે મેં અહીં આ દીવો પ્રગટાવ્યો. ચાલો જઈશું ? રિક્ષા આવી ગઈ છે.”

“હા, ચાલો.” મેં કહ્યું અને હું યંત્રમાનવની જેમ વિભાની પાછળ પાછળ ચાલ્યો. એક પછી એક ખંડ વટાવતાં અમે ચાલ્યાં. પેલી છાજલીમાં બચ્ચાં પાસે રહીને ખિસકોલી તીક્ષ્ણ અવાજ કરી રહી હતી.

અમે ઝડપથી બહાર નીકળી આવ્યાં. મારા હાથમાંથી તાળું લગભગ ખૂંચવી લઈને વિભાએ ઘરના દ્વાર ઉપર લગાવી દીધું. ઝડપથી ચાલીને એ રિક્ષામાં બેસી ગઈ. ઘરના આંગણામાં, ઘર તરફ અભિમુખ થઈને હું જરા થોભી ગયો હતો.

પત્નીનો અવાજ આવ્યો, “ચાલો, પળ વીતી જાય છે.”

“હા, ચાલો.” કહીને મેં પૂંઠ ફેરવી લીધી.

(સંપર્ક : ૫૦૧/૨૧, સત્યાગ્રહ છાવણી, સેટેલાઈટ રોડ, અમદાવાદ-૩૮૦૦૧૫)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “ઘર – મોહનલાલ પટેલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.