સમજણનો સઢ – શૈલેષ સગપરિયા

સમજણનો સઢ(‘સમજણનો સઢ’ પુસ્તકમાંથી. આ પુસ્તકમાં પ્રેરણાસભર ૧૦૧ વાર્તાઓ આપવામાં આવી છે, તેમાંથી કેટલીક પસંદગીની વાર્તાઓ અહીં રજૂ કરવામાં આવી છે. પુસ્તક પ્રાપ્તિની વિગતો અંતે આપવામાં આવી છે.)

(૧) દરેક સમસ્યાનો ઉકેલ હોય જ છે

એક ગરીબ ખેડૂતે નગરના શાહુકાર પાસેથી મોટી રકમ વ્યાજ પર લીધેલી હતી.

એક દિવસ શાહુકારે ખોડૂતને બોલાવીને કહ્યું, “મને મારી રકમની જરૂર છે માટે બધી જ રકમ વ્યાજ સહિત એક અઠવાડિયામાં આપી દેજે નહીંતર તારી જમીન મને લખી આપજે.” ખેડૂત મૂંઝાયો. આટલી રકમની વ્યવસ્થા કરવી શક્ય જ ન હતી. જીવનનો એકમાત્ર આધાર એવી જમીન હાથમાંથી જતી રહેશે એ વિચારમાત્રથી ખેડૂત ધ્રૂજતો હતો.

એક અઠવાડિયું પૂરું થયું અને ખેડૂત રકમ ન આપી શક્યો એટલે શાહુકારે ગામના પંચને ભેગું કર્યું અને બધી વાત કરી. પંચે કહ્યું કે, “ખેડૂત રકમ નથી આપી શક્યો માટે એમણે જમીન શાહુકારને આપી દેવી જોઈએ.” આ વાતચીત ચાલતી હતી ત્યાં પેલા ખેડૂતની યુવાન દીકરી આવી. અત્યંત સ્વરૂપવાન છોકરી જોઈને આ શાહુકારને બીજો વિચાર આવ્યો.

શાહુકારે ગામલોકોને કહ્યું, “હું આ ગામનો જ છું એટલે મને આ ખેડૂતની ચિંતા થાય છે. હું એની જમીન છીનવવા નથી માંગતો. હું એમને એક તક આપવા માગું છું. મારી આ થેલીમાં બે પથ્થર નાખીશ અને પછી એની દીકરી આ બે પથ્થરમાંથી એક ઉપાડશે. જો તે ધોળો પથ્થર ઉપાડે તો એનું તમામ દેવું માફ, પણ જો એ કાળો પથ્થર ઉપાડે તો એણે એમની છોકરી મારી સાથે પરણાવવાની રહેશે.”

ખેડૂતે તો તુરંત જ ના પાડી દીધી પણ દીકરીએ બાપને કંઈક મદદ થઈ શકે એવી આશાએ આ શરત સ્વીકારી. બૂઢા શાહુકારે નીચે પડેલા સફેદ અને કાળા રંગના પથ્થરોમાંથી બે પથ્થર ઉપાડીને પોતાની થેલીમાં નાખ્યા. પેલી છોકરીની તીક્ષ્ણ નજર એ પામી ગઈ કે શાહુકારે બંને કાળા પથ્થર જ થેલીમાં નાખ્યા છે. એક ક્ષણ છોકરીને વિચાર આવ્યો કે બાપના માટે મારું નસીબ સમજીને આ બંને કાળા પથ્થરમાંથી એક ઉપાડી લઉં અને આ શાહુકાર સાથે ચાલી જાઉં. પણ બીજી જ ક્ષણે એને કંઈક જુદો વિચાર આવ્યો અને એના ચહેરા પર રોનક આવી ગઈ.

એણે થેલીમાં હાથ નાખીને એક પથ્થર ઉપાડ્યો અને જેવો હાથ બહાર કાઢ્યો કે હાથમાંથી પથ્થર નીચે પડી ગયો. જમીન પર તો અનેક કાળા અને ધોળા પથ્થર પડેલા હતા. છોકરીના હાથમાંથી નીચે પડેલો પથ્થર કાળો હતો કે ધોળો તે નક્કી કરી શકાય તેમ ન હતું. છોકરીએ કહ્યું, “હવે એક કામ કરો આ થેલીમાં રહેલો બીજો પથ્થર બહાર કાઢો. જો તે ધોળો હોય તો મેં ઉપાડેલો પથ્થર કાળો હતો અને જો એ કાળો હોય તો મેં ઉપાડેલો પથ્થર ધોળો હતો.” થેલીમાંથી તો કાળો પથ્થર જ નીકળ્યો અને શરત પ્રમાણે ખેડૂતનું દેવું માફ થઈ ગયું.

પરિસ્થિતિ ગમે તેવી વિકટ હોવા છતાં હકારાત્મકતા સાથે જો થોડો વિચાર કરવામાં આવે તો સમ્સ્યાઓને સુવિધાઓમાં બદલાવી શકાય છે.

(૨) બીજાના દુઃખે દુઃખી ઓલિયો

મુંબઈમાં ટાટા કૅન્સર હૉસ્પિટલની બહાર ઊભો ઊભો એક ૩૦ વર્ષનો યુવાન કંઈક નિરીક્ષણ કરી રહ્યો હતો. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ આ યુવાનન ચહેરા પર ચિંતાના વાદળો ઘેરાતા ગયા. ત્યાંથી પસાર થતા લોકો આ યુવાનની લાચાર સ્થિતિને જોઈને મનમાં વિચારતા હતા કે બિચારો પોતાના કોઈ સગાંવહાલાંની સારવાર કરાવવા માટે આ હૉસ્પિટલમાં આવ્યો હશે અને હવે પોતાના સ્નેહીને કાયમ માટે ખોઈ દેવાના ભયથી આમ ગાંડાની જેમ ત્યાંથી પસાર થઈ રહેલા માણસોને જોઈ રહ્યો છે.

વાસ્તવિકતા કંઈક જુદી જ હતી. આ યુવાનના કોઈ સગાં-સંબંધીને હૉસ્પિટલમાં દાખલ કરેલા ન હતા. યુવાન તો માત્ર મૃત્યુના દરવજા પર આવતા દર્દીઓ અને અને તેના સંબંધીઓના ચહેરાને વાંચી રહ્યો હતો. નાના નાના ગામડાંમાંથી સાવ સામાન્ય સ્થિતિના અનેક લોકો આ કેન્સર હૉસ્પિટલમાં સારવાર કરાવવા માટે આવતા હતા. ક્યાં જવું ? ક્યાણ રહેવું ? શું ખાવું ? દવા ક્યાંથી લાવવી ? આવા ઢગલાબંધ પ્રશ્નો હતા આ બિચારા ગામડિયા લોકોના. પણ મદદ કરનાર કોઈ ન હતું.

આ બધા લોકોને જોઈ રહેલા પેલા યુવાનને આ સામાન્ય લોકો માટે કંઈક કરવાની ઈચ્છા થઈ.

આંખમાં આંસુ સાથે એ હૉસ્પિટલ છોડીને ઘરે આવ્યો પણ એને નહોતું ખાવું ભાવતું કે નહોતી ઊંઘ આવતી. આ લાચાર અવસ્થામાં કૅન્સરની સારવાર કરાવવા આવતા લોકો માટે હું શું કરી શકું ? આ બધા મારા સગાં ભાઈબહેન ભલે ન હોય પણ એક જ ભગવાનના સંતાન હોવાના નાતે તો મારા ભાઈબહેન જ છે. મારે આ બધા માટે કંઈક કરવું છે.

આ યુવાને પોતાની હોટલ અને બિઝનેસ બીજાના હવાલે કર્યો અને એમાંથી જે કંઈ પણ રકમ મળી તેમાંથી નાના પાયા પર એકલા હાથે ટાટા કૅન્સર હૉસ્પિટલની સામે જ પોતાની સેવાની પરબ ચાલુ કરી. દર્દી અને દર્દીના સગાંને મફત ભોજન અને મફત દવા આપવાની શરૂ કરી. આજથી ૨૭ વર્ષ પહેલા એકલપંડે માત્ર થોડા લોકોને મદદ કરતો આ યુવાન આજે ૫૭ વર્ષની ઉંમરે રોજના ૭૦૦થી વધુ દર્દીઓ અને એના સંબંધીઓને મફત જમવાની તથા મફત દવાની સેવા પૂરી પાડે છે.

એમણે ‘જીવનજ્યોત ટ્રસ્ટ’ની સ્થાપના કરી છે અને આ ટ્રસ્ટ માનવસેવાના ૬૨ જેટલા વિવિધ પ્રોજેક્ટ ચલાવે છે. એમણે દવાની બૅંક શરૂ કરી કે જ્યાં દવાઓ દાનમાં મળે અને એ દવાઓ જરૂરિયાતવાળા લોકોને પહોંચે. આ કામગીરી માટે એમણે ૩ ફાર્માસિસ્ટને પણ રાખેલા છે. એમણે એક રમકડાંની બૅંક પણ સ્થાપી છે જ્યાં લોકો પોતાને ત્યાં વધારાના રમકડાં હોય તો આ બૅંકમાં જમા કરાવે અને આ રમકડાં કૅન્સરથી પીડાતા નાના-નાના બાળકોને આપવામાં આવે કે જેથી આ નાના ભૂલકાંઓ યમરાજાથી ડરવાને બદલે રમકડાંથી રમી શકે.

૨૭ વર્ષથી માનવસેવાનો ભેખ ધારણ કરનાર આ ઓલિયાનું નામ છે હરખચંદ સાવલા. હરખચંદને કોઈ મોટા ઍવોર્ડસ કે સન્માન નથી મળ્યા અને છતાંય આ માણસ ટાઢ, તાપ કે વરસાદને અવગણીને સતત કૅન્સર પીડિતોની સેવા કરી રહ્યો છે.

આપણે નાનું સેવાકાર્ય કરીને પણ ફળની અપેક્ષા રાખીએ છીએ અને આપણી એ સેવાની કોઈ નોંધ ન લે તો દુઃખી થઈ જઈએ છીએ. હરખચંદ સાવલાના સેવાકાર્યની જેટલી લેવાવી જોઈએ એટલી નોંધ નથી લેવાઈ અને તો પણ એ મોજથી સેવા કરે છે. શું આપણે પણ એવું ન કરી શકીએ ?

(૩) સમજણથી પરિવાર જળવાય

એક યુવકના લગ્ન થયા. ઘરમાં નવવધૂ આવી અને ઘર આનંદ ઉલ્લાસથી ગૂંજવા લાગ્યું. નવી આવેલી વહુ બધાની ખૂબ સારસંભાળ રાખતી હતી. ઘરના બધા સભ્યો ઘરના આ નવા સભ્યના આગમનથી આનંદમાં હતા પણ એકમાત્ર યુવાનની માતા થોડી ઉદાસ રહેતી હતી.

યુવકના પિતાને થોડાક જ દિવસમાં ખબર પડી ગઈ કે વહુ આવ્યા પછી એમની પત્ની થોડી ઉદાસ થઈ ગઈ છે. પત્નીની આ ઉદાસીનું કારણ જાણવા માટે એકવાર ઘરમાં કોઈ નહોતું ત્યારે એ ભાઈએ પોતાની પત્નીને પૂછ્યું, “હું જોઈ રહ્યો છું કે વહુના આવ્યા પછી તું થોડી ઉદાસ થઈ ગઈ છે. આ માટે કોઈ ખાસ કારણ ?”

પત્નીએ કહ્યું, “તમે કોઈ નોંધ લીધી. લગ્ન પછી આપણો દીકરો સાવ બદલાઈ ગયો છે. પહેલા એ મારી સાથે બેસીને વાતો કરતો પણ હવે એને મારા માટે ટાઇમ જ નથી. ક્યારેક ક્યારેક જ વાતો થાય છે. જો એકાદ દિવસની રજા પડે તો વહુને લઈને એના સસરાને ત્યાં જતો રહે છે. મારા કરતા તો એની સાસુ સાથે હવે વધારે વાતો કરે છે મને એવું લાગે છે કે આપણો દીકરો હવે અડધો એના સસરાનો થઈ ગયો છે. બસ આ બધા વિચારોથી હું સતત બેચેન રહું છું.”

પેલા ભાઈએ પોતાની પત્નીનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું, “તારી વાત બિલકુલ સાચી છે. હવે આપણો દીકરો પૂરેપૂરો આપણો નથી રહ્યો. પણ મારે તને એક વાત પૂછવી છે. તને એવું લાગે છે કે આપણી વહુએ આ ઘરમાં આવીને ઘરનું વાતવરણ બગાડી નાખ્યું છે ?” છોકરાની મમ્મી બોલી, “ના બિલકુલ નહીં, એ તો સ્વભાવની બહુ સારી છે મારું ને તમારું બહુ સારું ધ્યાન રાખે છે.”

છોકરાના પપ્પાએ હસતાં હસતાં કહ્યું, “ગાંડી કોઈ બીજાની દીકરી પૂરેપૂરી આપણી થઈ જતી હોય તો પછી આપણો દીકરો અડધો એનો કે એના માતા-પિતાનો થાય એમાં આમ ઉદાસ થોડું થવાનું હોય ?”

એક સ્ત્રી પોતાનું સર્વસ્વ છોડીને આપણી થવા માટે આપણા આંગણે આવે છે ત્યારે જો આપણે પૂરેપૂરા નહીં, માત્ર અડધા પણ એના અને એના પરિવારના બનીએ તો પારિવારિક પશ્નો ઊભા નહીં થાય.

(૪) આપણને શું જોઈએ છે ?

એક બાળક પોતાના પિતા સાથે મેળામાં ગયો હતો. મેળામાં જે કંઈ પણ જુએ એટલે બાળક તરત જ પોતાના પિતા પાસે એની માગણી કરે. મેળાના મેદાનમાં દાખલ થતાં જ એમણે ફુગ્ગાવાળાને જોયો એટલે બાળકે ચાલુ કર્યું, “પપ્પા, મને ફુગ્ગો જોઈએ.” પિતાએ બાળકને ફુગ્ગો અપાવ્યો.

થોડા આગળ વધ્યા ત્યાં આઇસ્ક્રીમ જોયો એટલે બાળકે તુરંત જ માગણી કરી, “પપ્પા, મને આઇસ્ક્રીમ જોઈએ છે.” પિતાએ આઇસ્ક્રીમ લઈ આપ્યો. આગળ વધતા એક રમકડાંનો સ્ટૉલ આવ્યો એટલે ફરી માગણી મૂકી, “પપ્પા, મને પેલું રમકડું જોઈએ છે.” એક રમકડું લઈ આપ્યું એટલે બીજુ અને બીજુ લઈ આપ્યું એટલે ત્રીજા માગણી રજૂ થઈ.

પિતા હવે કંટાળ્યા એમણે થોદા ઊંચા અવાજે બાળકને કહ્યું, “તારે હવે કેટલુંક જોઈ છે ? તારા માટે આટલું તો બસ છે અને હું તારી સાથે જ છું ને. જ્યારે જરૂર પડે ત્યારે કહેજે મને.” બાળકે કહ્યું, “પપ્પા, મને તમારી નહીં વધુ રમકડાંની જરૂર છે.” હજુ પપ્પા કંઈ જવાબ આપે એ પહેલા એક જોરદાર ધક્કો આવ્યો અને બાળક પોતાના પિતાથી વિખૂટો પડી ગયો. બાળક મોટેમોટેથી રડવા લાગ્યો.

કોઈ સજ્જન આ બાળકની નજીક આવ્યા. સજ્જનને સમજાઈ ગયું કે આ બાળક પોતાના વાલીથી વિખૂટું પડી ગયું છે. વાલીની ભાળ મળે ત્યાં સુધી બાળકને સાચવા માટે એમણે રડી રહેલા બાળકને કહ્યું, “બેટા, તારા પપ્પા હમણાં આવી જશે. ચાલ, હું તને આઇસ્ક્રીમ લઈ આપું.” બાળકે રડતાં રડતાં જ કહ્યું, “આઇસ્ક્રીમ નહીં મને પપ્પા જોઈએ છે.” પેલા સજ્જને બાળકને રમકડાં લઈ આપવાની વાત કરી તો પણ બાળકનો એ જ જવાબ હતો, “મને રમકડાં નથી જોઈતા પપ્પા જોઈએ છે. મને મારા પપ્પા આપો. તમારે જોઈતા હોય તો મારા આ રમકડાં લઈ જાવ પણ મને પપ્પા આપો.”

આપણી દશા આ નાના બાળક જેવી જ છે. આપણી સાથે આપણો પરિવાર અને મિત્રો હોય ત્યારે આપણને એમની જરૂર નથી જણાતી અને આપણે સતત પૈસા અને સંપત્તિની જ માગણી કર્યા કરીએ છીએ. એ મેળવવા માટે દોડ્યા કરીએ છીએ. પરિવાર કે મિત્રોનો સાથ જ્યારે છૂટી જાય ત્યારે સમજાય છે કે મને પૈસાની નહીં પણ પરિવાર અને મિત્રોની વધુ જરૂર છે.

(૫) તમે હીરો છો કે પથ્થર ?

એક વખત ખોદકામ કરતી વખતે એક વિશિષ્ટ પ્રકારનો પથ્થર મળ્યો. આ પથ્થર ચળકતો હતો આથી એ રાજાને ભેટ તરીકે આપવામાં આવ્યો. આ ચળકતો પથ્થર હીરો છે કે પથ્થર છે તે નક્કી કરવાનું ખૂબ જ મુશ્કેલ હતું. રાજાએ આ માટે સમગ્ર દુનિયામાંથી આ બાબતના નિષ્ણાતોને બોલાવ્યા. એક પછી એક નિષ્ણાત વ્યક્તિએ આવીને એ પથ્થરને તપાસ્યો પણ કોઈ નક્કી ના કરી શક્યું કે આ પથ્થર છે કે હીરો છે.

છેવટે એક અંધ વ્યક્તિ આવી અને એણે પેલા પથ્થરને હાથમાં ઉપાડ્યો. બધા નિષ્ણાતો હસવા લાગ્યા કે આ આંધળો કેવી રીતે નક્કી કરી શકશે. જેને ભગવાને બે આંખો આપી છે એવા લોકો પણ આ પથ્થરને નથી ઓળખી શક્યા તો આ માણસ શું ઓળખવાનો હતો ? પેલી અંધ વ્યક્તિએ રાજાને વિનંતી કરતા કહ્યું, “રાજા સાહેબ, આ પથ્થરનું પરીક્ષણ કરવા માટે મારે એને ખુલ્લા મેદાનમાં લઈ જવો પડશે.” રાજાએ આ માટે મંજૂરી આપી.

અંધ માણસે પેલા વિશિષ્ટ પથ્થરને ધોમધખતા તાપમાં ખુલ્લો રાખીને મૂકાવ્યો. બધા લોકો આ માણસ શું કરી રહ્યો છે તે જોઈ રહ્યા હતા. એકાદ કલાક પછી એ અંધ માણસ ખુલ્લા રાખેલા પથ્થર પાસે ગયો. પથ્થર હાથમાં લઈને ફેરવ્યો અને તુરંત કહ્યું, “આ પથ્થર નથી પણ હીરો છે.” બધાએ એક સાથે આશ્ચર્યથી પૂછ્યું, “તમે આ આંખોથી જોઈ પણ નથી શકતા તો પછી તમે કેવી રીતે નક્કી કર્યું કે આ હીરો જ છે ?”

એમણે સ્પષ્ટતા કરતા કહ્યું, “અત્યારે ઉનાળાનો ભરબપોર છે અને સાવ ખુલ્લામાં આ પદાર્થ રાખેલો છે. આટલો બધો તાપ એના પર પડવા છતાં એ ગરમ નથી થયો. એમ જ ઠંડો છે જે બતાવે છે કે એ પથ્થર નથી પણ હીરો છે કારણ કે હીરો ગરમીથી ગરમ ન થાય અને ઠંડીથી ઠંડો ન થાય. બહારના વાતાવરણની કોઈ અસર તેના પર ન થાય.”

જીવનમાં સમ્સ્યાઓ અને સંઘર્ષોનો સૂર્ય બરોબરનો તપતો હોય અને આમ છતાં તેના આકરા તાપની જેના પર અસર ના થાય અને જે ઠંડો રહી શકે એ જ સાચો હીરો છે જે અમૂલ્ય છે. અને જે તપી જાય એ પથ્થર છે જેનું કોઈ મૂલ્ય નથી.

[પૃષ્ઠ સંખ્યા : ૨૧૬, કિંમત રૂ. ૨૦૦/-, પ્રાપ્તિસ્થાન : વન્ડરલૅન્ડ પબ્લિકેશન, ૪૦૧/બી, સર્વોત્તમ કૉમ્પલેક્સ, પંચનાથ મેઈન રોડ, રાજકોટ-૩૬૦૦૦૧ ફોન : (૦૨૮૧) ૩૦૫૩૫૭૭]

લેખકનો સંપર્ક :
શૈલેષ સગપરિયા
‘અનિર્દેશ’,
એ-૩૬, આલાપ રોયલ પામ,
મવડી ગામ પાસે, રાજકોટ – ૩૬૦ ૦૦૪
Email : shaileshsagpariya@yahoo.com


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ઘર – મોહનલાલ પટેલ
રીડગુજરાતી : બારમા વર્ષમાં મંગલ પ્રવેશ Next »   

10 પ્રતિભાવો : સમજણનો સઢ – શૈલેષ સગપરિયા

 1. Hitesh Patel says:

  5th Story Nice

 2. leena patel says:

  સરસ વાર્તા છે. નાના બાળકોને પણ વાંચવા ન મન થાય.

 3. Nirav Shah says:

  Beautiful, Superb, Nice Stories. Love To Read.

 4. Sejal Savaliya says:

  Very Nice Stories

 5. PRAFUL GOHEL says:

  શૈલેષભાઈ ઘણા સમય થી આપને વાંચું છું. આપની આજ ની વાર્તા પણ નિયમિત સાંભળું છું .શાળા મા મારા વિધાર્થીઓ ને દરરોજ સંભળાવું છું. આપની પાસે નવા વિચારો પ્રાપ્ત થતા જ રહે છે. આપ હમેશા આવી પ્રેરણા આપતા રહો એવી પ્રાર્થના …આભાર

 6. Subodhbhai says:

  સુંદર અને સરળ વાર્તા . દરેક વ્યક્તિને કુદરતે અર્પેલી બક્ષિસ નો યોગ્ય ઉપયોગ કેટલો જરૂરી બની રહે છે , તેની સુંદર રજૂઆત

 7. Vijay Panchal says:

  જીવનમાં સમ્સ્યાઓ અને સંઘર્ષોનો સૂર્ય બરોબરનો તપતો હોય અને આમ છતાં તેના આકરા તાપની જેના પર અસર ના થાય અને જે ઠંડો રહી શકે એ જ સાચો હીરો છે જે અમૂલ્ય છે. અને જે તપી જાય એ પથ્થર છે જેનું કોઈ મૂલ્ય નથી.

 8. સરસ મજાનો લેખ છે

  જય શ્રી ગોપાલ. ઠાકરધણી

 9. Kalidas V. Patel {Vagosana} says:

  શૈલેષભાઈ,
  આપની ” આજની વાર્તા ” ઘણીબધી સાંભળેલી. આ બધા જ લેખો જીવનવન આનંદમય અને સુખરુપ વિતાવવા માટેનું માર્ગદર્શન આપતા સચોટ અને સુંદર લેખો છે.
  આવું જીવનોપયોગી સાહિત્ય પીરસવા બદલ આભાર.
  કાલિદાસ વ.પટેલ {વાગોસણા}

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.