- ReadGujarati.com - http://www.readgujarati.com -

રીડગુજરાતી : બારમા વર્ષમાં મંગલ પ્રવેશ

સ્નેહીઓ, મિત્રો, વાચકો,

રીડગુજરાતી આજે બારમા વર્ષમાઁ પ્રવેશી રહી છે. મૃગેશભાઈએ તેમના જન્મદિને, ૯મી જુલાઈ, ૨૦૦૫ના દિવસે આ વેબસાઈટ શરૂ કરી ત્યારથી લઈને આજ સુધી કેટલાય ગુજરાતીઓ તેને માણી રહ્યા છે, વાચકોનો અવિરત પ્રેમ અને તેમની સાહિત્યના મનનીય, ચિંતનપ્રેરક અને સત્વશીલ વાચનની અપેક્ષાનો પડઘો રીડગુજરાતી સદાય પાડતું જ રહ્યું છે અને એમ જ થતું રહેશે. રીડગુજરાતીનું સુકાન સંભાળ્યે આજે મને બે વર્ષથી વધુ થયા છે, ત્યારે સમજી શક્યો છું કે આ પ્રકારની ગુણવત્તાસભર વેબસાઈટ નિયમિત રીતે અને એ પણ એકલા હાથે ચલાવવી એ કેટલુ કપરું કામ છે! મૃગેશભાઈ આ કામ નવ વર્ષ સુધી ક્યારેય પણ અટક્યા કે અડચણોથી મૂંઝાયા વગર સતત લગન અને મહેનતથી, સાવ નિર્લેપ રીતે કરી શક્યા હતા, અને એ માટે તેઓએ પોતાની અંગત અપેક્ષાઓ અને જરૂરતોને કોરાણે મૂકી દીધેલી એ વાતનું સ્મરણ થાય કે મન એમના માટે અહોભાવથી છલકાઈ જાય.

સાહિત્યની આવી સેવા આપણે ત્યાં સામાન્ય નથી, પોતાના અંગત જીવનની જરૂરતોને વિસારે પાડીને ભાષાની સેવાનો આવો કપરો યજ્ઞ કરનારા મૃગેશભાઈ અને તેમનું સર્જન, અવિસ્મરણીય આ વેબપોર્ટલ રીડગુજરાતી એક અનોખી અને સમયથી આગળ જોતી નજરનો ઓનલાઈન પુરાવો છે. ગુજરાતી સાહિત્યની એક અદની વેબસાઈટ આટઆટલા વર્ષોથી સતત આમ જ ધબકતી રહે, રોજે દસેક હજાર વાચકો જેનો લાભ લેતા હોય એવી સતત વ્યસ્ત આ વેબસાઈટ એ વાતનો પૂરાવો છે કે સાહિત્યની સેવામાં કરેલું આવું કાર્ય નશ્વર શરીર પછી પણ હજારો લોકોની વચ્ચે રોજ તેમને સદેહે હોવાનો અહેસાસ કરાવતી રહે છે. રીડગુજરાતીની આ જ વિશેષતા છે, અને એટલે જ તેની સાથે સંકળાઈ શક્યાનો આ આનંદ અનોખો અને હ્રદયંગમ છે.

ક્યારેક નોકરીની કે અન્ય અંગત વ્યસ્તતાઓ વચ્ચે લેખ મૂકી શકાતો નથી, પણ વાચકમિત્રોનો સ્નેહ અને પ્રતિભાવ સહેજે ઓછા થતાં નથી. રોજ સવારે એક નવા લેખ સાથે પ્રસ્તુત થવાની રીડગુજરાતીની પરંપરા અત્યારે જાળવી શકાઈ છે એ માટે મારા કરતા વધારે મૃગેશભાઈના પિતા ધનંજયભાઈ જેઓ લેખ પસંદ કરવા આજે પણ અનેક પુસ્તકો અને સામયિકો ખૂંદી વળે છે, ટાઈપ માટે મદદ કરનાર સોનિયાબેન જેઓ તેમનું નામ અહીં વાંચીને મને એ હટાવવા કહેવાના છે અને એ હજારો વાચકો જેમના પ્રતિભાવો, ઈ-મેલ, વોટ્સએપ સંદેશાઓ અને ભાષા પ્રત્યેનો તેમનો અનરાધાર પ્રેમ આ વેબસાઈટને ચલાવવાનું મુખ્ય ઈંધણ છે, એ સર્વેને હ્રદયપૂર્વક વંદન. સાહિત્યની આ સરવાણી વહેતી હોય ત્યારે તેને ફક્ત માર્ગ આપવાનું મને મળેલું કાર્ય પણ કેટલુ આત્મસંતોષ આપે છે.. એ જવાબદારીનું હું વહન કરી શકું છું તેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પણ મદદ કરવા બદલ સર્વેનો આભાર.

રીડગુજરાતી સાથે જોડાયેલા સર્વે વાચકો, દાતાઓ, લેખકો, પ્રકાશકો, મદદકર્તાઓ, સંસ્થાઓ અને વડીલ સાહિત્યકારોનો ખૂબ ખૂબ આભાર, આપણા સર્વેનો આ સહિયારો પ્રયાસ એના મૂળ હેતુને સદા સર્વદા વળગી રહે એવી જ ઈશ્વરને પ્રાર્થના..

હેપ્પી બર્થડે મૃગેશભાઈ.. હેપ્પી બર્થડે રીડગુજરાતી..

– જીજ્ઞેશ અધ્યારૂ, સંપાદક, રીડગુજરાતી.કોમ