કોરિયામાં લડાઈ ચાલતી હતી ત્યારે એક અમેરિકન જનરલ દક્ષિણ કોરિયાના દળો આગળ ભાષણ કરવા આવ્યો હતો. એ અમેરિકન ઇંગ્લીશમાં બોલતો હતો અને એનો કોરિયન દુભાષિયો એનું ભાષાંતર કરતો. બનતું એવું કે જનરલ જે લાંબી લાંબી જોક્સ કહેતો એનું આઠ-દસ શબ્દોમાં જ પેલો ભાષાંતર કરી નાખતો અને સામે બેઠેલા કોરિયન સૈનિકો ખડખડાટ હાસ્ય કરતા.
પ્રવચન પૂરું થતાં જનરલે દુભાષિયાને પૂછ્યું કે, ‘ભાઈ, તમારી ભાષા એવી તે કેવી લાઘવવાળી છે કે મારી ત્રણ ચાર મિનિટની જોકનું તું આઠ-દસ શબ્દોમાં જ ભાષાંતર કરી નાખે છે ?’
દુભાષિયો કહે, ‘સાહેબ ! આ તો મિલિટરી કહેવાય. અહીં ભાષાંતર કરે છે જ કોણ ? હું તો દરેક વખતે એમને એમ કહેતો કે ગધેડાઓ, જનરલ સાહેબે જોક કીધી છે. ચાલો, હસો જોઉં !’
* * *
‘પ્રિયે ! હું જ્યારે ઘરડો અને અશક્ત થઈ ગયો હોઈશ ત્યારે પણ મને પ્રેમ કરીશ ?’
‘હા, કરું જ છુંને !’
* * *
ન્યાયાધીશ : (ગુનેગારને) મને લાગે છે કે મેં તમને ક્યાંક જોયા છે… ને વારેવારે જોયા છે… પણ ક્યાં ?
ગુનેગાર : સાહેબ હું તો કોઠા પર તબલાં વગાડું છું.
કોર્ટમાં ટાંકણી પડે તોય સંભળાય એવી શાંતિ…
* * *
એક અંધારી રાત હતી.
એક ચોર ઘરમાં સફળતાપૂર્વક ચોરી કરીને અને માલ બગલમાં દબાવીને ઝડપથી રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યો હતો.
એક પોલીસવાળાની એના ઉપર નજર પડી. એટલે પોલીસવાળાએ એને અવાજ આપ્યો- ‘અલ્યા કોણ છે ?’
‘ચોર છું, સાહેબ.’ એટલું કહી એ ચોર લાંબા ડગ ભરતો પસાર થઈ ગયો અને પોલીસ એ જવાબ સાંભળીને બબડ્યો- ‘માળો, અજબ મશ્કરો આદમી છે. પોલીસની મશ્કરી કરતા પણ લાજતો નથી !’
* * *
એક બેન બસમાં સંતરાં ખાઈ રહ્યાં હતાં. સંતરાં ખાઈને છાલ સીટની નીચે ફેંકી રહ્યાં હતાં.
આ જોઈ કંડક્ટરે કહ્યું : બેન, સંતરાની છાલ બસમાં ના ફેંકો, બહાર ફેંકો.
બેન : બસની અંદર ફેંકવાની તું ના પાડે છે અને બહાર ફેંકવાની સરકાર ના પાડે છે. હવે મને એમ કહી દો, અમારે સંતરાં ખાવાં કે નહિ.
* * *
દર્દી : સાહેબ, આખો દિવસ સુસ્તી જેવું લાગ્યા કરે છે, ઊંઘ જ આવ્યા કરે છે.
દાક્તર : લ્યો આ સ્માર્ટફોન, ૩જી કનેક્શન લઈ, વોટ્સએપ નખાવી લેજો બધું બરાબર થઈ જશે.
* * *
નંબરવાળા ચશ્મા ઉતારવાનો ઘરેલુ ઉપાય, ૧૦૦% સક્સેસની ગેરંટી સાથે. વર્ષોથી આ પ્રયોગ કરીને ઘણા લોકોએ નંબરવાળા ચશ્મા ઉતાર્યા છે.
સૌથી પહેલાં ડાબા હાથેથી ચશ્માની ડાબી દાંડી પકડો અને જમણા હાથથી જમણી દાંડી !…
હવે ધીમેથી ચશ્મા આગળ તરફ ખેંચો, ચશ્મા ઉતરી જશે.
હવે થેન્ક્યૂ ના કહેતા હોં…
* * *
પતિ : જ્યારે તારી પાસે મોબાઇલ છે તો તે મને લેટર કેમ મોકલ્યો ?
પત્ની : અરે એમ જ.
પતિ : અરે બોલ તો ખરી.
પત્ની : જી, મેં તો તમને પહેલાં ફોન જ કર્યો હતો પરંતુ ફોન પર કોઈ બોલ્યું ‘પ્લીઝ, ટ્રાઈ લેટર’ એટલે પછી મેં લેટર લખ્યો.
* * *
સંતા એન્જિનિયર હતો. તેના ઘરમાં ઘણા બધા મચ્છર થઈ ગયા. પરેશાન થઈ તેણે મચ્છરદાની લગાવવાનું શરૂ કર્યું. પરંતુ મચ્છરદાનીમાં કાણું થઈ ગયું.
આ કાણામાંથી મચ્છર અંદર ઘૂસી જતા અને કરડતા હતા જેથી તેની તકલીફ હળવી ન થઈ. તેને સિલાઈ તો આવડતી ન હતી કે મચ્છરદાનીના કાણાને સીવી લે.
આખરે તેણે મગજ દોડાવ્યું અને મચ્છરદાનીમાં સામેની સાઇડ બીજું કાણું પાડી દીધું. બન્ને કાણાં વચ્ચે એક પાઇપ લગાવી દીધો. હવે મચ્છરો એક કાણામાં ઘૂસે છે. પરંતુ પાઇપ વાટે સીધા બીજા કાણામાંથી નીકળી જાય છે. બોલો એન્જિનિયર્સના દિમાગની જય…
* * *
‘ગાય, ભેંસ, હાથી પાસેથી શું શીખવા મળે ?”
‘એક જ વાત કે લીલું ઘાસ કે સલાડ ખાવ ને ચાલ્યા કરો તોય વજન ન ઊતરે તે ન જ ઊતરે…’
* * *
વસતી ગણતરી અધિકારી : તમારી ઉંમર ?
સ્ત્રી : હું જ્યારે પરણી ત્યારે ૨૦ વર્ષની હતી અને મારા પતિ ૨૮ વર્ષના. અત્યારે તેઓ ૫૬ વર્ષના થયા. તો મારાં ૪૦ વર્ષ થયાં ગણાય ને !
* * *
ફોનનું બિલ ખૂબ જ વધારે આવ્યું. ઘરના સભ્યોની મિટિંગ બોલાવી.
ડેડ : મારા માનવામાં નથી આવતું, હું ઘરનો ફોન વાપરતો જ નથી.
મોમ : હું પણ, મારી કંપનીનો ફોન જ વાપરું છું.
છોકરો : હું મારી કંપનીનો મોબાઇલ વાપરું છું, ઘરનો ફોન અડકતો પણ નથી.
બધા ઝટકો ખાઈને કામવાળી તરફ જોવા લાગ્યા જે શાંતિથી બધું સાંભળી રહી હતી.
કામવાળી : આપણે બધા પોતાની નોકરીની જગ્યાનો ફોન વાપરીએ છીએ તો હું પણ જ્યાં નોકરીએ જવું છું – એટલે કે અહીંનો ફોન વાપરું છું. એમાં શું મોટી વાત છે.
* * *
‘જમાઈરાજ તમારી કાચી ઉંમરેય તમને લોકોમાં માન-સન્માન સારાં મળે છે !’
જમાઈ : ‘શહીદોનું હંમેશાં બધે સન્માન જ થાય છે !’
* * *
ગોલુએ મિત્ર ચિંટુને કહ્યું : ‘કૉલેજ જાય છે તો મારું રિઝલ્ટ જોઈને આવજે અને જણાવજે.
ઘરે મારાં મમ્મી-પપ્પા સાથે જ હશે એટલે એક વિષયમાં ફેઇલ હોઉં તો જયશ્રી રામ અને બે વિષયમાં ફેઇલ હોઉં તો જયશ્રી કૃષ્ણ, જયશ્રી કૃષ્ણ કહેજે.
ત્રણ વિષયમાં ફેઇલ હોઉં તો બ્રહ્મા, વિષ્ણુ, મહેશની જય કહેજે.’
ચિટુ કૉલેજથી રિઝલ્ટ જોઈને ઘરે આવ્યો અને બોલ્યો : બોલો સાંચે દરબાર કી જય.
* * *
આજકાલ માતાપિતાને બે જ ચિંતા સતાવે છે.
એક : ઇન્ટરનેટ પર દીકરો શું ડાઉનલોડ કરે છે ? અને
બીજી ચિંતા : કે દીકરી શું અપલોડ કરે છે ?
* * *
દિલ્હીમાં કાર્યકર્તાઓએ બેન્ડવાજાંવાળાઓની ધોલાઈ કરી નાખી.
કેમ ?
વડાપ્રધાન ઊતર્યા વિમાનમાંથી ને બેન્ડવાજાંવાળાઓએ વગાડ્યું ‘તુમ તો ઠહેરે પરદેશી સાથ ક્યા નિભાઓગે’ પછી માર જ ખાય ને?
* * *
એક દિવસ ભાવાવેશમાં આવીને મનીષે પોતાની પ્રિયતમાને કહ્યું : ‘પ્રિયા, એ સાચું છે કે હું નીરવ જેટલો પૈસાદાર નથી, એના જેટલો રૂપાળો કે તંદુરસ્ત નથી. હું કબૂલ કરું છું કે મારી પાસે એના મહેલ જેવા બંગલાઓ પણ નથી. ભલે, નોકર-ચાકર પણ નથી તોપણ ઓ પ્રિયા, તને હું ખૂબ ખૂબ ખૂબ જ ચાહું છું.’
પ્રિયા : મનીષ હું તને પણ ખૂબ જ ચાહું છું, પણ… મને પ્લીઝ નીરવ વિષે વધુ માહિતી આપને ! એનું ઠામ-ઠેકાણું, મોબાઇલ નંબર…
* * *
સ્ત્રી : એક જાહેર કાર્યક્રમમાં નેતાએ પોતાના ભાષણમાં સ્ત્રીઓને ‘અબલા’ કહીને તેનું અપમાન કર્યું છે !
પુરુષ : તો શું તમને ‘બલા’ કહીને બોલાવે ?
* * *
રમેશે બૂમ પાડી : પપ્પા હું પાર્ટીમાં જાઉં છું, મોડો આવીશ.
પપ્પા : મને ન પૂછ, તારી મમ્મીને પૂછ.
મમ્મી : ના ના, તારા પપ્પાને પૂછ.
રમેશ : સાલું આ તે ઘર છે કે કોઈ ભારતીય બેન્કની બ્રાંચ છે ?
* * *
પોલીસખાતાએ છાપામાં જાહેર-ખબર આપી છે…
“ડ્રાઇવિંગ કરતી વખતે સૌંદર્ય-દર્શન ન કરો… નહિ તો દેવદર્શન થઈ જશે.”
* * *
આ પ્રેમલગ્ન અને ગોઠવાયેલાં લગ્ન વચ્ચે સાદો ફરક સમજાવશો ?
હા, સાવ સાદો ફરક : ગોઠવાયેલાં લગન એટલે તમે ચાલતા જઈ રહ્યા હો અને અજાણતાં તમારો પગ સાપ પર પડી જાય અને એ તમને ડંખ મારે.
પણ પ્રેમલગ્ન એટલે સાપની પાસે જઈને કહેવાનું ચાલ આવી જા, કબડ્ડી કબડ્ડી કબડ્ડી…
* * *
ચુનીલાલે આવીને ડૉક્ટર મહેતાનું પૂછ્યું, ‘ડૉક્ટર ચોખ્ખે ચોખ્ખું કહેજો, મને શું થયું છે ?’
ડૉક્ટરે મહેતાએ હોઠ ભીંસીને કહ્યું : ‘તમે વધારે પડતું ખાઓ છો, વધારે પડતું પીઓ છો અને વધારે પડતા એદી છો.’
‘ઓહ… અચ્છા !’ ચુનીલાલ બબડ્યો.
‘હવે આ બધું તમારી તબીબી ભાષામાં લખી આપો, એટલે મને એકાદ અઠવાડિયાની રજા મળી જાય.’
* * *
છોકરાવાળા : રસોઈમાં શું શું આવડે છે તમારી દીકરીને ?
છોકરીવાળા : મેગી બંધ થયા પછી શું વખાણ કરું ? પણ હા, સેલ્ફી વખતે ચહેરા સરસ બનાવે છે.
* * *
જિંદગીમાં કદી એક છોકરી સાથે પ્રેમ ભલે ન થયો હોય
પણ માળું જગજિત સિંહની ગઝલો સાંભળવા બેસું છું ત્યારે લાગે છે જાણે ૧૦-૧૨ છોડીને જતી ન રહી હોય !
* * *
એક વાણંદની દુકાન ઉપરનું લખાણ :
‘અમારો વ્યવસાય તમારા મસ્તકને આભારી છે.’
* * *
(નવચેતન, નવનીત સમર્પણ, પુસ્તકાલય સામયિકોમાંથી સાભાર)
6 thoughts on “જરા હસો તો… (રમૂજી ટુચકાઓ)”
સ ર સ જૉક
ખુબ જ સુન્દર જોક્સ !!!!! નવા જોક્સ !!! મજા પડી !!!
ખુબજ સરસ જોક્સ
VERY NICE JOCK
મસ્ત ટૂચકા
ખુબજ મૌલિક અને અપાર આનંદ આપે તેવી વાતો છે.