- ReadGujarati.com - http://www.readgujarati.com -

પાસ – કીર્તિ હ. પરીખ

(‘જનકલ્યાણ’ સામયિકના મે, ૨૦૧૬ના અંકમાંથી સાભાર)

રમણભાઈ શાહની સંસ્થાએ એક કાર્યક્રમ ગોઠવ્યો હતો – ‘મા-બાપની સેવા એ જ પ્રભુસેવા.’ નામ પરથી જ હેતુ સમજી શકાય તેવો કાર્યક્રમ હતો. આજકાલના જમાનામાં વ્રુદ્ધ મા-બાપની છોકરાંઓ કાળજી રાખતાં નથી તેમાં થોડો સુધાર આવે તેઓ આ પ્રયત્ન હતો. આ કાર્યક્રમ માટે ફાળો ઉઘરાવવા તેઓ એક સાંજે સુનીલભાઈ ડૉક્ટરને દવાખાને પહોંચી ગયા.

સુનીલભાઈ કાર્યક્રમની વિગત સાંભળીને તેમના તરફથી અમુક રકમ લખાવી એટલે રમણભાઈએ પૂછ્યું, ‘સાહેબ, આપને સપરિવાર આ કાર્યક્રમમાં આવવાનું છે. આ રહ્યા તે માટેના પાસ. અને હા, તમારા સ્ટાફમાં કેટલા જણ છે ? તેમના માટે પણ પાસ આપી જાઉં.’

સુનીલભાઈ કહે, ‘મારે ત્યાં સ્ટાફમાં એક નર્સ, એક કમ્પાઉન્ડર, એક ક્લાર્ક અને એક પટાવાળો એમ ચાર જણ છે પણ તમે ત્રણ પાસ આપો.’

રમણભાઈ કહે, ‘સ્ટાફ ચાર છે તો પાસ પણ ચાર આપીશ. પાસની અછત નથી.’

સુનીલભાઈ કહે, ‘પટાવાળાનો પાસ જરૂરી નથી. તમે નર્સ, કમ્પાઉન્ડર અને ક્લાર્કના ત્રણ પાસ આપશો તો ચાલશો.’

રમણભાઈ બોલ્યા, ‘ના સાહેબ, એ પટાવાળાને પણ આવવા કહેજો. ગરીબ કે અભણનાં માબાપ પણ માબાપ જ છે, તેમણે પણ છોકરાને બહુ આશાથી ઉછેર્યાં હોય છે. પટાવાળો કાર્યક્રમમાં આવશે અને બે બોલ ઝીલશે તો સારું જ છે.’

સુનીલભાઈ કહે, ‘ના, ના, એને આવવાની જરૂર નથી.’

રમણભાઈ બોલ્યા, ‘કેમ જરૂર નથી ? તેને માબાપ નથી ? કે પછી માબાપ બીજા ભાઈને ઘરે રહે છે ? તોયે આવવા દોને, તમે એમ કેમ કહો છો કે જરૂર નથી ? એ અભણ છે માટે ? કે ગરીબ છે માટે ?’

રમણભાઈની વાત સાંભળી સુનીલભાઈ ડૉક્ટર હસી પડ્યા. એ કહે કે ‘અભણ કે ભણેલા વચ્ચે આવો ભેદ હું નથી રાખતો. તેના માટે પાસ નથી જોઈતો તે કહેવા પાછળનો આશય તમે મારી વાત સાંભળશો એટલે સમજાશે.’

‘એ મારે ત્યાં વર્ષોથી નોકરી કરે છે પણ પાર્ટટાઈમ. એને સવારે, મારા આવતાં પહેલાં એને ફાવે તેવા સમયે આવવાનું હોય છે. આવીને મારો રૂમ વગેરે સાફ કરવાનાં હોય છે. દરદીની ચાદર, પથારી વગેરે સરખી કરી, ધોબીને ત્યાં આપવાનાં હોય તો આપવાના હોય છે. આમ તો એ એક મિલમાં કામદાર છે. ઘેર પત્ની, બે નાનાં બાળકો અને ઘરડી મા છે.

હમણાં તો કેટલાક વખતથી એ બહુ ઉતાવળમાં હોય છે તેવું મારા ધ્યાન પર આવ્યું હતું અને એમ પણ ખબર પડેલી કે આજકાલ બે ત્રણ દિવસથી એ વહેલો ઘેર જતો રહે છે. મારા આવતાં પહેલાં તો એ જતો રહે જેથી એક વાર એને ઘેર જાતે તપાસ કરવા ગયેલો. ત્યારે એ રોટલી વણતો હતો. મેં પૂછ્યું, ‘કેમ મયૂરભાઈ, તમારે રોટલી વણવી પડે છે, તમારી ઘરવાળી નથી ?’

જવાબમાં એ હસીને બોલ્યો, ‘ઘરવાળીએ રોટલી કરી લીધી હવે મારો વારો છે.’

હું વિચારમાં પડ્યો, આ કેવું ? હવે મારો વારો ? મને વિચારમાં પડેલો જોઈ એ બોલ્યો કે ‘સાહેબ, મારી ઘરવાળીને અને બાને વચમાં જરા તું તું મૈં મૈં થઈ ગઈ હતી. ગુસ્સામાં બાએ એની રસોઈની આકરી ટીકા કરી. તો હવે એ કહે છે કે તમારી ડોશીનું જમવાનું હું નહીં બનાવું.’

બીજે દહાડે એણે બાને જમવાનું જ ના પીરસ્યું. મેં બહુ ગુસ્સો કર્યો તો એ કહે કે ‘હું પિયર જતી રહીશ.’ પછી મારે આ બે બાળકો અને બાને કેવી રીતે સંભાળવાનાં ? બા આટલા વર્ષોથી મારા ભેગાં રહે છે તો હવે આ ઉંમરે એમને મોટા ભાઈને ઘેર કેવી રીતે મૂકી આવું ? છેવટે મેં વચલો રસ્તો કાઢ્યો છે. અમારા ચારેયનું જમવાનું એ બનાવે પણ બાનું જમવાનું હું બનાવું છું. સવારે એ પરવારે પછી હું બાને માટે રોકલી શાક બનાવું અને સાંજે હું બનાવું પછી એ બનાવવા બેસે.

એની સાસુ છે એટલે એ કહી શકે કે તમારું ખાવાનું નહીં બનાવું પણ મારી તો મા છે. હું કેવી રીતે કહી શકું કે તને ખાવાનું નહીં આપું ? મેં નોકરીમાં કાયમની રાતપાળી લઈ લીધી છે એટલે હવે વાંધો નહીં આવે. વાસણ અજવાળવા તો બાઈ આવે છે.’ આટલું બોલી સુનીલભાઈ ડૉક્ટર કહે, ‘બોલો રમણભાઈ, ‘માબાપની સેવા એ પ્રભુસેવા’ કાર્યક્રમ માટે એના પાસની જરૂર છે ?’

રમણભાઈ કહે, ‘ના, એના માટે પાસની જરૂર નથી. એ જિંદગીની કસોટીમાં પાસ થયેલો છે. બધામાં જો આવી સૂઝ હોય તો અમારે આ કાર્યક્રમ કરવાની જ જરૂર નથી રહેતી.’