- ReadGujarati.com - http://www.readgujarati.com -

સંજોગો ગમે તેટલા ખરાબ હોય, જિંદગી આગળ જીવવી જ પડે છે ! – બિંદુબહેન કચરા

(‘જીવનસરગમ’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)

જીવન એક અજાયબ ઘર જેવું છે, જેમાં અજાયબીઓનો પાર નથી. આ વાત જેને એક વાર સમજાઈ જાય એ જીવન જીવી જાય અને જીતી જાય. જીવનમાં હાર અને જીત એ ગૌણ છે. સુખ અને દુઃખ ગૌણ છે.

આફતને આપણે આમંત્રણ ન આપીએ પણ આવી પડેલી આફતને મહેફિલમાં પલટી નાંખીએ – એ જ તો જીવન જીવવાની કળા છે. કેયૂર ખૂબ હોશિયાર અને ધીરજવાન છોકરો હતો. એસએસસીમાં આવ્યો ને પિતાનું અવસાન થયું. એક બાજુ વાવાઝોડામાં ઘરનું છાપરું ઊડી ગયું. પિતાજીની મરણની વિધિમાં અને મકાન રિપેરિંગમાં પિતાની બધી બચત વપરાઈ ગઈ, પરંતુ કેયૂર કટોકટીના વખતે પણ ધીરજ ગુમાવે તેવો નહોતો. તેના ચહેરા પર હંમેશ સ્મિત ફરકતું હોય. માતા અને બહેન આવી પરિસ્થિતિમાં ખૂબ જ રડતાં અને કેયૂરની ચિંતા કરતાં કે હવે કેયૂર ઘર કેવી રીતે સંભાળશે ? પૈસા ક્યાંથી લાવશે ? પણ કેયૂરે નાસીપાસ થયા વિના નોકરી શોધી લીધી. થોડો વખત કામ કર્યું. કામ પ્રમાણે વળતર ન હતું. નોકરી છોડી દીધી. કાલે શું થશે ? એવો વિકરાળ પ્રશ્ન ખડો થયો. છતાં એ હારે તેમ થોડો હતો ? થોડી ઉધારી કરી માલ લઈ ફેરી શરૂ કરી દીધી. એને એમાં કોઈ નાનમ ન લાગી. દુઃખનાં રોદણાં રડવાનું તેના લોહીમાં ન હતું. મહેનત કરવામાં પાછું વાળી જોયું નહીં. સ્વાશ્રયથી નાની દુકાન લીધી અને પછી ભાગીદારીમાં ધંધો શરૂ કર્યો. પણ નસીબ બે ડગલાં પાછળ- ભાગીદારે દગો દીધો. માથે દેવું આવી પડ્યું. તોયે કેયૂર હિંમત હાર્યો નહિ. તેણે મનમાં એક વાત કોતરી રાખી હતી કે વાદળ ગમે તેટલું કાળુંઘોર હોય તેની કિનારી તો ઝળહળતી રૂપેરી હોય છે. રાત પડી તેનો અર્થ સવાર પડવાની જ છે. મારે માટે પણ સારું પ્રભાત ઊગશે જ ! સ્થિરતાનું સુકાન તેના હાથમાં હતું. વિચાર્યું : થઈ-થઈને શું થવાનું છે ? પૈસાનું જ નુકસાન થયું છે ને ? ‘સર સલામત તો પઘડિયાં બહોત.’ કેયૂરના મનના ઊંડાણમાં એક ખુમારી હતી જેથી તે ખુદ્દારીથી – હિંમતથી સંજોગો સામે બાથ ભીડી જીવન ટકાવી રહ્યો હતો. જ્યાં જ્યાં હાથ નાંખે ત્યાં પાસા ઊંધા પડતા હતાં. સુખી સંસાર હતો પણ ન હરખ કે ન શોક. ફક્ત ફરજની સભાનતા. ન રાવ, ન ફરિયાદ. બસ મુખે એક જ વાક્ય- પ્રભુ ઇચ્છા ! સંતોષથી જીવન જીવવું એ જ એનો જીવનમંત્ર. જેટલું મળ્યું તેમાંથી આનંદથી વાપર્યું. થોડું પાછલી જિંદગી માટે બચાવ્યું. પહેલેથી જ સ્વભાવમાં સરળતા, સહજતા અને નિખાલસતા, સાદગી વણાઈ ગઈ હતી. તેથી સુખ-દુઃખમાં જિંદગી જિવાતી રહી.

હજી તો કસોટી ચાલુ જ હતી. એક જ પુત્ર હતો. હોંશથી ભણાવ્યો, તો તે ધંધામાં ભાગ માંગી પત્નીને લઈ અલગ થઈ ગયો. કેયૂર કરતાં પણ એની પત્ની તનુ ખૂબ જ હતાશ થઈ ગઈ. આખી જિંદગી મુશ્કેલીઓનો સાગર વટાવી જિંદગીનું નાવ કિનારે આવ્યું, જ્યારે હાશ ! કરીને પલાંઠી વાળી, જ્યારે દીકરાના ટેકાની જરૂરિયાત હોય ત્યારે જ દીકરો પણ પરાયો થઈ ગયો ! તનુબહેનનાં શિર પર જાણે આભ તૂટી પડ્યું. કેયૂરે પત્ની તનુને સમજાવતાં કહ્યું : એમાં શું ? જેવાં ઋણાનુબંધ ! એકલાં રહેવાનું ભાગ્યમાં લખાયું હશે. જેવી ઈશ્વરેચ્છા ! સામે દીકરો કમાઈને આપશે – આપણને સાચવશે આવી અપેક્ષા મેં તો રાખી જ નહોતી. ચાલો દીકરાની ચિંતા તો ટળી.

‘ભલું થયું ભાંગી જંજાળ,
સુખી ભજશું શ્રીગોપાળ.’

આપણે સમજવાનું છે. જીવનમાં કશુંય સ્થિર કે સ્થાયી નથી. જિંદગી એટલે જ ચડતી અને પડતી, મિલન અને વિદાય. આ પરિસ્થિતિમાં પણ આપણે આનંદમાં જ રહેવાનું છે. તનુને સમજાવી બંને જમવા બેઠાં ત્યાં જ તો ફોન આવ્યો. તેમના પ્રિય મિત્ર રાકેશનું હૉસ્પિટલમાં ઑપરેશન દરમિયાન મૃત્યુ થયું. બંને પોતાના દુઃખને બાજુએ મૂકી મિત્રની વિધવા પત્ની અને નબાપાં બનેલાં કુમળાં બાળકોને સંભાળવા દોડ્યાં.

મિત્રના પિતા પણ ખૂબ કલ્પાંત કરતા હતા. કેયૂર અને તનુને આ આઘાત જોતાં લાગ્યું કે પોતાનું દુઃખ તો આની આગળ કંઈ જ નથી. આમ બીજા કોઈનાં દુઃખ કે શોકમાં ભાગ લેવાથી આપણું પોતાનું દુઃખ કે શોક અજબ રીતે થોડું દૂર થઈ જાય છે અને સહ્ય બની જાય છે.

સૌનું જીવન સંઘર્ષથી ભરેલું છે. કોઈને પૈસાનું દુઃખ, કોઈને એકલતાનું દુઃખ, કોઈને ઘરમાં સ્વજનોનો અભાવ, કોઈને મોટા કુટુંબનું દુઃખ, કોઈને નાના કુટુંબનું દુઃખ, કોઈને સંતાનનું દુઃખ તો કોઈને નિઃસંતાનનું દુઃખ. જીવન છે જીવનના વ્યવહારો છે. સુખદુઃખ જીવન સાથે જોડાયેલાં છે. સંઘર્ષો વચ્ચે જીવવાનું છે. કોઈ પણ માણસ ક્યારેય નિતાન્ત સુખી નથી હોતો, ગમે તેટલા રસ્તામાં કંટકો હોય, પાર વિનાનાં સંકટો હોય પણ કેયૂરની જેમ આપણે પણ ચાલવાનો સંકલ્પ તો જારી જ રાખવાનો છે. એમાં જ જીવનની સફળતા છે.

તો વાચકમિત્રો ! બધી પરિસ્થિતિમાં સ્થિતપ્રજ્ઞ રહો. પરિસ્થિતિથી અકળાઓ નહિ, દુઃખના દિવસો કાયમ રહેતા નથી. હસતે મુખે પરિસ્થિતિને સ્વીકારો. આપણે જ આપણા ભાગ્યવિધાતા.

સુખ મળે તો ભલે, દુઃખ મળે તો ભલે,
આ જીવનમાં દુઃખોની ફરિયાદ ના કરું !

રજકણ :
ઝાડની ડાળી પર બેસનારું પંખી ક્યારેય પવનથી હાલતી ડાળીથી ડરતું નથી. કેમ કે તેને પવનના ડર કરતાં, પોતાની પાંખો પર વધુ વિશ્વાસ હોય છે.

[કુલ પાન ૧૯૨. કિંમત રૂ.૧૫૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]