લગ્ન અને પ્રેમ : સ્ત્રીના જીવનનાં અંતિમ ધ્યેય? – કામિની સંઘવી

દિલ કે ઝરોખોં સે(‘દિલ કે ઝરોખોં સે’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)

આજની ટ્વેોન્ટી ફર્સ્ટ સેંચ્યુરીમાં કોઈ કપલને ત્યાં દીકરીનો જન્મ થાય એટલે હવે જલેબીના બદલે પેંડા વહેંચાય છે. સરસ મજાનું- રૂપકડું નામ શોધીને પાડવામાં આવે. મા-દીકરીની બરાબર કૅર કરવામાં આવે. ફૅન્સી અને મોંઘાંદાટ ઝભલાં, બેબી સોપ, શેમ્પુ, ઑઇલ, સૉફ્ટ ટૉય્ઝ , પારણું કે નવી ફૅશન પ્રમાણે ક્રીમ વગેરે વગેરેનું શૉપિંગ થાય. દીકરીનાં બરાબર લાલન-પાલન થાય, લાડ લડાવવામાં આવે જેથી દીકરી વહાલનો દરિયો છે તેમ સાબિત થાય. આમ જુઓ તો આમાં કશું ખોટું નથી. હા, ભાઈ, આપણે હવે એજ્યુકેટેડ છીએ, વળી દીકરી-દીકરાને સમાન માનીએ છીએ. દીકરી પણ દીકરાને મળે તેવા અને તેટલા જ વહાલની હકદાર છે તેનો આપણે પ્રચાર અને પ્રસાર કરીએ છીએ, એટલે કે આપણા આચાર-વિચારથી આધુનિક છીએ તેવું આપણને સમાજ-સોસાયટીમાં દેખાડવાનું ગમે છે. પણ વાસ્તવિકતા તેવી છે ખરી ? શું ખરેખર આપણે દીકરા-દીકરીના ઉછેરમાં ભેદભાવ નથી કરતા ? આપણે દીકરીને દીકરા જેટલા જ સમાન હક્ક આપીએ છીએ ખરાં ?

વીસ વર્ષની ધનશ્રી સ્પેસ ફિઝિક્સમાં એમ.એસ.સી. કરે છે. તેનાં ખ્વાબ તો છે સ્પેસ ફિઝિક્સમાં પીએચ.ડી. કરીને એક દિવસ સુનીતા વિલિયમ્સની જેમ અવકાશને પોતાની ખુદની ફૂટ્ટપટીથી માપવાની. હાલ રિલીઝ થયેલી ‘ગ્રેવિટી’ ફિલ્મમાં દર્શાવ્યા મુજબ હોલિવૂડ હીરોઈન સાન્ડ્રા બુલોક્સની જેમ સ્પેસશટલમાં રહેવા જવાનાં સપનાં રોજ આ છોકરી જુએ છે. પણ તેના પેરન્ટ્સેા પહેલેથી જ તેને કહી દીધું છે કે તારે કરિયર બનાવી હોય તો સાસરે જઈને બનાવજે. બસ, તું પોસ્ટગ્રેજ્યુએશન પૂરું કરે એટલે અમે તરત સારો છોકરો જોઈને તારાં લગ્ન કરી દઈશું, પછી તું જાણે ને તારો હબી જાણે ને તારાં સાસરાવાળાં જાણે. અમારી ફરજ હતી કે તને સારું એજ્યુકેશન આપવું તને ભણાવી-ગણાવી તે ફરજ અમે પૂરી કરી. હવે બસ તારાં લગ્ન કરી આપીએ એટલે અમારી જવાબદારી પૂરી.

શું માતા-પિતાની જવાબદરી માત્ર દીકરીને સારું એજ્યુકેશન આપવાની જ છે ? દીકરીનાં સપનાં શાં છે, તે જીવનમાં શું કરવા માગે છે તે વિશે કશું જાણવાની તસ્દી પણ પેરન્ટ્સેા નહીં લેવાની ? અને દીકરીનાં સપનાંની જાણ હોય તો પેરન્ટ્સ તરીકે તેમને પૂરાં કરવામાં મદદ કરવાની તેમની ફરજ નથી ? દીકરીને માત્ર ભણાવો-ગણાવો અને પરણાવો એટલે ગંગા નાહ્યાં ? દીકરીના બદલે દીકરો સ્પેસ ફિઝિક્સમાં આગળ કરિયર બનાવવા ઇચ્છતો હોત તો માતા-પિતા તેને પૂરતો સપૉર્ટ નહીં આપત ? શું દીકરાને જલદી પરણાવી દેવાની ખોટી ઉતાવળ પેરન્ટ્સો કરત ? કદાપિ નહીં… અરે, સરખી કમાણી નહીં કરતા દીકરાને આજકાલ કોઈ પરણાવે તોપણ આ જ માતા-પિતા તેવા લોકોની ટીકા કરવામાં પહેલાં હોય છે કે પહેલાં દીકરાને પગભર એટલે કે સેટલ થવા દો, પછી જ લગ્ન થાય ને અને પોતે બહુ મૉર્ડન છે તેવું દેખાડવા માટે આવું ગાઈ-વગાડીને સમાજમાં કહેતાં ફરે. જો દીકરાને પગભર થવાનો ચાન્સ કે તક આપો છો તો દીકરીને કેમ નહીં ? શા માટે ફટાફટ લગ્ન કરી દેવાની ઉતાવળ તે પણ દીકરીની મરજીની વિરુદ્ધ તે ન્યાય કહેવાય ? જો આપણે દીકરીની મરજી વિરુદ્ધ, તેની કરિયર બનાવવાની મહત્વકાંક્ષા સમજ્યા વિના તેનાં લગ્ન કરતાં હોઈએ તો આપણે દીકરીને ગળેટૂંપો જ આપી રહ્યાં છીએ. આજથી પચાસ – સો વર્ષ પહેલાં દીકરીને દૂધપીતી કરવાનો રિવાજ હતો તે જ રિવાજનું પુનરાવર્તન આપણે કરી રહ્યા છીએ.

ઘણી વાર પેરન્ટ્સં કહેતાં હોય છે દીકરીની કરિયર બનાવવા માટે પાસે પૈસા નથી, પરંતુ તે જ દીકરીના લગ્નમાં લાખો રૂપિયાનું દહેજ આપીએ છીએ તેમાં સમજદારી ખરી ? અરે, દીકરીનાં લગ્ન ધામધૂમથી કરીને આપણે જાણે દીકરી પર બહુ મોટો ઉપકર કરતાં હોઈએ તેવો દેખાડો કરતાં હોઈએ છીએ. આર્થિક ખેંચ અનુભવીને કે વ્યાજે પૈસા લઈને પણ માતા-પિતા દીકરીને જલદી પરણાવી દે છે. બસ, સમાજમાં દાખલો બેસવો જોઈએ કે ફલાણા ભાઈની પહોંચ ન હતી છતાં તેમણે કેટલી સરસ રીતે દીકરીને પરણાવી ! કેટલું બધું દહેજ આપ્યું ! હવે દીકરીને ગમતું કામ કરવા ન દેવું અને પછી અણગમતાં લગ્ન કરાવીને કન્યાદાનનાં પુણ્ય મેળવવાના સુખમાં રાચવું તેમાં માતા-પિતા કેટલું પુણ્ય કમાતાં હશે તે તો તેઓ જ જાણે- અરે પુણ્ય જ કમાતાં હશે કે પાપ કરતાં હશે તે પણ રામ જાણે ! શા માટે આપણે વિચારતાં નથી કે જે લખલૂંટ પૈસા આપણે દીકરીનાં લગ્ન પાછળ વેડફીએ છીએ એ પણ એનાં લગ્ન, જેમાં સુખી થવાની કોઈ ગૅરંટી નથી, તો પછી બહેતર છે કે તે પૈસા આપણે દીકરીની કરિયર બનાવવામાં વાપરીએ, કારણ કે જો દીકરીની કરિયર સરસ હશે તો તેની લાઇફ ઑટોમૅટિક સરસ જ નીવડવાની છે. પછી તેનાં લગ્ન થાય કે ન થાય, તેની ચિંતા શું કામ કરવી ? દીકરીની કરિયર બનાવવાનાં સપનાં સાકાર કરવામાં જ સાચી સમજદારી હોય તેમ તમને નથી લાગતું ? દીકરી ખુશ થઈને જે સંતોષભાવ વ્યક્ત કરશે તે કોઈ કન્યાદાન કરવાનાં પુણ્ય કરતા પણ વધારે નહીં હોય ?

એક મિત્ર થોડાં વર્ષ પહેલાં કાશ્મીર ફરવા ગઈ હતી. ગુલમર્ગથી પાછા ફરતાં એક ફૉરિનર યુવતીએ તેમની ગાડીમાં લિફ્ટ માગી. રસ્તામાં વાતચીત થઈ. યુવતી ચિત્રકાર હતી અને નૉર્વેથી કાશ્મીરનાં ચિત્રો દોરવા આવી હતી. તે માટે તેણે બે વર્ષ પૈસા એકઠા કર્યા હતા તેનાં માતા-પિતાએ બનતી મદદ કરી, જેથી યુવતી પાસે એટલા પૈસા એકઠા થઈ શક્યા કે તે કાશ્મીરમાં આખું વર્ષ રહી દરેક સીઝનને પોતાના કૅન્વાસ પર ઝીલી શકે અને પરિણામે કાશ્મીર પર તેનું એક આલ્બમ બને. વાતવાતમાં જાણ થઈ કે તે યુવતીની ઉંમર અઠ્ઠાવીસ વર્ષની છે. એટલે મિત્રે પૂછ્યું, ‘આર યૂ મેરીડ ?’ અને તે વિદેશી યુવતીએ જવાબ આપ્યો, ‘આઈ ઍમ ટૂ યંગ ટુ ગેટ મેરીડ.’ ફ્રેન્ડ કશો રિસ્પૉન્સ ન આપી શકી કારણ કે તેની ઉંમર તો હજુ પચીસ વર્ષની જ હતી અને તેના ખોળામાં તેનું ત્રણ વર્ષનું બાળક રમતું હતું. શા માટે ભારતીય માતા-પિતા પોતાની દીકરીની કરિયર ઘડવા માટે કૉન્શ્યસ કે આતુર નથી ? શા માટે દીકરીનાં લગ્ન કરવાની આટલી બધી ઉતાવળ ? શું છોકરી માટે લગ્ન કરવાં અને પતિને પ્રેમ કરવો તે જ જીવનનાં અંતિમ ધ્યેય છે ? દીકરી માટે લગ્ન એ એકમાત્ર જીવનનું અંતિમ શું કામ હોવું જોઈએ ? જો તમે તમારા દીકરાને માટે તેની તેજસ્વી કારકિર્દી માટે વિચારતા હો તો શા માટે દીકરીની કરિયર બાબતે વિચારતાં નથી ? માન્યું કે ઘણી યુવતી લગ્ન કરીને માત્ર હાઉસવાઈફ બની રહેવા ઈચ્છતી હોય છે, તો તે તેમની મરજી હશે. પણ તેમને પણ સારી રીતે એજ્યુકેશન આપીને પગભર બનાવવી જ જોઈએ, જેથી ભવિષ્યમાં જરૂર પડે તો પોતાની રીતે કામ કરી શકવા તે સક્ષમ હોવી જોઈએ જ કારણ કે ભલે આપણે કહેતાં હોઈએ કે હવે સમય બદલાયો છે તેવું વારંવાર બધી જ જગ્યા પર વાંચવામાં તથા સાંભળવામાં આવે છે, પણ હકીકત એ છે કે ખરેખર બદલાયો છે ખરો ?

દર વર્ષે ભારતમાં અઢીથી ત્રણ હજાર કેસ દહેજને કારણે મૃત્યુ પામતી ફૂલ જેવી કોમળ બાળાઓના નોંધાય છે, જેમનાં મોત શંકાસ્પદ રીતે થયાં છે અથવા તેમનાં સાસરિયાંએ અપૂરતા દહેજ માટે તેમની હત્યા કરી છે. દર વર્ષે દહેજના દૂષણને કારણે અઢી હજાર જેટલી યુવતીઓ મૃત્યુને ભેટે છે, કારણ કે તેમનાં માતા-પિતા પરણાવીને તેમને સુખી જોવા ઇચ્છતાં હતાં. શા માટે માતા-પિતા દીકરીને માત્ર પરણેલી જોવા ઇચ્છે છે ? ૧૯૫૦માં વી. શાંતારામની ફિલ્મ ‘દહેજ’ આવી હતી, જેમાં પૃથ્વીરાજ કપૂરે જાનદાર અભિનય કર્યો હતો. મા વિનાની પોતાની દીકરીને ખૂબ સારું દહેજ આપીને એકની એક દીકરીને તે પરણાવે છે પણ દીકરી સાસરે સુખી નથી. દીકરીને સુખી જોવા ઇચ્છતો પિતા બધું દહેજ લઈને તેના ઘેર પહોંચે છે ત્યારે દીકરી છેલ્લા શ્વાસ લેતી હોય છે. તે કહે છે, ‘પિતાજી, આપને સબ દિયા મગર કફન નહીં લાયે’ ને દીકરી મૃત્યુ પામે છે.

શું તમે તમારી દીકરીને લગ્નરૂપી કફન ભેટ આપવા ઇચ્છો છો ? કોઈ પેરેન્ટ્સિ પોતાના દુહિતાનું અહિત ન કરે, ખરું ? તો હવે તમે પણ પહેલું પ્રાધાન્ય તમારી દીકરીની કરિયર બનાવવામાં આપજો. દીકરીનો જન્મ થાય કે તરત બૅન્કમાં પૈસા સેવ કરજો : પણ બી અવેર, તેનાં લગ્ન માટે નહીં, પરંતુ તેની કરિયર બનાવવા માટે. કારણ જીવન માટે કરિયર જરૂરે છે પછી તે દીકરો હોય કે દીકરી. કારણ કે આખરે માનવના હાથમાં તેનો જન્મ નથી પણ તેનું કર્મ તો તેના હાથમાં જ છે ને !

રેડ ચિલિ :
Our daughters are the most precious of our treasures, the dearest possessions of our homes and the objects of our most watchful love.
– Margaret E. Sangste

[કુલ પાન ૧૩૨. કિંમત રૂ. ૧૧૫/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

12 thoughts on “લગ્ન અને પ્રેમ : સ્ત્રીના જીવનનાં અંતિમ ધ્યેય? – કામિની સંઘવી”

Copy Protected by Chetan's WP-Copyprotect.