ગાંઠ – કામિની મહેતા

(‘જનકલ્યાણ’ સામયિકના મે, ૨૦૧૬ના અંકમાંથી સાભાર)

‘બાય મમ્મા… ટેક કેઅર…’ ‘બાય બેટા..’ રીમાએ દીકરીનું માથું ચુમ્યું. દર્શને વાંકા વળી સાસુ સસરાનું અભિવાદન કર્યું… માનવ સાથે હાથ મિલાવ્યો… ‘બાય, કીપ ઇન ટચ.’ અને સામાનની ટ્રોલી ખસેડતા બંને એરપોર્ટ લોંજમાં અંદર ગયા. રીમાએ અત્યાર સુધી દબાવીને રાખેલો આંસુઓનો બંધ છુટી ગયો.

‘ઓ… કમઓન રીમા… દીકરીઓ તો હોય જ ઉડન ચકરડી… તેમનો સમય થાય એટલે ઉડી જ જવાની છે.’ અજયે રીમાની પીઠ ઠપકારી. ત્રણે પાર્કિંગ લોટ તરફ ચાલ્યા. આખા રસ્તે ત્રણે લગ્નની વાતો કરતા રહ્યા… આવેલા મહેમાનોની… લગ્નવિધિની… લગ્નમાં થયેલા ખર્ચાની…

ઘરે આવ્યા અને ઘરની હાલત જોઈ રીમાને થયું કે ઘરને વ્યવસ્થિત કરવામાં જ ઘણો સમય નીકળી જશે… કિચન, બેડરૂમ… વોર્ડરોબ બધું જ મેશ થયેલું હતું… દરેક ખૂણે માહીની સ્મૃતિઓ ભરેલી હતી. સુંદર મજાની ઢિંગલી જેવી દીકરી… જેને સ્નેહ અને હેતના જળસિંચી ઉછેરી હતી તે આજે બધું છોડી સાસરે ચાલી ગઈ હતી. દીકરીનું શું કિસ્મત વિધાતાએ લખ્યું છે…! એક જ રાતમાં જ્યાં જન્મી ને મોટી થઈ છે તે ઘર પરાયું બની જાય છે… યાદોની ઝીણી ઝીણી કરચથી તેનું મન આળુ થતું રહ્યું… ઘડી ઘડી તેની આંખો ભરાઈ આવતી.

એક સવારે માનવે બૂમ પાડી… ‘મમ્મી… અહીં આવ… જલ્દી.’ જઈને જોયું તો સ્કાઈપી પર માહી હતી… દીકરીને જોઈ રીમા ગળગળી થઈ ગઈ… ‘કેમ છે બેટા… ફાવી ગયું ત્યાં…?’

‘હા મમ્મા… મજ્જાની લાઈફ છે. ધીમે ધીમે ઘર અને મારો સંસાર ગોઠવાતો જાય છે. અહીં હમણા ઠંડી બહુ પડે છે. ઘરમાં તો હીટર હોય પણ ઘરથી સ્ટેશન પહોંચતા સુધીમાં ઠરી જવાય છે, તું કહે શું ચાલે છે ?’

‘જો બેટા ધ્યાન રાખજે… આમેય તને શરદી જલદી થઈ જાય છે.’

પછી તો રોજ રોજ ખૂબ વાતો થતી. સવારે આઠ વાગ્યામાં પરવારીને રીમા લેપટોપ લઈને બેસી જાય. ધીમે ધીમે માહી પણ ત્યાં બીઝી થતી ગઈ. તેણે ત્યાં જોબ પણ લઈ લીધી એટલે હવે સમય ઓછો મળતો. શનિ-રવિ એ પોતાના કામમાં વ્યસ્ત હોય અને મા સાથે વાત કરવા નવરી ન પડે. ‘મમ્મા… કાલે શાંતિથી વાત કરું છું.’ અને આ ‘કાલ’ આવતાં દિવસો નીકળી જાય.

લાઈફ ફરી પૂર્વવત થઈ ગઈ. અજય પાછો તેના કામમાં વ્યસ્ત થઈ ગયો. હમણાં તેણે એક નવી ફેક્ટરીનો પ્રોજેક્ટ હાથમાં લીધો હતો. સખત દોડાદોડીમાં હતો. બંનેને વાત કરવાનો સમય પણ નહોતો મળતો.

ત્યાં એક રાતે માનવે ડિનરટેબલ પર ઘટસ્ફોટ કર્યો… ‘ડેડી, મેં એમ.બી.એ. માટે લંડનની કૉલેજમાં એપ્લાઈ કર્યું હતું. ત્યાંથી કોલ આવ્યો છે.’

‘કેમ લંડન ?’ અજયને નવાઈ લાગી. ‘અહીં તો સરસ કૉલેજ છે. તને જોઈએ તે કૉલેજમાં એડમિશન મળી જશે.’

‘ડેડી, મારે નવો એક્સપિરિઅંસ લેવો છે. ત્યાં જઈશ તો ઘણું નવું શીખવા મળશે.’

‘પણ બેટા… તું જોવે છે ને. અહીં હું નવી ફેક્ટરી નાખવા માટે દોડાદોડ કરું છું. તારે જ આગળ જતા આ ફેક્ટરી સંભાળવાની છે.’

‘ડેડી… હું મારા હિસાબે મારી લાઈફનું પ્લાનિંગ કરવા માગું છું. મને તમારી ફેક્ટરી બેક્ટરીમાં જરાય રસ નથી.’

‘બેટા, તું જતો રહેશે તો અમે અહીં એકલા…’

‘ઓ કમોન મમ્મી… તમે માહીને અમેરિકા મોકલી જ ને… પછી મને કેમ ના પાડો છો ?’

‘માહી તો ગમે ત્યારે સાસરે જવાની જ હતી. પણ તું તો અમારી સાથે અહીં રહી શકે ને…’

‘જો મમ્મી તું હવે મને ઇમોશનલી બ્લેકમેલ કરે છે… હવે તો દુનિયા એકદમ નાની થઈ ગઈ છે. ફોનથી… નેટથી આપણે મળતા રહેશું ને… ડેડી તમે પણ તો તમારા સારા ફ્યુચર માટે દાદાની ગામની કરિયાણાની દુકાન છોડીને અહીં મુંબઈ આવ્યા હતા. તો મને પણ મારા બ્રાઇટ ફ્યુચર માટે એબ્રોડ જવું છે… તો હવે મને ના પાડો છો.’ હાથ પછાડી માનવ ટેબલ પરથી ઊભો થઈ ગયો.

અને અજય નિરુત્તર થઈ ગયો… રીમાએ તો રડી રડીને પોતાની આંખ સુજાવી નાખી. આખી રાત અજય સૂઈ ન શક્યો. માનવના શબ્દો તેના કાનમાં ગુંજ્યા કરતા હતા… હા એ પણ તો તેના સપનાઓ પૂરા કરવા દેશમાંથી અહીં આવી ગયો હતો… બાપુજીની કરિયાણાની દુકાન હતી. ગામના પ્રમાણમાં સારી ચાલતી હતી. બા અને બાપા સંતોષી હતા. ખાધે પીધે સુખી… ગામમાં સમ્માનીય નામ… પાંચમાં પૂછાતા… જીવનમાં બીજું જોઈયે શું… પણ અજયને તે મંજૂર નહોતું. તેના માટે જીવનની વ્યાખ્યા અલગ હતી… તેને શહેરમાં જઈ તેના સપનાઓ પૂરા કરવા હતા. બંગલો… ગાડી… સમૃદ્ધિ… મોટું નામ… બધું હાંસેલ કરવું હતું… તે આ ખાબોચિયામાં પૂરાઈ રહેવા નહોતો માંગતો.

બા બાપુજીએ તેને ઘણો વાર્યો… દીકરા મારા… અહીં સંતોષનો રોટલો છે… એ છોડી તું મૃગજળ ભણી ક્યાં દોડે છે… પણ અજય માન્યો નહીં. તેના એક મિત્રએ મુંબઈમાં એક નવા ધંધાની શરૂઆત કરી હતી. અને તેને અજય જેવા મહેનતુ વ્યક્તિના સાથનો ખપ હતો. અજય તેની સાથે જોડાઈ ગયો. પાંચ વરસ તેની સાથે રહી… ધંધાની આંટીઘૂંટી શીખ્યો અને પછી તેણે પોતાનો સ્વતંત્ર ધંધો શરૂ કર્યો અને આજે તે આ મુકામ પર હતો… પણ અહીં પહોંચવા તેણે કેટલું ગુમાવવું પડ્યું હતું. અજય વિચારતો રહ્યો… મને કોઈ હક નથી કે હું મારા સપના મારા દીકરાની આંખમાં આંજુ. મારે તેની પાસેથી કોઈ અપેક્ષા ન રાખવી જોઈએ. તે પોતાની રીતે જીવવા સ્વતંત્ર છે.

બીજે દિવસે સવારે જ તેણે માનવને કહી દીધું… ‘સોરી યંગમેન… મારા કાલના અભિપ્રાય બદલ… તું તારા નિર્ણય પર અમલ કરવા સ્વતંત્ર છે… હું તને રોકીશ નહીં…’

‘થેંક્યુ ડેડી, આમેય હું રોકાવાનો નહોતો.’ કહી માનવ તેની રૂમમાં જતો રહ્યો.

સાંજે ઓફિસેથી આવી અજયે રીમાને કહ્યું, ‘ચાલ રીમા, થોડા દિવસ ફરી આવીએ. તને ઘણા વખતથી સિમલા જવાની ઈચ્છા હતી ને. મેં બધું બુકિંગ કરાવી લીધું છે.’

રીમા પતિના બદલાયેલા રૂપને જોઈ રહી. સતત કામ કામ અને કામ… તે સિવાય બીજી વાત નહીં… અને આજે અજય લોંગ ટૂર પર જવાની વાત કરતો હતો.

માનવ ગયો તે જ દિવસે સાંજની ફ્લાઈટમાં તેઓ ફરવા નીકળી પડ્યા. સિમલાની બર્ફિલી વાદિયોમાં જાણે નવેસરથી બંને એકબીજાને પામ્યા. વહેતા ઝરણાંઓનો મધુર કલરવ… ઠંડી હવાની સરસરાટ…. ઊંચા ઉત્તંગ શિખરોની વિરાટતાએ એમના મનને પ્રફુલ્લિત કરી દીધા. ઘાટી પરના હરિત ઢોળાવો પર લહેરાતા વૃક્ષો… ખીણમાં વહેતી નદી… નાના નાના વોટર ફોલ્સ દિમાગને તરબતર કરતા હતા. ગાઢ જંગલો… ચક્રાકાર પહાડી રસ્તાઓ અને નિતાંત શાંત વાતાવરણ મનમાં શાંતિ ભરતું હતું. બર્ફિલા પહાડોએ જાણે શુભ્ર ચાદર ઓઢી હોય… બસ અકારણ જ વાદિઓમાં ટહેલવા નીકળી પડતા. મન પર કોઈ ભાર નહીં… કોઈ ઈચ્છા નહીં… પ્રકૃતિ પાસે કેટલા રંગો છે… દરેક સવાર જુદી છે… દરેક સૂર્યાસ્ત અનોખો છે… બસ બાહો ફેલાવી માણ્યા જ કરીએ.

ત્યાંની સ્થાનિક પ્રજાની નિખાલસતા જોઈ રીમાને થયું સ્વભાવની સરળતા સુખી રહેવાની પહેલી શર્ત છે. અત્યાર સુધી કેટલી ગાંઠો પોતે મનમાં સંઘરી રાખી હતી. ગાંઠો મહત્વકાંક્ષાની… ગાંઠો આગ્રહ દુરાગ્રહોની… ગાંઠો આસક્તિની… અપેક્ષાની… છલકાતા વૈભવમાં એ હમેશા સુખથી એક વેંત છેટી જ રહી.

પંદર દિવસ તરોતાજા થઈને તેઓ પાછા આવ્યા. ઘરનો દરવાજો ખોલી અજય વિશાળ હોલમાં આવી માનવ અને માહીના લગાડેલા ફોટા પાસે ઊભો રહી ગયો. ‘શું વિચારો છો અજય…?’ પાછળથી આવી રીમાએ તેના પીઠ પર હાથ મૂક્યો.

‘વિચારું છું રીમા… જિંદગીના કેટલા વર્ષો વેડફી નાખ્યા… જે કાયમ રહેવાવાળું નથી તેની પાછળ કેટલું દોડ્યા… વિરામ લીધા વગર… અને આજે હવે સાવ એકલા પડી ગયા… અને હવે તો… ‘ઓછી મદિરા ગળતુ જામ છે.’

‘કંઈ વાંધો નહીં અજય… જાગ્યા ત્યારથી સવાર.’ રીમાએ હસીને તેનો હાથ દબાવ્યો અને ચાર હાથોની ઉષ્માએ બધી ગાંઠો ઓગાળી નાખી.

Leave a Reply to mansukh vamja Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

14 thoughts on “ગાંઠ – કામિની મહેતા”

Copy Protected by Chetan's WP-Copyprotect.