ભારતનો સૌથી નાની વયનો સિંગલ પેરેન્ટ : આદિત્ય – ભવેન કચ્છી

(‘ગુજરાત સમાચાર’ વર્તમાનપત્રની ‘શતદલ’ પૂર્તિના ૬ જુલાઈ, ૨૦૧૬ના અંકમાંથી)

જન્મથી જ આદિત્ય ઇંદોરમાં તેના માતા-પિતા સાથે રહેતો. એન્જિનિયરની ડીગ્રી બાદ પૂણેની બાર્કલે કંપનીમાં જોબ મળી હોઈ છેલ્લા ત્રણેક વર્ષથી પૂણેમાં જ શિફ્ટ થયો છે. તેના માતા-પિતાના ભારે સંઘર્ષ બાદ આદિત્યનો ઉછેર અને અભ્યાસ સંપન્ન થયો હતો. નિમ્ન મધ્યમ વર્ગની સ્થિતિ છતાં તેના મમ્મી-પપ્પા આર્થિક ભીડ વચ્ચે પણ જરૂરિયાતમંદોને કંઇ નહીં તો રૂ. ૨૫-૫૦ની સ્ટેશનરી, જૂના પુસ્તકો કે બિસ્કિટ આપે. વાર-તહેવારે તેમના સંતાનો માટે મીઠાઈ, ફટાકટા અને રમકડાં લાવે તો તેમાં થોડો ઉમેરો કરીને બીજાને ઘેર કામ કરતી બાઈ, સીક્યોરિટી કે સફાઈ સ્ટાફના બાળકોને પણ અચૂક આપે.

આદિત્ય બાળપણથી આ બધુ જોતો હતો. તેનામાં પણ એવા જ સંસ્કાર જાગ્રત થયા હતા. તેને પણ સંજોગો સામે હારી ગયેલા ચહેરા પર સ્મિત જોવું હતું. પીડિતોને બેઠા કરવા હતા. આત્મ સન્માન અને ગૌરવ બક્ષવું હતું.

વર્ષ ૨૦૧૪માં ૨૫ વર્ષનો આદિત્ય તેના પિતા કે જે ઇંદોરમાં રહેતા હતા તેના જન્મદિનની ઉજવણી નિમિત્તે ખાસ પૂણેથી ઇંદોર ગયો હતો.

માતા કે પિતાનો જન્મદિન હોય એટલે સપરિવાર તેઓ કોઈ વખત વૃદ્ધાશ્રમ તો કોઈ વખત મૂક-બધિરો માટેની સંસ્થા, પ્રજ્ઞાચક્ષુઓના મંડળો વગેરેની મુલાકાત લઇ અને મીઠાઈ વહેંચતા. આ વખતે આદિત્ય ખાસ પૂણેથી આવ્યો હોઈ બધા ઇંદોરના એક મિશનરી અનાથાશ્રમમાં બે-ત્રણ કલાક વીતાવવા ગયા. આદિત્ય આ બધા બાળકોની સાથે રમવા માંડયો. તેણે ક્યારેક કલ્પ્યો ના હોય તેવા આનંદની અનુભૂતિ થતી હતી. સાથે સાથે એ વિચારથી પણ સમસમી જતો કે આ બધાનું ભવિષ્ય શું ?

આ જ અનાથ આશ્રમમાં નવજાત શિશુઓથી માંડી ત્રણેક વર્ષના બાળકોને ઉછેરવાની સિસ્ટમ અને સ્ટાફ હોઈ એક ડિપાર્ટમેન્ટમાં આ વય જૂથના બાળકો હતા જેમાંથી મોટાભાગના તરછોડાયેલા હોઈ તેમના માતા-પિતાના સગડ ન હતા. તો જે બાળકો જન્મથી જ ખોડખાંપણ કે મંદ બુદ્ધિના હતા તેઓના માતા-પિતાએ જ તેમને આવી સ્થિતિમાં તેમનું નામ, સરનામું આપીને આ સંસ્થાને ઉછેર માટે આપી દીધા હતા. તે પછી મોટાભાગના ક્યારેય ફરકતા જ નથી હોતા.

આદિત્ય અનાથાશ્રમના જુદા જુદા વિભાગોનું રાઉન્ડ લેતા આવા બાળકોના વોર્ડમાં આવ્યો. હજુ માંડ દોઢેક વર્ષના એક બાળકને જોઇને તે થંભી ગયો. આ બાળક જાણે એવી રીતે હાથ-પગ સતત પેડલિંગ કરતો હતો જાણે આદિત્યના ખોળામાં જઇને રમવા માટે થનગનતો હોય તેમ લાગ્યું. જો કે તેના ચહેરાને જોતા જ સ્પષ્ટ થતું હતું કે તે માનસિક રીતે ક્ષતિગ્રસ્ત છે. આદિત્ય એ નજીક ઉભેલી નર્સને બાળક અંગે પૂછ્યું તો નર્સે કહ્યું કે તેનું નામ બિન્ની છે તે જન્મથી જ ‘ડાઉન સિન્ડ્રોમ’ ધરાવે છે. આવા બાળકને જન્મથી જ હૃદયમાં પણ છિદ્ર હોય છે. સખત પરિશ્રમથી ઉછેરો અને તાલીમ આપો તો વધુમાં વધુ પુખ્ત વયે તેનો આઈ ક્યુ ૫૦ પર પહોંચે અને પછી તે વૃદ્ધિ સ્થગિત થઇ જાય. ૫૦નો આઈક્યુ સામાન્ય રીતે છ-સાત વર્ષના બાળકનો હોય છે. ખબર નહીં આદિત્યને તે જ વખતે હૃદયમાંથી ચમકારો થયો કે તે બિન્ની ને તેની સાથે રાખીને ઉછેરવા માંગે છે. નાનું બાળક કોઈ રમકડાની જીદ કરે તેમ ૨૫ વર્ષના એન્જિનિયર આદિત્યએ તે જ વખતે તેના મમ્મી-પપ્પા સમક્ષ કાકલૂદી કરી કે, ‘પપ્પા આપણે બિન્નીજને ઘેર લઇ જઇએ.’ પપ્પાએ તેને ખૂણામાં લઇ જઇને સમજાવ્યો કે, ‘બેટા, તારી સામે હજુ આખુ ભવિષ્ય પડયું છે. તારી કારકિર્દી અને લગ્નના દ્વાર માંડ ખૂલ્યા છે… અને બેટા… કડવી વાસ્તવિક્તા સમજ, તે બાળક મંદબુદ્ધિનું છે. આદિત્યએ પપ્પાને મૂક બનાવી દેતા એટલું જ કહ્યું કે, ‘હું જન્મથી આવો હોત તો તમે મારો ઉછેર ના કરત ? આ રીતે અનાથ બનાવી દેત ?’

આદિત્ય તો તેના પપ્પા સાથે સંકુલમાં જ આવેલી મિશનરીના વડાની ઓફિસે પહોંચી ગયો. નર્સ પણ કુતૂહલ થતા સાથે જોડાઈ ગઈ. આદિત્યએ મિશનરીના વડાને કહ્યું કે, ‘હું બિન્નીકને કાયમ માટે મારી સાથે લઇ જવા માગું છું.’ મિશનરીના વડાએ ખાસ રસ ના લેતા હોય તેમ નજર મિલાવ્યા વગર ઠંડો પ્રતિભાવ આપ્યો કે, ‘યુ મીન એડોપ્શન’. આદિત્યએ તે જ ક્ષણે વાત ઉપાડી લેતા કહ્યું કે, ‘યસ યસ આઈ વોન્ટ ટુ એડોપ્ટ બિન્ની .’ પપ્પા પણ આદિત્ય શું કહે છે તે સાંભળી સ્તબ્ધ થઇ ગયા.

મિશનરીના વડા થોડા ટટ્ટાર થયા. તેમણે આદિત્યની સામે જોયું. થોડા વર્ષો પહેલાં જ પુખ્ત થયેલા લાગતા આદિત્યને જોડે વધુ લપનછપન કરવા કરતા તેણે કાયદો ટાંકીને જ આદિત્યને રવાના કરવાનું વિચાર્યું અને જણાવ્યું કે, ‘આદિત્ય બાળકને દત્તક લેવા માટે ઓછામાં ઓછી ૩૦ વર્ષની વય કાયદા પ્રમાણે હોવી જોઇએ. તારી તો એટલી વય નથી લાગતી. ૩૦ વર્ષનો થાય તે પછી આવજે કંઇક વિચારીશું.’

આદિત્યએ જાણે સંતાન ગુમાવવાનો આઘાત અનુભવ્યો પણ પછી તરત જ સ્વસ્થતા ધારણ કરીને મિશનરીના હેડને વિનંતી કરી કે, ‘મને બિન્નીત પ્રત્યે કોઈ અલૌકિક ભાવ જાગ્યો છે. હું ૨૫ વર્ષનો છું અને દત્તક લેવા માટે બીજા પાંચ વર્ષ તેની રાહ જોઈશ. પણ, હું પૂણેથી જ્યારે જ્યારે ઇંદોર આવુ ત્યારે તમારે મને તેને જોવા-મળવા-રમાડવા જવા દેવાનો.’

મિશનરીના હેડને લાગ્યું કે આ છોકરડો ભાવાવેશમાં આવી ગયો છે. બીજી વાર ફરકશે જ નહીં. તેમણે આદિત્યના ખભા પર હાથ મુક્તા કહ્યું કે ‘ચોક્કસ, અમે તને તે પરવાનગી આપીશું.’

આદિત્ય પપ્પાની આ રીતે બર્થડે ઉજવીને પૂણે પરત ગયો. એક આંખમાં બિન્ની ના મળી શક્યાનો ગમ હતો તો બીજી આંખમાં બિન્નીજને વારંવાર મળવાની ઇંતેજારી તેની નજર સામે તરવરતી હતી.

આદિત્ય પૂણેથી મહિનામાં બે વખત તેના મમ્મી-પપ્પા જોડે રહેવા શનિ-રવિમાં ઈંદોર જતો પણ હવે તેની તાલવેલી કંઇક ઓર હતી. બિન્નીમને જો મળવાનું હતું. ઘણી વખત તો ઘેર જતા પહેલા જ મિશનરીમાં જાય. અન્ય બાળકો માટે પણ ચોકલેટ, બિસ્કીટ, રમકડા લેતો જાય. આદિત્ય એવું માનતો કે બિન્નીન તેને જોતાં જ ગેલ કરવા માંડતો અને મોજમાં આવી જતો.

આ રીતે ચારેક મહિના વીત્યા હશે ત્યાં એક વખત એવું બન્યું કે ઈંદોરની તે મિશનરીમાં જતા જ તેને ફાળ પડી. બિન્ની્ ત્યાં હતો જ નહીં. હાર્ટબ્રેક થઇ જાય તે હદે આઘાત અનુભવતા આદિત્યએ જાણ્યું કે બિન્નીન અને કેટલાક બાળકોને ભોપાલ શિફ્ટ કરવામાં આવ્યા છે. આદિત્ય તરત જ ભોપાલની મિશનરીમાં દોડી ગયો. બિન્ની ને ત્યાં જોતાં જ તેને ઊંચકીને વ્હાલથી ભેટી પડયો.

હવે તેને ૩૦ વર્ષની વય કાપતા જાણે જીવન પૂરૂં થઇ જશે તેમ વિરહ સતાવવા લાગ્યો. બીજા છ મહિના તે પૂણેથી ઈંદોર અને ભોપાલ તેમ શનિ-રવિની રજામાં જવાનું રાખતો. વચ્ચે વચ્ચે તેના પપ્પાને પણ ભોપાલ આંટો મારી આવવાનું કહેતો.

આ જ રીતે સમયચક્ર આગળ ધપતું હતું. આદિત્ય તેના નિત્યક્રમ પ્રમાણે એક વખત ભોપાલની મિશનરીમાં પહોંચ્યો ત્યારે તેના પર વજ્રઘાત પડયો. બિન્નીવ ઈંદોરની જેમ હવે ત્યાં પણ જોવા ના મળ્યો. મિશનરીના સંચાલકોએ રૂટિન ઉત્તર આપતા હોય તેમ જણાવી દીધું કે, ‘બિન્નીીને એક વિદેશી દંપતી દત્તક લઇ ગયું છે.’

આદિત્ય ધ્રૂસકે ધ્રૂસકે રડી પડયો. તેણે કહ્યું કે, ‘મને તમારે જણાવું તો જોઇએ જોઇતું હતું.’ મિશનરીના વડાએ વિચાર કર્યો કે, ‘તું ૩૦ વર્ષ સુધી તો આમ પણ દત્તક ન લઇ ના શકે. તે પછી પણ બાળક દત્તક કોને આપવું તેના અમારા માપદંડ હોય છે. આ તો મંદબુદ્ધિનું બાળક હતું. બાકી તો કેટલું મોટું વેઇટિંગ લિસ્ટ હોય ખબર છે ? તને તો બાળકને મળવા પણ દેતા હતા બાકી તે પણ શક્ય નથી.’ આદિત્યને સંભાળવો મુશ્કેલ હતો. તે ભારે ભગ્નહૃદય સાથે મમ્મી-પપ્પાને ઘેર ઈંદોર પહોંચ્યો. તેને એમ વિચાર ઝબક્યો કે કદાચ હજુ પણ તે બિન્નીેની દત્તક વિધિને અટકાવી શકે ? તે માર્ગદર્શન માટે ઈંદોરની મિશનરી પહોંચા ગયો. જે નર્સ બિન્નીે માટેનાં પ્રેમ અને વાત્સલ્યની સાક્ષી હતી તેણે આદિત્ય પાસેથી વચન લઇને ગુપ્ત માહિતી આપી કે, ‘બિન્નીગ હજુ ભોપાલમાં જ છે. ખરેખર તો વિદેશી દંપતીઓ પાસેથી જંગી ડોનેશન મળતું હોઇ બિન્ની સહિતના બાળકોને એક સાથે ટ્રાન્સફર કરવાનું કૌભાંડ આકાર પામી રહ્યું છે. આમાં કંઇ નવું કે ચોંકાવનારું નથી. જુદી જુદી તમામ સંસ્થાઓનો આવા કૌભાંડો-લેતી દેતી થતી જ હોય છે. તારે જો બિન્નીંને મેળવવો હોય તો ટોચના લેવલેથી બધું અટકાવવું પડશે.’

આદિત્યને આશાનું કિરણ દેખાયું. બિન્નીય હજુ ભોપાલમાં જ છે તે સમાચાર તેને જોમ આપવા માટે પૂરતા હતા.

આદિત્યએ બિન્નીર અને બાળકો ગેરકાયદેસર રીતે વિદેશ ન ચાલ્યા જાય તે માટે મધ્યપ્રદેશની સરકારથી શરૂ કરીને વડાપ્રધાન, અન્ના હઝારે, કિરણ બેદી સહિત ૫૦૦-૬૦૦ ઈ-મેલ કરીને આ કૌભાંડ અંગે જાણ કરી. તે બિન્નીવને દત્તક લેવા માંગે છે તે ભૂમિકા પણ તેના પત્રમાં બાંધેલી હતી.

કેન્દ્રના મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીને રૂબરૂ મળવાનો આદિત્યએ સમય માંગેલો તે મંજૂર થયો.

આદિત્યએ મેનકા ગાંધીને તેના બિન્નીત પાસેના લગાવથી માંડી તેને દત્તક લેવા માટેનું મુખ્ય વિઘ્ન ૩૦ વર્ષની વય હોવી જોઇએ તે અંગે ભારે હૈયે જણાવ્યું.

મેનકા ગાંધીએ સૌપ્રથમ તો તેમના મંત્રાલય હસ્તકના સેન્ટ્રલ એડોપ્શન રીસોર્સ ઓથોરિટીને ભોપાલની મિશનરીમાં ચાલતી ગતિવિધિ પર રોક લગાવીને રીપોર્ટ આપવા જણાવ્યું. તે સાથે જ બિન્નીર ભોપાલની બહાર ના જવો જોઇએ તેવા નિર્દેશ પાઠવ્યા. આ દરમ્યાન આદિત્યએ મેનકા ગાંધીને સતત એ સમજાવવામાં સફળતા મેળવી કે દત્તક લેવા માટે વાલીની ઓછામાં ઓછી વય ૩૦ની જ શા માટે હોવી જોઇએ. દત્તક ઈચ્છુક વ્યક્તિએ લગ્ન ના કર્યા હોય અને જો દત્તક આપનાર ઓથોરિટી વ્યક્તિની સંવેદના પામીને નો ઓબ્જેકશન સર્ટિફિકેટ આપવા તૈયાર હોય તો તેવા જેન્યુઇન કેસમાં સિંગલ ફાધર કે સિંગલ મધરને પણ બદલાતા જમાનામાં બાળકને દત્તક આપવામાં વ્યવહારુ અભિગમ અપનાવવો જોઇએ તેમ તેણે મેનકા ગાંધીને સૂચન કર્યું. અલબત્ત, દત્તક લેનારનું બેકગ્રાઉન્ડ, ચારિત્ર્ય, મનોસ્થિરતા ચોક્કસ ચકાસવું જોઇએ.

મેનકા ગાંધીને પણ આદિત્યની અર્જમાં એક માતા કરતા પણ વધુ દર્દ જણાયું. તેમના મંત્રાલયે આદિત્યએ જે વિનંતી સૂચિત કરી હતી તે જ પ્રમાણે સુધારેલો પ્રસ્તાવ કેન્દ્ર સરકાર સમક્ષ મૂક્યો. ૯ મે ૨૦૧૫માં બંને ગૃહોમાં બિલ મજૂર થયું. ૧ ઓગસ્ટ, ૨૦૧૫ના રોજ બાળકને દત્તક લેવા સંબંધી નવી માર્ગદર્શિકા જાહેર થઇ જેમાં ૩૦ની જગાએ ૨૫ વર્ષની વયમર્યાદા કરવામાં આવી હતી. સિંગલ ફાધર કે મધર માટે પણ પ્રોત્સાહક નીતિઓ રાખવામાં આવી છે.

તરત જ આદિત્યએ જરૂરી અરજી અને પ્રક્રિયા પ્રારંભી દીધી. મેનકા ગાંધીએ ખાસ ભોપાલ આવીને મિશનરીની મુલાકાત લઇને આદિત્ય તેમજ બિન્નીિના મિલનને માણ્યું.

આદિત્ય ૨૭ વર્ષની વયે સૌથી યુવા અને સિંગલ પેરેન્ટ બન્યો. તે પણ એક માનસિક ચેલેન્જ્ડ બાળકનો.

ઘરમાં પૌત્ર આવ્યાનો હર્ષ આદિત્યના મમ્મી-પપ્પાને એ હદે છે કે તેઓ હવે આદિત્ય અને બિન્નીજ જોડે રહેવા પૂણે જ શિફ્ટ થઇ ગયા છે. પૂણેમાં આદિત્યની ઓફિસ નજીક જ બિન્ની જેવા બાળકની ડે કેર સ્કૂલ છે. આદિત્ય ઓફિસે જતા તેને મૂકી આવે અને આવતા લઇ આવે. રાત્રે બધા ભેગા થઇને બિન્નીન જોડે રમે.

આદિત્યને શ્રદ્ધા છે કે બિન્નીિ મોટો થઇને તુલનાત્મક રીતે અન્ય આવા બાળકો કરતા બહેતર હશે. જોકે તેનો બિન્નીન માટેનો પ્રેમ તો કોઇ માતાની જેમ બિનશરતી છે.

…અને હા.. આદિત્યને એ પણ શ્રદ્ધા છે કે તેના જીવનધ્યેયને સમજનારી કન્યા પણ તેને મળી જ જશે… આદિત્યની સંવેદનાના તેજને સાચુકલો સૂરજ સલામ કરતો હશે !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “ભારતનો સૌથી નાની વયનો સિંગલ પેરેન્ટ : આદિત્ય – ભવેન કચ્છી”

Copy Protected by Chetan's WP-Copyprotect.