પત્નીને સંબોધન – નિરંજન ત્રિવેદી

હોળી(‘કોના બાપની હોળી’ પુસ્તકમાંથી સાભાર. આ પુસ્તક રીડ ગુજરાતીને મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)

આજે સિક્કાની બીજી બાજુની વાત કરવી છે. કેટલાક વખત અગાઉ, પતિને પત્ની કઈ રીતે સંબોધિત કરે તેની વાત કરી હતી. આજે બીજી બાજુ, મતલબ કે પતિ પત્નીને કઈ રીતે સંબોધિત કરે તેની કેટલીક વાત કરું છું.

મારા એક મિત્ર છે. એમની પત્નીનું નામ લતા છે. એ એમને લતા કહીને નથી બોલાવતા પણ તાલ કહી બોલાવે છે. અમારા એ મિત્ર અત્યંત રમૂજપ્રિય છે. મેં એને પૂછ્યું, ‘અલ્યા, તું ભાભીને તાલ કેમ કહે છે ? તારી દરેક વાતમાં તે તાલ આપે છે એટલે ?’

‘હજી એવી સુનહરી ઘડી આવી નથી કે તે મારી વાતમાં સૂર પુરાવે… તાલ અપાવે… એ તો દરેક વાતમાં વિરોધીસૂર જ કાઢે, મારી સાથે સંમત થાય જ નહીં. હા, એક વાર ઘરમાં બે ડાઘિયા કૂતરા લડતા લડતા ધસી આવ્યા, ત્યારે તે મેં બતાવેલા બારણેથી નાસી છૂટવા સંમત થઈ હતી. એ સિવાય તે મારી સાથે સંમત ન થઈ શકે.’

‘તો તું ભાભીને તાલ કેમ કહે છે ?’

‘આ જો મારે માથે ટાલ છે એ તાલ, લતાને આભારી છે. એટલે એને હું તાલ કહું છું.’

મેં મિત્રને કહ્યું, ‘ભાભી આવ્યાં પછી તો તું બે પાંદડે નહીં, પણ બારસો પાંદડે થયો અને તું કહે છે ટાલ પડી ગઈ ?’ પણ એ મિત્ર પત્નીના નામ લતા સાથે તાલનો લય જળવાય છે એટલાં કારણોસર પોતાની પત્નીને તાલ કહે છે.

એક મિત્ર તેમની પત્નીને ભારખાનું કહે છે. વાત એમ હતી કે એમની પત્નીએ કહ્યું, ‘તમારા આખા ઘરનો ભાર વેંઢારું છું. પણ તમને કદર નથી, હું હવે ભારતીમાંથી ભારખાનું બની ગઈ છું.’ બસ છોટીસી બાત કા ફસાના બન ગયા… એ પતિદેવે પત્નીના આ નિવેદનને નામ બદલવાની એફિડેવિટ ગણી લીધી. હવે એ પત્નીને ભારખાનું કહીને જ બોલાવે છે. એના પુત્રે કહ્યું, ‘પપ્પા, મને ભૂખ લાગી છે.’ તો એ ભાઈ કહે, ‘જા, ભારખાનાને કહે.’

એની સામે આપણી ભારતીય સ્ત્રીઓ જુઓ, પતિને જાડિયા કે કાળિયા નથી કહેતી. મને યાદ છે ત્યાં સુધી ક્યારે પણ મારી પત્નીએ મને એમ નથી કહ્યું કે, ‘કાળિયા, જા બાથરૂમમાં, મોડું થયું છે, નાહી લે.’ કારણ એ ભારતીય નારી છે. ચિનગારી નહીં પણ ફૂલ છે.

કેટલાક પુરુષો પત્નીને બાળકના નામે બોલાવે છે. અમે જે પોળમાં રહેતા, તેના ચોકઠામાં જ જયંતીભાઈ રહે. એમનો દીકરો બિપિન મારો મિત્ર. (નામ બદલાવ્યું છે.) જયંતીભાઈ રાત્રે ઘેર આવે ત્યારે બંધ બારણે ટકોરા મારે અને બૂમ પાડે. ‘બિપિન… બિપિન…’ એક વાર આવી બૂમ સાંભળી દૂરના ઓટલે મારી સાથે બેઠેલા બિપિનને કહ્યું, ‘તારા ફાધર તને બોલાવે છે.’ તેણે સ્વસ્થતાથી કહ્યું, ‘મને નહીં પણ મારી મમ્મીને બોલાવે છે.’ કોઈ સ્ત્રીનું નામ પણ બિપિન હોઈ શકે તેની મને નવાઈ લાગી.

કેટલાક પુરુષો પત્નીને એના નામથી નથી બોલાવતા પણ ડાર્લિંગ, હની એવા કોઈ શબ્દોથી સંબોધે છે. એક ભાઈ એની પત્નીને ડાર્લિંગ કરીને બોલાવે. એ પત્ની સાથે ઝઘડે ત્યારે પણ ડાર્લિંગ શબ્દ તો વાપરે જ. ‘ડાર્લિંગ, તું તારા બાપને ઘેર જતી રહે.’ એમ જાકારો આપતાં પણ પત્નીને ડાર્લિંગ કહે. એમના ઘર પાસે એક વાર દૂધવાળો બૂમો પાડતો હતો. ‘ડાર્લિંગબહેન, દૂધ લઈ લ્યો.’ અગાઉ એ દૂધવાળો દૂધ આપવા આવે ત્યારે એનો પતિ કહે, ‘ડાર્લિંગ, દૂધ લઈ લે તો દૂધવાળો આવ્યો છે.’ દૂધવાળો આ સાંભળે. એને એમ કે આ બહેનનું નામ જ ડાર્લિંગ હશે એટલે એણે ડાર્લિંગબહેન દૂધ લઈ લ્યો તેવી બૂમ પાડેલી.

મારા પિતાના સમયના પુરુષો પત્નીને નામથી નથી બોલાવતા. એક અત્યંત જૂના પિક્ચરમાં કોમેડિયનને ઘરે પાંચ-છ છોકરીઓ હતી. એ એની પત્નીને બોલાવતી વખતે બૂમ પાડે… ‘અરે ઓ લડકીયોં કી માં…’ આપણા પુરાણોના કાળમાં નાયકો પત્નીને નામથી બોલાવતા. ભગવાન રામ સીતામાતાને સીતે-સીતે કહેતા તે રામાયણમાં લખાયેલું છે. આપણાં પુરાણોમાં પણ જોવા મળે છે કે દેવો અને યક્ષ ગાંધર્વો પણ પત્નીને નામથી બોલાવતા હતા.

છગન કહે કે બૉસ પત્નીના સંબોધનમાં ગાંધીજીએ કમાલ કરી છે ને ! કસ્તૂરબાના નામમાંથી કસ્તૂર જ કાઢી નાખ્યું. કફ્ત બા જ રહેવા દીધું. રાષ્ટ્રપિતાએ પત્નીને બા બનાવી દીધાં. (કેટલીક પત્નીઓ પતિને બાવા બનાવી દે છે એ યાદ આવી ગયું.)

આધુનિક સમયમાં કેટલાક પતિઓ પત્નીને ‘બૉસ’ નામે બોલાવે છે. એમને સતત અહેસાસ રહે છે ઑફિસ જ નહીં, ઘરમાં પણ તેમની ઉપર કોઈક હકૂમત કરે છે.

એક વાર એક મિત્રને મેં પૂછ્યું, ‘મિત્ર, નાટક જોવા આવવું છે ?’ તેણે કહ્યું, ‘અડવાણીને પૂછી લઉં…’ (ત્યારે ભાજપનું શાસન હતું.) મેં કહ્યું, ‘આમાં અડવાણી ક્યાં આવ્યા ?’ ત્યારે એણે ચોખવટ કરી ‘અડવાણી એટલે અમારા ગૃહમંત્રી… મતલબ કે પત્ની…’ એ મિત્રે પત્નીને અડવાણી કહેવાનું રાખ્યું હતું.

[કુલ પાન ૧૯૨. કિંમત રૂ. ૨૦૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “પત્નીને સંબોધન – નિરંજન ત્રિવેદી”

Copy Protected by Chetan's WP-Copyprotect.