વિકાસ – દુર્ગેશ ઓઝા

(રીડ ગુજરાતીને પ્રસ્તુત વાર્તા મોકલવા બદલ શ્રી દુગેશભાઈ ઓઝા (પોરબંદર)નો ખૂબ ખૂબ આભાર. તેમની આ વાર્તા ‘અભિયાન’ સામયિકના ૨૮ જાન્યુઆરી, ૨૦૧૨ના અંકમાં પ્રકાશિત થઈ હતી. તેમની કલમને અનેક શુભકામના. આપ તેમનો 9898164988 અથવા durgeshoza@yahoo.co.in પર સંપર્ક કરી શકો છો.)

ચંપકલાલને ગામના મોટા ભાગના લોકો ‘નવતર પ્રાણી’ કહેતા. ચંપકલાલ દેખાય એટલે ‘હરિ તારાં નામ છે હજાર’ એવું મશ્કરીમાં ગાનાર લોકોએ એનાં બીજાં કેટલાંક નામ પણ પાડેલાં, જેમ કે… પાગલ, ધૂનીરામ, ઘેલારામ… વગેરે વગેરે. હા, બધા હજી તો ગાઢ નીંદરમાં હોય, ત્યાં ચંપકલાલ વહેલી સવારમાં નાહીધોઈને ગીતો લલકારતાં લલકરાતાં ઘરની બહાર નીકળી પડે. એને ખૂણેખાંચરે ફરવાની ટેવ. જ્યાં કોઈ ન જાય, ત્યાં ચંપકલાલ ‘ચપ’ દઈને પહોંચી જાય. ‘જ્યાં ન પહોંચે કોઈ માઈનો લાલ, ત્યાં પહોંચે અમારો આ ચંપકલાલ’ એવું ટીખળ કરનારા લોકો એની ફીરકી ઉતારવા મથતા. પણ કશું ગણકારે તો એ ચંપકલાલ શેના ? પોતાની મસ્તીમાં દૂર-દૂર ચાલ્યા જાય, ખાંખાંખોળા કરી આવે. ગુફા જેવું જોયું નથી કે અંદર કુતૂહલપૂર્વક ઘૂસ્યા નથી ! લોકો સલાહ આપતા કે, ‘રે’વા દ્યો. કોક દી’ અજાણી જગ્યાએ હાથ નાખશો કે પગ મૂકશો… ત્યાં જો સાપબાપ ભરાયો હશે તો તમારા દા’ડા ભરાઈ જાશે. તમે ભરાઈ પડશો. ચંપકલાલને બદલે પંચકલાલ બનવાનું મૂકી દ્યો !’ પણ ચંપકલાલ જેનું નામ. બધું હસવામાં કાઢી નાખે, વનવગડામાં ફર્યા કરે, ને કોઈ નવી જગ્યા મળી આવે તો તેની વાતો કર્યા કરે. ગામથી દૂર આવેલી નિર્જન જગ્યાએ જતા પણ એ અચકાતા નહીં.

પણ આજે તો હદ વળોટી ચંપકલાલે હદ કરી નાખી. ગામની ઉત્તર દિશામાં ધના પટેલની વાડી આવે. ત્યાં જ ગામની હદ પૂરી થયેલી ગણાતી. ત્યાંથી આગળ કોઈ જતું નહીં. ‘એ પછીની જગ્યા ભેદભરમવાળી, બિહામણી છે. ત્યાં ચિત્રવિચિત્ર અવાજો સંભળાય છે, ભટકતા જીવો અટ્ટહાસ્ય કરી નાચતા હોય છે, બહુ ભયંકર, ભેંકાર જગ્યા…’ એવી ઘણીબધી માન્યતા લોકો ધરાવતા હતા, પણ આવી બધી વાતો સાંભળી ચંપકલાલને તો ઊલટું ત્યાં જવાની ચાનક ચડી. ‘એ તો ભારે મજાનું. હુંય ભેગાભેગો એની હારે ગાઈશ અને રાસડા લઈશ. ટુ-ઇન-વન.’ ગામલોકોએ બહુ વાર્યા કે, ‘બીજે બધે હજી ઠીક હતું, પણ આવી ભેંકાર, અગોચર જગ્યાએ જવાનું ટાળો. ફિશિયારી છોડો ને એવી જગ્યાની મશ્કરી પણ ન કરો. ક્યાંક તમારો ઘડો લાડવો…’

‘શું ઘડો લાડવો ! અરે, હું ત્યાં જઈને ઘડો એક પાણી પીશ અને ચૂરમાનો લાડવો ખાઇશ. હું છું શંકર ભગવાનનો ભગત. ભૂતનાથ હારે હોય, પછી ડર શેનો ? મને કંઈ કરતાં કંઈ નહીં થાય. બમ બમ ભોલે. રવિવાર આવવા દ્યો એટલી વાર.’ ચંપકલાલે ત્યાં જવાનો પોતાનો અફર નિર્ણય જણાવી દીધો ને રવિવાર આવતાં જ ગામથી ઘણે દૂર આવેલી એ વેરાન જગ્યા તરફ એ ચાલી નીકળ્યા.

સામાન્ય રીતે બે-ત્રણ કલાકમાં પાછા આવી જતા ચંપકલાલ આજે પાંચ-છ કલાક પછી પણ ગામમાં પાછા ન ફર્યા એટલે લોકોને ધ્રાસકો પડ્યો. ‘નક્કી આજે એ ભગવાને પ્યારા…!’ પણ ત્યાં તો એ નાચતા-કૂદતા, દોડતાં દોડતાં આવી પહોંચ્યા. ઊંચે અવાજે ‘હર હર મહાદેવ’ બોલીને એણે ઊલટભેર પોતાનો અનુભવ કહી સંભળાવ્યો. વાત વાયુવેગે પ્રસરી ગઈ.

સૌ કોઈ ચંપકલાલને શાબાશી આપી રહ્યા ને પરિણામ એ આવ્યું કે બીજા રવિવારે ઘણા બધા લોકો એમની સાથે તે જગ્યાએ જવા થનગની રહ્યા.

થોડી વેરાન, ઉજ્જડ જગ્યા હતી, પણ એનાથી થોડે દૂર જ આગળ જતા જોવા મળી લીલીછમ વનરાજી. બાજુમાં જ જોવા મળ્યો મસ્ત ઘેઘૂર વડલો… એનાથી થોડે દૂર પાવન પીપળો. ને એ બંનેની વચ્ચોવચ્ચ સીધાસાદા શંકર ભગવાને શિવલિંગરૂપી આસન જમાવી દીધું હતું. એણે તો એ જ ઘડીએ આ અપૂજ શિવલિંગની પૂજા કરવી શરૂ કરી દીધી હતી. બાજુમાં સુંદર મજાનાં વૃક્ષો, નાનકડું ઝરણું… અલૌકિક કુદરતી વાતાવરણ. ગામ લોકો તો આ જગ્યા જોઈ ઝૂમી ઊઠ્યા. તેમણે જટાશંકરને ત્યાંના પૂજારી નીમવાનું નક્કી કરી તેને ત્યાં રહેવા જેવી જગ્યા બાંધી આપવાની વ્યવસ્થા પણ વિચારી લીધી ને ચંપકલાલને અભિનંદન આપ્યા.

ભોળાભટ્ટ, આનંદી એવાં જટાશંકરને તો મજા આવી ગઈ ને ચંપકલાલને તો ભારે મજા પડી ગઈ. ભીડભાડ વગરની જગ્યા, વડલો-પીપળો ને આ શિવલિંગ… શિવલિંગ હારે ડાયરેક્ટ ડાયલિંગ ! એ તો વારેઘડીએ અહીં આવવા માંડ્યા. ક્યારેક રોકાઈ પણ જતા. નામ રાખ્યું ‘ભોળેશ્વર મહાદેવ…’ ગમે ત્યારે આવો-જાવ, દર્શન હંમેશા થાય. મન ફાવે તેમ પોતપોતાની રીતે બેરોકટોક પૂજા કરો. વિધિ-મંત્ર આવડે કે ન આવડે, પત્ર, પુષ્પ, દૂધ કે જળ હોય કે ન હોય… બધું ચાલે ! શિવલિંગના માથે હાથ ફેરવો, એને ગળે વળગો, બધી છૂટ. કોઈ રીતિરિવાજ, જડ નિયમો, કૃત્રિતમા નહીં. પૂછ્યાગાછ્યા વિના સીધા ઘૂસી જાય, સૂતાં-સૂતાં, ઊભાં-ઊભાં કે બેઠાં-બેઠાં તમારી રીતે પ્રેમથી અર્ચન-ભજન કરો, વાતો કરો, વડવાઈ સંગ હીંચકા ખાવ ! ચોવીસે કલાક બારણાં ખુલ્લાં. અરે બારણાં જ ક્યાં હતાં ! હૈયાનાં બારણાં સાવ ખુલ્લાં હતાં.

ચંપકલાલ આવું જ કંઈક કરતાં. શિવલિંગ હારે બાળકની જેમ ગાંડીઘેલી વાતો કરતા, ‘કેમ છો ભોળાનાથ ? મજામાં ને ? ઘરે બધા આનંદમાં ને ? બધાને મારા પ્રણામ કહેજો. તમને કાલની જ વાત કહું. કાલે એવું થયું કે…!’ ને નીંદર આવે એટલે માથું શિવલિંગની ઉપર જ રાખીને…! કોઈ વાર કોઈ જોઈ જતું ને ટોકતું ત્યારે એ કહેતા, ‘ભગવાનને વાંધો નથી, તે કંઈ નથી કહેતા, તો તમને શું પેટમાં દુઃખે છે ? ને હું તો એમ કરી ભગવાનને ‘વા’લી’ કરું છું. ભગવાન મારી મા, મારો બાપ. હું એનાં ખોળામાં શું કામે ન સૂઈ જાઉં ?!’ એની આવી ધૂની વર્તણૂક જોઈને ગામનો એના જેવો જ એક ધૂની માણસ મગન એક દિવસ કારેલાંનો રસ લઈને આવ્યો. એણે તો શિવલિંગ ઉપર એનો અભિષેક કર્યો. પછી એનાં થોડાં ટીપાં પોતે લાવેલા શીશામાં નાખ્યાં. કોઈએ રોકવાની કોશિશ કરી તો એ કહે, ‘મને ડાયાબિટીસ છે. દાક્તરે મને કારેલાંનો રસ પીવાનું કીધું છે, પણ હું ભગવાનને ધર્યા વિના કાંઈ પણ વસ્તુ મોઢામાં નથી નાખતો. હવે જો જો. આ કારેલાંની ધાર શિવલિંગ ઉપર થઈ એટલે ડાયાબિટીસ ગાંડો થઈ ભાગી છૂટશે.’

‘પણ એલા મગના ડોબા, ભોળાનાથને કડવો વખ જેવો કારેલાંનો રસ કોઈ દી’ ચડાવાય ? અભિષેક દૂધનો જોયો, ઘીનો જોયો, પાણીનો જોયો… પણ આ કારેલાંનો રેલો ?! ન થા આમ ઘેલો. આ તો ભગવાનું હળાહળ અપમાન કે;વાય !’ બધાએ મગનની સામે મોરચો માંડ્યો ને ત્યારે મગને જે જવાબ આપ્યો તે સાંભળી બધા મૂંગામંતર થઈ ગયા. એ બોલ્યો, ‘હું રયો ભગવાનની જેમ સાવ ભોળો. મને વિધિબિધિમાં ઝાઝી ગતાગમ નો’ પડે. પણ સાંભળો તમે બધા. શંકર ભગવાન આનાથીય ચાર ચાસણી ચડે એવું કાતિલ ઝેર લોકોને બચાવવા એયને ટેસથી ગટગટવી ગ્યા’તા ને એટલે તો એનું નામ નીલકંઠ મહાદેવ પડ્યું. એની સામે આ કારેલાંની શું વિસાત ? કડવાં કારેલાંના ગુણ ન હોય કડવા. એને આ રસ વાયડો નહીં પડે. ને વળી મેં એને પ્રેમથી પાયો છે એટલે કારેલાંનો રસ પણ એને મીઠો મધ જેવો લાગ્યો હશે, શું સમજ્યા ? બોલો નીલકંઠ મહાદેવ કી…!’ બધાએ જય બોલાવી.

આવાં તો કંઈ કેટલાંય કૌતુક આ જગ્યાએ થતાં રહ્યાં, એક કૂતરો ને એક બિલાડી શિવલિંગની બાજુમાં આવીને રોજ સૂઈ જાય. બધાના કહેવા છતાં જટાશંકર પૂજારી એને કાઢી ન મૂકતા ને કહેતાં, ‘આ કૂતરો બિલ્લીને મારવા આવેલો, પણ બિલ્લી શિવલિંગ આગળ ગઈ ને કૂતરો સાવ બદલાઈ ગયો. મને થયું કે આ બિલાડી બિલ્લી છે કે બિલીપત્ર ? બંને પાકાં દોસ્ત થઈ ગયાં. એકબીજાના માટે ખાવાનું લાવે, હળીમળીને રહે. ને કૂતરો તો હવે અહીંનો પાકો ચોકીદાર. કોઈ તોફાન કે ગંદકી કરવા જાય તો ભસીને હાંકી કાઢે છે. તો પછી હું તેમને કેમ કરીને હાંકી કાઢું, બોલો જોઈએ ?’

ને થયું એવું કે આ જગ્યા કે જે પહેલાં નિર્જન હતી, ભયંકર લાગતી હતી તે હવે લોકોને ગમવા લાગી. હજી ભીડ કે ધસારો નહોતો, પણ એટલું ખરું કે બીક ઘટવા લાગી ને ત્યાં આવનારા લોકોની સંખ્યા વધવા લાગી. પોતાનાં ન થતાં કામ થવા લાગ્યાં, ઇચ્છા પૂરી થવા લાગી એ આ ભોળેશ્વર મહાદેવના પ્રતાપે, એમ લોકો માનવા લાગ્યા. શાપિત જણાતી જગ્યા હવે વરદાનરૂપ લાગવા માંડી. ‘જેના પ્રતાપે ગામમાં સુખની લહેર દોડી છે, તે જગ્યા આમ નિર્જન, ભેંકાર રહે તે કેમ ચાલે ? ભગવાનની કૃપાથી લોકો સુખેથી ઘરમાં રહેતા થયા ને ખુદ ભગવાન ખુલ્લામાં ?! અહીં એક મોટું મંદિર બાંધી શિવલિંગની પ્રાણપ્રતિષ્ઠા કરી આ જગ્યાની પ્રતિષ્ઠા વધારવી જોઈએ. ભવ્ય પર્યટનસ્થળ તરીકે આ જગ્યા વિકસે તો ભારે પુણ્યનું કામ થયું ગણાશે. પૂજારી, ટ્રસ્ટી, ભક્તજનો વગેરે માટે મકાન, આરામગૃહ, ઓફિસ વગેરે થાય તો જગ્યાની કાયાપલટ થઈ જાય…’ આવાં વિચારો વહેતા થયા. લોકોએ ગામના આગેવાનોને કાને વાત નાખી આ માટે તેમને તૈયાર કર્યાં. નવાઈની વાત એ હતી કે આ જગ્યાના પાયામાં જે મુખ્ય ગણાય તેવા ચંપકલાલને આ વાતની જાણ કરવામાં નહોતી આવી.

‘એ તો ધૂનીરામ, એને આમાં શી ગતાગમ પડે ?’ એમ લોકોએ માન્યું. ને બીજું, એ લોકો ચંપકલાલને સરપ્રાઈઝ આપવા માંગતા હતા. ‘જેણે આ સુંદર જગ્યા શોધી આપી આપણને ધન્ય બનાવ્યા, તેને આ જગ્યા વધુ સુંદર બને તે વાત સાવ પાકું થયા પછી કહીને તેને સાનંદ નવાઈમાં ગરકાવ કરી દઈએ તો ચંપકલાલની અનેરી મસ્તી જોવા મળશે’- એવી લોકોની ગણતરી હતી.

પણ આવડી મોટી વાત ચંપકલાલના કાને ન જાય એમ કેમ બને ? તેને ઉડતી ઉડતી વાતની ગંધ તો આવી જ ગઈ હતી.

અંતે, અતિ મહત્વની મીટિંગમાં ભોળેશ્વર મહાદેવની જગ્યાનો વિકાસ કરવાનો પાકો નિર્ણય લેવાઈ ગયો. ત્યાં જવા માટે પાકો રસ્તો, મંદિર પરિસર, ગર્ભગૃહ, મકાનો વગેરેના નકશા મંજૂર પણ થઈ ગયા. મીટિંગ પૂરી થવામાં હતી. બધાં હોંશભેર આ ખુશખબર આપવા ચંપકલાલને ઘેર પહોંચવા ઉતાવળા થયા હતા, ત્યાં જ ‘ભોળેશ્વર મહાદેવ કી’ – એવો બુલંદ જયઘોષ કાને પડ્યો, જેને ‘જય’ કહીને સૌએ હરખભેર ઝીલ્યો. હા, ચંપકલાલ આવી પહોંચ્યા હતા. વાતાવરણમાં ખુશીની લહેર ફરી વળી. મંદિર સમિતિના નિમાયેલા પ્રમુખે ચંપકલાલને આવકારી માનભેર સ્થાન આપ્યું ને પછી ઉત્સાહભેર વાત માંડી.

‘અમે તો તમારે ત્યાં આવતા જ હતાં, તમને સરપ્રાઈઝ આપવી’તી, પણ ઊલટું તમે જ અમને…! જો કે સારું થયું. આનું નામ સંયોગ. તમારા પ્રતાપે જ તો આજે ગામને ભગવાન મળ્યા છે, ફળ્યા છે. એમને રઝળતા કેમ રખાય ? ગમે તે માણસ કે ઢોર બેરોકટોક પવિત્ર શિવલિંગ પાસે ધસી જઈ આવી પાવન જગ્યાનું અપમાન ન કરે, જગ્યાની શોભા વધી જાય એ માટે અમે એક એવી યોજના ઘડી છે કે તે સાંભળી તમે ખુશ થઈ જશો ખુશ !’

‘શું વાત કરો છે જીવણલાલ શેઠ ? તો તો તમારા મોઢામાં ઘી-સાકર. ઝટ બોલો ભાઈ.’ ચંપકલાલે અધીરા થઈ રાજીપો બતાવ્યો એટલે શેઠે પોરસાઈને માંડીને બધી વાત કરી. ને વાત પૂરી થતાં જ કોઈ બોલી ઊઠ્યું, ‘આખુંય મંદિર આરસપહાણનું બનાવવું છે. ચોમાસામાં માટી, ધૂળથી જગ્યા કેટલી બગડી જાય છે ? લોકો આ અદ્‍ભુત મંદિર જોઈને છક થઈ જશે છક. આ મંદિર આખાય શહેરમાં… અરે શહેરમાં શું ? આખા પંથકમાં સર્વશ્રેષ્ઠ બનીને રહેશે. કેમ છે બાકી આપણો ‘માસ્ટર પ્લાન’ ?’

‘ચંપકલાલ, ક્યા ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગયા ?’ એક આગેવાને આમ પૂછીને ઊમેર્યું, ‘ને આ તો હજી શરૂઆત છે. માત્ર ટ્રેલર છે ટ્રેલર. આગે આગે દેખીયે, હોતા હૈ ક્યા ? તમે ચિંતા ન કરો. વિકાસ કરવામાં જરાય કચાશ નહીં રખાય. મંદિરનો ઈતિહાસ લખાશે તેમાં તમારોય ખાસ ઉલ્લેખ કરવામાં આવશે. તમારું નામ અમર થઈ જશે. લોકો ગામેગામથી ઊમટી પડશે. મહાદેવની ખ્યાતિ કૂદકે ને ભૂસકે વધશે. ચંપકલાલ શું થયું ? તમે કેમ કાંઈ જવાબ…?!’

‘નહીં, એ કોઈ કાળે નહીં બને !’ ચંપકલાલે ત્રાડ પાડી, ને એમને અચંબામાં નાખવા તત્પર લોકો પોતે જ અચંબો પામી ગયા. ‘ચંપકલાલ, આ તમે બોલો છો ? આવી અવળવાણી કાં કાઢો ? તમે ઊઠીને, ભગવાનના સાચા ભગત થઈને ના પાડો છો ?’

‘હા, સાચો ભક્ત છું એટલે જ આ બધો ‘તાસીરો’ કરવાની ના પાડું છું. મારા ભોળિયાને આ નહીં ગમે. તમે શું બોલો છો, શું કરવા જઈ રહ્યા છો એનું તમને ભાન છે ?’

‘ચંપકલાલ, અમે પણ આ જ વાત તમને પૂછવા માંગીએ છીએ. તમે પહેલાં રાજીપો બતાવ્યો ને હવે અંગૂઠો બતાવો છો ? એકાએક આ તમને શું થઈ ગયું ? મંદિરનો ડંકો વાગશે ડંકો. કોઈ કારેલાંનો રસ ચડાવી જાય કે કૂતરાં-બિલાડાં આવી જાય એવું નહીં થાય, ગર્ભગૃહમાં માત્ર પૂજારી જ રહેશે. ફૂલ-હાર વગેરે જે કાંઈ ચડાવવું હોય તે બહારથી જ પૂજારીને આપી દેવાનું. અંદર કોઈને પ્રવેશવાની મનાઈ. પ્રભુની માન-મર્યાદા જાળવવાની કે નહીં ? મંદિરની શોભા, પ્રતિષ્ઠા, આવક વધશે. અમને એમ કે તમે ગાંડાની જેમ નાચી ઊઠશો. પણ તેને બદલે આ ‘ના, ‘ના’નું શું ગાંડપણ આદર્યું છે ? આખુંય ગામ ખુશ છે. મેળો ભરાશે, દુકાનો થશે, કંઈકને રોજગારી મળશે. ભક્તજનોની ભીડ જામશે. આ બધું તો વિચારો ચંપકલાલ…?’

‘ભાઈ, ભીડમાં ભગવાન જ ખોવાઈ જશે, ગૂંગળાઈ જશે એનું શું ? આ જગ્યા પર બાંધકામ કરવાથી ઊલટું જગ્યાની પવિત્રતા નંદવાશે. અમુક જગ્યાનો વિકાસ જ ન થવો જોઈએ, એમાં જ તેનો સાચો વિકાસ છે. હિત કરવાને બદલે અડચણ ઊભી કરે, વૃક્ષો કાપી પથ્થરનું જંગલ ઊભું થાય એ બધો વિકાસ નહીં પણ રકાસ છે, વિનાશ છે. દર્શનના જીવંત સ્પર્શનો પહેલાં જે આનંદ મળતો, તે સપનું બનીને રહી જશે. તમે મંદિરના આંગણામાં ખુલ્લા પગે માટી પર કદી ચાલ્યા છો ? ને વરસાદ પડે ત્યારે જે માટીની મહેંક ફૂટે છે ને હૃદયને ભરી દે છે, તે આરસપહાણનો બાપ આવે તોય ન મળે. પહેલાં શિવલિંગને ફૂલ ચડતાં, હવે ફૂલ-હારના યંત્રવત ઘા થશે. મંદિરમાં પૂજા નહીં થાય, વેપલો થશે વેપલો. મંદિર પૈસા બનાવવાનો હાટડો થઈ જશે. ને કૃત્રિમતા, ઔપચારિકતા વધી ગઈ હોય એવાં અનેક મંદિરો તો ગામમાં છે જ. આ એક કુદરતી મંદિર ઉપર તો નજર ન બગાડો ભાઈસા’બ ! એક સાચા સુગંધી ફૂલને હટાવી અનેક બનાવટી ફૂલો મૂકવાથી બાહ્ય સુંદરતા તેમ જ ભીડ કદાચ વધે, પણ સુગંધી સૌંદર્ય અને તાજગી નાશ પામે છે. શિવલિંગ ફરતે ગોળ કુંડાળું કરી બેસતા, ઝાડ પર ચડીને કાલીઘેલી ભાષા બોલતા બાળકો, પંખીઓ, ખરા ભક્તો… આ બધું અમૂલ્ય શું ગુમાવવાનું ? ચંપકલાલે ભીની આંખે વાત પૂરી કરી.

‘ચંપકલાલ, તમે જગ્યા ગોતી એ બદલ આભાર, પણ એ કોઈની અંગત માલિકીની નથી. તમારી આમાન્યા રાખીએ છીએ, પણ તમારા ‘જુનવાણી’ વિચારો અમને મંજૂર નથી. આવાં ‘વેવલાવેડા’ આજના જમાનામાં જરાય ન ચાલે, ત્યાં મંદિર બનીને જ રહેશે. આ જગ્યાનો વિકાસ થવો જ જોઈએ, ખરું ને ? તમારું બધાનું શું કહેવું છે ?’ આગેવાનો પૂછી રહ્યા ને. ‘ચંપકલાલ તો પાગલ છે, તરંગીલાલ છે, એને ખબર શું પડે…?’ એવા વિચારો વહેતા થયા. ચંપકલાલે તોય એક વધુ પ્રયત્ન કરતાં કહ્યું, ‘ભાઈ, હું વિકાસનો વિરોધી નથી. થોડુંઘણું કરો એ ઠીક છે… પણ જે મૂળતત્વને સાચવીને જમીન બેઠી છે, જગ્યાનો જે આત્મા છે તેનો જ વિકાસને નામે છેદ ઊડી જાય તેનો શો અર્થ ? કુદરતી જગ્યાનો વિકાસ કરવામાં કુદરતનો જ ભોગ લેવાય એ શું યોગ્ય છે ?’ પરંતુ ચંપકલાલનું કંઈ ન ચાલ્યું, ને કામ ચાલતું જ રહ્યું. ત્યાં વિશાળ મંદિર વગેરેનું બાંધકમ થઈને જ રહ્યું. ખાલી જગ્યા ભરાઈ ગઈ. અનેકનાં ‘ખિસ્સાં’ પણ ભરાઈ ગયાં. ભવ્ય ઉદ્‍ઘાટન સમારંભ અને જમણવાર યોજાયો. ચંપકલાલ તે દિવસે ગામની બહાર ચાલ્યા ગયા. જટાશંકર અને ગણ્યાગાંઠ્યા તરંગી લોકો પણ ગેરહાજર રહ્યા. જટાશંકરને હટાવી મંદિરમાં નવા પૂજારીની નિમણૂક કરવામાં આવી હતી.

ચંપકલાલે હવે ‘દિશા’ બદલી. તે દક્ષિણ દિશામાં દૂર-દૂર જવા માંડ્યા, પણ પાછા ફરતા ત્યારે ચહેરા પર જે પહેલાંની ખુશી ચમકતી, તે હવે ગાયબ હતી. એના મનનો ભાવ અકળ હતો. ઉદાસી જાણે ઘેરી વળી હોય, જાણે એ પહેલાંના ચંપકલાલ જ ન હોય એવું લોકોને લાગતું હતું. એક વખત જટાશંકરે એનો પીછો ફર્યો… ને ખૂબ દૂર આવેલી જગ્યા પર એમણે ચંપકલાલને ખુશ થયેલા જોયા. ચંપકલાલ ઝડપભેર તેની પાસે આવ્યા ને પછી આજુબાજુ નજર ફેરવી બોલી ઊઠ્યા, ‘આ જગ્યા મને એકાદ મહિના પહેલાં જ મળી ગઈ હતી. અહીં પણ વડલો, પીપળો વગેરે છે, પણ હવે આ જગ્યાને મારે ગુમાવવી નથી. મારે ભગવાનને વેચવા નથી. પ્રદર્શનમાં કે જેલમાં નથી મૂકવા. નવદંપતીની સેજ સજાવવા ફૂલો પાથરો, પણ તે એટલાં બધાં નહીં, કે તે મોતની પથારી લાગે ! તું ગામમાં જઈ હરખપદૂડો થઈ આ જગ્યાની જરા પણ વાત ભૂલેચૂકેય ન કરતો. તેના વખાણ ન કરતો બાપલા. એવા વિનાશકારી વિકાસની તો એક-બે ને ત્રણ.’ ચંપકલાલ આટલું કહેતાં તો ગળગળા થઈ ઊઠ્યા.

ચંપકલાલે ધૂળ-ઝાંખરાં વગેરેથી એ શિવલિંગને ઢાંકી દીધું. જટાશંકરે એની વિનંતીનો સ્વીકાર કરી ધરપત આપી ને ચંપકલાલ સામે જોયું. બંનેની આંખોમાં આંસુ હતા. ને અચાનક, બંનેને કોણ જાણે શું થયું કે બેઉ એ જગ્યા પર પાગલની જેમ હરખભેર નાચવા લાગ્યા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

14 thoughts on “વિકાસ – દુર્ગેશ ઓઝા”

Copy Protected by Chetan's WP-Copyprotect.