પપ્પાને લોટરી લાગી ! – કલ્પના જિતેન્દ્ર

(‘નવચેતન’ સામયિકના જુલાઈ, ૨૦૧૬ના અંકમાંથી સાભાર)

‘હિના, આ વાંચ્યું લે !’ નિરવે છાપું વાંચતાં વાંચતાં બૂમ પાડી. ‘વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધને દશ લાખની લોટરી લાગી.’

‘હં… અ… અ, ઈન્ટરેસ્ટિંગ ! બુઢ્ઢો નસીબદાર !’ હિનાએ ચાના કપ ટિપોઈ પર મૂકતાં કહ્યું, ‘ભગવાન પણ જો ને ! ઘરડા પર વરસી પડ્યો ! હવે શું જરૂર છે એને પૈસાની ! શું કરશે આટલા પૈસાનું ?’

ત્યાં જ ફોન રણક્યો.

નિરવે ઉઠાવ્યો, ‘હેલ્લો… ઓ હો ! ચૈતાલી ? ગુડમૉર્નિંગ ! આજે તો સવાર સવારમાં કાંઈ ? રવિવારે તો તું મોડે સુધી આરામ ફરમાવતી હોય છે !’

‘ભાઈ, વાંચ્યું ને પેપરમાં ?’ સ્વરમાં ઉત્તેજના હતી.

‘ના ! શું છે ?…’ નિરવ જરા ગભરાયો.

‘લોટરીના સમાચાર ! પાછલા પાને મોટા હેડિંગમાં છે.’

‘અમારા પેપરમાંય છે, પણ વચ્ચેના પાનામાં ને નાના અક્ષરમાં !’

‘વાંચ્યું ને તમે ! પપ્પાને લોટરી લાગી દશ લાખની !’

‘હેં ?! શું વાત કેરે છે તું ? પેપરમાં તો કોઈનું નામ નથી. માત્ર વૃદ્ધાશ્રમના રહેવાસી એટલું જ છે.’

‘એ પેપર મોટું છે. આ તો નાનું, એટલે નામ – એડ્રેસ બધું જ. પપ્પાનો ફોટો પણ છાપ્યો છે !’

‘એમ ?’ કહેતા નિરવની આંખ હિના સામે ટકરાઈ, એ તો આ સાંભળીને ઊભી જ થઈ ગઈ !

‘અચ્છા, તું મળી છો હમણાં એમને ?’

‘ના, આઠેક મહિના પહેલાં ગઈ’તી. બાકી તો જરાય સમય નથી મળતો ! તું છેલ્લે ક્યારે મળ્યો ?’

‘હં…અ, મારે પણ સાત-આઠ મહિના તો થઈ ગયા. જો ને આઠ મહિના પહેલાં, મમ્મીની પુણ્યતિથિ ઉપર પપ્પાએ વૃદ્ધાશ્રમમાં ભોજન ને ભજનનો કાર્યક્રમ હતો એટલે ગયો હતો. જી, હું તો ભૂલી જ ગયેલો, પપ્પાનો ફોન આવ્યો એટલે જવું પડ્યું.’

‘હું તો ત્યારે પણ જઈ ન શકી. જોને નીકળાતું જ નથી. રવિવારે પણ કોઈ ને કોઈ પ્રોગ્રામ હોય જ… તમે ચારેય ગયા’તા કે તું એકલો ?’

‘એકલો જ. પપ્પાની ઇચ્છા હતી કે મમ્મીની પુણ્યતિથિ છે તો હિના ને બાળકો પણ આવે. પણ તું જાણે છે ને હિનાને ઘરકામ હોય ને નીકુ ને ગુડ્ડી ત્યાં જાય ખરાં !’

‘ચાલ, જવા દે. સાંભળ, શું કહું છું હું !… દશ લાખનો દલ્લો લાગ્યો છે પપ્પાને. હરખ કરવા તો જવું પડશે ને !’

‘ક્યારે જઈશું ?… આજે રજા છે… સમય મળશે તને ?’

‘સમય નહિ હોય તોય કાઢવો જ પડશે. કારણ ફ્લૅટનું રિનોવેશન કરાવવું છે, બે-ત્રણ લાખ પપ્પા આપે તો ?’

‘મારે પણ બિઝનેસમાં જરૂર છે ત્રણ-ચાર લાખની !

…આમેય પપ્પાને શું કામ છે દશ લાખનું ? આમ જોઈએ તો આપણા જ છે ને વળી ! પાંચ પાંચ લાખ પાકી ગયા ! બહુ થાય તો ત્રણ ભાગ પડે. મારો, તારો ને પપ્પાનો ! ત્રણ લાખ ને તેંત્રીસ હજાર ખોટા નહિ !’

‘હં… એ વાત તો સાચી !’

‘એમ કર, તું ઝડપથી અહીં આવી જા, સાથે જ નીકળીએ. બે કલાકનો રસ્તો છે. દૂર ક્યાં છે ?’

‘હિના, નીકુ, ગુડ્ડીને પણ સાથે લઈએ, પપ્પાને મળાશે !’

‘બાકી, ખરા છે હો પપ્પા ! દશ લાખ મળ્યા તોય આપણને તો ફોન પણ નથી કરતા !… આ લોટરીની ટિકિટનો શોખ ક્યાંથી વળગ્યો ?… જે હોય તે આપણા ફાયદામાં છે ને !’
*
છેલ્લાં ચારેક વર્ષથી વૃદ્ધાશ્રમમાં રહેવા આવેલાં, ખરેખર તો તરછોડી દેવાયેલા રમણીકભાઈ લોટરી લાગ્યા પછી અત્યંત સક્રિય થઈ ગયા છે. આમેય તે સતત પ્રવૃત્તિને કોઈને ને કોઈને મદદરૂપ થતા રહ્યા છે. ખુલ્લી હવામાં, બાલ્કનીમાં હિંચકે હીંચકતા હતા ને માણસ કહેવા આવ્યો,

‘તમારા ઘરેથી સૌ આવ્યાં છે. મુલાકાત પેડમાં આવો છો કે અહીં મોકલું ?’ ‘અહીં જ મોકલ ને ?’

દીકરા-દીકરીના અચાનક આગમને ચમક્યાં, પણ હીંચકા પર પડેલાં ત્રણેક છાપાં પર નજર પડી ને સમજી ગયા. એ સાથે જ ભૂતકાળ ઊભરાઈ આવ્યો ! કડવી વાતો ભૂલી જવી હોય એમ આંખો મીંચી ગયા, પણ એમ આંખ બંધ કરી દેવાથી કડવાશ જતી રહેવાની હતી ? એ તો ઊભરાઈ જ !

મેડિકલ એક્ઝિક્યુટિવ હતા. આખા જિલ્લામાં ખૂબ ફર્યા. દવા-કંપની અને ડૉક્ટરો સાથે સારો સંપર્ક. નિવૃત્તિ પછી આરામની જિંદગી ફાવતી નહોતી, પણ પ્રેમાળ પત્નીના સંગાથે જીવી જવાયું. પત્નીના અવસાન પછી આકરું થઈ પડ્યું. શરૂઆતમાં દીકરા-વહુએ સાચવ્યા પણ પછી, પૌત્રને લેવા-મૂકવા જવું, શાકભાજી-દૂધ-દહીં લાવવાના કામમાં પરોવી નાંખ્યા. કામ બરાબર ન થાય તો વહુ છણકા પણ કરે ! મેણા-ટોણા એવા મારે કે કોળિયો ગળે ન ઊતરે !

ઓશિયાળ જિંદગીથી બરાબર ત્રાસી ગયા હતા, પણ શું કરે ? ક્યાં જાય ? એવામાં ત્રણેક વર્ષ પહેલાં દીકરા-વહુને વેકેશનમાં ફરવા જવું હતું. રમણીકભાઈને વૃદ્ધાશ્રમમાં રહેવાનું સૂચવાયું. આમ તો એક મહિનો દીકરીને ઘેર પણ રહી શકાત… પણ એણે ચોખ્ખો નનૈયો ભણી દીધો ! ઘરમાં જ રહી શકાત, રસોયણબાઈ કે ટિફિનની વ્યવસ્થા થઈ શકત… પણ કરવી હોય તો ને ?

હકીકતમાં હિના આ મકાનમાં એકલાં છોડી જવા માગતી નહોતી, ઊંડે ઊંડે આશંકા કે અમારી ગેરહાજરીમાં કોઈ સામાન આઘોપાછો ન થઈ જાય… ક્યાંક મકાન જ વેચી મારે તો ?

જોકે રમણીકભાએને આવો કોઈ વિચાર સુદ્ધાં નહોતો આવ્યો !… પણ દીકરા-વહુની વર્તણૂકથી કંટાળ્યા હતા એટલે થયું ‘ચાલને, વૃદ્ધાશ્રમનો અનુભવ લઈ આવું, જોઉં તો ખરો ! એક મહિનો રહી આવું !’… ને ખરેખર ઘર કરતાં અહીં વધારે ફાવ્યું. વિચાર્યું, ‘દીકરો તેડવા આવશે ત્યારે પ્રેમથી ના પાડી દઈશ.’ પણ એમને ના પાડવાનો વારો જ ન આવ્યો. તેડવા જ ન આવ્યો !

હા, ફરીને આવ્યા પછીય મહિના પછી ફોન જરૂર આવ્યો ! : ‘અમે આવી ગયાં છીએ, તમને ફાવે છે ને ? મળવા આવું છું, તમારો વધારે સામાન તો લાવું જ છું. બીજું કાંઈ જોઈતું હોય તો કહો.’

ખલાસ ! રમણીકભાઈને તો ઘરમાંથી વિદાય મળી ગઈ ! હળવો આંચકો લાગ્યો રમણીકભાઈને ! ખરેખર તો ધરતીકંપનો આંચકો લાગવો જોઈતો હતો, પણ મનમાં આવું કંઈક થશે એવી ઊંડી ઊંડી આશંકા હતી જ. દુઃખ તો ઘણું થયું પણ ત્યાંની ઓશિયાળ જિંદગી કરતા અહીંની સ્વતંત્ર જિંદગીની તે સારી વહાલી કરી લીધી. એમ.આર.ની નોકરીમાં પેન્શનની સુવિધા નહિ, પણ નિવૃત્તિ સમયે મળેલી મોટી રકમમાંથી આ મકાન બનાવ્યું. દીકરા-દીકરી પરણાવ્યાં.

લગ્ન સમયે દીકરીને ગાડું ભરીને કરિયાવર કર્યો ને હવે દીકરાએ આખું મકાન જ કરિયાવરમાં પચાવી પાડ્યું ! ખેર ! રમણીકભાઈએ આંખો ખોલી, એક નિઃશ્વાસ નાંખ્યો ને એની સાથે જ ભૂતકાળ ખંખેરી નાંખ્યો ! જરાક સ્વસ્થ થયા, હીંચકાને હળવો ઠેલો માર્યો ને મોબાઈલ હાથમાં લીધો.

દીકરો-વહુ, પૌત્ર-પૌત્રી, દીકરી સૌ આવ્યાં ત્યારે વાત ચાલુ જ હતી. એમણે આંખના ઇશારાથી આવકાર આપ્યો ને હાથના ઇશારાથી સામે ખુરશી પર બેસવાની જગ્યા બનાવી. સૌએ બેઠક લીધી.

રમણીકભાઈની વાતો મોબાઈલ પર ચાલતી જ રહી. એવું નહોતું કે એમની રિંગ સતત રણકતી હતી ને ફોન ઍટેન્ડ કરવો પડતો હતો, પણ એ જ એક પછી એક નંબર ડાયલ કરવા જતા હતા. એમની વાતોમાં દવાઓ, ટ્રીટમેન્ટ, ઍમ્બ્યુલન્સ વાન, ડૉક્ટરો વગેરે ઠલવાતું જતું હતું. ઘણી વારે વાત પૂરી કરી એમણે સામે નજર કરી.

‘લે ! આજે તો બધા સાગમટે મળવા આવ્યો છો ને શું ?… આમ અચાનક ?’

‘થયું કે ઘણાં સમયથી મળ્યા નથી તો જઈ આવીએ.’

‘ચાલો, બહુ સારું’, કહેતાં એમણે હીંચકા પર પથરાયેલા છાપાનાં પાનાંની વ્યવસ્થિત થપ્પી કરી. આમ કરતાં કરતાં ફરીથી છાપામાં નજર પણ કરી લીધી.

દીકરા-વહુએ એકબીજા સામે સૂચક નજરે જોયું ને પછી નજર નીચી ઢાળી દીધી. સૌ વારાફરતી પગે લાગ્યાં.

‘પપ્પા, ચાલો થોડા દિવસ ઘરે, ચેઇન્જ મળશે.’

‘હા, ચાલો પપ્પા. ક્યાં છે તમારો સામાન ? હું તૈયાર કરી નાખું. આ વખતે મારે ત્યાં પણ રહેવાનું છે !’

‘ના, ના, મને તો અહીં મજા છે. ક્યાંય નથી જવું !’

થોડી વાર આડીઅવળી વાતો ચાલતી રહી. રમણીકભાઈ આગમનનો હેતુ સમજી ગયા પણ દીકરાના મોંએ જ બોલાવવા માગતા હતા. નિરવથી ન રહેવાયું… ‘પપ્પા ! અભિનંદન. દશ લાખની લોટરી લાગી ને ?’

‘હા, જો ને, એની વ્યવસ્થામાં જ રોકાયેલો છું. દશ લાખનો સદ્‍ઉપયોગ કરવો છે. સૌપ્રથમ બે મોટી વાન ખરીદવી છે. એકમાં ફરતું દવાખાનું કરવું છે કે અંતરિયાળ ગામડાંમાં, ઝૂંપડપટ્ટીમાં જઈ શકે ને ગરીબ-જરૂરિયાતમંદને તાત્કાલિક સુવિધા મળી શકે. જેમાં આધુનિક સુવિધા, દવાઓ તથા ડૉક્ટરો પણ હોય. બીજી ઍમ્બ્યુલન્સ તૈયાર કરવી છે, જે પૅશન્ટને તાત્કાલિકમાં પહોંચાડી શકે.’

‘પપ્પા, પણ…’ હોઠે આવેલો ‘અમારો’ શબ્દ ગળી જઈ નિરવ બોલ્યો… ‘પણ તમારે માટે કશુંય નહિ રાખો ?’

‘ના, કશુંય નહિ, મારે શું જરૂર છે ? મારા કામમાં હજુ તો આટલાંય ઓછાં પડે છે. આ તો મારા અગાઉના સંપર્કના કારણે આટલું થઈ શકશે.

હજી તો મારે રૂરલ પુસ્તકાલય કરવાની ઇચ્છા છે, થશે કે કેમ ? કોણ જાણે ? ખાસ તો ઍમ્બ્યુલન્સ વાનને ફરતા દવાખાના પ્રસંગે તમને બોલાવીશ. તારી મમ્મીની પુણ્યતિથિ ઉપર જ આ ગોઠવેલું છે ત્યારે સૌ જરૂર આવજો હોં !

ચાલો, ચા-નાસ્તો કરીને તમે નીકળો, મારે પણ ઘણું કામ છે. દશ લાખની સારા લોકોને “એમણે ‘સારા’ શબ્દો પર ભાર દીધો. કહ્યું, ‘સારા માણસોના હાથમાં સારાં કામ માટે, નિઃસ્વાર્થભાવે અને સારી રીતે વપરાય એની ગોઠવણ કરવી એ કાંઈ જેવુંતેવું કામ છે ?’ પછી બોલ્યા : ‘શું કો’ છો ?’

*
સંપર્ક : ૧૦૧, અખંડઆનંદ કોમ્પ્લેક્ષ, શશીપ્રભુ ચોક, રૂપાણી, ભાવનગર-૩૬૪૦૦૧

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

23 thoughts on “પપ્પાને લોટરી લાગી ! – કલ્પના જિતેન્દ્ર”

Copy Protected by Chetan's WP-Copyprotect.