પાનખરનો પમરાટ – વર્ષા તન્ના

(‘અખંડ આનંદ’ સામયિકના જુલાઈ, ૨૦૧૬ના અંકમાંથી સાભાર)

આંગણામાં આપણે ફૂલ છોડ વાવ્યાં હોય તો ઘરની શોભા વધી જાય છે. આ ફૂલ કરમાઈ જાય ત્યારે આંગણું પણ કરમાઈ ગયું હોય તેવું લાગ્યા કરે. આવું અમેરિકામાં લગભગ છ મહિના રહે. આપણે ભારતીયો ખૂબ નસીબદાર છીએ આપણે ત્યાં શિયાળો, ઉનાળો અને ચોમાસુ એમ ત્રણ ઋતુઓનાં વરદાન મળ્યાં છે. જ્યારે અમેરિકા પર કુદરતની થોડી કૃપા ઓછી છે. ભૌગોલિક રીતે ઘણો મોટો દેશ હોવાથી અહીં ઋતુઓ બધે એકસરખી હોતી નથી. છતાં અહીં બે જ ઋતુ હોય છે. શિયાળો અને ઉનાળો. ચોમાસાને નામે મેઘરાજા ક્યારે પણ આંટો મારી જાય ભલે ને કડકડતો શિયાળો હોય કે પછી ધોમધખતો ઉનાળો. મેઘરાજાને કશું નડતું નથી. તે તો મન પડે ત્યારે આવે અને વરસી પાછો પેલા મિસ્ટર ઇન્ડિયાની જેમ અદ્રશ્ય પણ થઈ જાય ખરો !

અહીં સમરમાં, સ્પ્રિંગ એટલે લોકો માટે રળિયામણો તહેવાર. કુદરતની રળિયાત મળે અને તેનાથી માનવીના મનની રળિયાત પણ વધે. રંગબેરંગી ફૂલો આખો દિવસ ગાતાં હોય. વૃક્ષો ચારેબાજુ ડોલતાં હોય અને તેને સાથ આપવા પક્ષીઓ પણ આવી મેઘધનુને આકાશમાંથી નીચે આણવાનો પ્રયત્ન કરે. પણ આ બધું તો ચાર દિનકી ચાંદની. અહીં ઠંડી વધારે સમય રાજ કરે છે.

અહીંનાં ઝાડ આમ તો લીલાંછમ પણ પાનખર આવવાની તૈયારી સાવ નોખી રીતે કરે. પાનખર આવે તે પહેલાં ફોલ આવે તેમ કહેવાય. અહીં ઠંડી એકદમ ત્રાટકતી નથી પણ બિલાડીની જેમ છાને પગલે આવે છે. આ પગલાંની છાપ ઝાડ પર આપણને જોવા મળે છે. અહીં ઝાડના પાન એકદમથી ખરી જતાં નથી પણ પ્રથમ તેના રંગ બદલે છે. લીલાંછમ પાન ક્યારેક મરુન રંગની ઓઢણી ઓઢે છે તો ક્યારેક કેસરિયો સાફો બાંધી લે છે તો જાંબુડિયો રંગ અહીંનો ખાસ રંગ છે. કારણ કે અહીં ફૂલોમાં પણ જાંબુડિયા રંગની મેજોરિટી આખા અમેરિકામાં તમને જોવા મળશે. તો પાન પણ તે ફૂલો સાથે હરીફાઈમાં ઊતરતાં હોય તેમ જાંબુડી રંગનાં થઈ જાય છે અને ધરતીનો ભૂખરો કથ્થાઈ રંગ તો ખરો જ ! ફૂલો ખરી જાય પણ આખેઆખું મેઘધનુ આ પાન દરબારની શોભા જોઈ ચોક્કસ શરમાઈ જાય. મોરના થનગનાટની જેમ પાનની શોભા નૃત્ય કરતી ભાસે છે. શિયાળામાં અહીં રાત લાંબી છે. ચાર વાગે સાંજ પડી જાય અને પાંચ વાગે રાત. એટલે સૂરજદાદને અહીં ઝાઝું ગમતું નથી, એટલે જલદી જલદી એક ફેરો મારી જતા રહે છે. એટલે પાન જે લીલુડા રંગના હોય તે આપોઆપ હવે પોતાનો મૂળ રંગ ધારણ કરી લે છે. કારણ કે આ લીલો રંગ તો તેનો ખોરાક બનાવવા માટે જરૂરી છે. હવે તે ઝાડ મૂળ પાસેથી પોતાનું પોષણ મેળવે છે, કશા ઝઘડા વગર.

આ કુદરતી ક્રમ છે. તો લોકો પણ આવી જ રીતે ટેવાઈ ગયા છે અને કુદરતના ક્રમને અપનાવી લીધો છે. અહીં સંયુક્ત કુટુંબની પ્રથા નથી. અહીં આવેલા બીજા દેશના લોકો પણ સંયુક્ત રીતે રહેતા નથી. આખી જિંદગીમાં જેટલું કામ કરી શકો તેટલું કરો અને પછી આવી પાનખરમાં એક ઝાડ કેમ પોતાના મૂળ પાસેથી લઈ જીવે છે તેવી જ રીતે પોતે કરેલી બચતથી તેઓ સરસ રીતે પોતાની જિંદગી જીવે છે. સરકાર અહીં મા-બાપ અને તે આ વૃદ્ધોને નિભાવે છે. તેને કારણે લોકો પણ પાન જેમ પડવાનું છે ખરવાનું છે તેનું દુઃખ મનાવવાને બદલે પોતાની મનગમતી રીતે જીવનનો ઉત્સવ મનાવે છે. આમ અહીં પાનખર આવવાની તૈયારી છે પણ કકળાટ નથી. મૃત્યુ આવવાનું છે. એકલતાને પોતાના શોખથી પોતાના સ્વજન સાથે ઊજવે છે. અહીં વયનો છોછ નથી. અહીં પ્રેમનો છોછ નથી. અહીં છોછ છે તો માત્ર વેદનાનો. આ કુદરતી રીતે ઉલ્લાસિત થયેલા રંગોને પણ જોવા લોકો નીકળી પડે છે. આમ અહીં પાનખર એટલે કે વેદનાનું પણ વ્યાપારીકરણ કરી વેદનાનો ઉત્સવ ઊજવે છે. પોતાની એકલતાને અહીં લોકો આ ફોલ્સના રંગોમાં ભૂલી જાય છે અને કુદરતના ઓમકારે રંગાઈ જાય છે.

પાનખર પોતાનો રંગ બદલે છે પણ તેને એક વખત ખરવું તો પડે જ છે. પછી વૃક્ષો સાવ એકલાં પાન વગરનાં ઠૂંઠાં થઈ જાય છે. પાન વગરનાં વૃક્ષોની કતારને જોઈએ તો નાગાબાવાની જમાત ઊભી હોય તેવું લાગે. આ ઝાડને એમ નહીં થતું હોય કે મારાં પાન ખરી આ ધરતીમાં મળી ગયાં. મારી પર જેણે ઘર બનાવ્યું હતું તે બધા પક્ષીઓ, તેનાં બચ્ચાં ક્યાં ઊડી ગયાં ? તેનું નવું ઘર ક્યાં હશે ? તેઓ પાછાં આવશે કે નહીં ? આવશે તો ક્યારે ? આવા બધા પ્રશ્નો લઈ આ બોડું ઝાડ સાવ એકલા એકલા ઊભા ઊભા સુખડી બનાવતું હશે ! આપણે ભારતમાં ઋતુઓની મહેરબાની એટલે પાનખરમાં પણ વડ, પીપળો, આંબો કે આસોપાલવ તેનાં બધા પાન સાથે ખેરવી દેતાં નથી. તેઓને તેના પર બેઠેલાં પંખીઓના માળાની ચિંતા છે. તેઓને સૂરજના ક્રોધની ખબર છે એટલે છાંયાનું અમરત્વ પણ આપણા માટે પકડી રાખે છે. આપણે ત્યાં તો પાનખર આવે ત્યારે જોરજોરથી પવન ફૂંકાય, ફૂલ ખરી પડે અને ઘરમાં ખરી પડેલાં પાન સાથે ધૂળની ઢગલી થાય તેને પાનખર કહેવાય. કોઈક ઝાડ સાવ ઠૂંઠું થઈ જતું હશે જેમ કે બાવળ જેવાં કાંટાળાં ઝાડ. તેમ અહીં અમેરિકામાં આવાં કેટલાંય પાન વગરનાં ઝાડ જોયાં પણ ક્રિસમસ ટ્રી જેવાં લીલાછમ ઝાડ પણ આ મોસમમાં મલક્યાં કરે. આ બધાં તીક્ષ્ણ પાનવાળાં વૃક્ષ. જેના પર સૂરજનાં કિરણોને પણ ફરવું ન ગમે તો પછી રસોઈ તો તેની કેવી રીતે થાય ? તેઓ તો મૂળ મારફત પોષણ મેળવ્યા કરે અને પોતાની લીલીછમ લાગણી ફેલાવ્યા કરે. આપણે કહીએ છીએ ને કે અમારે ત્યાં ક્રિસમસ ટ્રી થતું નથી પણ આપણે ત્યાં મબલખ ઠંડી ક્યાં ?

આપણાં ઘટાદાર વૃક્ષો પક્ષીઓનું ઘર છે અને સંયુક્ત કુટુંબ આપણા સંસ્કાર. એટલે તેના પર્ણ ખરે છે કે કોઈ નાના નિર્બળને સમાવી લે છે, નિભાવી લે છે. આમ ક્યાંય એકલતા વર્તાતી નથી. તેઓ જાણીતા અજાણ્યા બધાં પક્ષીઓને માળો આપે છે અને અજાણ્યાને છાંયો. જ્યારે અહીં સાવ બોડા થઈ જાય છે અને માળાઓ વીખરાઈ જાય છે. એકાદ ખિસકોલી કે એકાદ પંખીને આ બોડાં વૃક્ષ પર બેઠેલાં જોઈએ તો લાગે કે તેઓ પોતાની વેદનાની વાત ચૂપચાપ એકમેકના કાનમાં કહેતા હશે. એકસામટાં બધાં પાન જતાં રહેતાં ઝાડને ઉઘાડા પડવાની બીક નહીં લાગતી હોય. હજુ તો કાલ સુધી કલબલાટ કરી રમતાં ઝૂલતાં પાંદડાંઓ આમ સાવ છૂટી જાય તો ઝાડનું થડ નહીં તો પણ ડાળખી ચોક્કસ રડતી હશે. લાગે છે મનમાં ને મનમાં. એટલે જ જ્યારે બરફ પડે ત્યારે આ ઝાડ અને તેની ડાળીઓ આ બરફને પોતાનો કરી ઓઢી લે છે. આમ તે કદાચ પોતાની વેદના સંતાડે છે. આ બરફ મઢેલી ડાળીઓ ભલે લીલીછમ નથી છતાં ખૂબ સુંદર લાગે છે. આખા વાતાવરણનો રંગ શ્વેત શુભ્ર… ભૂખરી ધરતી પર.

અહીં હિમવર્ષા જ્યારે અટકી જાય અને વચ્ચે વચ્ચે જ્યારે થોડું વાતાવરણ સારું થાય ત્યારે ઠંડીથી ગભરાઈ ક્યાંક છુપાઈ ગયેલાં થોડાં પંખીઓ ઝાડ પર આવે છે. ‘દાદાનો ડંગોરો લીધો એનો તો મેં ઘોડો કીધો’ આવું ગાતાં ગાતાં સૂરજદાદાનાં કિરણો સાથે રમવા લાગે. તેઓ આવે એટલે ઝાડને પાન નથી ફૂટતાં છતાં ચેતનાનો સંચાર થયો હોય તેમ લાગે છે. જેમ શહેરમાંથી પોતાના વતન આવે ત્યારે ચોરે કે પાનના ગલ્લા પર ભેગા થઈ જુવાનિયાઓ વાતો કરતા હોય તેમ થોડાં પંખીઓ ભેગાં થઈ એકમેકને પોતાના સુખદુઃખની વાત કરતાં હોય તેવું લાગે છે. હવે ક્યારે લીલુડાં પાનની લાગણી મલકાય અને ફરી પોતાનો માળો બંધાય એવી વાતો કરતાં હશે. અને ઝાડનો આભાર માનતાં હશે આવી બરફ વર્ષામાં પણ અડીખમ ઊભા રહેવા માટે. આમ પણ અહીં ‘થૅંક્સ ગીવિંગ’નો ઉત્સવ ઊજવાય છે તો પક્ષીઓ પણ આમ થૅંક્સ ગીવિંગ મનાવે છે.

આપણે જ્યારે રામ સીતાજીને લઈ અયોધ્યા પાછા આવ્યા હતા ત્યારે અયોધ્યાના લોકોએ અમાસ હોવાથી દીવડા પ્રગટાવી અમાસને અજવાળી હતી. અહીં ક્રિસમસમાં સાંતાક્લોઝનું સ્વાગત કરી આવી કડકડતી ઠંડીમાં આ બોડાં અને તીક્ષ્ણ પાનવાળાં વૃક્ષો પર નાની નાની લાઇટ લગાડીને કરે છે. સ્નોમેન બનાવી તે ઠંડીને પણ વધાવે છે. ભલે પાન ખરી ગયાં પણ આ પર્ણોએ આપેલા રંગની સૌગાદને પોતાના મનમાં ભરી આ ઠંડી અને પાનખરને હરાવે છે. આમ તો વેલેન્ટાઇન દિવસથી ઠંડી ઓછી થવાની શરૂઆત થાય છે પણ આજે પોલ્યુશનના રાક્ષસે તો આખી દુનિયા પર કબજો કર્યો છે એટલે ઋતુઓ રઝળી પડી છે. આજે અહીં બરફ પડવાની શરૂઆત હવે થાય છે. એટલે હજુ વસંત તો ઘણી દૂર છે. પણ અહીં ક્યાંક ક્યાંક દેખાતાં લીલાછમ વૃક્ષો બધી ઋતુઓને વધાવે છે અને લોકો પણ.

શ્રી હરીન્દ્ર દવેએ ‘શબ્દથી ભીતર સુધી’ પુસ્તકમાં ‘પ્રભુને પત્રો’નું સંપાદન કર્યું છે. જેમાં નિર્દોષ બાળકોએ પ્રભુને પત્રો લખ્યા છે, તેમાં એક બાળકે લખ્યું છે કે, ‘હે ભગવાન, ખરાબ પાંદડાં તું ખેરવી નાખજે અને નવા ઉગાડજે.’ આ પ્રાર્થનામાં આ પાનખરની આખી ગતિ અને લય આવી ગયા છે. કોઈ પણ જગ્યાએ જઈએ બધી જગ્યાએ પાનખર સરખી જ હોય છે એટલે કે પાન ખરવાની ઋતુ. જો પાન ખરશે તો નવાં આવશે. એટલે પાનખરમાં પાન ખરે છે પણ તેના દ્વારા આવતી કાલની આશાનું એક નવું કિરણ ઉદિત થાય છે. પાનખર એ આપણને એક નવો રસ્તો દેખાડે છે, નવો મારગ આપણા માટે ચીતરે છે. આમ પાનખર એટલે નવતર તરફ પ્રયાણ.

* * *
સંપર્ક :
૧૦૧, વીંડરમેર, નૉર્થ એવન્યુ રોડ, શાંતાક્રુઝ (પ.) મુંબઈ-૪૦૦ ૦૫૪
મો. : 98207 38467

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

11 thoughts on “પાનખરનો પમરાટ – વર્ષા તન્ના”

Copy Protected by Chetan's WP-Copyprotect.