પ્રગતિનો પાયો : શંકા…! – હરેશ ધોળકિયા

(‘ફેસ ટુ ફેસ’ સામયિકના જૂન, ૨૦૧૬ના અંકમાંથી)

આપણા ભારતીયોને જેટલો ઈતિહાસ કે પરંપરામાં રસ છે, તેટલો વિજ્ઞાનમાં રસ નથી દેખાતો. આપણે જેટલા શિવાજી કે પ્રતાપ કે કોઈ ઋષિને ઓળખીએ છીએ, તેટલા સી.વી. રામન, રામાનુજમ કે જગદીશચંદ્ર બોઝને નથી ઓળખતા. હમણાં ગણિતજ્ઞ રામાનુજમની શતાબ્દી ગઈ તેની આપણને જરા પણ ખબર નથી. પશ્ચિમનું જગત તેના પર ફિદા છે. રામાનુજમે બનાવેલ ગણિતનાં સૂત્રો પર કામ કરે છે, અને આપણને આ રામાનુજમ કોણ હતા તેની જરા પણ પડી નથી. આપણને તો બીફ ખાવું કે નહીં કે બાર ડેન્સ ચાલવા જોઈએ કે કેમ એવી વ્યર્થ બાબતોમાં સમય બગાડવામાં રસ છે.

આપણી પ્રજાને વિજ્ઞાનમાં રસ નથી તેનું બીજું કારણ એ છે કે આપણને ક્યારે પણ શંકા કરતાં શીખવવામાં નથી આવતું. આપણને બાળપણથી શ્રદ્ધા રાખવાનો ઉપદેશ આપવામાં આવે છે. શ્રદ્ધા કેળવવાથી સારા ભક્ત થઈ શકાય (જો કે તે પણ શંકા છે !). પણ સારા વિજ્ઞાની તો ક્યારે ન થઈ શકાય. વિજ્ઞાની તો કેવળ શંકાની ટેવ કેળવવાથી થઈ શકાય. આપણે ત્યાં તો કોઈ શંકા કરે તો તેની ખબર લઈ નખાય છે. તેને નાસ્તિક જાહેર કરી દેવામાં આવે છે. તેમાં પણ જો પરંપરા, રિવાજો, મહાન લોકો પર શંકા કરાય, તો તો- હવે તો- મારી નાખવા સુધી પગલાં લેવાય છે. આજે પણ બુદ્ધિનિષ્ઠ-રેશનલ-લોકોને સહન કરવામાં આવતા નથી, તેમને ખૂબ હેરાન કરાય છે અને ક્યારેક- દાભોલકર જેવાને- મારી પણ નખાય છે.

મજાની અને કરુણ વાત તો એ છે કે ભારતીય-સંકુચિત શબ્દ વાપરીએ તો હિન્દુ-સંસ્કૃતિનો પાયો જ શંકા છે. ભારતીય સંસ્કૃતિના પાયાના ગ્રંથ બે : ઉપનિષદો અને ગીતા. આ બે ના જબરદસ્ત આલોચક શંકરાચાર્ય ! અને આ બધાનું પાયાનું શિક્ષણ શંકા કરવી ! ઉપનિષદમાં ક્યાંય માની લેવાની વાત નથી કરી. શરૂઆતમાં શંકા અને પછી પ્રયોગ. એટલે નથી આસ્તિક થવાનું, નથી નાસ્તિક થવાનું, અજ્ઞેયવાદી થવાનું છે. અજ્ઞેયવાદી એટલે માનું છું એમ પણ નહીં, નથી માનતો એમ પણ નહીં, તપાસ કરીશ, પ્રયોગ કરીશ અને સબિત થશે તો માનીશ એ વલણ. ગીતામાં ચોખ્ખી સૂચના છે કે ગુરુને સતત સવાલો કરો. (પરિપ્રશ્નેન સેવયા.) આખી ગીતા કહ્યા પછી કૃષ્ણે તે પાળવાની આજ્ઞા ન કરી. તેમણે કહ્યું કે – મેં તને કહેવું હતું તે કહી દીધું. હવે તને ઇચ્છા પ્રમાણે કર. (યથા ઇચ્છસિ તથા કુરુ.) અને શંકરાચાર્ય તો દરેક બાબતમાં એક જ સવાલ પૂછે છે – ‘તતઃ કિમ ?’ પછી શું અને તેના ભક્તો કહે છે – ‘માની લો.’ ‘શંકા ન કરો’ ‘શંકા કરનાર નાસ્તિક છે.’ પણ વિકાસ કરવા માટે શંકા જ ઉપયોગી છે. જે પશ્ચિમને આપણે ભોગવાદી કહી ગાળો આપીએ છીએ, તેણે જ શોધેલ બધી સગવડો આપણે ભોગવીએ છીએ. આપણે તો પ્રાઇમસની પીન પણ શોધી શક્યા નથી. હા, એવાં બણગાં ફૂંકીએ છીએ કે પ્રાચીન જમાનામાં આ દેશમાં વિજ્ઞાનીઓ હતા. હશે, પણ આજે તો આપણે દરેક બાબતમાં પશ્ચિમ પર જ આધારિત છીએ. આપણે એક શોધ પણ નથી કરતા. હા, પશ્ચિમ જે શોધ કરે છે, તેની નકલ ઉત્તમ રીતે કરી શકીએ છીએ. પણ મૌલિક શોધ ? રામ રામ કરો ! કનૈયાઓને ગાળ આપવામાંથી ઉંચા આવીએ તો કરીએ ને ? આપણા દેશનાં વિદ્યાર્થી સંગઠનો યુનિવર્સિટીમાં સગવડો નથી તેની ફરિયાદ કરે છે, પણ કોઈ વિદ્યાર્થી સંગઠન યુનિવર્સિટીમાં સંશોધનની સગવડો વધારવી જોઈએ એવી માગણી કરે છે ? એક પણ નહીં !

વિજ્ઞાનનો પાયો છે – ‘શા માટે ?’ સવાલ ! કોઈ પણ ઘટના શા માટે બને છે, કોઈ પણ વર્તન શા માટે ઊભું થાય છે, એટલે કે તેના મૂળમાં જવું એ કામ વિજ્ઞાન કરે છે. આપણા દેશમાં ક્યાંક પૂર આવે છે, ક્યાંક દુકાળ પડે છે, ક્યાંક આગ લાગે છે. તેને થીગડાં મારવાના પ્રયાસો થાય છે, પણ આ બધું સતત કેમ થાય છે અને તેના કાયમી ઉપાયો શું હોઈ શકે તે બાબતે આપણે ક્યારેય નથી વિચારતા. આ કામ કેવળ વૈજ્ઞાનિક મગજ જ કરી શકે.

અને વિજ્ઞાન માત્ર ‘શા માટે’નો જ વિચાર નથી કરતું. તે શોધ્યા પછી તે ‘કેમ’નો પણ વિચાર કરે છે. દાખલા તરીકે ગરમી કે ઠંડી શા માટે પડે છે તેનાં કારણ શોધે છે (શા માટે) અને પછી તેને હળવાં ‘કેમ’ કરી શકાય તેના પણ ઉપાય શોધે છે. આપણે તે સહન કરીએ છીએ અને પાછા વટ પડાવીએ છીએ કે આપણે બહુ સહનશીલ છીએ. ગરમી-ઠંડી સહન કરી તપસ્યા કરીએ છીએ, હકીકતે આપણે ઉપાય શોધતા જ નથી. શોધી શકતા નથી, પણ વિજ્ઞાની ચિત સહન ન કરે. ઉપાય શોધે. તે તપસ્યા ચોક્કસ કરે, પણ ઉપાય શોધવાની. એટલે જ આજે યોગ, અધ્યાત્મ, ધ્યાન જેવી બાબતોમાં પશ્ચિમમાં ઊંડાં સંશોધનો થાય છે. આપણે કેવળ ધ્યાનમાં બેસવાનો ઢોંગ કરીએ છીએ. સ્વામી યોગાનંદ, સ્વામી રામ વગેરે જેવા આપણા ઉત્તમ યોગીઓને પણ સંશોધન કરવા અમેરિકા જવું પડ્યું. અહીં શક્ય ન હતું. અહીં તેમની પૂજા થઈ શકે, મંદિર બાંધવા થોકબંધ પૈસા મળે, પણ તેમને પ્રયોગશાળા બાંધવા પૈસા ન મળે.

આપણે ૨૦૫૦માં શ્રેષ્ઠ દેશ થવું હોય, તો દેશનાં બાળકોને વિજ્ઞાનમાં રસ લેતાં કરવાં પડશે. તેમને શંકા કરતાં શીખવવું પડશે. શ્રદ્ધા ચોક્કસ શીખવવાની છે, પણ કેવળ પોતા પર રાખવાની. આત્મશ્રદ્ધા ! બાકી દરેક બાબતમાં શંકા શીખવવાની છે. તેમાં પણ ધર્મ, પરંપરા, રિવાજો, જ્ઞાતિ, જાતિ – આ બધા પર તો ભયંકર શંકા કરતાં શીખવવાનું છે. તો જ તેમનું મગજ સાફ થશે. તો જ સમાજ સ્વસ્થ થશે.

અલબત્ત, તેની શરૂઆત તો થઈ ગઈ છે, પણ હજી સેંકડો માઈલ ચાલવાનું છે. જ્યારે પ્રગતિશીલ બળો આવવા પ્રયત્ન કરે છે, ત્યારે રૂઢિચુસ્ત બળો ખળભળી ઉઠે છે અને તેના પર તીવ્ર હુમલો કરે છે. અત્યારે આપણે તે જ જોઈ રહ્યા છીએ.

અત્યારે ચારે બાજુ પછાત બાબતોનો જબરો ફેલાવો થતો દેખાય છે. જ્ઞાતિવાદ, જાતિવાદ, ધાર્મિકતા વધતી દેખાય છે. અરે, ટી.વી.ની સીરિયલો જોઈએ તો તેમાં પછાત બાબતો, રૂઢિચુસ્તતા, ખાનદાનવાદ, દેવી દેવતાઓની ભરમાર વધતી દેખાય છે. આ બધાને નામે સ્ત્રીઓને દબાવવાની સીરિયલો કેટલી ચાલે છે. રૂઢિ સાચવવાની હાયવોયમાં કુટુંબને ખેદાનમેદાન કરતાં દેખાડાય છે. કેવળ ટી.આર.પી. વધારવા પછાત બાબતોને ચગાવવામાં આવે છે. તો છાપાંઓ પણ રૂઢિચુસ્તો જે વ્યર્થ અને નુકસાનકારક કામો કરે છે કે બડબડ કરે છે, તેને પહેલા પાને આપે છે. પણ જે લોકો કે સંસ્થાઓ પરંપરાહનન કે રૂઢિને પડકારતાં કામો કરે છે, તેને નાના અક્ષરે છાપે છે. ટી.વી. પર આવતી ચર્ચાઓમાં પણ રૂઢિગુસ્ત બળોને વધારે મહત્વ અપાય છે.

પણ આ બધું આધુનિકતા, વૈજ્ઞાનિકતાને નુકસાન કરે છે. હવે તો શિક્ષણમાં કેવળ વૈજ્ઞાનિકતાને જ મહત્વ આપવાનું છે. શંકા કરવાનાં શિક્ષણને જ મહત્વ આપવાનું છે. ભૂતકાળને સતત પડકારતાં શીખવવાનું છે. શંકા પર જ શ્રદ્ધા રાખતાં શીખવવાનું છે. કેવળ શંકા, પ્રશ્નો જ પ્રશ્નો, પડકાર જ વિદ્યાર્થીને બુદ્ધિનિષ્ઠ બનાવી શકશે. માત્ર વિશાળતા, વૈશ્વિકતા જ તેને આગળ વધારી શકશે. હા, તેનાથી રૂઢિચુસ્તો, પરંપરાવાદીઓ ભૂંરાટા થશે, બમણો હલ્લો કરશે, પણ છતાં એ જ કામ કરવાનું છે. ભૂતકાળનું ગૌરવ લઈ રાજી થવાનું નથી. ભવ્ય વર્તમાન કાળ ઊભો કરવાનો છે. નવા ઋષિઓ, નવા વિજ્ઞાનીઓ ઊભા કરવાના છે.

આપણે સખત રેશનલ, તીવ્ર બુદ્ધિવાદી થવાની તાતી જરૂર છે. સતત ‘શા માટે’ અને ‘કેમ’ની સાધના કરવાની છે. સતત ‘તતઃ કિમ’ પૂછતા રહેવાનું છે. કશું પણ માની ન લેતાં તેના પ્રયોગો કરતાં શીખવાનું છે. આપણે આ વાક્ય યાદ રાખવાનું છે : ‘કેટલાક લોકો વસ્તુઓ જુએ છે અને પૂછે છે શા માટે… હું તો એવી બાબતોનાં સ્વપ્ન જોઉં છું જે ક્યારે ન હતી અને સવાલ પૂછું છું શા માટે નહીં !’ અજ્ઞાતની શોધ જ જીવનનો હેતુ હોવો જોઈએ. તે માટે જ જીવવાનું છે.

(ફેસ ટુ ફેસ કાર્યાલય : ૧૦૪, મેવાવાલા કોમ્પલેક્ષ, બસ સ્ટેશન રોડ, અંજાર (કચ્છ) ૩૭૦ ૧૧૦
ફોન : (૦૨૮૩૬) ૨૪૭૧૬૬, મો. ૯૮૭૯૫૦૬૭૭૮)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

12 thoughts on “પ્રગતિનો પાયો : શંકા…! – હરેશ ધોળકિયા”

Copy Protected by Chetan's WP-Copyprotect.