હાઈ-વે પર હેલ્મેટ! – ચિત્રસેન શાહ

(‘હાસ્યનું મેઘધનુષ’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)

હાઈ-વે પર તમે ઍક્સિડેન્ટ થતા જોયા હશે. જોયા જ હોય ને, કારણ કે ડ્રાઇવરો બસો-ટ્રકોને જેટ પ્લૅનની માફક ઉડાવતા હોય છે ! અમે થોડા સમય પહેલાં નવસારીથી અમદાવાદ આવતા હતા ત્યારે લક્ઝરી બસનો ડ્રાઇવર પણ એ જ રીતે બસને ઉડાવતો હતો ! શરૂઆતમાં અમારો અમદાવાદી જીવ રાજીનો રેડ થઈ ગયો, કારણ કે બસના ભાડામાં અમે પ્લૅનની સફર કરતા હોઈએ તેવું લાગ્યું ! પરંતુ પાછળથી ગભરામણ શરૂ થઈ, કારણ કે ડ્રાઇવર ફક્ત બસને જ ઉડાવતો નો’તો, પરંતુ વચ્ચે વચ્ચે પોતાના બંને હાથ સ્ટિયરિંગ વ્હીલ પરથી ઉઠાવી આળસ મરડતો હતો, વાળ ઓળતો હતો. આવા અંગકસરતના અનેક દાવ તે કરતો હતો ! અમારે અમદાવાદ પહોંચવું હતું, સ્વર્ગે નહીં ! તેથી અમે બીજા જ સ્ટૉપે બસ બદલી ! આવા ડ્રાઇવર હોય ત્યારે હાઈ-વે પર ઍક્સિડેન્ટ જોવાનું નવું નથી, પરંતુ તમે કોઈને હાઈ-વે પર હેલ્મેટમાં ટમેટાં લેતાં જોયો છે !? નહીં જ જોયો હોય ! અમે જોયો છે ! અમે હાઈ-વે પરથી સુરત પાસેથી જઈ રહ્યા હતા ત્યારે એક પોલીસને હેલ્મેટમાં ટમેટાં લેતાં જોયેલો ! શાકવાળા પાસે ટોપલી નો’તી, તેથી પોલીસે હાથવગા સાધનનો ઉપયોગ કર્યો હતો ! વળી પોલીસવાળાએ શાકવાળાને ટમેટાંનો ભાવ પૂછ્યો એટલે શાકવાળો સમજી ગયો કે આ ભાઈ પોલીસમાં નવોનવો ભરતી થયો લાગે છે એટલે ભાવ પૂછે છે ! બાકી પોલીસને શાક અને ભાવ વચ્ચે કોઈ સંબંધ હોતો નથી ! પોલીસવાળાઓ શાકની લારી પાસે જઈ બે ડંડા ફટકારે એ જ એનો ભાવ ! અને એ જ શાકવાળા પાસે જઈ કોઈ સુરતી લાલો શાકના ભાવ પૂછવાની હિંમત કરી બેસે તો શાકવાળો કહેશે, ‘જાવ, જાવ, તમારાથી નહીં લેવાય ! સુરતમાં શાકનો સીધો ઑર્ડર જ અપાય ! ભાવ ન પુછાય !’

હવે આપણે મૂળ વાત પર આવીએ, તો જૂના શાકવાળાએ નવા પોલીસવાળાને ડબલ ભાવ કહ્યા ! એ જ પોલીસવાળાએ ભાવ ન પૂછ્યો હોત અને જમીન પર ડંડા ફટકાર્યા હોત તો શાક તેને કદાચ મફત મળત ! પરંતુ નવો હતો એટલે તેને ડબલ ભાવ આપવા પડ્યા ! ‘કોઈને તમે છેતરશો નહીં તો કોઈક તમને છેતરશે !’ આ છે આજની દુનિયાનો નિયમ !

રક્ષાબંધનના દિવસે એક બહેન આ હેલ્મેટમાં ટમેટાં(!) વાળા ટ્રાફિક પોલીસના હાથમાં ટ્રાફિકના કોઈક નિયમના ઉલ્લંઘન બદલ ઝડપાયાં ! પ્રથમ તો એ બહેને રુઆબ દેખાડતાં કહ્યું કે ‘હું ભૂતપૂર્વ પ્રધાનની દીકરી છું – તમને જોઈ લઈશ !’ પરંતુ ‘ભૂતપૂર્વ’ શબ્દ પોલીસને તો શું, કોઈને પણ સ્પર્શે નહીં !

પોલીસવાળાએ કહ્યું : ‘બહેન, ઝટ નામ લખાવો !’ પોલીસના સકંજામાંથી જાન છોડાવવા પેલાં બહેને એક ત્વરિત નિર્ણય લઈ પર્સમાંથી એક રાખડી કાઢી પોલીસના હાથમાં બાંધી દીધી ! આમ પોલીસને અણધાર્યું ‘રક્ષાબંધન’ થઈ ગયું તેથી ઘડીભર તો તે પણ હેબતાઈ ગયો ! પરંતુ પોલીસ અવા બંધનમાં જકડાવવા માંગતો નો’તો. તેણે તો ફટ દઈને પેલાં બહેનને મેમો પકડાવી દીધો. છેવટે પેલાં બહેને પણ તેનો સ્વીકાર કર્યો – વીરપસલી તરીકે ! આ કેસને પકડ્યા બાદ પણ આ પોલીસ ચિંતાતુર હતો, કારણ કે દરરોજ તેને જે ‘મિનિમમ મેમા’ ફાડવાનો ક્વૉટા હતો તેમાં એક કેસ હજુ ખૂટતો હતો અને તેની ડ્યૂટીનો સમય પૂરો થવાની તૈયારી હતી ! પરંતુ આ કટોકટીની પળે તેની મદદે આવી ગયું આર.ટી.ઓ.વાળાઓનું છેલ્લામાં છેલ્લું જાહેરનામું ! આ જાહેરનામા પ્રમાણે કોઈ પણ વાહન પર કોઈ પણ જાતનું લખાણ હોવું જોઈએ નહીં. નહીં તો તે ટ્રાફિક પોલીસ મિટાવી દેશે, વાહનચાલકના હિસાબે ને જોએમે !

ટ્રાફિક પોલીસના સદ્‍ભાગ્યે એક ટ્રક આવા લખાણ સાથે ત્યાંથી પસાર થઈ અને પોલીસના ચહેરા પર ચમક આવી ગઈ ! જાણે સફેદીનો ચમકાર ! તેણે ટ્રકવાળાને રોક્યો અને ટ્રકવાળો કાંઈ સમજે વિચારે તે પહેલાં તો તેણે ‘મેમો’ ફટકારી દીધો ! અને ટ્રકની પાછળના ભાગે લખેલા સૂત્ર પર સફેદ કૂચડો ફેરવી દીધો ! ટ્રક પર લખાણ હતું –
‘બૂરી નજરવાલે તેરા મુંહ કાલા !’

[કુલ પાન ૧૧૮. કિંમત રૂ. ૧૨૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

11 thoughts on “હાઈ-વે પર હેલ્મેટ! – ચિત્રસેન શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.