- ReadGujarati.com - http://www.readgujarati.com -

સત્યમેવ જયતે – વસંતભાઈ રાજ્યગુરુ

(‘અખંડ આનંદ’ સામયિકના જુલાઈ, ૨૦૧૬ના અંકમાંથી સાભાર)

ડૉ. પ્રતીક્ષાબહેન શહેરની એક નામાંકિત ખાનગી હૉસ્પિટલમાં નોકરી કરતાં હતાં. નોકરી સાથે પ્રાઇવેટ પ્રૅક્ટિસ પણ કરતાં. નામાંકિત હૉસ્પિટલમાં સારવારનો ઊંચો દર તેમજ કારણ વગર જુદા જુદા રિપોર્ટ કરાવડાવી દર્દીઓને પડતો કમરતોડ માર જોઈ પ્રતીક્ષાબહેનનું હૈયું હચમચી જતું, પણ તેઓ એક પગારદાર ડૉક્ટર હોવાથી લાચાર હતાં. તેમને હંમેશાં થતું કે જો મારી હૉસ્પિટલ હોય તો હું યોગ્ય દરે સારવાર અને ઑપરેશન કરી દર્દીઓનો બોજ હળવો કરી શકું. આમ પોતાની હૉસ્પિટલ બનાવવાનું તેમણે સ્વપ્ન સેવ્યું. અને તેને સાકાર કરવા રાત દિવસ જોયા વગર સખત પરિશ્રમ કરવા લાગ્યાં. થોડા દિવસમાં જ નસીબે યારી આપી. હૉસ્પિટલ માટે મોકાની જગ્યા તેમને મળી ગઈ. તેમજ હૉસ્પિટલ માટેની બૅન્ક લોન પણ મંજૂર થઈ ગઈ. પોતાની બચત, બૅન્ક લોન તથા આપ્તજનોની સહાયથી તેમણે આધુનિક અને પૂરી સગવડ ધરાવતી હૉસ્પિટલ બનાવી. ઑપરેશન માટેનાં સારાંમાં સારાં મશીનો તથા હૉસ્પિટલને ઉપયોગી બધાં સાધનો વસાવી લીધાં. બીજા સારા ડૉક્ટરો, નર્સો તથા ઑફિસ સ્ટાફ મળી કુલ ચાલીસ માણસોના સ્ટાફની તેમણે નિમણૂક કરી. કંઈક નવી આશાઓ અને દર્દીઓ માટે કાંઈક કરી છૂટવાની ભાવનાઓ સાથે ખૂબ જ ધામધૂમથી હૉસ્પિટલનું ઉદ્‍ઘાટન કર્યું.

ઉદ્‍ઘાટન પછી સ્ટાફના ભોજન સમારંભમાં પ્રતીક્ષાબહેને સ્ટાફને સંબોધી કહ્યું, “આ હૉસ્પિટલ મારી, તમારી ને આપણી છે. હું તમને પૂરતો પગાર તો આપીશ જ છતાં આપણી હૉસ્પિટલનું એક માત્ર ધ્યેય ગરીબ દર્દીઓને ખોટા ખર્ચાનો બોજો ન પડે અને યોગ્ય દરે સારવાર મળી રહે તે જ છે. તમારો પગાર અને બૅન્ક હપ્તો નીકળી જાય એટલું મારે માટે પૂરતું છે. પણ સચ્ચાઈ, પ્રામાણિકતા અને પરમાર્થ આપણી હૉસ્પિટલ સાથે વણાયેલાં હોવાં જોઈએ.”

આમ શરૂઆતથી જ ઑપરેશન તથા કન્સલ્ટેશનનો ઓછો ચાર્જ, દર્દીઓ સાથે આત્મીયતાભર્યું વર્તન અને સ્ટાફના પૂરતા સહયોગથી તેમની હૉસ્પિટલ ખૂબ જ સારી ચાલવા લાગી. આજુબાજુનાં ગામોમાં પણ તેમની નામના વધી ગઈ. દૂર દૂરથી લોકો તેમની હૉસ્પિટલમાં સારવાર અર્થે આવવા લાગ્યા.

સંપતિ અને કીર્તિ ઈર્ષાની જન્મદાત્રી હોય છે. તેમ બીજા ડૉક્ટર અને ખાસ કરીને તેઓ જે હૉસ્પિટલમાં નોકરી કરતા હતા તેના ડાયરેક્ટરને આની ખૂબ ઈર્ષા આવી. તેમને થયું કે આટલી નાની છોકરી થોડા સમયમાં આવી આધુનિક હૉસ્પિટલ બનાવી, આટલી સારી ખ્યાતિ પામી. ઓછા દરે ઑપરેશન અને સારવાર કરે તો જતે દિવસે આપણે તો ઘરે બેસવાનો વારો આવે. આથી તેણે આજુ બાજુના ડૉક્ટરોને પોતાની સાથમાં લીધાં. અને બધા ભેગા મળી પ્રતીક્ષાબહેનને હૉસ્પિટલમાં મળવા માટે ગયા. તેઓએ પ્રતીક્ષાબહેનને કહ્યું, “તમે શાકભાજીની જેમ અમારો ભાવ તોડો એ બરાબર નથી. બધે ચાલતો હોય તે જ ભાવ લો તો તમેય કમાવ અને કોઈને વાંધો પણ ન આવે. આપણે રૂપિયાનું પાણી કરી ડૉક્ટર બન્યા છીએ, તે કાંઈ મજૂરિયાની જેમ વેઠ કરવા નહીં.”

“જુઓ, મારે ત્યાં મોટે ભાગે ગરીબ દર્દીઓ આવે છે. હું ખોટ ખાઈને ઓપરેશન કે સારવાર કરતી નથી. મારે પણ લોનના હપતા, સ્ટાફનો પગાર, તેમજ હોસ્પિટલનો ખર્ચ કાઢવાનો હોય છે. આટલા ચાર્જમાં મને જોઈએ તે કરતાં વધુ મળી રહે છે. પછી મારાથી ગરીબ દર્દીઓને ચીરી ન નંખાય.”

ડૉક્ટરોએ જોયું કે કોઈ રીતે પ્રતીક્ષાબહેન માને તેમ નથી. ત્યારે એક ડૉક્ટરે ધમકીના સૂરમાં કહ્યું, “જો તમે બધાને સાથે ન રહો તો અમે પણ જોઈ લઈશું કે તમારી હૉસ્પિટલ કેટલા દિવસ ચાલે છે ?”

“કોઈ વાંધો નહિ, બ્રાહ્મણની દીકરી છું. લોટ માંગીશ-મજૂરી કરીશ પણ તમારી ધમકીને તાબે તો નહિ જ થાઉં. તમારે જે જોવું હોય તે જોઈ લેજો. હવે મારે તમારો એક પણ શબ્દ સાંભળવો નથી. આપ બધા જઈ શકો છો.”

આ પછી બધા ડૉક્ટરોએ ત્રાગડો રચ્યો, બધાનો એક જ ધ્યેય હતો – કોઈ પણ હિસાબે પ્રતીક્ષાબહેનની હૉસ્પિટલને તાળાં લાગવાં જોઈએ, તો જ આપણા અપમાનનો બદલો આપણે લીધો ગણાય. તેથી પ્રતીક્ષાબહેનને હેરાન કરવા અનેક કારસાઓ રચાયા. ઇન્કમટૅક્સના દરોડા પડાવ્યા, હેલ્થ ખાતાના અધિકારીઓ પણ વારંવાર હૉસ્પિટલનું ચેકિંગ કરવા આવતા, આવી અનેક મુસીબતોથી પ્રતીક્ષાબહેનને હેરાન કરવા લાગ્યા. પણ તેમાં કોઈ ફાવ્યું નહિ. પ્રતીક્ષાબહેન કાંઈ ખોટું કે ગેરકાયદેસર કામ કરતાં જ નહીં, છતાં આવી બાબતોમાં તે વધારે સાવધાન બની તકેદારી રાખવા લાગ્યાં. તેમને વિશ્વાસ હતો કે ખોટું કદી લાંબું ટકતું નથી. અને સત્ય કદી ઝાંખું પડતું નથી. આખરે સત્યનો જ વિજય થાય છે. તેમની હૉસ્પિટલની ખ્યાતિ વધવા લાગી. વિરોધીઓને થયું કે આમ કરવાથી આપણું કાંઈ વળશે નહિ તેથી તેમણે હૉસ્પિટલમાં કામ કરતી મુખ્ય નર્સને સાધી. પૈસાની લાલચમાં નર્સ ભોળવાઈ ગઈ. તેણે હૉસ્પિટલમાં રહીને જ પેશન્ટનું ઑપરેશન અને સારવાર બગડે અને હૉસ્પિટલનું નામ ખરાબ થાય એવો ઘાટ ઘડ્યો, તે કોઈ દિવસ ઑક્સિજનના બાટલાના વાલ્વ ખોલી નાખતી તો કોઈ વખત ઑપરેશનના સાધનો કે સોનોગ્રાફી મશીન ખરાબ કે નકામાં બનાવી દેતી. આથી પ્રતીક્ષાબહેને દરેક જગ્યાએ સીસીટીવી કૅમેરા લગાવ્યા પણ કોણ આવી હરકત કરે છે તે સમજાતું નહિ. પ્રતીક્ષાબહેન વધારે સાવધાની રાખી વધારાના ઑક્સિજનના બાટલાઓ તથા સ્પેરમાં બીજા વધારાનાં સાધનો રાખવા લાગ્યાં, જેથી ચાલુ ઑપરેશને દર્દીને કોઈ જોખમ ઊભું ન થાય. તેમણે મનમાં દ્રઢ સંકલ્પ કર્યો કે ગમે તેવી મુસીબતો કે પડકારોનો સામનો કરીને પણ પોતાના ધ્યેયમાં અડગ રહેવું.

પણ એક દિવસ એવો કારમો ઊગ્યો કે પ્રતીક્ષાબહેન અને હૉસ્પિટલનો સ્ટાફ બધાં હતાશ થઈ ગયાં. બરાબર રાતના બે વાગ્યે પ્રતીક્ષાબહેન ઉપર ફોન આવ્યો કે હૉસ્પિટલમાં આગ લાગી છે.

પ્રતીક્ષાબહેન હૉસ્પિટલે આવીને જુએ છે તો હૉસ્પિટલની અંદર આગના લબકારા દેખાતા હતા. કેટલાક દાખલ થયેલ દર્દીઓને બહાર કાઢી માંડ બચાવી લેવાયા. આ દ્રશ્ય જોઈ પ્રતીક્ષાબહેન ચોધાર આંસુએ રડી પડ્યાં. તેમની નજર સામે તેમનાં બધાં સ્વપ્નો આગમાં સળગી રહ્યાં હતાં. ફાયર બ્રિગેડે થોડી વારમાં આગ તો બુઝાવી દીધી. પોલીસ પણ પહોંચી, સૌ કોઈ આ જોઈ હતપ્રભ થઈ ગયાં. મશીનરી અને બીજાં કીમતી સાધનો આગને કારણે નકામાં થઈ ગયાં. પ્રતીક્ષાબહેન હિંમત હારી ગયાં. તેમને માંડ માંડ ઘરે પહોંચાડ્યાં.

થોડા દિવસ પછી પ્રતીક્ષાબહેને સ્ટાફની મિટિંગ બોલાવી. બધા સ્ટાફના સભ્યો હાજર હતાં. આ કોઈ આનંદનો સમારોહ ન હતો. બધાના હૃદયમાં દર્દ રેલાતું હતું. પ્રતીક્ષાબહેને સ્ટાફને સંબોધી કહ્યું, “આજની સવાર આપણા માટે ગુડ મૉર્નિંગ નથી. આપણી હૉસ્પિટલ હવે કોઈ પણ રીતે ચાલી શકે તેમ નથી. જે બની ગયું તે મારા, તમારા અને ગરીબ દર્દીઓ માટે અસહ્ય છે. કળિયુગનો ભોરિંગ આપણી હૉસ્પિટલને ડસી ગયો છે. આમાં મારું સર્વસ્વ લૂંટાઈ ગયું છે. હું તમને ચાલુ માસનો પગાર માંડ આપી શકીશ. તમે વહેલી તકે બીજે નોકરી શોધી લેજો. તમને છોડતાં હું ખૂબ પીડા અનુભવું છું પણ હું લાચાર છું. તમારે હવે સારાં સ્વપ્નોના ખંડેરમાં આવવાની જરૂર નથી. તમે ખૂબ જ નિષ્ઠાપૂર્વક કામ કરી મને ખૂબ જ સહયોગ આપેલ છે. તમારો આભાર હું કદી ભૂલી શકું તેમ નથી. બીજે નોકરીમાં ગોઠવાઈ ગયા પછી જો સમય મળે તો મને આ ખંડેરમાં મળવા જરૂરથી આવજો, તેથી મારા હૃદયને થોડી શાંતિ મળશે.”

વાત પૂરી કરી તેઓ બેઠાં કે તરત જ હૉસ્પિટલના મૅનેજર પોતાની રજૂઆત કરવા ઊભા થયા. અને કહેવા લાગ્યા, “આ બનાવ બન્યા પછી તરત જ આપની પહેલાં અમે મિટિંગ ભરી ભેગા થયા હતા. અમે ખૂબ ચર્ચાવિચારણા કરી જે નક્કી કરેલ છે તે આપને જણાવું છું. અમે હૉસ્પિટલમાં જોડાયા ત્યારે આપે કહેલ કે આ હૉસ્પિટલ મારી, તમારી ને આપણી છે. તેથી આવેલ મુસીબત કે દુઃખ અમારું, તમારું ને આપણું છે. તેથી તેનો સામનો આપણે બધાએ કરવાનો છે. આવા મુશ્કેલ સમયે અમે તમને છોડી ચાલ્યા જઈએ તો અમારી માનવતા લાજે. અમે નક્કી કરેલ છે કે આપણી હૉસ્પિટલ હતી તેના કરતાં વધુ સારી અને સગવડવાળી બનાવીશું. અમે જાણીએ છીએ કે આ કામ ઘણું મુશ્કેલ છે. આ માટે અમે નક્કી કર્યું છે કે હૉસ્પિટલ સારી રીતે ચાલુ થઈ જાય ત્યાં સુધી અમારે કોઈએ પગાર લેવો નહિ. ઉપરાંત ખર્ચને પહોંચી વળવા અમે બધાંએ અમારી બચતની મૂડી ભેગી કરી ભંડોળનો અંદાજ લગાવેલ છે. તે આપણી હૉસ્પિટલ ફરી ચાલુ થઈ જાય તેટલા ખર્ચને પહોંચી વળવા પૂરતો છે. કાલથી આ હૉસ્પિટલ નવા સ્વરૂપે ઊભી થઈ જાય તે માટે અમે કામે લાગી જઈશું. આ વાત સ્વીકારવા આપને અમારી આગ્રહભરી વિનંતી છે.”

પ્રતીક્ષાબહેનની આંખમાં હર્ષનાં આંસુ ઊછળી આવ્યાં. ગદ્‍ગદ કંઠે તે કહેવા લાગ્યાં, “તમારો નિર્ણય આંખ માથા પર, તમારા હૃદયની પવિત્ર ભાવનાને હું વંદન કરું છું. બાકી હું તો હિંમત હારી બધી રીતે ભાંગી પડી હતી. આજની બેડ મૉર્નિંગ ને તમે ગુડ મૉર્નિંગમાં ફેરવી નાખી છે. ઈશ્વર જરૂર આપણને સહાય કરશે.”

આ બાજુ આગ લાગવાનું કારણ જાણવા પોલીસ ખાતાએ સ્ટાફના માણસોના મોબાઇલ ચેક કર્યાં. તેમાં મુખ્ય નર્સનો મોબાઇલ રેકોર્ડ સાંભળી આખા કાવત્રાનો ભાંડો ફૂટી ગયો. પ્રતીક્ષાબહેન જે હૉસ્પિટલમાં નોકરી કરતાં હતાં તેના ડાયરેક્ટરના અને પ્રતીક્ષાબહેનની હૉસ્પિટલની મુખ્ય નર્સની વાતચીતના રેકોર્ડથી જણાઈ આવ્યું કે નર્સ દ્વારા રોજ થોડું થોડું પેટ્રોલ છૂપી રીતે લાવવામાં આવતું હતું. શનિવારની રાત્રે લાગ મળતાં જ નર્સે ચાલાકીપૂર્વક આગ લગાડી. નર્સની કડક પૂછપરછ કરતાં તે ભાંગી પડી અને જે જે ડૉક્ટર આ કામમાં સામેલ હતા તે બધાનાં નામ આપી દીધાં. આ બધાના મોબાઇલ લઈ પોલીસ ખાતાએ આગળની કાર્યવાહી શરૂ કરી. બીજે દિવસે આ આખો અહેવાલ વર્તમાનપત્રના પહેલા પાના પર છપાયો. જે ડૉક્ટરો પ્રતીક્ષાબહેનની હૉસ્પિટલને બદનામ કરવા માંગતા હતા તે ડૉક્ટરો પોતે જ બદનામ થઈ ગયા અને લોકોની નજરમાંથી ઊતરી ગયા. સ્ટાફની અથાક મહેનત અને ઈશ્વરના આશીર્વાદથી થોડા સમયમાં જ પ્રતીક્ષાબહેનની હૉસ્પિટલ સફળતાના શિખરે પહોંચી ગઈ. આખરે સત્યનો જ વિજય થયો.

*
સંપર્ક :
કેશવનગર સોસાયટી બં.નં.૨૬, સુભાષબ્રિજ, અમદાવાદ-૨૭
મો. : 97146 12976