વાત દિવેશ્વરની… – મહેશ યાજ્ઞિક

(‘જનકલ્યાણ’ સામયિકના જૂન, ૨૦૧૬ના અંકમાંથી સાભાર)

‘અરજી કરવામાં કંઈ ખર્ચો થવાનો છે ? ટપાલમાં નાખી દો તો ખાલી પાંચ રૂપિયાનું મોત…’

અઠ્ઠાવન વર્ષનાં નિમુબહેનના અવાજમાં સમજદારી છલકાતી હતી. પ્રાથમિક શાળાના આચાર્યપદેથી નિવૃત્ત થયેલા ગાંધીવાદી પતિને કઈ રીતે હિંમત આપવી એની સૂઝ એમનામાં હતી. દિવેશ્વર આખું છાપું પાથરીને રૂમની વચ્ચોવચ્ચ બેઠા હતા. એમણે જે રીતે લમણે હાથ મૂક્યો હતો એ જોઈને નિમુબહેને ઉમેર્યું, ‘એ સંસ્થાને છાત્રાલય માટે ગૃહપતિ જોઈએ છે, રાષ્ટ્રપતિ નથી જોઈતા. જાહેરાતમાં તો એ લોકો ભલે ગમે એવું લખે. તમતમારે ભોળાનાથનું નામ લઈને અરજી મોકલી દો. જગ્યા રળિયામણી છે અને દાદાનાં દર્શનનો લાભ મળે એ કંઈ નાની વાત છે ?’

નિમુબહેન બોલતાં હતાં એ વખતે દિવેશ્વરના મગજમાં વિચારવાની પ્રક્રિયા ચાલુ હતી. વેરાવળથી આઠ કિલોમીટર દૂર પ્રભાસપાટણ પાસે એક સંસ્થાનું આખું શૈક્ષણિક સંકુલ નવું બનેલું હતું. આઠમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે જે છાત્રાલય હતું એના માટે ગૃહપતિની જરૂર હતી. નિવૃત્ત સરકારી અધિકારીને પહેલી પસંદગી અપાશે એવું વાક્ય જાહેરાતમાં એ રીતે લખાયેલું હતું કે એને લીધે દિવેશ્વર હિંમત હારી ગયા હતા. સંસ્થાની જરૂરિયાત આ પ્રકારની હોય તો પોતાની અરજી સીધી કચરાપેટીમાં જાય…

ધારો કે ઇન્ટરવ્યૂમાં બોલાવે અને પસંદ ના કરે તો મોટી ઉપાધિ. અમદવાદથી વેરાવળનો ધક્કો એટલે ચારસો રૂપિયાની ચટણી. પાંચ હજાર સાતસો રૂપિયા પેન્શનના આવે છે. એમાંય મહિનાના અંતે ખેંચ પડે છે. એ પરિસ્થિતિમાં ચારસો રૂપિયાનો ધુમાડો ના કરાય.

‘પૈસાની ચિંતા ના કરો…’ અમુક ઉંમર પછી પત્નીમાં પતિના વિચારો વાંચવાની શક્તિ આપમેળે જ આવી જતી હોય છે. ‘આવી નોકરી મળતી હોય તો એમાં આવા ખર્ચાની ગણતરી ના કરાય. અરજી તો કરો…’

નિમુબહેનની જીદ આગળ દિવેશ્વરે નમતું જોખવું પડ્યું. મોતીના દાણા જેવા અક્ષરે અરજી લખી. એના પહેલા ફકરામાં જ સ્પષ્ટતા કરી દીધી કે પોતે કોઈ નિવૃત્ત સરકારી અમલદાર નથી. પ્રાથમિક શાળામાં ચાળીસ વર્ષ સુધી અલગ અલગ સ્થળે નોકરી કર્યા પછી ગયા વર્ષે જ આચાર્ય તરીકે નિવૃત્તિ મળેલી છે. આપની સંસ્થાના ગૃહપતિ તરીકે પૂરી નિષ્ઠા અને ચીવટથી સેવાઓ આપીશ… વગેરે વગેરે…

ટપાલના ડબ્બામાં પરબીડિયું નાખી આવ્યા પછી જાણે થાકી ગયા હોય એમ એ હીંચકા પર બેઠા. નિમુબહેન પણ એમની પાસે બેઠાં. ‘આ નોકરી મળી જાય તો કોઈ ઉપાધિ ના રહે…’ દિવેશ્વર ધીમેથી બબડ્યા. ‘નિવૃત્તિ પછીના આ એક વર્ષમાં એવા ખર્ચા આવી ગયા કે બધું તળિયાઝાટક થઈ ગયું ! પુનિતાની પહેલી ડિલિવરી એટલે મા-બાપ તરીકે એને અહીં લાવ્યાં અને જિયાણું કર્યું. બાકી હતું તો રૂપેશને બી.એડ્‍.માં એડમિશન મળ્યું એય બહારગામ. કૉલેજની ફી અને હૉસ્ટેલની ફી…’

‘ભોળાનાથ સહુ સારાં વાનાં કરશે…’ નિમુબહેનના અવાજમાં આશાનો રણકાર હતો. ‘આ નોકરી મળી જાય તો આપણે ત્યાં રહીશું. આ મકાન ભાડે આપી દઈશું. તમારો પગાર, પેન્શન અને ભાડાની આવક… આનાથી વધારે શું જોઈએ ?’

‘જો નોકરી મળે તો…’ દિવેશ્વરના અવાજમાં નિરાશા હતી. ‘સંસ્થા સારી હોય તો રહેવાનીયે મજા આવે અને બધા પ્રશ્નો ઊકલી જાય.’

‘મને તો ભગવાન ઉપર વિશ્વાસ છે. આખી જિંદગીમાં તમે કંઈ ખોટું કર્યું નથી. જાત ઘસીને છોકરાંઓને ભણાવ્યાં છે. વેકેશન સિવાય એકેય રજા નથી લીધી. પૂરેપૂરી નિષ્ઠા અને ધગશથી ફરજ બજાવી છે એની કંઈક નોંધ તો ઉપરવાળાના ચોપડામાં હશેને ! એ નોકરી અપાવી દેશે…’

નિમુબહેનની વાત સાંભળીને દિવેશ્વરના ચહેરા ઉપર સંતોષ છવાયો. બીજા બધા શિક્ષકો કામચોરી કરતા અને બીજા અનેક ધંધાઓ સાથે સંકળાઈને કમાણી કરતા હતા. એ બધા રિટાયર્ડ થઈને પોતપોતાના ધંધામાં જામી ગયા છે. દિવેશ્વર વિચારતા હતા… પોતે ક્યારેય બીજા કોઈ ધંધાનું વિચાર્યું પણ નહોતું. પાકો સિદ્ધાંતવાદી સ્વભાવ એટલે બાળકોને દિલથી ભાણાવવા સિવાય ટ્યૂશન કે એવી કોઈ પ્રવૃત્તિમાં ચાંચ નહોતી ડૂબાડી. ક્યારેક રસ્તે જતા હોય ત્યારે કલેક્ટર કક્ષાનો કોઈ અધિકારી નમસ્તે કહીને ઊભો રહે ત્યારે દિવેશ્વર એનો ચહેરો જોઈને વિચારમાં પડી જતા. એ પછી પેલો ભૂતપૂર્વ વિદ્યાર્થી જ પોતાની ઓળખાણ આપતો, ‘સર, મને ભૂલી ગયા ? હું ભરત જોષી. આપના હાથ નીચે જ ભણી ગયો છું. ગણિતનો જે પાકો પાયો આપે કરાવેલો એ હજુ યાદ છે…’ એ દિવસે દિવેશ્વરની છાતી અભિમાનથી નહીં પણ આત્મસંતોષથી ફૂલી જતી. ડૉક્ટર, એન્જિનિયર, મ્યુનિસિપાલિટીના કાઉન્સિલરો… દિવેશ્વરને ચહેરાઓ યાદ રહેતા નહીં. ચાળીસ વર્ષમાં હજારો વિદ્યાર્થીઓ હાથ નીચેથી પસાર થઈ ગયા હતા.

ઘેર આવીને એ આ વાત નિમુબહેનને કહેતા એટલે એ અકળાઈને પૂછે, ‘આ બધી મૂડીનું અત્યારે શું ઊપજે ?’ સતત આર્થિક તંગીમાં જીવવાને લીધે ક્યારેક એમનો ઉકળાટ ઊભરો બનીને બહાર આવી જતો. ‘તમને તો એવી કોઈ ઓળખાણનો લાભ લેતાં પણ નથી આવડતું. વળી, આખી નિશાળમાં સૌથી કડક સાહેબ તરીકે તમે છાપ ઊભી કરેલી. જ્યાં જ્યાં ગયા ત્યાં શિસ્તનું પૂછડું પકડી રાખેલું એટલે બધા છોકરાઓ તમારાથી ગભરાતા હતા… કદાચ તમને ધિક્કારતા પણ હશે. આજે મોટા સાહેબ થઈને એ તમને મળે ત્યારે તમારી સામે તો તુચ્છકારથી જ જુએ છે ને ?’

‘સાવ એવું નથી. એ બધાના હિત ખાતર હું કડક બનતો’તો. હવે મોટા થયા પછી એમને પણ એ સમજાતું હશે એટલે મારા માટે એમના હૃદયમાં આદર હશે…’ દિવેશ્વર નિમુને જવાબ તો આપી દેતા પણ અંદરથી એમને થતું કે નિમુની વાત સાવ ખોટી નથી. અશિસ્ત આચારનાર વિદ્યાર્થીને એમણે કદી માફ નથી કર્યો. મગજ ધૂંધવાઈ જાય ત્યારે એ વિદ્યાર્થીના બાપ સુધી પણ બોલી નાખતા. એ વખતે જે તે ગામમાં દરેક વિદ્યાર્થીનો બાપ શું કરે છે એ પણ ખબર હોય. વિદ્યાર્થીનો પિતા વાળંદ હોય અને એ વાંકમાં આવે ત્યારે દિવેશ્વરની જીભ કુહાડાની જેમ ચાલતી. ‘તું ભણી રહ્યો. તારા બાપની દુકાને બેસીને વાળ કાપ. મૂંડવા સિવાયની કોઈ આવડત નથી તારામાં.’ આ રીતે બધા છોકરાઓને ધમકાવતી વખતે એમને કંઈ ખરાબ નહોતું લાગતું. આ રીતે ટોકવાથી પણ એ સરખી રીતે ભણે એ એક માત્ર ઉદ્દેશ હતો એમનો.

દીકરીનો પ્રસૂતિ અને જિયાણાનો ખર્ચ અને પુત્રનો બહારગામ હૉસ્ટેલનો ખર્ચ – આ બે ઘટના પછી નિમુબહેન પણ ઇચ્છતાં કે એ કંઈક આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિ કરે. ‘તમે ટ્યૂશન કરો…’ એ ધીમેથી કહેતાં.

‘આખી જિંદગીમાં પૈસા માટે ક્યારેય ટ્યૂશન નથી કર્યાં તો હવે અંગ્રેજી મીડિયમના જમનામાં ટ્યૂશન ક્યાંથી મળે ?’

‘ના જ મળે…’ નિમુબહેન એમની સામે તાકી રહેતાં. ‘ચોળાયેલો ખાદીનો ઝભ્ભો અને ધોતિયું પહેરેલો કોઈ સાહેબ ટ્યૂશન માટે પોતાના ઘેર આવે એ કોઈ મા-બાપને હવે ના ગમે. તમે સાઈકલ લઈને એમના ઘેર જાવ એમાં એમની ઇજ્જત ઘટે !’ એ પછી છાપામાં નિમુબહેન પણ ધ્યાનથી બધી જાહેરાતોનો અભ્યાસ કરતાં. ગૃહપતિની કે એવી કોઈ જાહેરાત આવે કે તરત અરજી કરાવે. આસપાસની આઠેક જગ્યાએ તો એ રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે જઈ આવેલાં પણ ક્યાંય મેળ નહોતો પડતો.

આજે છેક પ્રભાસપાટણ પાસેની જાહેરાત જોઈને નિમુબહેન એમને પ્રોત્સાહિત કર્યા અને અરજી કરાવી. દસેક દિવસ પછી અખિલ ગુજરાત ગોપાલક સંઘ તરફથી પરબીડિયું આવ્યું. દિવેશ્વરને રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યા હતા.

‘પગાર પૂરો સાત હજાર જોઈશે એવું તો લખ્યું’તું ને ?’ નિમુબહેને પૂછ્યું.

‘બધું સ્પષ્ટતાથી લખેલું છે, છતાં ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યો છે…’ દિવેશ્વરના અવાજમાં હતાશા ભળી, ‘પણ જવાની ઇચ્છા નથી થતી. ખાલીખોટા ચારસો-પાંચસો રૂપિયા પાણીમાં નાખવાનો કોઈ અર્થ ખરો ?’

‘આટલે દૂર અંતરિયાળ જગ્યા છે એટલે બહુ અરજીઓ નહીં આવી હોય. કદાચ ચાન્સ લાગી જાય તો કાયમી શાંતિ થઈ જાય…’ નિમુબહેને એમને હિંમત આપી. ‘તમને પુનિતા અને રૂપેશના સમ છે. જઈ આવો.’

રાત્રે અમદાવાદથી લક્ઝરી બસ ઊપડી એમાં એ બેસી ગયા. સવારે વેરાવળ ઊતરીને છકડામાં બેસીને એ પ્રભાસપાટણ પહોંચ્યા. સોમનાથ મંદિરની ધર્મશાળામાં તમામ પ્રાતઃવિધિ પતાવીને એ તૈયાર થયા. ઇન્ટરવ્યૂનો સમય બપોરે એક વાગ્યાનો હતો એટલે કોઈ ઉતાવળ નહોતી. મંદિરમાં દર્શન કરીને એ રિક્ષામાં બેઠા. નિમુબહેને યાદ કરીને ઇન્ટરવ્યૂ માટે ખાદીનો નવો ઝભ્ભો, નવી ધોતી અને બદામી બંડી બેગમાં મુકાવેલી. ચંપલ પણ સાવ નવી હતી.

રિક્ષામાંથી ઊતર્યા ત્યારે આખું શૈક્ષણિક સંકુલ જોઈને એ સ્તબ્ધ બની ગયા. અદ્યતન મકાનો અને હરિયાળાં વૃક્ષો વચ્ચે એમની નજર અટવાઈ ગઈ. ખાસ્સા વિસ્તારમાં આખું સંકુલ વિસ્તરેલું હતું. બેઠા ઘાટના નાનકડા બંગલાઓ જોઈને એમને લાગ્યું કે ગૃહપતિ માટે પણ આવું સરસ મકાન હશે.

નવી આશા સાથે એમના પગની ગતિ વધી. એ ઑફિસમાં પહોંચ્યા ત્યાં સુધી લીલીછમ લોન અને બગીચાઓ ઉપર એમની નજર ફરતી રહી, પણ ઑફિસમાં બાવીસ ઉમેદવારિની પીડા હૃદયમાં ખૂંચતી હતી. ખુરશીમાં બેસીને એમણે બાકીના ઉમેદવારોનું નિરીક્ષણ કર્યું. બધા અપટુડેટ અને આધુનિક વસ્ત્રોમાં હતા. લિસ્ટ જોયું તો ખબર પડી કે ઇન્ટરવ્યૂમાં એમનો નંબર સૌથી છેલ્લે હતો. છેક સાંજ સુધી બેસવાની માનસિક તૈયારી સાથે એ ખુરશીમાં ગોઠવાયા.

જે ઉમેદવાર ઇન્ટરવ્યૂ આપીને બહાર આવે એની પાસેથી અંદર શું શું પૂછે છે એની માહિતી મેળવવાનું શરૂ કર્યું. બીજા ઉમેદવારો પણ એ જ કરતા હતા. સામાન્ય જ્ઞાન, અગાઉની નોકરીનો અનુભવ, વિદ્યાર્થીઓ સાથે કઈ રીતે વર્તશો વગેરે વગેરે પ્રશ્નો મોટા ભાગનાને પુછતા હતા. ત્યાંના સ્થાનિક ધારાસભ્યે જ પોતાની જ્ઞાતિની આ સંસ્થા ઊભી કરેલી અને મોટા ભાગના પ્રશ્નો એ જ પૂછે છે એવી માહિતી મળી. દસ-પંદર મિનિટમાં દરેક ઉમેદવાર બહાર આવી જતો હતો.

એકવીસમો ઉમેદવાર ઇન્ટરવ્યૂ આપવા અંદર ગયો એ પછી દિવેશ્વરના હૃદયના ધબકારા વધી ગયા. આજ સુધીમાં આટલે દૂર આવીને ઇન્ટરવ્યૂ માટે આટલો સમય બેસવાનું અગાઉ ક્યારેય બન્યું નહોતું. એટલે એ નર્વસ બની ગયા હતા. વિધાનસભાના અધ્યક્ષથી માંડીને રાજ્યસભાના ઉપાધ્યક્ષ સુધીનાં બધાં નામ એમણે યાદ કરી લીધાં હતાં. અગાઉ એક-બે ઉમેદવારને આવા સવાલો પણ પુછાયા હતા.

પટાવાળો એમનું નામ બોલ્યો એટલે એ ઊભા થયા. સવારે દર્શન કરેલા એ સોમનાથદાદાનું સ્મરણ કર્યું. વિશાળ ટેબલની સામે ત્રણ વ્યક્તિઓ બેઠી હતી. એમાં વચ્ચે બેઠેલી વ્યક્તિ જ સૌથી વધુ પ્રભાવશાળી લાગતી હતી. ખાદીનાં મોંઘાં વસ્ત્રો, વિદેશી ગોગલ્સ, ટૂંકા ક્રૂ કટ વાળ અને ભરાવદાર ચહેરો ધરાવતા આ ધારાસભ્યના પ્રશ્નો ઉપર જ આ નોકરીનો આધાર છે એ દિવેશ્વરને પહેલી નજરે જ સમજાઈ ગયું.

‘બેસો…’ પહેલા માણસે એમને ખુરશી ચીંધી.

‘આભાર…’ સહેજ સંકોચાઈને ખુરશીમાં બેઠા. ‘નામ ?’ ‘અનુભવ…?; આજુબાજુ બેઠેલી બંને વ્યક્તિઓએ પ્રશ્નો પૂછી લીધા. એ પછી બંનેએ ધારાસભ્ય સામે જોયું. હવે પ્રશ્નો પૂછવાનો એમનો વારો હતો. દિવેશ્વર એમની સામે તાકી રહ્યા. પ્રશ્નોને ઝીલી લેવા માટે એ હવે માનસિક રીતે સંપૂર્ણ સજ્જ હતા.

‘આપના પિતાશ્રી…’ ધારાસભ્યે પૂછ્યું, ‘ઓગણીસ ભેંસોને ચરાવવા માટે આપને મોકલે અને એમાંથી ચાર ભેંસો ખોવાઈ જાય તો કેટલી બાકી રહે ?’

ધારાસભ્યનો આ પ્રશ્ન સાંભળીને આજુબાજુવાળા બંને માણસો આશ્ચર્યથી એમની સામે તાકી રહ્યા. પગ પાસે વીજળી પડી હોય એમ દિવેશ્વર હચમચી ઊઠ્યા. પોતાની ખુરશી ઉપરથી એ ઊભા થઈ ચૂક્યા હતા. આંખો ફાડીને એ ધારાસભ્ય સામે તાકી રહ્યા. આ પ્રશ્ન ?… એ ઝડપથી વિચારતા હતા. ગોદડ ભરવાડનો જીવણો ભારે ભારાડી હતો. એને પ્રશ્ન પૂછતી વખતે એમની ભાષા જુદી હતી, ‘તારો બાપો તને ઓગણીસ ડોબા લઈને ચરાવવા મોકલે…’

ત્રીસ વર્ષ અગાઉનો આ જીવણો ? આશ્ચર્યથી આંખો પહોળી કરીને એ ધારાસભ્યના ચહેરા સામે તાકી રહ્યા. હવે ચારસો રૂપિયાનું નુકસાન સાવ સાચું !

‘બેસી જાવ દિવેશ્વરસાહેબ, નિરાંતે બેસો…’ જીવણે હસીને એમની સામે જોયું, ‘ઓગણીસમાંથી ચાર જાય તો પંદર રહે એ વાત મને શીખવવા માટે આપે જે તકલીફ વર્ષો અગાઉ લીધી હતી એ મને યાદ છે. મારી ઇચ્છા છે કે હૉસ્ટેલના બધા વિદ્યાર્થીઓના વિકાસ માટે આપ આટલી જ મહેનત કરો. બે-ચાર દિવસમાં ફેમિલીને લઈને આવી જાવ…’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

27 thoughts on “વાત દિવેશ્વરની… – મહેશ યાજ્ઞિક”

Copy Protected by Chetan's WP-Copyprotect.