સામ્રાજ્ય – નયના શાહ

(‘જનકલ્યાણ’ સામયિકના જૂન, ૨૦૧૬ના અંકમાંથી સાભાર)

વારંવાર થનાર પતિના મોંએ સુરભી ભાભીનું નામ સાંભળી મને કંટાળો આવતો હતો. હું તો ઘણી વાર કહેતી કે, ‘તમારા દરેક વાક્યના અંતે પૂર્ણવિરામને બદલે સુરભી ભાભી જ આવે.’ મેં જોકે સુરભી ભાભીને જોયા ન હતાં, પરંતુ મનોમન હું સુરભી ભાભીની ઈર્ષ્યા કરતી હતી.

જોકે અમે કોઈ પણ સગાંને ત્યાં મળવા જઈએ ત્યાં પણ માત્ર અને માત્ર સુરભી ભાભીનાં જ વખાણ હોય. વાતો પણ સુરભી ભાભીની જ હોય. મનમાં તો મને ઘણી વાર થતું કે, આખરે આ સુરભી ભાભીમાં એવું શું છું કે જેના કારણે બધાના મોંમાં એમનું જ નામ હોય.

સુરભી ભાભી એમના સગાં ભાભી ન હતાં. એ તો એમના કાકાના દીકરાની પત્ની હતી. કુટુંબમાં એ સૌથી મોટા વહુ હતાં. ચાર કાકાઓના છોકરાઓમાં એ સૌથી મોટા દીકરા જોડે પરણી હતી.

કહેવાય છે કે, નવી વહુ આવે ત્યારે જૂની વહુના માનપાન ઘટી જતાં હોય છે, પરંતુ નવી વહુ આવ્યા બાદ તો સુરભી ખૂબ જ ખુશ રહેતી હતી. કહેતી હતી કે, મને પિયરમાં કોઈ બહેન ન હતી એટલે ઈશ્વરે દેરાણી સ્વરૂપે મને નાની બહેન આપી. સમાજમાં ભાગ્યે જ જોવા મળે તેવો સંપ દેરાણી-જેઠાણીમાં હતો. જોકે એ વાતનું એના સાસુ-સસરા ઘણું ગૌરવ લેતા હતા.

પરંતુ સુરભીએ જોયું કે તેના ત્રણ કાકા સસરાના બીજા આઠ છોકરાઓ અને બે છોકરીઓ લગ્નમાં મહેમાનની જેમ આવી જમીને જતા રહેતા હતા. જ્યારે સુરભીના પિયરમાં કોણ સગો ભાઈ છે અને કોણ કાકાની દીકરો ભાઈ છે એ જ ખબર ના પડે. આ વાત સુરભીને સતત ખટકતી હતી. તેથી જ એક દિવસ સુરભીએ એનાં સાસુને પૂછી જ લીધું, ‘મમ્મી, કાકાના દીકરા-દીકરીઓ આપણે ત્યાં મહેમાનની જેમ કેમ આવે છે ? કાકાનું ઘર એટલે પોતાનું ઘર જ કહેવાય ને ?’

આ સાંભળતાં તેનાં સાસુ બોલી ઊઠ્યાં, ‘એ લોકો આવે છે એ તો જાણે આપણી ઉપર ઉપકાર કરે છે. બાકી એ તો આવે જ નહીં. આ તો હું અને તારા સસરા જાતે આમંત્રણ આપવા ગયા એટલે આવ્યા. બાકી આવે પણ નહીં અને એ લોકો ના આવે તો સમાજમાં આપણું ખરાબ દેખાય. અરે, વરવેવિશાળ આપણા વિશે શું વિચારે ? આ તો આપણે સમાજમાં રહેવું છે એટલે છૂટકો નથી.’

સુરભી બોલી ઊઠી હતી કે, ‘મમ્મી, જુઓ તમને વાંધો ના હોય તો મને કારણ તો કહો કે ક્યા કારણસર આપણા બધા કુટુંબોમાં મનદુઃખ થયા છે ? અને બાકીના બધાય કાકાઓ શું આ જ રીતે અંદર અંદર નથી બોલતા ? મમ્મી જે ઘરમાં આટલા બધા દીકરાઓ હોય એને તો કોઈ પડોશીઓની પણ જરૂર ના પડે. બીજું કે, બધાય ભાઈઓ માત્ર બે કિલોમીટરના અંતરમાં રહે છે. સુખ ભલે ના વહેંચાય, પરંતુ દુઃખ તો અચૂક વહેંચાવવું જ જોઈએ. કહેવાય છે કે, સગાંથી બીજો કોઈ મોટો સાથી નથી. મમ્મી મારા પિયરમાં તો ઘણો સંપ છે. મમ્મી, મારી ઇચ્છા બધા સાથે ભેગા મળીને જીવવાની છે. જેમ અમારા કુટુંબમાં બધા ભેગા મળીને રહીએ છીએ. મમ્મી, ખાસ કંઈ મનદુઃખ ના હોય તો અને તમને વાંધો ના હોય તો હું બધાને ભેગા કરું ?’

‘સુરભી તું સપનાં જોવાનું બંધ કર. આટલાં વર્ષોથી ભાઈઓ ભાઈઓમાં સંબંધ નથી તો હવે શું થવાના છે ? પછી તો તું જાણે અને તારું કામ જાણે.’

સુરભીને તો ખાલી સાસુની આજ્ઞા જ મેળવવની હતી જે મળી ગઈ હતી. તેથી જ એ મોબાઈલ લઈ પોતાના રૂમમાં ગઈ. દરેક ભાઈઓ કે જે એના દિયરો થતા હતા. એમના જોડે પ્રેમથી વાતો કરી અને છેલ્લે પૂછી જ લીધું અમારી સાથે અવારનવાર વાતો કરવી ગમે ? મને તો એવું બહુ જ ગમે. બીજું કે મારે તો કોઈ સગો ભાઈ છે જ નહીં. મને તો ભાઈઓની ઘણી હોંશ છે. તો શું તમે બધા મારા ભાઈઓનું સ્થાન ના લઈ શકો ? વાતમાં ખૂબ સરળતા, ક્યાંય દંભ નહીં, ક્યાંય મોટાઈ નહીં. આટલી નિર્દોષતાથી અને સરળતાથી વાત કરનારને ના પાડવાની હિંમત કોણ કરે ? અને સુરભીના બોલવામાં એટલી તો મીઠાશ હતી કે બધા સહજ રીતે એના થઈ ગયા હતા. ખરેખર તો હૃદયપૂર્વક વાત કરવાથી પ્રાણી હોય કે દુશ્મન એ સહજપણે તમારા થઈ જાય. સુરભી સાથે એવું જ થયું.

પણ બધાનું કહેવું હતું કે, અમારા મનમાં કંઈ જ નથી. આ બધું તો મોટાઓએ ઊભું કરેલું તૂત છે. અમને બોલવાની ના પાડે છે કે સંબંધ વધારવાની ના પાડે છે. બાકી તો કોઈનેય કોઈ જોડે મનદુઃખ નથી. મોટાઓમાં અહમ્‍ છે. દરેક જણને એવું છે કે, પેલો ભાઈ મારી જોડે સારી રીતે બોલતો નથી. તો બીજા ભાઈ કહેશે કે હું તો સારી રીતે બોલું છું, પણ પેલો ભાઈ ખરાબ છે. બસ, આ બધી વાતોનો ક્યાંય અંત આવતો નથી. ઠીક છે, બાકી અમને કોઈનેય કોઈ જોડે સંબંધ રાખવામાં વાંધો નથી.

ત્યાર બાદ નજીકના સમયમાં શરદપૂનમ આવતી હતી. તેથી સુરભીએ બધા દિયરોને ફોન કરીને કહ્યું કે, ‘અહીં નજીકમાં જ બાગ છે. આપણે બધા કેટરિંગ આપી દઈએ, બાગમાં બધા ભેગા થઈ શરદપૂનમ ઊજવીએ. ખર્ચાની ચિંતા નથી. આપણે બધા જ પૈસેટકે સુખી છીએ. હા, મોટાઓ ભલે ના આવે, આપણે બધા તો મળીએ જ.’ દરેક જણે સંમતિ આપી. એ દિવસે બધાને એકબીજાનો સાથ ગમ્યો. એકબીજાના સ્વભાવનો પરિચય થયો. ખરેખર તો દરેક જણ નિખાલસ હતું જ. કેટરિંગનો બધો જ ખર્ચ પોતે આપશે એવું દરેક ભાઈ કહેતો હતો. આખરે દરેક જણે પોતપોતાના પૈસા આપી દીધા.

એ દરમિયાન બધા હાઉસી રમ્યા, અંતાક્ષરી રમ્યા. જાણે કે વર્ષોથી પરિચિત હોય એવી રીતે વર્તવા લાગ્યા. સુરભીને ઘણું ગમ્યું.

ત્યાર બાદ ઉત્તરાયણ પર ઊંધિયાનો પ્રોગ્રામ રાખ્યો એટલું જ નહીં, બધાએ એક જ ધાબે ભેગા થઈ ઉત્તરાયણ ઊજવી. મોટાઓ એકબીજા જોડે ઓછું બોલતાં હતાં, પરંતુ છોકરાઓ ને વહુઓએ તો વડીલોના દિલ જીતી લીધા હતા. અવારનવાર બધાને ભેગા થવામાં આનંદ આવવા માંડ્યો હતો. પછી તો એવું થતું કે લગ્નની તૈયારીઓનું કામ મોટે ભાગે સુરભી જ ઉપાડી લેતી. બધા માંદેસાજે, એકબીજાની ખબર કાઢવા જતા. ખરેખર તો સુરભીએ જ કુટુંબને એક સૂત્રે બાંધી દીધું હતું. આવું તો વર્ષોવર્ષ ચાલતું રહ્યું.

એવામાં સુરભીને ખબર પડી કે, દાદા કે જે એના વડસસરા હતા એમની અપરસમાં સેવા બીજા નંબરના કાકી કરે છે. એટલું જ નહીં લગભગ આઠ કિલો ઘીની સામગ્રી કાકી બનાવે છે, કારણ દાદા એ પ્રમાણે કરતા હતા. દાદાની ઇચ્છા એવી કે આટલી બધી સામગ્રી બને તો એક કુટુંબ એકલું ના ખાય. બધા ભાઈઓ ભેગા થઈ પ્રસાદ ગ્રહણ કરે.

દિવસે દિવસે એવું થવા માંડ્યું કે કાકીથી ઉંમરને કારણે ખૂબ ઓછું થતું તેથી મહિના પહેલાં થોડી થોડી તૈયારી કરતા.

એક દિવસ સુરભીએ કહ્યું, ‘કાકી, દાદાના ભગવાન એ અમારા પણ ભગવાન કહેવાય ને ?’

કાકી સુરભી સામે થોડી ક્ષણો જોઈને બોલ્યાં, ‘કહેવાય તો ખરાં પણ એવું માને છે કોણ ? અન્‍નકૂટમાં પ્રસાદની આશા રાખે છે, પણ દર્શન કરવા પણ આવતા નથી.’

‘કાકી હું તો મારી વાત કરું છું. હું પણ આ કુટુંબની જ છું. તો હું પણ તમારી સાથે સામગ્રી કરવા ના આવી શકું ? હું પણ અપરસમાં બનાવીશ.’ સુરભીએ સહજ રીતે કહ્યું, પરંતુ કાકીએ તો તોછડાઈથી જવાબ આપ્યો, ‘પહેલાં તારાં સાસુને પૂછી જોજે. પછી મને મદદ કરવા આવજે.’

સુરભી પણ કંઈ જાય એવી ન હતી. એણે જવાબ આપ્યો, ‘કાકી હું માત્ર મારા પતિને પરણી નથી. એના આખા કુટુંબની હું સભ્ય છું અને દરેકને મદદરૂપ થવું એ મારું કર્તવ્ય છે. સારા કામમાં મારાં સાસુ વિરોધ નહીં કરે એની મને ખાતરી છે. કદાચ એમને નહીં ગમે તો પણ વ્યક્તરૂપે વિરોધ રજૂ નહીં કરે.’

ત્યારબાદ દર વર્ષે મદદ કરાવતી. ચાર-પાંચ દિવસમાં સામગ્રી બની જતી. જોકે એ શાક સમારવા માટે ચોપરનો ઉપયોગ કરતી, તો લોટ શેકવા માઈક્રોવેવનો ઉપયોગ કરતી. લોટ બાંધવા આટા મિક્સનો ઉપયોગ કરતી જેથી ખૂબ ઝડપથી સામગ્રી તૈયાર થતી. બધા છોકરાઓ જમવા માટે આવતા તથા મોટાઓને પ્રસાદ મોકવાલી દેવાતો. દરેક પાસે બહાનું તો હોય જ કે અમારી તબિયત ઉંમરને લીધે સારી નથી રહેતી. વડીલોની આ બાબતનો કોઈ વિરોધ તો કરતું નહીં, પણ મનમાં દરેક જણ સમજતું કે વડીલો જાણી જોઈને આવતા નથી, પરંતુ બધા ભેગા મળીને પ્રસાદી લેતા ત્યારે સુરભી વિચારતી કે જરૂર દાદાનો આત્મા સ્વર્ગમાં સંતોષનો શ્વાસ લેતો હશે.

એક દિવસ દિવાળી નિમિત્તે બધાં ભેગા થવાના હતા. જ્યારે મને આમંત્રણ મળ્યું ત્યારે હું મનમાં ઘણી હરખાઈ કે ચલો સુરભી ભાભીને જોવા તો મળશે, પરંતુ મારા થનાર પતિએ જાણે કે મારા મનની વાત વાંચી લીધી હોય એમ એ બોલ્યા, ‘સારું, તારી સુરભી ભાભીને જોવાની ઇચ્છા તો પૂરી થશે. જોકે હું તારા હાવભાવ પરથી સમજી ગયો છું કે તું મનોમન સુરભી ભાભીની ઈર્ષ્યા કરે છે. આખરે તો હું માનસશાસ્ત્રમાં પીએચ.ડી. થયેલો છું.’ હું હસી પડી, પરંતુ એમણે કહ્યું આજે તું ચૂપચાપ જોયા કરીશ તો તને ખબર પડશે કે કુટુંબમાં સુરભી ભાભીનું માન શા માટે છે ?

અમે જ્યારે ગયા ત્યારે સુરભી ભાભીનો વ્યવહાર જોઈ હું દંગ થઈ ગઈ. મને તો જાણે વર્ષોથી ઓળખતાં હોય એવો એમનો વ્યવહાર હતો. મારાં મમ્મીને તાવ આવતો હતો એ વાતની એમને ખબર હતી એટલે મને તરત જ પૂછી લીધું, ‘હવે તારી મમ્મીને કેમ છે ? તાવ ઊતરી ગયો ? હવે તો તમારા લગ્ન પણ નજીક આવી રહ્યાં છે. જો કંઈ પણ કામ હોય તો મને તારી મોટી બહેન સમજી સંકોચ વગર કહેજે. અમારું તો સંયુક્ત કુટુંબ છે. મારાં સાસુ અને દેરાણી તો છે જ. ખાસ કામનું ભારણ પણ નથી એટલે સંકોચ ના રાખીશ.’

પહેલી મુલાકાતમાં સુરભી ભાભીની આત્મીયતા મને ગમી. કુટુંબના બાળકો તો સુરભી ભાભીને વીંટળાયેલાં જ રહેતાં. જ્યારે દિપુ આવ્યો ત્યારે સુરભી ભાભી બોલ્યાં, ‘જો દિપુને પહેલાં પીરસી દો. કાલે એની પરીક્ષા છે છતાં પણ આવ્યો છે.’ દિપુ જાણે એમનો દીકરો જ હોય એમ એના ભણવા વિશે, પરીક્ષા વિશે રસ લઈ બધું પૂછતાં રહ્યાં.

બધા એકબીજા સાથે હસીખુશીને વાતો કરતાં હતાં. એવામાં જ એક જણે દિપુને કહ્યું, ‘બોલ, તારે શું જોઈએ છે ? તું કહે એ આપું ?’

ત્યારે સુરભી ભાભીએ દિપુના કાનમાં કંઈક કહ્યું એ મેં જોયું. થોડી વાર પછી ફરીથી એને પૂછવામાં આવ્યું કે, ‘બોલ તારે શું જોઈએ છે ?’ ત્યારે દિપુનો જવાબ સાંભળી એક હાસ્યનું મોજું ફરી વળ્યું. દિપુએ કહ્યું, ‘મારે તો માત્ર આવતી કાલનું ગણિતનું પેપર જ જોઈએ છે.’ બધા બોલી ઊઠ્યા, ‘સુરભી ભાભીએ જ શીખવાડ્યું લાગે છે.’

દિપુ તો જમીને જતો રહ્યો. ત્યાર બાદ બધાએ પીરસવાનું ચાલુ કર્યું ત્યારે રમેશભાઈ પાસે ડિશ નહોતી. કારણ એમણે કહેલું કે, ‘મને બધાને મળવું ગમશે, પણ હું હમણાં જ કમળામાંથી ઊઠ્યો છું એટલે તેલ-ઘી નહીં ખાઉં. હું ઘરે જઈને જમીશ.’

જ્યારે બધાએ જમવાનું ચાલુ કર્યું ત્યારે કોઈને પણ વિચાર આવ્યો નહોતો કે રાજેશભાઈ જમ્યા વગર ચૂપચાપ બેસી રહેશે. જોકે બધાને એ તો ખબર હતી કે રાજેશને કમળો છે એટલે એ જમવાનો નથી.

પરંતુ જે વાત બધા વિચારી શકતા નહોતા એ વાત સુરભી ભાભીએ વિચારી રાખેલી. એમના થેલામાંથી સ્ટીલનો ડબો કાઢી રાજેશભાઈના હાથમાં મૂકતાં બોલ્યાં, ‘હું જમું ને મારો નાનો ભાઈ બેસી રહે એવું મારાથી સહન ના થાય. હું તમારા માટે પાપડીનો લોટ લાવી છું જેમાં તેલ નથી. તમે ખાઈ શકશો.’

બધા જ ખુશ થઈને કહેવા લાગ્યા કે, તમે આ બહુ સારું કર્યું.

ત્યાં જ શ્વેતા પાસે જતા બોલ્યા, ‘શ્વેતા તારું લીલા મરચાં વગરનું કરાવ્યું છે. તું પેટ ભરીને જમજે.’

મારી પાસે તો આવીને કોપરા પાકનું ચોસલું મારા મોંમાં મૂકતાં બોલ્યાં, ‘કોપરા પાકમાં જેટલી મીઠાશ છે એટલી જ મીઠાશ હવેથી આપણા સંબંધોમાં રહે. તું સૌથી નાની વહુ બનવાની છે એટલે તો નાની હોવાના કારણે બધાની લાડલી બની જઈશ.’

હું તો મારા પિયરમાં સૌથી મોટી હતી. હું આ કુટુંબમાં સૌથી નાની છું એ વિચાર જ મને આવ્યો નહોતો. મારી નાની બહેન બધાને જ લાડકી હતી એની દરેક જિદ આ નાની હોવાને લીધે પૂરી થતી હતી. એનો કંઈ વાંક હોય તો પણ કહેવાતું કે એ તો નાની છે. મેં આ બાબતમાં વિચાર્યું જ નહોતું. આ સાંભળતાં મારા હૃદયમાં એક આનંદની લહેર દોડી ગઈ.

બધાના છૂટા પડવાના સમયે મને થયું કે હજી પણ થોડી વાર મને સુરભી ભાભીનો સાથ મળે તો સારું, પરંતુ એ શક્ય જ નહોતું. મળ્યા પછી છૂટા તો પડવાનું જ હોય.

પરંતુ બહાર નીકળ્યા બાદ મેં તરત કહ્યું, ‘તમારી વાત સાચી છે, સુરભી ભાભી તો સુરભી ભાભી જ છે. ખરેખર તો તમારા કુટુંબમાં સુરભી ભાભીનું જ સામ્રાજ્ય છે. જોકે હું પણ તમને વચન આપું છું કે લગ્ન બાદ હું સુરભી ભાભી થવા પ્રયત્ન કરીશ. સુરભી ભાભીએ તો પ્રેમનું સામ્રાજ્ય સ્થાપી દીધું.’

Leave a Reply to tia joshi Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

8 thoughts on “સામ્રાજ્ય – નયના શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.