- ReadGujarati.com - http://www.readgujarati.com -

ઘરથી મોટું અન્ય કોઈ તીર્થસ્થાન નથી – ડૉ. ચંદ્રકાન્ત મહેતા

(‘ધર્મની ટેલિપથી’ પુસ્તકમાંથી સાભાર. આ પુસ્તક રીડ ગુજરાતીને ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)

તીર્થયાત્રા એ કેવળ ‘પુણ્યસંચય’ પ્રેરિત પ્રવાસકાર્ય નથી પરંતુ અંદરથી પવિત્ર બનવા માટે મન-હૃદયના જરૂરી ફેરફારો કરવાની સંકલ્પબદ્ધતા છે. દેવદર્શન એ દેહાસક્તિ ઘટાડી પોતાનામાં માનવતા અને નિષ્કલંક ચારિત્ર્યશીલતા વિકસાવવા માટેની માનસિક અને ભાવનાત્મક કવાયત છે.

એટલે જ્યાં સુધી મન શુદ્ધ ન થાય ત્યાં સુધી ‘રોજ-રોજ નદીએ નહાવા જાય, કોયલા ઊજળા ન થાય’ સ્થિતિ રહે તો સ્નાન-ધ્યાન કે દેવદર્શન ફળદાયક બની શકે નહીં. અંદરથી નિષ્કપટ બનવાની પ્રતિજ્ઞા એ દેવદર્શન માટે પ્રસ્થાન કરવાની પૂર્વશરત છે.

તીર્થની સરળ વ્યાખ્યા કરતાં કહેવામાં આવ્યું છે કે તારે તે તીર્થ, પણ જ્યાં સુધી માણસમાં ‘તરવાની’ એટલે કે આત્મોદ્ધારની પ્રબળ ભાવના વિકસિત થતી નથી, ત્યાં સુધી માણસ તીર્થાટન કર્યા છતાં હતો ત્યાંનો ત્યાં જ રહે છે. મતલબ કે અંતરિક પવિત્રતા વગર દાન, યજ્ઞ, શાસ્ત્ર, શ્રવણ કે તીર્થયાત્રા નિરર્થક બની જાય છે.

‘જાબલદર્શનોપનિષદ’માં એક સુંદર વાત રજૂ કરવામાં આવી છે. “આત્મતીર્થ જ મહાતીર્થ છે, બાકીનાં તીર્થો વ્યર્થ છે.”

માણસ લોભ-લાલચ ન છોડે, અહંકાર ટકાવી રાખે, સંયમ અને સહિષ્ણુતાની ધરાર ઉપેક્ષા કરે, સ્વજન-પરિજનોને પોતાના ક્રોધ અને દુષ્ટ વ્યવહારથી દુભવે, દંભી અને વિષયાસક્ત રહે, વ્યવહારમાં દગાખોરી અને પ્રપંચ આદરે, એવો માણસ એક નહીં ‘અડસઠ તીરથ’ કરે તોપણ તેને કશો જ ફાયદો ન થાય ! એટલે સૌથી શ્રેષ્ઠ તીર્થ તરીકે અંતઃકરણની પરમ શુદ્ધિને મહત્વ પ્રદાન થયું છે.

‘કાશીખંડ’ (સ્કંદપુરાણ)માં વર્ણવ્યા મુજબ ચિત્તમાં મલિનતા ભરેલી હોય તો તે તીર્થસ્થાનમાં સ્નાન કરવાથી શુદ્ધ થતું નથી ! જેમ મદિરા (દારૂ)થી ભરેલો ઘડો હોય તેને બહારથી વારંવાર ધોયા છતાં તે શુદ્ધ થતો નથી, તેમ દૂષિત અંતઃકરણવાળો માણસ તીર્થસ્નાન કર્યાં છતાં વિશુદ્ધ થતો નથી ! મનનો સંયમ પણ તીર્થ છે અને સંતોષ પણ ઇન્દ્રિય-નિગ્રહ પણ તીર્થ છે અને મધુરવાણી પણ તીર્થ છે. જ્ઞાન પણ તીર્થ છે અને દાન તથા ધૈર્ય પણ તીર્થ છે. ક્ષમા પણ તીર્થ છે અને તીર્થને સ્નાન સાથે નહીં પણ માણસની વૃત્તિ સાથે લેવા-દેવા છે. ‘બગલા ભગત’ બનીને તીર્થાટન કરવું એના કરતાં ઈમાનદાર સંસારી બનીને ગૃહસ્થ ધર્મ અદા કરવો એ વધુ પુણ્યદાયક છે.

‘સ્કંદપુરાણ’માં એ વાત ભારપૂર્વક સમજાવતાં નીચે દર્શાવેલા પાંચ પ્રકારના માણસો તીર્થયાત્રા કરે તોપણ તેમને તેનું ફળ મળતું નથી…

૧. અશ્રદ્ધાળુ ૨. પાપાત્મા ૩. નાસ્તિક અથવા શ્રદ્ધાહીન ૪. સંશયાત્મા ૫. માત્ર તર્કગ્રસ્ત રહેનાર. એનાથી વિપરીત સત્યનિષ્ઠા, ક્ષમાશીલતા, સંયમ, સર્વજીવો પ્રત્યે દયાભાવ, જ્ઞાન, તપ અને મધુરભાષિતા – આ સાત ગુણોને ‘તીર્થસપ્તક’ ગણાવવામાં આવ્યાં છે. કબીર કહે છે તેમ ‘ભીતર વસપુ ધરી નહીં સૂઝે, બાહર ખોજન જાસી ?’ નરસિંહ મહેતાએ ‘વૈષ્ણવજન’ના દર્શન માત્રને ‘તીરથ’ ગણાવ્યું છે. મોહ માયા વ્યાપે નહીં જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે. રામ-નામ શું તાળી રે લાગી, સકલ તીરથ તેના તનમાં રે. આવી પવિત્રતા, નિસ્પૃહિતા, ચારિત્ર્ય, પરોપકાર, સંયમ હોય એવી વ્યક્તિના શરીરમાં – મનમાં – હૃદયમાં જ સર્વ તીર્થો વસેલાં છે.

તીર્થયાત્રા ક્રિયા નથી, સાધના છે, ભ્રમણ નથી, તપ છે, પગલે-પગલે પાવનતા પ્રગટાવવાની પ્રતિજ્ઞા છે. ‘નારદપુરાણ’ માર્મિક રીતે તીર્થનો અર્થ સમજાવતાં કહે છે : “ગંગા વગેરે તીર્થોમાં માછલીઓ (પાણીમાં) નિવાસ કરે છે, દેવમંદિરોમાં પક્ષીવૃંદ રહે છે, પરંતુ તેમનું મન ભક્તિભાવ વગરનું હોવાને કારણે તીર્થસેવન કે દેવમંદિરનિવાસ છતાં કોઈ પણ પ્રકારનું ફળ મળતું નથી ! એટલે હૃદય-કમળમાં શુદ્ધ ભાવ સંચિત કરી એકાગ્રચિત્તે તીર્થ-સેવન કરવું જરૂરી છે.” ‘કાશીપંચક’માં શંકરાચાર્યજીએ તીર્થ પર પ્રકાશ પાડતાં ઉચિત જ કહ્યું છે કે શરીર ‘કાશીક્ષેત્ર’ છે. સર્વવ્યાપી જ્ઞાન ત્રિભુવન-જનની ગંગા છે. ભક્તિ અને શ્રદ્ધા ‘ગયા’ તીર્થ છે. પોતાના ગુરુના ચરણોનું ધ્યાન જ પ્રયાગ છે. અંતરાત્મા એ જ ‘વિશ્વનાથ’ છે. જો મારા દેહમાં આ બધું વસતું હોય તો બીજાં ક્યાં તીર્થો હોઈ શકે ?

જે લોકો કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, મત્સર જેવા આંતરિક શત્રુઓને ગંગામાં ડુબાડીને શુદ્ધ મન સાથે ઘેર પાછા ફરે છે એમની જ યાત્રા ‘તીર્થ’ને લાયક ઠરે છે. નિર્મળ બુદ્ધિવાળા લોકો ‘વિદ્યાતીર્થ’માં, જ્ઞાની લોકો ‘જ્ઞાનતીર્થ’માં, રાજાઓ તલવારની ધાર પર ચાલવા સમાન રાજધર્મ દીપાવીને, યોગીનું તીર્થ ચિત્તમાં, કુળવતી નારીનું તીર્થ ‘સંસાર ધર્મ’ નિભાવવામાં, સમર્પિત રહે છે તે સઘળું પ્રકારાન્તે તીર્થયાત્રાઓ જ ગણાય છે.

દેવી-દેવતાનાં મંદિરો, નદીઓનાં પવિત્ર જળ, મહાપુરુષોનાં સ્મૃતિ મંદિરો ને સમાધિઓ એ બધાં એટલા માટે તીર્થસ્થાન ગણાય છે કે ત્યાંથી માણસને સદ્‍વર્તન, સત્કર્મ અને નિર્મળ ચારિત્ર્યની પ્રેરણા મળે છે. તીર્થયાત્રી એટલે તીર્થયાત્રા બાદ નવોનક્કોર થઈને સંસારમાં પાછો આવેલો માણસ. તીર્થયાત્રી એટલે ‘પુનર્જન્મ’ પામેલો માણસ. જેનું મન ‘ભગવદીય’ થઈ ગયું હોય ! એના હૃદયમાં પ્રેમની પવિત્ર સરિતા વહેતી હોય. તીર્થયાત્રી કાયમ માટે કામ-ક્રોધાદિ દુર્ગુણોથી એટલા માટે મુક્ત નથી થતો કે એણે એક ‘ક્રિયા’ તરીકે ‘તીર્થયાત્રા’ ‘પતાવી’ હોય છે, અંદરથી શુદ્ધ બનવા માટે મનને કેળવ્યું નથી !

દેવ અને તીર્થ સાથે માણસ ‘સ્વાર્થ’નો સંબંધ રાખે છે. ચૂંટણીમાં કે અદાલતના મુકદ્દમામાં જીતવા, દારિદ્ર દૂર કરવા કે મબલક ધન કમાવા, પરીક્ષામાં ઝળહળતી ફત્તેહ માટે કે પ્રેમ અથવા લગ્નમાં સપનાં સાકાર કરવા માટે માણસ દેવાલય કે તીર્થ સ્થાને દોડી જાય તો એવી ‘ગણતરી’ નથી ભક્તિ કે નથી ‘દેવોપાસના !’ આજકાલ તો દેવદર્શન કે તીર્થસ્થળે પણ માણસો ‘વી.આઈ.પી.’ બનીને જાય છે. પરિણામે ‘દેવ’ ગૌણ અને પોતે મુખ્ય બની જાય છે ! દેવ સાથે ‘સોદા’નો નહીં, નિસ્વાર્થ સમર્પણનો નાતો રાખી શકાય. એવું સમર્પણ જ માનસિક શાંતિ અર્પી શકે. હૃદય સંકીર્ણ રહે, મન સંકુચિત રહે, બુદ્ધિ સ્વાર્થોપાસક રહે તો દેવ અને તીર્થના આશીર્વાદ માણસને ક્યારેય મળે-ફળે નહીં.

પાથેય : નિર્મળ અને ચારિત્ર્યશીલ સંસારી બની ગૃહસ્થાશ્રમને દીપાવો તો ઘરથી મોટું અન્ય કોઈ તીર્થસ્થાન નથી !

[કુલ પાન ૧૭૪. કિંમત રૂ. ૧૮૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]