કૂવાનો દેડકો – પુષ્પા અંતાણી

(‘ઓળખ’ સામયિકના જુલાઈ, ૨૦૧૬ના અંકમાંથી)

કહેવાય છે કે કૂવાનો દેડકો કૂવામાં જ રહે, એ કૂવો છોડી બીજે રહેવા જાય નહીં. એનું કારણ તમે જાણો છો, બાળદોસ્તો ? ચાલો, આજે હું તમને એ વિશે એક વાર્તા કહું.

વાત જાણે એમ બની કે સનાભાઈ ઉંદરને એક વાર યાત્રા કરવા જવાનું મન થયું. એ તો નીકળી પડ્યો યાત્રા કરવા. એણે વિચાર્યું કે દેશનાં બધાં જ મંદિરોની યાત્રા કરવામાં તો મહિનાઓના મહિના લાગી જાય. એમાં શિયાળોય આવે અને ચોમાસું પણ આવે. એથી સનાભાઈ ઉંદરે ટાઢથી બચવા એક કોટ અને વરસાદથી બચવા એક છત્રી પોતાની સાથે લીધાં. ખાવાપીવાનો તો કોઈ સવાલ જ નહોતો, જે મંદિરમાં દર્શન કરે તે મંદિરમાં ચઢેલો પ્રસાદ પેટ ભરીને ખાઈ લેવાનો.

આમ એણે પોતાના ગામનાં બધાં મંદિરનાં દર્શન થોડા જ દિવસોમાં કરી લીધાં. પછી એ બીજે ગામ જવા નીકળ્યો. વચ્ચે નાનું જંગલ આવતું હતું. એ જંગલનો રાજા શેરસિંહ ખૂબ સારો અને ન્યાયી હતો. એના રાજ્યમાં બધાં પ્રાણીઓ કોઈ પણ જાતના ભય વિના સુખેથી રહેતાં હતાં. સનો ઉંદર આ જંગલના એક ઝાડ નીચે થોડી વાર આરામ કરવા રોકાયો. એ બહુ થાક્યો હતો એથી એને ઊંઘ આવી ગઈ. એનાં કોટ અને છત્રી એની બાજુમાં પડ્યાં હતાં.

આ જંગલમાં બે મસ્તીખોર વાંદરા રહેતા હતા. એમણે સનાને ઊંઘતો જોઈ એનાં કોટ અને છત્રી ઉપાડી લીધાં. વાંદરાઓએ વિચાર્યું, આ ઉંદરભાઈ જાગે તે પહેલાં આનાથી થોડી વાર મજા કરી લઈએ, પછી આપણે બંને વસ્તુ જ્યાં હતી ત્યાં પાછી મૂકી દઈશું. એકે પહેર્યો કોટ અને બીજાએ ઓઢી છત્રી. બંને વટથી ચાલતા જતા હતા. ત્યાં બે સિપાઈ વરુ કુબો અને જુબો સામે મળ્યા. તેઓનું કામ જંગલની ચોકી કરવાનું હતું. એમણે બંને વાંદરાને ઊભા રાખી કડકાઈથી પૂછ્યું : ‘આ કોનાં કોટ અને છત્રી લઈને ચાલ્યા ?’ વાંદરાઓએ કહ્યું : ‘એ તો પેલા ઉંદરભાઈનાં છે. અમે થોડી વાર રમવા માટે લીધાં છે, હમણાં જ પાછાં મૂકી દઈશું.’

કુબો-જુબોને પણ કોટ અને છત્રી ગમી ગયાં હતાં. બંનેએ એકબીજા સામે જોઈ કોટ અને છત્રી પડાવી લેવાનું નક્કી કર્યું. કુબો બોલ્યો : ‘કોટ અને છત્રી અમને આપી દો, નહીંતર અમે રાજા શેરસિંહને કહીશું કે તમે ચોરી કરીને ભાગતા હતા.’ વાંદરા ગભરાઈ ગયા. એમણે કોટ અને છત્રી સિપાઈઓને આપી દીધાં. બંને એવા ડરી ગયા હતા કે ચુપચાપ પોતાના ઝાડ ઉપર ચઢી ગયા.

એ ઝાડની સામે એક કૂવો હતો. એ કૂવામાં એક દેડકો રહેતો હતો. એ હંમેશાં કૂવામાં જ રહેતો, ક્યારેક જ તાજી હવા ખાવા કૂવાની પાળી પર આવીને બેસતો. એ જેવો કૂવાની પાળી પર આવીને બેસે કે વાંદરા એની મસ્તી કરે. વાંદરા કહેતા : ‘ભાઈ, આખો વખત કૂવામાં જ શું ગોંધાઈ રહે છે ? જરા બહાર નીકળીને ફર તો ખરો. બહારની દુનિયા જો, બહુ મજા આવશે.’ દેડકો કહેતો : ‘ના, ભાઈ, ના ! બહારની દુનિયામાં તે વળી શું જોવાનું ? મારા કૂવા જેવું મજાનું બીજું કંઈ નથી. હું તો આ કૂવામાં જ બરાબર છું.’

આજે દેડકો કૂવાની પાળી પર આવ્યો ત્યારે વાંદરાઓએ એની સામે જોયું પણ નહીં, એ બંને પેલા સિપાઈઓ પર ચિડાયેલા હતા. વળી એમને થતું હતું કે ઉંદર જાગશે અને પોતાનાં કોટ-છત્રી નહીં જુએ તો બિચારાનું શું થશે ?

બન્યું પણ એવું જ. ઉંદરે જાગીને જોયું તો એનાં કોટ અને છત્રી ક્યાંય દેખાયાં નહીં. એ સમજી ગયો કે ચોક્કસ કોઈ ચોરી ગયું છે. એ તો ઊપડ્યો રાજા શેરશિંહને મળવા. એણે રાજાને ફરિયાદ કરી : ‘મેં સાભળ્યું છે કે તમારા જંગલમાં બધાં સુખી છે અને તમે ખૂબ ન્યાયી રાજા છો, તો પછી તમારા રાજ્યમાંથી મારાં કોટ અને છત્રીની ચોરી કેમ થઈ ? મને મારી વસ્તુઓ પાછી અપાવો.’

ઉંદરની વાત સાંભળી શેરશિંહ બોલ્યો : ‘મારા રાજ્યમાં એવું બને જ નહીં. હું હમણાં જ તપાસ કરાવું છું.’ એણે કુબો-જુબો સિપાઈઓને બોલાવ્યા અને હુકમ કર્યો : ‘આ ઉંદરનાં કોટ-છત્રીની ચોરી કોણે કરી છે તેની તપાસ કરો અને ચોરને મારી પાસે હાજર કરો.’

રાજાનો હુકમ સાંભળીને કુબો-જુબો ફફડી ઊઠ્યા કારણ કે કોટ અને છત્રી તો એમણે જ વાંદરા પાસેથી પડાવી લીધાં હતાં. ઉંદર રાજા પાસે જઈને ફરિયાદ કરશે એવું તો એમણે ધાર્યું જ નહોતું. બંને વિચારવા લાગ્યા, હવે શું કરવું ? રાજાને સાચી વાતની ખબર પડશે તો આપણને જીવતા નહીં છોડે. કંઈક કરવું તો પડશે જ. પછી બંનેએ નક્કી કર્યું કે રાતે અંધારું થશે ત્યારે કોટ અને છત્રી કૂવામાં ફેંકી દઈશું, જેથી કોઈને ખબર નહીં પડે. વાંદરાઓને પણ રાજાએ કરેલા હુકમની ખબર પડી. એથી તેઓ સિપાઈઓની જાસૂસી કરવા લાગ્યા. રાત્રે કુબા અને જુબાએ કોટ અને છત્રી કૂવામાં નાખ્યાં તે વાંદરા જોઈ ગયા.

બીજા દિવસે સવારે દેડકાએ કૂવામાં કોટ અને છત્રી જોયાં. એને બહુ નવાઈ લાગી કે આ વસ્તુઓ અહીં ક્યાંથી આવી. પછી એણે વિચાર્યું, પેલા વાંદરા રોજ મને દુનિયા જોવા બહાર નીકળવાનું કહે છે તો ચાલ, આજે હું કોટ પહેરી, છત્રી ઓઢી બહારની દુનિયા જોઈ આવું. મને કોઈ ઓળખી પણ શકશે નહીં.

આમ કોટ પહેરી, છત્રી ઓઢી દેડકો બહાર નીકળ્યો. હજી તો એ થોડે દૂર જ પહોંચ્યો હતો ત્યાં એને બે સિપાઈઓ જુબો અને કુબો મળ્યા. એમણે કોટ પહેરી, છત્રી ઓઢીને જઈ રહેલા દેડકાને જોયો. એમને થયું કે રાજા પાસે ચોરને હાજર કરવાની આ બહુ સારી તક છે. એથી એમણે દેડકાને પકડ્યો અને રાજા પાસે લઈ જવા લાગ્યા. દેડકાને તો કશું સમજાયું જ નહીં કે આ શું થઈ રહ્યું છે.

સિપાઈઓએ દેડકાને રાજા પાસે હાજર કર્યો અને બોલ્યા : ‘નામદાર, આ રહ્યો ચોર. જુઓ, અમે એને ચોરીના માલ સાથે પકડ્યો છે.’ શેરસિંહે દેડકાને બહુ ધમકાવ્યો. દેડકો એવો ડરી ગયો હતો કે એ માંડ માંડ બોલી શક્યો : ‘મેં ચોરી નથી કરી. મને આ બંને વસ્તુ કૂવામાંથી મળી છે.’ રાજાએ દેડકાની વાત માની નહીં અને એને જેલમાં પૂરી દીધો. પછી રાજાએ ઉંદરને બોલાવી એનાં કોટ અને છત્રી એને સોંપી દીધાં. સનો ઉંદર રાજી થઈ ગયો. એણે રાજા શેરસિંહનો ખૂબ આભાર માન્યો અને આગળ યાત્રા કરવા ચાલી નીકળ્યો.

બીજી તરફ જેલમાં પૂરાયેલો દેડકો મનમાં ને મનમાં પોતાની જાત પર ગુસ્સે થતો હતો, મને આવી કુબુદ્ધિ કેમ સૂઝી ? હું કોઈ દિવસ નહીં ને આજે શા માટે બહાર ફરવા નીકળ્યો. કુબો અને જુબો મનમાં ખુશ થતા હતા કે હવે એમના પર કોઈને શંકા નહીં આવે. એ જ વખતે પેલા બે વાંદરા રાજાના દરબારમાં દાખલ થયા. એમણે રાજાને બધી વાત જણાવી અને કહ્યું, ‘સાચા ચોર તો કુબો અને જુબો છે. એમણે જ અમારી પાસેથી કોટ અને છત્રી પડાવી લીધા હતાં. પછી તમારાથી ડરીને એમણે એ બંને વસ્તુઓ કૂવામાં નાખી દીધી હતી. દેડકો તો નિર્દોષ છે.’

કુબો અને જુબો સિપાઈઓ પાસે એમનો ગુનો કબૂલવા સિવાય બીજો કોઈ રસ્તો રહ્યો નહોતો. શેરસિંહે એમને જેલમાં પૂરી દીધા. રાજાએ દેડકાની માફી માંગી અને એને છોડી દીધો. જેલમાંથી છૂટતાંની સાથે દેડકો આગળપાછળ જોયા વિના ભાગ્યો સીધો કૂવા તરફ. તે દિવસથી એણે પ્રતિજ્ઞા લીધી કે હવે પછી એ કદી પણ કૂવાની બહાર નીકળશે જ નહીં. કૂવાનો દેડકો છે તો કૂવામાં જ રહેશે.

(‘ઓળખ’ રન્નાદે પ્રકાશન, ૫૮/૨, બીજે માળે, જૈન દેરાસર સામે, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧. ફોન : ૨૨૧૧૦૦૮૧-૬૪)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “કૂવાનો દેડકો – પુષ્પા અંતાણી”

Copy Protected by Chetan's WP-Copyprotect.