ઊમરો – પ્રવીણ દરજી

(‘ઓળખ’ સામયિકના મે, ૨૦૧૬ના અંકમાંથી સાભાર)

‘ઉંબર’ અથવા તો ‘ઊંબરો’ શબ્દ જીભ ઉપર આવે છે ને અનેક સ્મરણોની ઘંટડીઓ રણકી ઊઠે છે. મારું ગામ, મારું ઘર અને પેલા મારા ઘરના ચારેચાર ઊમરા પ્રત્યક્ષ થઈ રહે છે. આ પળે એની સાથેના મારા અનેક અધ્યાસો ઊઘડીને મને તે કાશઘાસની જેમ ડોલાવી રહે છે. અમારા ઘરમાં તો પરંપરા જ એવી કે ઊમરા ઉપર પગ મૂકવાનો નહિ કે તેની ઉપર ઊભા પણ નહિ રહેવાનું. ઊમરો ઓળંગીને જ એક ખંડમાંથી બીજા ખંડમાં જવાનું. હા, પિતાજી અને બા બંને ઊમરાને પવિત્ર લેખે, અમે પણ એ જ ચાલે ઊમરાને પ્રણામ યોગ્ય ગણીએ, દત્તાત્રેયનો જેની સાથે સંબંધ જોડાયેલો છે – એવા ઉદુંબર વૃક્ષની જેમ ઊમરાનો આદર કરતા.

આમ તો બે સાખને જોડનારું નીચેનું લાકડું એટલે ઊમરો. બે ખંડને એ જ જોડી રહે, કહો કે બંને ખંડની સરહદો ઊમરાને મળે. ઊમરો લાકડાનો જ હોય. પાછળથી સિમેન્ટ-કોન્ક્રીટનાં ઘર થવાં શરૂ થયાં, એટલે ક્યાંક ક્યાંક ગામડાંઓમાં સિમેન્ટના ઊમરા થતા. પણ હવે તો લાકડાના ઊમરા સાથે એ સિમેન્ટનો ઊમરો પણ ગયો. મકાનોનું આર્કિટેક્ચર બદલાયું, માણસનું આર્કિટેક્ચર બદલાયું ને એમ ઊમરા ગાયબ થયા !

પણ હજી મારા જેવા ઘણાની સ્મૃતિઓમાં એ અકબંધ જળવાયેલો કદાચ હશે. ક્યારેક એ લાકડાના ઊમરાની મધ્યમાં એક બાય એક ઈંચનો કે તેથી થોડોક મોટો ચોરસ ભાગ પણ કોરી કઢાતો, જેથી રાત્રે બારણું બંધ કરવાનું થાય, ત્યારે બારણાં પાછળનો ઉલાળો તે ચોરસમાં એના નીચેના ભાગમાં ચુસ્ત રીતે ફિટ થઈ જતો. પરિણામે રાત્રે આસાનીથી બારણું બહારના માણસથી ખૂલી ન શકે. અંદરનો માણસ ઉલાળો ઊંચો કરે ત્યારે જ તે બારણું ખુલે.

વારતહેવારે, દિવાળી-હોળીમાં તો ખાસ, બા ઊમરો ધોઈ ચોખ્ખો કરી નાખતી. અબીલ-ગુલાલ-કંકુ-ચોખા નાખી તેનું ખાસ પૂજન કરતી. વચ્ચોવચ્ચ તે સ્વસ્તિક રચતી. અમે એ સર્વ બાળપણમાં પૂરી ધાર્મિકતાથી, જિજ્ઞાસાથી એ આખી ક્રિયાને નિહાળી રહેતા. ઊમરો તેથી જ અમારા માટે દેવમંદિરમાં બેઠેલા ઈશ્વર જેવો જ બીજો એક ઈશ્વર હતો. તમે જ કહો પછી એ ઊમરા ઉપર અમે અમારા પગ મૂકી શકીએ પણ ખરા ? મૂકી શકાય ? ઊમરો એમ અમારી અંદરનું એક અનોખું ભાવજગત ત્યારથી બની રહ્યો છે. કહો કે સંસ્કૃતિ-સંસ્કારના અનેક તંતુઓએ પણ અમારો એ ભાવજગતને દ્રઢાવ્યું છે. હું તો આજે એવું પણ અનુભવું છું કે આપણી સભ્યતાએ જે કેટલાંક પ્રતીકો આપ્યાં છે, તેમાંનું એક પ્રતીક આ ઊમરો છે. એવાં પ્રતીકો વડે આપણે આપણી સંસ્કૃતિના ચહેરાને વધુ અનાવૃત્ત કરીને પામી શકીએ. આપણી પરંપરાઓ, આપણી શ્રદ્ધા – આસ્થા, આપણામાં જીવતું શુભ તત્વ, આપણું ભાવલોક – આ સઘળું પણ એવાં પ્રતીકોથી સ્પંદિત થઈ રહે છે.

આપણી અનેક કહેવતોમાં, માન્યતાઓમાં ઊમરો આજે લગભગ અદ્રશ્ય થયો છે, ત્યારે પણ તે ત્યાં જીવંત રહ્યો છે. ઊમરો ગયો, પણ ઊમરાનું ભાવવિશ્વ હજી એમ જ ધબકે છે ! ઘરનો ઊમરો ઘસનારને આપણે તરત ઓળખી નાખીએ છીએ કે એની કોઈ ગરજે કે કામ માટે તેમ કરી રહ્યો છે. કોઈ પૈસા કે અન્ય કોઈ વસ્તુ માટે તકાજો કરતો આવે, તો તરત આપણે કહીએ છીએ કે ઊમરા વચ્ચે બેસી ગયો છે ! નિઃસંતાન રહેનાર માટે પણ આર્દ્રભાવે એવું કહેનાર સાંભળવા મળશે કે ઊમરો જ ઊખડી ગયો, ઊમરો ઊઠ્યો. કોઈક કારણોવશાત્‍ અમુક માણસો આપણે ત્યાં આવજા કરવાનું બંધ કરે છે, ત્યારે ઊમરો તજ્યો એવો પ્રયોગ થાય છે. વારંવાર આવનજાવન કરવી કે નાહકના ધક્કા ખાનાર માટે ઊમરો તોડી નાખ્યો કે ઊમરો ઘસી નાખો એવું કહેનારને આપણે સાંભળ્યા જ હશે. પોતાના ઘેર ન આવવા માટે ચોખ્ખીચટ ભાષામાં ફરી મારે ઊમરે ચડીશ નહિ – એવું કહેનારા પણ સૂણ્યા જ છે. મર્યાદાભંગ કરનાર કે લક્ષ્મણરેખાનું અતિક્રમણ કરનારને માટે ઊમરો ઓળંગી ગયો છે, એવું આપણે આજે પણ કહીએ છીએ જ. ‘ઊમરો મૂકીને ડુંગરો પૂજવા નીકળ્યા છો ?’ એવા પ્રશ્નવચનને બા પાસેથી અનેક વાર સાંભળવાનો લહાવો મળ્યો છે. ઘરના દીવડાઓને નવાજવાની સાથે, શુભારંભ પણ ઘરથી કરો – એ સત્ય તેમાં કેવું રણકે છે ! ‘ઊમરો ઓળંગ્યો એટલે વાત પતી ગઈ !’નો ઉપર જે નિર્દેશ કર્યો છે, તે કહેવતને પણ ગંભીર ચહેરે પિતાજીના મુખેથી અનેક વાર સાંભળવાની બની છે. ઊમરાને નિમિત્તે એમ અમારા ઘરની પાઠશાળામાંથી ઘણા પાઠ ભણવા મળ્યા છે. ગુજરાતી ભાષા અને અનુભવજગત એકમેકમાં ભળીને જ્યાં જ્યાં આ રીતે પ્રકટ્યાં છે, ત્યાં ત્યાં જીવન આશ્ચર્યોના નાનાવિધ રંગો ઊઘડ્યા છે. એ બધું ઇચ્છીએ કે અતીત થઈને ન અટકી રહે !

આ ઊમરો એક તરફ જ્ઞાન, ડહાપણ, વિનય, મર્યાદાના સંકેત પ્રસારે છે, તો બીજી તરફ એમાં એક રોમેન્ટિક જગત પણ સાવ એના સહજ રૂપે પ્રકટતું આવ્યું છે. ગુજરાતી કવિઓએ એ રીતે ઊમરાને ઠીક ઠીક લાડ લડાવ્યાં છે. એક કવિએ પરણીને શ્વશુરગૃહે પ્રથમ વાર આવતી કોડભરી કન્યાના હૃદયભાવોને અભિવ્યક્ત કરતાં કહ્યું કે – કન્યા ઊમરો મૂકીને હવે છેક ઓરડામાં પ્રવેશી ચૂકી છે. કહો કે પોતાના જ એક નવા અને હવે સદા માટેના ઓરડામાં આવીને તે ઊભી છે અને ઓરડો ત્યાં તેની માઝમરાતનો ઝળહળાટ બની રહે છે ! નવો ગૃહપ્રવેશ, ઊમરો ઓળંગવો ને ઓરડા સુધી પહોંચવું – આ આગમનનું દરેક પગલું અરમાનોથી છલકતું છે. ઊમરો ઓળંગવાની ક્રિયા એક નવા ઘરનો સ્વીકાર બની રહે છે, તો બીજો કવિ ઊમરાને તીવ્ર પ્રતીક્ષામાં ફેરવી નાખીને નાયિકા પાસે કહેવડાવે છે – હું તો ઊમરે ઊભીને – અર્થાત્‍ ઊમરાની પાસે ઊભીને વાલમના બોલને સાંભળું છું. જુઓ, અહીં વાલમ છે, ભર્યા ભર્યા બોલ છે, અને ‘રે’નું આશ્ચર્ય છે. ઊમરાએ નાયિકાને – રસિકાને ઓર રસીલી બનાવી દીધી છે ! ઊમરામાં આવો પ્રેમ-સંસ્કાર પણ સ્થિર રૂપે રહ્યો છે. તો અહીં એક બીજા કાવ્યમાં સાવ જુદી રીતે મેંદીની ભાતમાં મનની ભાતને સજાવતી નાયિકાને પ્રિયતમને મળવા જવું છે, સહિયરને તે વિશે વાત કરે છે. ઓરડો ઓળંગવો છે, પણ પેલા સહજીવનના સંસ્કારના પ્રતીકરૂપ ઊમરો અહીં મરજાદ બની રહે છે. ઊમરો ઓળંગે તો કઈ રીતે ઓળંગે ?

અને ઊમરો એની નીચે આવી તો કેટકેટલીય પગલીઓ સંતાડીને બેઠો છે. હું મારા નગરના ઊમરા વિનાના વિશાળ આવાસમાં ઊમરો ખોળું છું, પણ ઊમરો ક્યાં છે ? તેથી જ મારું મન અત્યારે દોડી ગયું છે કોઈ બાવરી હરિણી બનીને છેક મારા વતનના ઘરમાં ! એ ગચ્ચુંની કથાઓમાં મારું શૈશવ એકાકાર છે. એણે શીખવેલા પાઠ આજે નગરના આ આવાસમાં ઉકેલવા મથું છું ! ઊમરાનો શો ઠાઠ હતો ત્યારે ! કહો, હવે એવો ઉંબર-ઊમરો ક્યાંથી લાવીશું ?

(ઓળખ સામયિકના સંપર્કની વિગત – ‘ઓળખ’ રન્નાદે પ્રકાશન, ૫૮/૨, બીજે માળે, જૈન દેરાસર સામે, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧. ફોન : ૨૨૧૧૦૦૮૧-૬૪)

Leave a Reply to varsha tanna Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “ઊમરો – પ્રવીણ દરજી”

Copy Protected by Chetan's WP-Copyprotect.