એલચીની સુગંધ – ગિરીશ ગણાત્રા

(જન્મભૂમિ પ્રવાસીની ‘મધુવન’ પૂર્તિના ૩૧ જુલાઈ, ૨૦૧૬ના અંકમાંથી સાભાર)

વર્ષોથી નાનકડા શહેરની એક શાળામાં આચાર્ય રહી ચૂકેલા રમણભાઈ ભટ્ટ નિવૃત્ત થયા. નિવૃત્ત થયા પછી અમદાવાદ રહેવાનું નક્કી કર્યું એટલે નાનકડો ફ્લૅટ કે ટેનામેન્ટ શોધવા માંડ્યા. નિવૃત્ત થયા પછી હાથમાં સાઠ હજાર રૂપિયા જેટલી રકમ આવેલી. જિંદગીભરની બીજી બચત પણ ઘર પાછળ રોકી દેવાનો નિર્ણય કર્યો. જાતે તો મકાનની શોધ કરી શકે એમ નહોતા, એટલે અમદાવાદમાં વસતા એક સજ્જન મિત્રની ભલામણથી મોહનભાઈ મકાન-દલાલને આ કામ સોંપ્યું.

મોહનભાઈ વર્ષોથી મકાનદલાલીની લડાઇમાં, પણ બહુ કમાયા નહોતા. કડદા કરતાં આવડે નહીં, સીધી રાહે ભોળાભાવે કામ કરે અને દલાલીના ભાવતાલ કર્યા વિના ગ્રાહક જે કંઈ આપે તે પત્રમ્‍ પુષ્પમ્‍ સમજીને લઈ લે.

મોહનભાઈએ રમણભાઈ માટે શહેરના સીમાડે બંધાતી એક સોસાયટીમાં નાનકડું ટેનામેન્ટ શોધી કાઢ્યું. રમણભાઈને જોકે એ દૂર પડતું હતું, કારણ કે નિવૃત્ત થયા પછી એ ટ્યૂશનો અને એક શાળાની પાર્ટ-ટાઈમ નોકરી કરતા હતા. છતાંય દીકરાઓએ સલાહ આપી કે લઈ લ્યો. ખૂટતા કરતા અમે ભરીશું. એટલે સવા લાખમાં ટેનામેન્ટ લેવાનું નક્કી કર્યું. બીલ્ડર જોડે થયેલી મોહનભાઈની વાત પ્રમાણે એવું નક્કી થયું કે ચાળીસ હજાર બ્લેકના ને બાકીના વ્હાઇટમાં પહોંચાડો એટલે દસ્તાવેજ કરી કાઢીએ. ટેનામેન્ટ આમ તો તૈયાર હતું પણ અંદર ટાઇલ્સ લગાડવાનું બાકી હતું, એટલે પંદર-વીસ દિવસમાં પઝેશન મળે એમ હતું.

આજે સાંજે પંચોતેર હજાર રૂપિયા રોકડા લઈને એ મોહનભાઈને ઘેર આવ્યા. મોહનભાઈ ઘેર બેઠા હતા. એમની પત્ની કોઈને ત્યાં બેસણામાં જઈ શાકભાઈ લઈને ઘેર આવવાના હતાં એટલે મોહનભાઈએ જાતે ચા બનાવી.

રમણભાઈએ મોહનભાઈને પંચોતેર હજાર રૂપિયા આપ્યા. મોહનભાઈએ કહ્યું :

‘આજે તબિયત બરોબર નહોતી એટલે બીલ્ડર પાસેથી કૉન્ટ્રેક્ટ-ફોર્મ લેવા નહોતો જઈ શક્યો. કાલે સવારે કૉન્ટ્રેક્ટ-ફોર્મ લઈ સહીસિક્કા કરી લેશું, એટલે જો કાલે સવારે આ પૈસા લઈને આવો તો અંકે સો કરી લઈએ.’

‘અરે ભગવાન !’ રમણભાઈથી નિસાસો નખાઈ ગયો. ‘બપોરે બૅન્કમાંથી પૈસા કાઢ્યા ત્યારથી બિલાડીના બચોળિયાની જેમ આ પૈસાનું પડીકું સાચવતો આવ્યો છું. બસમાં આવ્યો ત્યારેય સાચવીને લાવ્યો છું. હવે પાછો જઈશ ત્યારેય… એના કરતાં તમે રાખો ને. સવારે કાલે તમારે ઘેર આવું છું.’ મોહનભાઈએ બહુ આનાકાની કરી તોયે રમણભાઈ ન માન્યા એટલે પૈસાનું કવર લઈને એમણે કબાટમાં મૂકી દીધું. કબાટની ચાવી ઝભ્ભાની નીચે પહેરેલા જાકીટના ખિસ્સામાં મૂકી દીધી – વૃદ્ધ માણસોની ખાસિયત પ્રમાણે.

બીજે દિવસે સવારે રમણભાઈ મોહનભાઈને ઘેર આવ્યા ત્યારે મોહનભાઈના ઘર આગળ ખભે ધોતિયાં નાખી ડાઘુઓ નનામી બાંધતા હતા.

‘કોણ ગયું ?’ રમણભાઈથી પુછાઈ ગયું.

‘મોહનભાઈ – મોહનભાઈ મકાનદલાલ.’ એક ડાઘુએ કહ્યું.

રમણભાઈ એક ધબકારો ચૂકી ગયા. હવે મૃત્યુના પ્રસંગવાળા ઘરમાં કહેવું પણ કોને ? છતાંય, વારંવાર આ ઘેર આવતા હોવાથી એ મોહનભાઈનાં પત્ની કંકુબહેન આગળ ખરખરો કરવા ગયા, પણ બૈરાઓની વચ્ચે વીંટળાઈને કંકુબહેન છાતીફાટ વિલાપ કરતાં હતાં એટલે રમણભાઈથી કંઈ બોલાયું નહીં.

મોહનભાઈના બે છોકરાઓ આજુબાજુ જ રહેતા હતા. એની સાથે એ મોહનભાઈની સ્મશાનયાત્રામાં જોડાયા, પણ ત્યાંય કંઈ વાતચીત ન થઈ શકી.

છેવટે સાંજે ફરી એને ઘેર ગયા અને છોકરાઓને વાત કરી. છોકરાઓએ એની બાને વાત કરી. ક્યા કબાટમાં પૈસાનું કવર મૂક્યું હતું એની એંધાણી આપી.

કબાટ ખોલ્યું. રમણભાઈએ આપેલું કવર ક્યાંય હતું નહીં. આખું કબાટ ફેંદી વળ્યા પણ કવર ન મળ્યું તે ન જ મળ્યું.

રમણભાઈની હાલતની તો કલ્પના કરવી જ રહી ! જિંદગીભરની કમાણી આ કવરમાં હતી. એ કવર એમનું સ્વપ્ન હતું – ઘડપણનું ઘર હતું, પણ મોહનભાઈના બન્ને છોકરા સમજુ ને શાણા હતા. એકે કહ્યું :

‘જુઓ રમણભાઈ, તમે પૈસાની જરાયે ચિંતા ન કરો. મારા બાપાએ આજ સુધી કોઈના પૈસા ઓળવ્યા નથી. એમના સ્વભાવમાં જ એ નથી. ઘણાને ઘર લઈ આપ્યાં છે, બંધાવી આપ્યાં છે, દલાલી આપતી વખતે ઘણાએ અખાડા કર્યા છે, બે ટકા કહીને માત્ર પા ટકો જ દલાલી આપી છે, છતાંય બાપાએ ‘હશે’ કહીને હસતાં મોંએ ઝેર પચાવ્યું છે. ખુદ બિલ્ડિંગ કૉન્ટ્રાક્ટરો બાપાના આ ભોળિયા સ્વભાવ માટે ટકોર કરે છે. કેટલાકે તો માથે રહીને દલાલી અપાવી છે. તમે ચિંતા નહીં કરો. કોનું ટેનામેન્ટ તમે નક્કી કર્યું છે તે કહો તો ત્યાં પૂછપરછ કરીએ.’

રમણભાઈએ નામ આપ્યું.

નાના દીકરાને મૂકી મોટો રમણભાઈને સ્કૂટર પર બેસાડી બીલ્ડરને ઘેર ગયો. બીલ્ડર અંદર ડાઇનિંગ ટેબલ પર જમવા બેઠા હતા એટલે દિવાનખંડમાં બેઠા.

બીલ્ડર જમીને બહર આવ્યા એટલે મોહનભાઈના પુત્રે હળવેકથી કહ્યું :

‘બાપા સવારે પાંચ-છ વાગ્યે ગુજરી ગયા છે…’

‘અરેરે ! કેમ કરતાં બન્યું ?’

‘કશી ખબર નહીં. બા સવારે ઉઠાડવા ગઈ ત્યારે એમનો પ્રાણ ઊડી ગયો હતો…’

‘અરેરે !’

‘હશે, ભગવાનને જે ગમ્યું તે ખરું, પણ માથે ધર્મસંકટ આવી પડ્યું છે. આ ભાઈને તમારું ટેનામેન્ટ બાપા અપાવી દેવાના હતા. સાંજે પંચોતેર હજાર રોકડા બાપાને આપી ગયા ને…’ કહી એણે બધી વાત કરી.

બીલ્ડરે બન્‍નેની સામે વારાફરતી જોયું. રમણભાઈનો ચહેરો ને મોહનભાઈના છોકરાના ચહેરા સામે નજર કરી કહ્યું :

‘તમને ચાનું કહેવું કે ન કહેવું એની મને સમજણ પડતી નથી. મારે ઘેર આવેલો કોઈ ચા વિના ગયો નથી. આજે સવારે જ તમારા બાપાનું અવસાન થયું છે એટલે…’ કહી એ થોડું અટક્યા. ને પછી બોલ્યા, ‘વાંધો નહીં. આજે ચા પીઓ. સ્વર્ગમાં બેઠેલા મોહનભાઈ ધોખો કરશે તો પ્રાયશ્ચિત હું ભોગવી લઈશ. હવે વાત જાણે એમ છે કે ગઈકાલે આ ભાઈ ગયા પછી દસેક મિનિટે હું તમારે ત્યાં આવ્યો હતો. મોહનભાઈને છાતીમાં દુખતું હતું એટલે બપોરે મારે ત્યાં આ ટેનામેન્ટના દસ્તાવેજના કાગળો લેવા આવવાના હતા તે ન આવ્યા. એટલે હું જાતે જ તમારે ઘેર આવી ગયો. મને એમણે પંચોતેર હજાર આપી દીધા છે. મેં દસ્તાવેજના કાગળો પર સહી કરી બધું એમને આપી દીધું છે. તમે ઘરમાં, ખાસ કરીને એમના ચામડાના દફ્તરમાં તપાસ કરો. મકાનના દસ્તાવેજ એમાં પડ્યા હશે. જો ન મળે તો બીજો દસ્તાવેજ કરી આપીશ, પણ મળશે જ, કારણ કે મારા દેખતાં એમણે એ કાગળો ચામડાના દફ્તરમાં મૂક્યા છે.’ કહીને એ ઊભા થઈને અંદર ગયા ને કબાટમાં સો-સોની કેટલીક નોટો લઈને આવ્યા ને છોકરાના હાથમાં નોટો મૂકતાં કહ્યું :

‘આ એની દલાલીના.’ કહી એમણે રમણભાઈને કહ્યું: ‘માસ્તર સાહેબ, તમે કોઈ વાતે ચિંતા ન કરશો. અત્યારે આપણે એગ્રીમેન્ટ ઑફ સેલ કયું છે. બાકીના પૈસા મને પહોંચાડી દેશો એટલે પાકા દસ્તાવેજ કરી દઈશું. તમારું ઘડપણ અને મોહનભાઈનું મૃત્યુ હું નહીં બગાડું…’

અંદરથી એલચીની સુંગધવાળા ત્રણ કપ ચાના આવ્યા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

11 thoughts on “એલચીની સુગંધ – ગિરીશ ગણાત્રા”

Copy Protected by Chetan's WP-Copyprotect.