પ્રામાણિકતા – હસમુખ પટેલ

વ્યક્તિત્વનો વ્યોમવિહાર (1)(‘વ્યક્તિત્વનો વ્યોમવિહાર’ સ્વવિકાસની અનુભવ કથાઓ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)

સામાન્ય રીતે આપણે ત્યાં પ્રામાણિકતાને લાંચ-રુશવત સાથે જોડવામાં આવે છે. લાંચ ન લે તે પ્રામાણિક તેવો મર્યાદિત અર્થ કરવામાં આવે છે. પ્રામાણિકતાનો ખ્યાલ આવો મર્યાદિત ન હોઈ શકે. અંગ્રેજીમાં honesty અને integrity જેવા બે શબ્દો છે. Integrityમાં પ્રામાણિકતાનાં બધાં જ પાસાંનો સમાવેશ થઈ જાય છે. Integrity એટલે અખંડતા, સમગ્રતા, પૂર્ણતા અર્થાત્‍ પ્રામાણિકતાનાં બધાં જ પાસાંઓનો સમાવેશ.

પ્રામાણિકતા એટલે પોતાના કર્મ પ્રત્યેની નિષ્ઠા. શિક્ષક દિલ દઈને ભણાવે નહિ, કામદાર દિલથી કામ ન કરે, ડૉક્ટર દર્દીને સાચી સલાહ ન આપે અને ઉપચાર ન કરે તે અપ્રામાણિકતા.

પ્રામાણિકતા એટલે બોલીએ તે કરીએ અને કરીએ તે જ બોલીએ. ઘણી વાર ઘણા લોકો કરે કંઈ અને જાહેરમાં વાત કંઈ બીજી જ કરતા હોય. પોતે કરતા કંઈ હોય અને જાહેરમાં પ્રામાણિકતાનાં બણગાં ફૂંકતા હોય. આવા માણસો ખોટું કરીને ચૂપ રહેતા અથવા તો ખોટું કરીને પોતાની આ મર્યાદાનો સ્વીકાર કરનારા માણસો કરતાં વધુ અપ્રામાણિક છે. પ્રામાણિક વ્યક્તિએ પોતે જે કર્યું છે તેનાથી જુદું બોલવાની જરૂર જ ન પડે. તેણે તેની પ્રામાણિકતાનો પ્રચાર કરવાની જરૂર ન હોય. તેની પ્રામાણિકતાની સુગંધ આપોઆપ પ્રસરતી હોય.

વ્યક્તિએ પોતાની પ્રામાણિકતા સાબિત કરવાનો પ્રયાસ કરવો પડે તેટલી તેની પ્રામાણિકતા કાચી. આવી વ્યક્તિની પ્રામાણિકતા પ્રયાસપૂર્વકની હોય તેવું બને. તેનામાં પ્રામાણિકતામાં પૂરેપૂરો વિશ્વાસ ન હોય અથવા તો ક્યારેક-ક્યારેક પ્રમાણિકતામાં તેની શ્રદ્ધા ડગી જતી હોય છે. પ્રયાસપૂર્વક તેમણે પ્રામાણિક રહેવું પડે છે. આવાં લોકો પણ સાચી દિશામાં છે. ધીરેધીરે પ્રામાણિકતા તેમનો સ્વભાવ બનશે, પ્રામાણિકતા સહજ બનશે પછી તેમણે પ્રામાણિકતા સાબિત કરવા પ્રયાસ નહિ કરવો પડે.

પ્રામાણિક વ્યક્તિનાં વાણી અને વર્તનમાં વિરોધાભાસ નહિ હોય, બંનેમાં એકસૂત્રતા હશે.

પ્રામાણિક વ્યક્તિ સત્યનિષ્ઠ અને સત્યવક્તા હશે. સત્યથી તે ચલિત નહિ થાય, તે સત્યના માર્ગે જ ચાલશે. તે સત્યવક્તા હશે. તે સાચું લાગશે તે જ કરશે અને કરશે તે જ કહેશે. તેણે યાદ રાખીને બોલવાની જરૂર નહિ. તેના મોંમાંથી સત્ય જ નીકળશે.

પ્રામાણિક વ્યક્તિ પૂર્વગ્રહમુક્ત હશે. સામા પક્ષે રહેલ સત્ય પણ તેને દેખાશે અને તેનો સ્વીકાર તેના માટે સ્વાભાવિક હશે. આવી વ્યક્તિ સ્વાભાવિકપણે જ અહંકાર-મુક્ત હશે. પોતાની વાત માટે તેને મમત નહિ હોય એટલું જ નહિ તેનામાં પ્રામાણિકતાનો અહંકાર પણ નહિ જ હોય.

પ્રામાણિક વ્યક્તિ સહજપણે જ પોતાની ભૂલનો સ્વીકાર કરશે અને સુધરવા તત્પર રહેશે.

પ્રામાણિક વ્યક્તિ વચનબદ્ધ હશે. તેણે જે કહ્યું હશે તે કરશે અને નહિ કરી શકે તો ક્ષમા માગતાં અચકાશે નહિ.

પ્રામાણિક વ્યક્તિ સતત આત્મપરીક્ષણ દ્વારા આત્મશુદ્ધિના માર્ગે યાત્રા કરતો રહેશે. આત્મનિરીક્ષણથી તેને પોતાની ભૂલો દેખાશે ત્યારે તેનો જાહેર એકરાર કરતાં ખચકાશે નહિ. સુધરવા પ્રયત્નશીલ રહેશે. આથી જ તે સતત પ્રગતિ કરતો રહેશે.

તેના આવા અભિગમને કારણે લોકો તેનું ધ્યાન દોરતાં અચકાશે નહિ જેથી તેને પોતાનાં વાણી-વર્તન માટે સતત ફીડબૅક મળતો રહેશે, જે તેના સુધાર માટે ઉપયોગી નીવડશે.

પ્રામાણિક વ્યક્તિ સત્યના માર્ગે ચાલવા કોઈ પણ કસોટીમાંથી પસાર થવા તૈયાર રહેશે. આ કસોટીઓ તેના ઘડતરનું કારણ બનશે. દરેક કસોટીમાંથી તે ઓર મજબૂત થઈ બહાર આવશે. આવું તો જ શક્ય બને જો તેની સત્યમાં સંપૂર્ણ શ્રદ્ધા હોય. નહિ તો તે ડગી જાય, તૂટી પણ જઈ શકે.

આજના યુવાનને પ્રામાણિકતા પ્રેરે છે. બીજાની પ્રામાણિકતાની તે પ્રશંસા કરે છે. તેને પ્રામાણિકતાના માર્ગે ચાલવાની ઇચ્છા થાય છે, પરંતુ પ્રામાણિકતાના માર્ગે જીવી શકાય તેવી શ્રદ્ધા તેનામાં નથી. અસત્ય અને અપ્રામાણિકતાની બોલબાલા આજના સમાજમાં છે તેવું તેણે સતત સાંભળ્યું છે. લગભગ તે એવું માની બેઠો છે કે આ માર્ગે ચાલવું અશક્ય છે.

અપ્રામાણિકતાની બોલબાલા સમાજમાં હોય તેથી શું ? આ જ સમયમાં આ જ સમાજમાં પ્રામાણિકતાના પંથીઓ આપણી વચ્ચે અંધકારભર્યા આકાશમાં તેજસ્વી તારલાઓની જેમ ચમકતા જોવા મળે છે. તેઓએ પસંદગીથી પ્રામાણિકતાનો પંથ અપનાવ્યો હશે તો તેઓનું વ્યક્તિત્વ પણ તેજોમય હશે. જો તેમ નહિ હોય અને મજબૂરીથી કે પ્રતિક્રિયાથી પ્રામાણિકતા અપનાવી હશે તો તેમના જીવનમાં આઝાદી નહિ હોય, તેઓ પીડાતા હશે.

પ્રતિક્રિયાથી અપનાવેલી પ્રામાણિકતા એટલે શું ? ક્યારેક વ્યક્તિને જીવનમાં એવો અનુભવ થાય છે જ્યારે તે પોતે કોઈના અપ્રામાણિક વર્તનથી પીડાય છે અથવા તો બીજાને પીડાતા જુએ છે. ત્યારે પોતે પ્રામાણિક રહેવાનું અજાણપણે જ મનોમન તેનાથી નક્કી થઈ જાય છે. આવી વ્યક્તિ પ્રામાણિક હોય છે પણ તેને તેની આઝાદી હોતી નથી. તે બીજાની અપ્રામાણિકતાથી પીડાય છે. તે અપ્રામાણિકતાનો છાંટોય સહન કરી શકતી નથી. થોડા પણ અપ્રામાણિક માણસ સાથે વ્યવહાર કરી શકતી નથી. આવા લોકોની પ્રામાણિકતા તેમને અને તેમની આસપાસના લોકોને પજવે છે.

સમાજમાં ભલે અપ્રામાણિકતાની બોલબાલા લાગતી હોય પણ પ્રામાણિકતાની કદર હંમેશાં થાય છે. અપ્રામાણિક માણસના મનમાં પ્રામાણિક વ્યક્તિ માટે છૂપો આદર હોય છે. ક્યારેક તો અપ્રામાણિક વ્યક્તિઓ પણ એટલા પ્રામાણિક હોય છે કે એવું કહેતાં અચકાતા નથી “હું ભલે અપ્રામાણિક રહ્યો, હું પ્રામાણિક રહી શકતો નથી, પણ આ પ્રામાણિક વ્યક્તિને સલામ કરું છું.”

અપ્રામાણિકતાના વાતાવરણમાં પ્રામાણિક વ્યક્તિ અજાણી રહેતી નથી, તેની હંમેશાં નોંધ લેવાય છે. ઘણી વાર તો એવું જોવા મળે છે કે તેની યોગ્યતા કરતાં પણ તેને વધુ યશ મળે છે.

પ્રામાણિકતામાં જબ્બર તાકાત હોય છે. તેનો લોકોમાં જબરો ડર હોય છે. કશું ન કરે તોપણ ઘણાં કામો આપોઆપ થઈ જાય છે. તેની હાજરીમાત્રથી ઘણાં દૂષણો અદ્રશ્ય થઈ જાય છે. તેની હાજરીથી સાચા માણસોમાં અજબ સુરક્ષાનો અનુભવ થાય છે.

આપણને સત્યનો માર્ગ ગમતો હોય અને સમાજમાં અસત્યની બોલબાલા હોય તો સત્યને માર્ગે ચાલવાની આપણી જવાબદારી વધે છે. આપણા મનમાં એવો ભાવ જાગે કે આપણે સત્યને માર્ગે નહિ ચાલીએ તો કોણ ચાલશે ? આવી અટલ શ્રદ્ધા સાથે સત્યના માર્ગે ડગ માંડીશું તો કોઈ કસોટી મોટી નહિ લાગે. બલકે દરેક કસોટી આપણા આત્મવિશ્વાસમાં પ્રાણ પૂરશે.

આ તો પ્રામાણિકતાનો બાહ્ય દેખીતો લાભ થયો. પણ પ્રામાણિક વ્યક્તિ લાભ માટે પ્રામાણિક હોતી નથી. પ્રામાણિકતા તેની પસંદગી હોય છે, એકમાત્ર વિકલ્પ હોય છે. પ્રામાણિક હોવાનો પોતે નક્કી કરેલ માર્ગે આગળ વધવાનો આનંદ અને આત્મવિશ્વાસ જ એવાં હોય છે કે તેને બીજા આલંબનની જરૂર હોતી નથી.

પસંદગીથી પ્રામાણિક થયેલ વ્યક્તિ આત્મવિશ્વાસથી છલોછલ હોય છે. તે નિર્ભય હોય છે. કોઈ પણ કસોટી તેને ડગાવી શકતી નથી. બલકે કસોટીમાંથી પસાર થતાં પણ તે આનંદના ઘૂંટડા પીએ છે.

[કુલ પાન ૧૩૮. કિંમત રૂ. ૧૨૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “પ્રામાણિકતા – હસમુખ પટેલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.