રીમા – કોમલ પટેલ

(‘અખંડ આનંદ’ સામયિકના ઑગસ્ટ, ૨૦૧૬ના અંકમાંથી સાભાર)

મોસમનો પહેલો વરસાદ પડ્યો પણ મન મૂકીને વરસ્યો. ધરતીનો તાપ દૂર થયો. વાતાવરણમાં માટીની મીઠી મહેક પ્રસરી ગઈ. સોસાયટીની છોકરીઓએ પેલા સીંગ-ચણાવાળાને ત્યાં મળે એ માટી છાનામાના થોડી ખાઈ લીધી. વરસાદનાં પડતાં મોટા મોટા ફોરામાં નહાવા કેટલાય લોકો ઘરની બહાર આવી ગયા હતા.

સોસાયટીના ખૂણામાં આવેલા છેલ્લા મકાનમાં એક ૧૮-૧૯ વર્ષની છોકરી આ બધાં મનહર દ્રશ્યોને આંખોથી જ પીતી હતી. માટીની મહેકનો જાણે નશો ચડ્યો હોય તેમ એની સુગંધ માણવામાં મસ્ત હતી. મધ્યમ બાંધો, ઘાટીલો ચહેરો, ઊજળો વાન, એની આકર્ષક કાળી ઘેરી આંખોમાં તેજ હતું. નીડરતા હતી, ઉંમરસહજ થોડું તોફાન હતું.

“રીમા અહીંયાં ઊભી ઊભી શું કરે છે ?” રીમાનાં મમ્મી છાયાબહેન ઘણા સમયથી રીમાનો કોઈ અવાજ ના આવતાં સોસાયટીના છોકરાઓ સાથે મળીને ધીંગામસ્તી તો નથી કરતી ને એ જોવા આવ્યાં.

“મમ્મી, હું તારી પાસે જ આવતી હતી.”

“હું રાહ જોતી હતી તારી કે ક્યારે ‘હું વરસાદમાં નહાવા જાઉં છું’ એમ તું કહેવા આવીશ.”

“ના મમ્મી, વરસાદમાં નહોતું નહાવું મારે.”

“એ તો ખબર પડી ગઈ મને કે તારે કાંઈક બીજી રજા જોઈએ છે, બોલ શું છે ?”

“મમ્મી હું પપ્પાનું બાઈક લઈને એક આંટો મારવા જાઉં ?”

“બેટા, અત્યારે વરસાદના લીધે બધું ભીનું હશે અને તને હજુ બરાબર આવડતું નથી. તારા પગ પણ માંડ માંડ પહોંચે છે. તું ક્યાંક પડી જાય તો…”

“ના મમ્મી પાક્કું આવડી ગયું છે મને, મારા પગ પહોંચી જાય છે. અને હું જ્યાં કોરું હશે ત્યાં જ ચલાવીશ. પ્લીઝ મમ્મી…”

“સારું જા પણ જલદી ઘરે આવી જજે.”

“ઓ.કે. મમ્મી, થૅન્ક યુ મમ્મી…”

અને છાયાબહેન બાઈક શિખાઉ રીમાને પલ્સર બાઈક ચલાવતી જતાં જોઈ રહ્યાં.

જોતજોતામાં તો કેટલી મોટી થઈ ગઈ. હજુ તો બસ કાલ જેવું જ લાગે છે. સાસુની જીદ સામે લડવું કેટલું અઘરું પડ્યું હતું ? જોકે નરેન્દ્રનો પણ ઘણો સાથ હતો. એક જ સંતાન અને એ પણ દીકરો જ. શું ખબર આટલું બધું જડતાથી શેના માટે મમ્મીજી વિચારતાં હતાં ? જે પણ હોય, કપરો સમય હતો એ મારા માટે. હશે છેવટે તો મારા ન્યાયના પક્ષની જ જીત થઈ હતી.

“આ ક્યાં જાય છે ? એક્ટિવાનું શું થયું ? બંધ પડ્યું ? સ્નેહાની સાઈકલ લઈ લેવી હતી.”

બાજુમાં રહેતા નયનાબહેનને આ બાજુ આવતાં જોઈ વિચારોની હારમાળા અટકી.

“ના, એક્ટિવા તો ચાલુ જ છે. એ તો બાઈકનો આંટો મારવા ગઈ.”

“શું કરવા છૂટી આપતાં હશો ને છોકરીને બાઈકની ?”

નયનાબહેનની વાતને વચ્ચે જ અટકાવીને છાયાબહેન બોલ્યાં, “કેમ ના અપાય ?”

“શી જરૂર છે છોકરીઓને ? ક્યાંક પડે ને કંઈક થાય તો ?”

“અરે, નયનાબહેન તમને હજુય એવું લાગે છે ? ગયા અઠવાડિયાની ઘટના પછી પણ !”

“ના… એવું નહીં, આ તો પડી જાય તો ? એટલે ચિંતા થઈ મને. બાકી તો કદાચ તમારી વાત એકદમ સાચી છે. રીમામાં આ હિંમત તમારા ઉછેરને લીધે જ છે. છોકરીઓને આપણે મા-બપા થઈને બહુ પંપાળીએ, જમાના સામે તૈયાર ના કરીએ તો કાલે નાની નાની વાતે એને કોઈના પર આધાર રાખવો જ પડે, સહન કરવું પડે કે હેરાન થવું પડે. તમારા જેવી ટ્રેનિંગ હોય તો જ એ લડી શકે.

અને પેલી કૂવાવાળી તો કેટલીયે વાર યાદ આવે છે. સાચું કહું મનમાં, કેટલીયે વાર દુઃખ થયું છે, બિચારી ફૂલ જેવી છોકરીને કેવો અણસમજમાં લાફો મારી દીધો હતો…

એમ તો સ્નેહા એની જાતે પણ કૂવામાંથી નીકળી શકી હોત, કાંઈ અશક્ય તો નહોતું. પણ બિચારી પોચી પડે. અંધારું હતું, પાણી હતું, ગભરાઈ જાય. રીમા જેવી કાઠી થોડી ? પેલો સોસાયટીનો વૉચમૅન તો અંદર જતાં બી’તો હતો. રીમાનેય રોકતો હતો. છોકરીઓએ તો આવું સાહસ કરાય જ નહીં. રીમાએ સમયસૂચકતા વાપરી, નહીં તો, એ અવાવરું ખાલી કૂવામાંથી મારી દીકરી…”

“અરે બસ બસ… ઢીલા ના થાઓ. ઉપરવાળા દયાળુ બેઠો છે ને કંઈ ખોટું થોડું થાય.”

નયનાબહેન ગળા સુધી આવેલું ડૂસકું પાછું ધકેલતાં કંઈક મક્કમ અવાજે બોલ્યા, “ના, પણ તમારી વાત તો સાચી જ છે. મગજમાં ઘર કરી ગયેલી જૂની રૂઢિઓને તોડીને કાઠું કરીને દીકરીઓને કાઠી બનાવવી જ જોઈએ.”
*
“કેવી લાગી સૅન્ડવિચ રીમાદીદી ?”

“સૅન્ડવિચ તો મસ્ત હતી સ્નેહા, પણ તારી સૅન્ડવિચમાં ઘણું મોડું થઈ ગયું. તારી મમ્મી બોલશે નહીં ?”

“ના, તમે છો જોડે, એટલે વાંધો નહીં.”

“પણ મારું તો આવી જ બન્યું સમજો. જલદી ઘરે પહોંચવું પડશે.”

સ્નેહા રીમાની સોસાયટીમાં જ રહેતી એનાથી ત્રણ-ચાર વર્ષ નાની બહેનપણી હતી. બંને સાંજના સમયે થોડું શૉપિંગ કરવા નીકળ્યાં હતાં. પણ થોડું મોડું થઈ ગયું અને ચોતરફ અંધારું થઈ ગયું.

“દીદી, આ બાજુથી લઈ લો કાચા રસ્તા પરથી જલદી પહોંચાશે.”

“હા, સારું તેં યાદ કરાવ્યું. બસ ઘરે જલદી પહોંચી જઈએ તો મમ્મી બોલે નહિ.”

હજુ તો કાચા રસ્તા પર થોડે દૂર જાય ત્યાં તો રસ્તામાં વધારે પથ્થર અને કાંટાને લીધે ઍક્ટિવા બંધ પડ્યું. સેલ મારીને ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો પણ દુકાળમાં અધિક માસ, ઍક્ટિવા ચાલુ થવાનું નામ જ ના લે, હજુ તો દોઢ-બે કિલોમીટરનો રસ્તો હતો. સમય તો આઠ-સાડા આઠ જેટલો જ થયો હશે, પરંતુ મેઈન રોડ અને રહેણાંક વિસ્તારથી દૂર આવેલા આ કાચા રસતા પર શિયાળાની ઋતુમાં અંધારું છવાઈ ગયું હતું. જાણે અડધી રાતના બાર-એક વાગ્યા હોય. એમાંય ધીરે ધીરે કાતિલ ઠંડી વધતી જતી હતી, ઍક્ટિવા બંધ થતાં બંનેય છોકરીઓમાં આછો આછો ફફડાટ તો ચાલુ થઈ જ ગયો હતો. એમાંય આજુબાજુની ઝાડી-ઝાંખરામાં રહેલાં જીવડાઓના સન્‍નાટો ચીરતા અવાજો સાંભળીને સ્નેહાના હાથની રીમાની કમર ફરતી ભીંસ વધતી જતી હતી.

“દીદી હવે ?”

“અરે હમણાં ચાલુ થઈ જશે ઍક્ટિવા, તને બીક લાગે છે ?”

“હા, થોડી થોડી, તમને ?”

રીમા પણ થોડી ડરેલી હતી પણ જો હા પાડશે તો સ્નેહા વધારે ડરી જશે, એમ વિચારીને. “અરે એમાં શું ડરવાનું ? હમણાં પહોંચી જઈશું ઘરે.”

રીમાએ ભલે હમણાં પહોંચી જવાનું આશ્વાસન આપ્યું હતું. પણ એના અવાજમાં અસ્વસ્થતા જ હતી. દસ મિનિટ સુધી પ્રયત્નો કર્યા, સેલ મારવાથી ચાલુ ના થયું તો ડબલ સ્ટૅન્ડ કરીને કિક મારી, પણ ચાલુ ના થયું તે ના જ થયું ! હવે બંનેનો ફફડાટ વધતો જતો હતો. બીજો કોઈ સમય હોત તો અત્યારે કદાચ ઍક્ટિવા ચાલુ થઈ ગયું હોત પણ અત્યારે ગભરાટમાં રીમાથી કિક પણ સરખી વાગતી નહોતી, અને સ્નેહા તો હજુ ઍક્ટિવા શીખી જ નહોતી.

થોડી વાર સુધી મથ્યા પછી બંને છોકરીઓએ ઍક્ટિવા દોરીને આગળ ચાલવાનું ચાલુ કર્યું. થોડી વાર સુધી ચાલ્યાં ત્યાં તો પાછળથી રોશની ફેંકાઈ. ધીરે ધીરે રોશની વધતી જતી હતી. પાછળ જોયું તો એક ગાડી જેવું કંઈક નજીક આવતું લાગ્યું.

રીમાને મનમાં થયું, “આ કાચા રસ્તા પર ટુ વ્હીલર લઈને ભાગ્યે જ કોઈ જાય છે ત્યાં આ ગાડી…?”

અંધારાની અને સુમસામ રસ્તાની બીક હતી જ ત્યાં આ ગાડી નજીક આવતી હતી. કોઈ આવા તેવા માણસો તો નહીં હોય ને ? એની ભીતિ અને રખે ને કદાચ કોઈની મદદ મળી જાય તેવી મિશ્રભાવથી નજીક આવતી ગાડીને રીમા જોઈ રહી. જીપ હતી, આવા કાચા રસ્તા ઉપર બીજી કોઈ ગાડી કદાચ સહેલાઈથી આવી પણ ના શકે. જીપ થોડે આગળ ગઈ અને ઊભી રહી. ઇચ્છા તો થઈ મદદ માટે બૂમ પાડવાની પણ જોયું તો કોઈ સ્ત્રી માણસા ના દેખાયું. ધીમે ધીમે બંને છોકરીઓ આગળ વધી. રીમાએ સ્નેહાને નજરથી ચૂપચાપ બોલ્યા વગર આગળ વધવાનું કહી દીધું. જીપની બાજુમાંથી પસાર થતાં થતાં રીમાએ ફરી એક વાર ત્રાંસી નજરે, જીપમાં કોઈ સ્ત્રી માણસ નથી- એ ચકાસી લીધું. ફરી એક વાર મદદ કરવાનું કહેવાની ઇચ્છા થઈ હતી. ત્રાંસી નજરે જોયેલા એ ચાર-પાંચ માણસોના મોઢાં, જાડી મૂછો, ગંદાં કપડાં.. મદદ માંગવાની ઇચ્છા સમૂળગી સાફ થઈ ગઈ અને… પગની ગતિ વધી ગઈ.

હોર્ન મારતી મારતી જીપ ફરીથી ચાલુ થઈ, જીપ રીમા, સ્નેહાની પાછળ પાછળ જ ચાલતી હતી. જીપની અંદરથી “લિફ્ટ ચાહિએ… લિફ્ટ ચાહિયે”ની સાથે સાથે અટ્ટહાસ્યના અવાજો આવવા લાગ્યા. ઓવરટેક કરવાની જગ્યા મળતાં ફરીથી જીપ ઍક્ટિવાથી આગળ થઈને તરત બ્રેક વાગી ઊભી રહી ગઈ. અહીં રસ્તો થોડો સાંકડો હતો. સાઈડમાંથી નીકળવાની જગ્યા નહોતી. રીમા, સ્નેહાએ પણ પગને બ્રેક મારી, ઍક્ટિવા ઊભું રાખ્યું. જીપમાંથી ચાર જણ નીચે ઊતર્યા. એમનો પહેરવેશ, એમના ચહેરા, એમની ગંદી નજર, જોઈને બંને છોકરીઓના ડરે માઝા મૂકી. ફરી એક વાર સેલ મારીને ઍક્ટિવા ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો પણ વ્યર્થ. ઍક્ટિવા ચાલુ ના થયું. એ લોકોને આ બાજુ આવતા જોઈ રીમાએ તરત ઍક્ટિવા વાળ્યું અને આવતા હતા એ જ રસ્તે બંને છોકરીઓએ ઍક્ટિવા સાથે દોડવાનું ચાલુ કર્યું. પાછળ આવતાં પગલાંના અવાજની સ્પીડ પણ વધી. થોડે દૂર જતાં ઍક્ટિવા હાથમાંથી છટકી ગયું, પડી ગયું. ઍક્ટિવાને ત્યાં જ રાખી બંને છોકરીઓ મુઠ્ઠીઓ વાળીને દોડી. પણ ત્યાં તો પેલા ચારેય ઘેરી વળ્યાં.
“દીદી”
“સ્નેહા”

બંને છોકરીઓ કંઈ બોલે, વધારે કંઈ વિચારે એના પહેલાં તો ચારમાંથી એક જણે આવીને સ્નેહાને પાછળથી મજબૂત પકડીને મોઢા પર રૂમાલ દબાવી દીધો. રીમાએ એ જોયું. બીજો એક જણ પણ આવીને એમ જ કરવા જતો હતો ત્યાં રીમાએ પ્રતિકાર કરવાનો પ્રયત્ન કર્યો. જોરથી ધક્કો માર્યો પણ એ સહેજ પાછો પડ્યો અને સાવચેત થઈને, નજીક આવીને જોરથી હાથ પકડીને કમર ફરતે ભીંસ લઈ રીમાના મોઢા પર રૂમાલ દબાવવા જતો હતો ત્યાં હતું એટલું જોર વાપરીને રીમાએ હાથપગ ચલાવવા માંડ્યા. પણ એટલામાં તો પાછળથી કોઈનો જોરદાર ધક્કો વાગ્યો અને જોરથી બાજુમાં પડેલા મોટા પથ્થર સાથે અથડાઈ. પછી તો બસ આંખ ખુલી ત્યારે પોતે અને સ્નેહા બંને એક ખંડિયેર જેવા મકાનમાં અલગ અલગ જર્જરિત, ગંદી, ભંગાર જેવી ખુરશીમાં બંધાયેલાં હતાં.

આવી સ્થિતિમાં પોતાને જોઈને પહેલાં તો હૃદય એક ધબકારો ચૂકી ગયું. તરત જ પોતાનાં કપડાં અને પોતાની સ્થિતિ જોઈ લીધી. સ્નેહાનું પણ બધું બરાબર હતું. થોડો જીવ આવ્યો. સ્નેહા હજુ બેભાન હતી. “કદાચ પેલા રૂમાલમાં કંઈક એવું હશે, એટલે ?” એવું વિચાર્યું. વાતાવરણ ચારેબાજુ ડરામણું, શાંત હતું. માથા પર વાગેલો ઘા દુખતો હતો. ચારેબાજુ પથરાયેલા ગમગીન સન્‍નાટામાં કંઈક અવાજ આવતો લાગ્યો અને કાન સરવા કરી એ દિશામાંથી અવાજ સાંભળવાનો પ્રયત્ન કર્યો.

“હમણાં જ જોઈને આવ્યો બેમાંથી એકેય ભાનમાં નથી આવી એટલે કંઈ ચિંતા નથી.” એક જણ બોલ્યું. સાંભળીને તરત મનમાં વિચાર્યું હમણાં થોડી વાર પહેલાં જ કોઈક આવ્યું હશે ? તો તો સારું થયું. મેં એ પછી આંખો ખોલી.

“કલાક જેવું થવા આવ્યું, એ બંનેને અહીંયાં લાવ્યા ને… હજુ ક્યારે ? બોસ કેટલે છે ?” બીજા માણસનો અવાજ આવ્યો.

“અરે હમણાં અડધો કલાક-કલાકમાં આવી જશે, પાંચ મિનિટ પહેલાં જ વાત થઈ હતી મારે.” ફરીથી પહેલાનો જ અવાજ લાગ્યો. “થોડા દિવસ અહીંયાં ને પછી દુબઈનું સેટિંગ છે કંઈક, એવું બોસ કહેતા હતા.”

“હા, પણ અહીંયાં તો થોડા દિવસ ખરી ને બંને ?” ફરીથી બીજો બોલ્યો અને જોર જોરથી હસવા લાગ્યો.

ફરીથી કંઈક વાતચીત થઈ, બરાબર કંઈ સંભળાતું નહોતું, પરંતુ તેઓ પત્તાં રમતા હતા એટલો ખ્યાલ આવ્યો.

અવાજની દિશામાંથી ફરી પાછું ધ્યાન પોતે જ્યાં હતી ત્યાં આવ્યું. “હવે ? હવે શું કરવું ? સ્નેહા ભાનમાં નથી આવી. હે પ્રભુ, બચાવી લે…” મનમાં મૂંઝવણના અંધકાર સિવાય બીજું કંઈ જ નહોતું.

“મુંબઈ, દુબઈ, થોડા દિવસ અહીંયાં” નરાધમોના રાક્ષસી શબ્દો વારંવાર કાનમાં પડઘો પાડતા હતા. હવે તો ખૂબ જ ડર લાગતો હતો. બચવાનો કોઈ માર્ગ પણ દેખાતો નહોતો. મનમાં ને મનમાં ભગવાનને યાદ કરવા લાગી, મમ્મી યાદ આવી. મમ્મી યાદ આવતાં જ મમ્મીની વાતો યાદ આવી, “ક્યારેય કોઈ પરિસ્થિતિમાં ડરવાનું નહિ. ડરવાથી બુદ્ધિ પરનો કાબૂ જતો રહે.” અત્યારે પહેલી વાર મમ્મીની વાત ગંભીરતાથી સાચી લાગી. “અત્યારે મને કંઈ સૂઝતું જ નથી. એમ તો હું વિચારોમાં ને વિચારોમાં કેટ-કેટલાંય બહાદુરીવાળાં કામ કરી નાખું છું ને અત્યારે ખરેખર કરવાનું આવ્યું તો… બધાં એક-એક સામે આવે તો એમને પહોંચી વળું પણ આ બધાને પહોંચી વળાય એટલી શક્તિ તો નથી મારામાં. બુદ્ધિથી કામ લેવું પડશે. હા, બરાબર છે કંઈક વિચારવું પડશે મારે. શાંતિથી, ડર્યા વગર.” થોડી વાર સુધી રીમાએ પોતાની જાતને હિંમત આપી અને પછી ચારે બાજુ ઝીણવટથી અવલોકન કરવાનું ચાલુ કર્યું.

આજુ-બાજુ બે-ત્રણ ટેબલો હતાં. રૂમમાં બે બારીઓ હતી. પોતાની પીઠ જે બાજુ હતી ત્યાં એક દરવાજો હતો. ત્યાં કદાચ બીજો રૂમ હશે. પેલા અવાજ એ દિશામાંથી જ આવતા હતા. રૂમના એક ખૂણામાં એક-બે તૂટેલી ખુરશીઓ, તૂટેલાં સ્ટૂલ એવો કાટમાળ પડ્યો હતો. ચારેબાજુ ફર્નિચર પર લાગેલી ધૂળ જોતાં એમ લાગતું હતું કે અહીંયાં કોઈની અવર-જવર નહીં હોય. ફર્નિચર જે રીતનું હતું અને જે રીતની ગોઠવણ હતી એ પરથી કોઈ જૂની ઑફિસ લાગી. પોતાને કઈ જગ્યાએ લાવવામાં આવ્યાં છે એનો અંદાજ લગાવવાનું શરૂ કર્યું. સામે સ્લાઇડિંગ વિન્ડો હતી. એની ઉપર લાલ કલરના મેલા, થોડા ફાટેલા પડદા હતા. પડદાની બાજુમાંથી બારીમાંથી બહાર જોયું તો સામે કંઈ ખાસ દેખાતું નહોતું. એક બિલ્ડિંગની લાઇટ ચાલુ હતી અને ઉપર લખ્યું હતું, ‘સંસ્કાર વિદ્યામંદિર.’

“અરે, અચાનક મનમાં ઝબકારો થયો. આ તો પોતાની જ સ્કૂલ, જ્યાં પોતે ભણી હતી અને જ્યાં સ્નેહા અત્યારે ભણતી હતી.” મનમાં એક ખુશી થઈ પોતે ક્યાં છે એ જગ્યાનો તો અંદાજ આવી ગયો. પરંતુ પોતાની સ્કૂલ જ્યાં હતી ત્યાં આજુબાજુમાં રહેણાંક વિસ્તાર નહોતો. એટલે અત્યારે મદદ માટે કોઈ મળવું મુશ્કેલ છે. ફરીથી મન ગભરાયું. થોડી વધારે ધ્યાનથી નજર માંડી તો જોયું કે સ્કૂલના બિલ્ડિંગમાં બે-ત્રણ રૂમની લાઇટ ચાલુ હતી. “ઘણી વાર અમુક શિક્ષકો અને વિદ્યાર્થીઓ રાત્રે એક્સ્ટ્રા એક્ટિવિટિઝના કામ માટે અવતા. આજે પણ આવ્યા લાગે છે.” ફરીથી મનમાં એક આશા મજબૂત થઈ. હું એમની મદદ લઈ શકું. એ લોકો જતા રહે એના પહેલાં મારે એમનો કોન્ટેક્ટ કરવો પડશે. અરે હા, પપ્પાને ફોન તો કરી દઉં પણ આ હાથ બાંધેલા છે. અને ખુરશીમાં ને ખુરશીમાં વાંકા વળીને દાંત વડે હાથ પર બાંધેલી દોરી ખોલવાની ચાલુ કરી.
*
“નરેન્દ્ર, નવ વાગવા આવ્યા હજુ કેમ ના આવી છોકરીઓ ?” છોકરીઓ ઘરે ના પહોંચતાં છાયાબહેનની ચિંતા વધી ગઈ હતી.

“હું પણ એ જ વિચારું છું. સ્નેહાના ઘરે તો નથી ને ?”

“ના, એમને પણ એ જ ચિંતા છે. તમે તપાસ કરો ને થોડી.”

“હા, હું જાઉં.”

રીમા અને સ્નેહાના પપ્પા એ લોકો જે બાજુ શૉપિંગ કરવા ગયાં હતાં ત્યાં બાઈક લઈને આંટો મારી આવ્યા. બધે તપાસ કરી પણ ક્યાંય છોકરીઓ દેખાઈ નહિ અને પેલા કાચા રસ્તા પર ગયા તો ઍક્ટિવા મળ્યું. આજુબાજુમાં તપાસ કરી પણ છોકરીઓનો ક્યાંય પત્તો નહિ. આ રીતે અચાનક છોકરીઓ ગુમ થતાં બંને પિતાના હૃદયમાં ફાળ પડી.

સોસાયટી આખી ભેગી થઈ ગઈ. રીમાનો ફોન પણ લાગતો નહોતો. સ્નેહા પાસે તો ફોન હતો જ નહિ.

“શું કરી શું ? ક્યાં હશે મારી છોકરી ? પોલીસ કમ્પલેન કરી દઈએ ? કરી જ દઈએ શું કહેવું છે તમારું ?” છાયાબહેને સાઇડમાં લઈ જઈને નરેન્દ્રભાઈને પૂછ્યું.

“હા, હું પણ એ જ વિચારું છું, હે પ્રભુ ! મારી છોકરીને કંઈ થાય નહિ, નહીં તો…” અને કંઈક અમંગળ ના થઈ બેસે એવા ડરથી નરેન્દ્રભાઈ ગભરાટમાં પરસેવે રેબઝેબ થઈ ગયા, ઢીલા થઈ ગયા. મનમાં વિચાર આવ્યો. “રીમાને કંઈ થાય તો એને તો તકલીફ થશે જ… બિચારી દીકરી. પણ પોતે પણ… આ સમાજ…” છત્રીસની છાતીવાળો પુરુષ પણ દીકરી પર કોઈ તકલીફ આવે એવી કોઈ વાતથી જ ઢીલો થઈ જાય છે. હિંમત વિખેરાતી જતી હતી. થોડી વાર રહીને થોડા મૂંઝાતા અવાજમાં બોલ્યા, “છાયા, મેં હંમેશાં તારો સાથે આપ્યો પણ પહેલી જ વાર, આવી કટોકટીવાળી પરિસ્થિતિમાં મને…’

છાયાબહેન અત્યારે નરેન્દ્રભાઈ કઈ વાત કહે છે એ જાણવા વચ્ચે જ બોલ્યાં, “શું થયું ?”

“એમ થાય છે કે આને એજગ્યાએ છોકરો હોત તો ? પહેલી જ વાર મને બાની વાત સાચી…”

એમને વાક્ય પણ પૂરું ન કરવા દેતાં છાયાબહેન વચ્ચે જ જોરથી ગુસ્સેથી તાડૂકી પડ્યાં, “કંઈ જ નહીં થાય મારી છોકરીને, કશું જ નહીં થાય એને…”

કંઈક અમંગળનો ડર, દીકરીની ચિંતા અને ગુસ્સાને લીધે એમનો રડમસ અવાજ ફાટતો હતો. આવા સમયે પોતાની દીકરીને કોઈ જ રીતે મદદ નહીં કરી શકવાની લાચારીને લીધે ઘણો રોકવાનો પ્રયત્ન કર્યો પણ છતાંય એકાદું ડૂસકું તો આવી જ ગયું. પણ તરત પોતાની જાતને થોડી સંભાળી લીધી.

પતિ પત્ની વચ્ચે થોડી વાર સુધી મૌન પ્રસરી રહ્યું ને એટલામાં નરેન્દ્રભાઈના મોબાઈલ પર ફોનની રિંગ વાગી. છાયાબહેન અધીરા થઈને પૂછવા લાગ્યાં, “કોણ છે ?”

ફોન સ્ક્રીન પર રીમાનું નામ જોઈને જાણે ગાઢ અંધકારમાં આશાનું એક કિરણ દેખાયું હોય તેમ ફોન ઉપાડીને તરત નરેન્દ્રભાઈ “ક્યાં છે ? અને શું થયું ? ઍક્ટિવા કેમ અહીંયાં ?’ બધું પૂછવા લાગ્યા.

રીમાએ બને તેટલા ઓછા શબ્દોમાં અને ધીરા અવાજે પરિસ્થિતિનું ભાન કરાવવાનો પ્રયત્ન કર્યો. પોતે ક્યાં છે એ જગ્યા કીધી, પોતાનો ફોન સ્વિચ ઑફ થઈ ગયો હતો એટલે લાગતો ન હતો એ જણાવ્યું. પોતે જ એમનો કોન્ટેક્ટ કરશે. સામેથી ફોન કરવાથી કોઈ ગરબડ થઈ શકે એટલે ફોન કરવાની ના પાડી.

“હા, બેટા, હું આવું જ છું. થોડી હિંમત રાખજે… સારું ફોન નહિ કરું.. હવે ફોન સાઇલેંટ કરી દેજે એટલે બીજા કોઈનો ફોન આવે તો પ્રૉબ્લેમ ના થાય પણ સ્વિચ ઑફ ના થવા દેતી.”

અને થોડી વાત પછી કંઈક અવાજ આવતાં રીમાએ ફોન મૂકી દીધો. કોઈનાં પગલાં આ દિશામાં આવતાં લાગ્યાં. આ બાજુ કોઈ શેના માટે આવતું હશે ? એ આવીને શું કરશે ? એના બધા મનમાં ઊગતા પ્રશ્નોને લીધે ડરની ઝીણી લહેર પસાર થઈ ગઈ. પણ પાછું મન થોડું સ્વસ્થ કર્યું. કંઈક વિચાર આવ્યો અને ફરીથી છોડેલા હાથ પર એમએમ દોરીઓ વીંટાળીને બેભાન થવાનો ઢોંગ કર્યો. થોડી વાર થઈ, પછી અવાજ આવ્યો.

“એકેય હજુ ભાનમાં નથી આવી. કંઈ ચિંતા નથી…” ફરીથી મનમાં એક આછો હાશકારો થયો. પેલો ખાલી અમારી સ્થિતિ જોવા જ આવ્યો હતો. “હે પ્રભુ…” ફરી પાછી મનમાં ઝીણા ડરે જગ્યા લીધી. ક્યાંક આમના બોસ પહેલાં આવે અને પપ્પા પછી આવે તો ? આવા ડરને નાથવા હિંમત એકઠી કરીને ફરી પાછી એ બચવા માટેના પ્રયત્નો માટે બુદ્ધિ દોડાવવા લાગી. આજુબાજુ નજર ફેરવી, સામેથી સ્લાઇડિંગ વિન્ડો દેખાઈ. એમાંથી નીચે કૂદી જાય તો સ્કૂલમાં જે પણ હોય એની મદદ લઈ શકાય. હાથ તો છોડેલા જ હતા, પગ બાંધેલા હતા. એ પણ છોડી દીધા અને ધીરે રહીને અવાજ ના થાય તે રીતે બારી પાસે પહોંચી ગઈ. બારીને ખોલવાનો પ્રયત્ન કર્યો. કેટલાય સમયથી જામી ગયેલી ઠેસી ખુલતી નહોતી અને થોડું વધારે જોર કરતાં કટ્ટ એવો જોરથી અવાજ થયો. બારી ખૂલી ગઈ. રીમા ઉપર ચઢી ગઈ. બહાર માથું રાખીને અડધું શરીર બહાર અને પગ બારીની કિનારી ઉપર અને ફ્રેમનો ટેકો લઈને ઊભી રહી. આઠ-દસ ફૂટની ઊંચાઈ હતી, કૂદું ના કૂદું પણ કૂદવું તો પડશે જ ને એમ વિચારતી હતી. એવામાં પાછળથી કોઈકે જોરથી બૂમ પાડી.

“એય છોકરી ઊભી રહે !” અને રીમાનો હાથ પકડી લીધો. ખરા સમયે ભેગી કરેલી હિંમત કામ લાગી. રીમા સાવધાન જ હતી. સમયસૂચકતા વાપરીને એણે પેલાના હાથ ઉપર જોરથી દાંત બેસાડી દીધા અને પેટમાં જોરદાર લાત મારીને તરત નીચે કૂદી ગઈ. થોડું વાગ્યું, પગમાં દુખાયું પણ એ બધું વિચારવાનો ક્યાં સમય હતો. તરત મુઠ્ઠીઓ વાળી “મહેશ સર, મહેશ સર..” ની બૂમો સાથે… પેલો પાછળ દોડવા જતો હતો પણ સામે થોડે દૂર બે-ત્રણ જણ ઊભેલા દેખાયા એટલે બારીમાંથી કૂદ્યો નહીં. “દો નહિ તો એક હી સહી.” એમ વિચારી બીજા સાથીઓને કહેવા અંદર દોડ્યો.

સ્કૂલની બહાર સ્કૂલના અને આસપાસ જે હતા એ લોકો ભેગા થઈ ગયા. ટૂંકમાં બધાને સમજાવી દીધા, તરત બધા પેલા ખંડિયેર જેવા મકાનમાં આવી ગયા. એટલામાં રીમાના ઘરની સોસાય્ટીવાળા પણ આવી ગયા. પેલા નરાધમો સ્નેહાને લઈને ભાગી જવાની વેતરણમાં હતા ત્યાં તો બધાંએ પકડી પાડ્યા. ચારેબાજુથી ઘેરી લઈને માર માર્યો. હવે સ્નેહા થોડી થોડી ભાનમાં આવી, એની મમ્મીએ એને સંભાળી લીધી. ત્યાં સુધીમાં પોલીસ પણ આવી ગઈ. આ નરાધમોને પકડી પાડ્યા અને રીમાને આવા રાક્ષસો પકડાવ્યા બદલ એની બહાદુરીને બિરદાવીને એનો આભાર માન્યો..

છાયાબહેને તો રીમાને છાતી સરસી ચાંપી દીધી અને રીમાએ બધી હકીકત કીધી એટલે ભેટીને ગદ્‍ગદ થતાં બોલ્યાં, “શાબાશ બેટા… શાબાશ.. ખૂબ સરસ, તું તો મારી દીકરી નહીં, દીકરો… અરે, ના ના દીકરી જ છે તું તો, મારી દીકરી. પોતાના મમ્મી પપ્પાને ગૌરવ અપાવતી દીકરી. દીકરાઓમાં ક્યાં આજકાલ આટલી હિંમત જોવા મળે.” બાજુમાં જ નરેન્દ્રભાઈ પોતાની દીકરીની બહાદુરીને બિરદાવતા ઊભા હતા, નજર છાયાબહેન સામે હતી. જાણે પોતાની ભૂલની ક્ષમા ન માંગતા હોય !

*
સંપર્ક : સન ઍગ્રો પ્રોડ્ક્ટ્સ, પ્લોટ નં. 136/137, ૧,૨,૩, જી.આઈ.ડી.સી. કલોલ, જિ. ગાંધીનગર – 382725

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

12 thoughts on “રીમા – કોમલ પટેલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.