અબળાઓની અવદશા – પ્રવીણચંદ્ર પરમાર

(રીડ ગુજરાતીને પ્રસ્તુત લેખ મોકલવા બદલ શ્રી પ્રવીણચંદ્ર લક્ષ્મીદાસ પરમારનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો laxmisons@hotmail.com પર સંપર્ક કરી શકો છો.)

અમે બે મિત્રો એક વખત આ દુનિયા દુઃખથી ભરેલી છે, તે વિષય ઉપર ચર્ચા કરતા હતા. તેમાં મારા મિત્રે એક ઘટસ્ફોટ કર્યો કે, “મારી દ્રષ્ટિએ આ અનંતકોટી બ્રહ્માંડનો સર્જનહાર કોઈ પુરુષ જ હોવો જોઈએ.”

આવી વિચિત્ર અને કદી નહિ વિચારેલી વાત સાંભળી મારાથી જોરમાં હસી પડાયુ અને અંતરસ પણ આવી ગયો. જરા સ્વસ્થ થયા બાદ ગુસ્સો કરીને મેં તેને ખખડાવ્યો કે, “અલ્યા દોસ્ત, તારી બુદ્ધિ તો કંઈ બહેર મારી નથી ગઈ ને? આ અનંતકોટી બ્રહ્માંડનો સર્જનહાર કોઈ પુરુષ કે સ્ત્રી નથી, પણ નિરંજન નિરાકાર અદ્રશ્ય શક્તિએ તે બનાવેલું છે અને તે જ શક્તિ સમસ્ત દુનિયા ચલાવે પણ છે એમ આપણા શાસ્ત્રો કહે છે, અને તે વાત જ સત્ય છે એમ બધા માને છે. તારા જેવા પ્રાધ્યાપકે આવી અણસમજુ વાત કરતા શરમાવું જોઈ. બે વાર વિચાર કરીને બોલવું જોઈએ. સમજ્યો?!”

“જુઓ મુરબ્બી, મેં આ વાત અનેક વાર વિચારેલી છે. તમે પહેલા મારી વાત સાંભળો અને તે પછી તમારો અભિપ્રાય આપજો.” એમ કહીને તેણે બોલવાનું ચાલુ કર્યું,

સમગ્ર પૃથ્વી પર તમે જોશો તો જણાશે કે સરેરાશ સ્ત્રીઓ કરતા પુરુષોની ઊંચાઈ વધારે જ હોય છે. સિંહ (પુરુષ)ને રૂઆબદાર કેશવાળી, મોરને નયનરમ્ય પીંછાવાળી કળા, કૂકડાને રંગબેરંગી પીંછા અને પાછી કલગી જુદી… તમે જોઈ શકશો કે સિંહણને, ઢેલને, મરઘીને (સ્ત્રીલિંગ)ને આવો કુદરતી શણગાર કુદરતે આપેલો નથી. વધુમાં મનુષ્ય સ્ત્રીને અપવિત્રતાનો ત્રાસ સહન કરવાનું આપ્યું છે તેવું પુરુષને કશું નથી, પુરુષને સદાનો પવિત્ર રાખ્યો છે. તેથી તમે આ દ્રષ્ટિએ બધું જોશો તો મારી વાત સાચી લાગશે… કારણ કે બધા જ કાયદા સ્ત્રીની વિરુદ્ધ અને પુરુષની ફેવરમાં બનાવેલા છે. મોટે ભાગે પૃથ્વી પર તો પુરુષનું જ રાજ ચાલતું હોય છે. તેમાં અમુક દેશોમાં તો સ્ત્રીઓની હાલત જનાવર કરતા પણ બદતર છે. કે જ્યાં એક નાનકડી ભૂલને માટે સ્ત્રીને સજામાં મોત છે જ્યારે તેવી જ ભૂલ માટે ત્યાંના પુરુષને કોઈ સજા નથી… હવે કુદરતનો જરા વધુ અન્યાયનો કરિશ્મા જોઈએ કે દરેક ધર્મવાળા ગાજી વગાડીને કહેતા ફરે છે કે આ દુનિયામાં દરેક લેણદેણનો હિસાબ ચૂકતે કરવો જ પડે છે. તે સિવાય બીજો કોઈ આરો ઓવારો નથી. તો સવાલ એ પેદા થાય છે કે, એક ઘરમાંથી એક કન્યાને (પરણીને) સાસરે લઈ આવવામાં આવે તેનું લેણદેણ ચૂકતે થાય છે કે કેમ? કદી નહિ. એટલે કે આ ઋણ કદી પણ ચૂકતે થઈ શકતું જ નથી. બીજા શબ્દોમાં કહીએ તો આમાં પણ કુદરતે પુરુષોનો પક્ષ લઈને સ્ત્રીઓને જ અન્યાય કરેલો છે. આ વિશ્વવ્યાપી અન્યાયને જરા વધારે વિસ્તારથી વિચારીએ તો, એક માબાપ ઘણા જ પ્રેમથી પુત્રીને ઉછેરે છે. કહેવાય છે કે પુત્ર કરતાં એક પુત્રી જ પોતાના પિતા અત્યારે કયા સંજોગો અને મનોવેદનામાંથીપસાર થઈ રહ્યા છે તે આંતરિક સૂઝથી સમજી જાય છે. પછી ભલે તે પિતા મોઢું હસતા રાખતા દેખાતા કેમ નહિ હોય? તે પછી આગળ વધીએ તો તે પુત્રી પુરુષોએ બનાવેલા કાયદાને કારણે પોતાના વહાલસોયા માવતરને મૂકીને જિંદગીમાં જેને કદી જોયેલા નહિ તેવા સાસરાપક્ષમાં જાય છે, કે જ્યાં બધું જ નવેસરથી શીખવાનું હોય છે. અને કોઈક ઠેકાણે જો પોતાના પિતા ગરીબ હોવાને કારણે દહેજના પૈસા ન આપી શકે ત્યારે આત્મહત્યા પણ કરવી પડે છે.

એ વાતને જરા બાજુએ મૂકીએ તો પણ પુરુષપ્રધાન આ આખી દુનિયામાં દરેક રીતે સ્ત્રીને જ દુઃખનો ભોગવટો કરવો પડતો હોય છે, તે જુઓ કે :

પતિ મરણ પામે કે તુરત જ તેના કપાળનો ચાંદલો જબરજસ્તીથી ભૂંસી નાંખવામાં આવે. હાથમાં પહેરેલી કાચની બાંગડીઓ તુરત જ કાઢી નાંખવામાં આવે, સફેદ કપડાં જ પહેરવા પડે. કોઈ પણ સાથે હસવાનું બોલવાનું બંધ, કોઈ પણ માંગલિક પ્રસંગોમાં ભાગ લઈ શકાય નહિ. પહેરેલા દાગીના ઉતારી લેવામાં આવે તે સાથે કોઈ પણ પ્રકારનો શૃંગાર પણ બંધ. બાકીનું જીવન, આજીવન કારાવાસ સમાન બની રહે, સાથે સાથે જીવનભર માટે ફાઈનાન્સના પ્રોબ્લેમ ઊભા થઈ જાય તે તો જુદા. અને ઘરમાં ક્ષણે ક્ષણે અપમાન સહન કરવાનું આવે તે જૂદું…

હવે સવાલ એ આવે છે કે એક સ્ત્રીનો પતિ કોઈ કારણથી મૃત્યુ પામ્યો. દાખલા તરીકે, દેશની સરહદ બચાવતા શહીદ થયા અથવા ધરતીકંપમાં મૃત્યુ થયું. અથવા પાણીમાં ડૂબતા કોઈને બચાવવા જતા અથવા અકસ્માત અથવા કોઈ મોટા રોગથી યા આતંકવાદમાં કે આવા બીજા કોઈ કારણે મૃત્યુ થયું તો તેમાં તેની બૈરીનો શું દોષ? જાણે કે તેણીએ કોઈ મહાન ગુનો કર્યો હોઈ તેમ ક્ષણે ક્ષણે કડવા ઘૂંટડાઓ આખી જિંદગી પીવા પડે. કોઈ પુરુષની બૈરી મૃત્યુ પામે ત્યારે તે પુરુષે આવું કશું જ ભોગવવું પડતું નથી એ હકીકત છે.

આ મુસીબતો આજના જમાનાની છે પરંતુ વરસો પહેલાથી સ્ત્રીઓ દુઃખી થતી આવી છે. તેમાં સતી થવાનો વિચિત્ર રિવાજ હતો કે જેમાં મૃત પતિના શબ સાથે બળી જવું પડતું હતું. જોકે એક વાત ચોક્કસ છે કે હજુ સુધી કોઈ પણ પુરુષે પોતાની મૃત પત્ની સાથે આ પ્રયત્ન કર્યો નથી. આ વાત નજીકના ભૂતકાળની થઈ પરંતુ તેથી આગળ પાંચસો વરસ પહેલા વિધર્મીઓનું લશ્કર આપણા રાજ્યો જીતી લેતું ત્યારે તેમનાથી પોતાની પવિત્રતા બચાવવા હિંદુ સ્ત્રીઓ સ્વેચ્છાએ સામૂહિક રીતે બળી મરતી જેને ‘જૌહર’ કહેવામાં આવતું હતું. ઈતિહસ આ બાબતની સાક્ષી પૂરે છે.

હવે આગળ વાંચો અને વિચારો:

કોઈ એક સ્ત્રી કે જેનો પતિ મૃત્યુ પામેલો હોય, તેના નામની આગળ ટૂંકમાં ગં.સ્વ. (એટલે કે ગંગા સ્વરૂપ) લખવામાં આવે છે. મારો વાંધો એ છે કે કોઈ પુરુષની પત્ની મૃત્યુ પામેલી હોય તો તેના નામની આગળ કેમ કંઈ લખવામાં આવતું નથી? કેવી રીતે જાણી શકાય કે તેની પત્ની છે કે નથી? ખરેખર તો પુરુષ માટેના કાયદા જુદા અને સ્ત્રી માટેના જુદા તેનું આ પરિણામ છે. બાકી મને તો હજુ જાણવામાં નથી આવ્યું કે આ શબ્દ ક્યાંથી આવ્યો છે અને ક્યારથી વપરાવા લાગ્યો છે?!

એક વાત ચોક્કસ છે કે તે સ્ત્રીના પતિએ જો બીજા લગ્ન કર્યા હોય, ગૃહત્યાગ કર્યો હોય અથવા સંન્યાસ ગ્રહણ કર્યો હોય તો ગં.સ્વ. લખાતું નથી. પ્રિય વાચકો, એ એક હકીકત છે કે આપણી ગુજરાતી ભાષાના લખાણમાં જ આ શબ્દ વપરાતો જોવા મળે છે. બીજી કોઈ ભાષામાં તે જોવા મળતો નથી. દા.ત. હિંદી, મરાઠી, બંગાલી, મદ્રાસી, ઉર્દૂ, પંજાબી કે બીજી કોઈ જ ભાષામાં તે લખાતું જોવા મળતું નથી. ભારત દેશમાં થોડીક વિધવા સ્ત્રીઓ વિશ્વવિખ્યાત બની છે. તેના નામની સાથે ગંગા સ્વરૂપ લખવામાં આવતું નથી. દાખલા તરીકે, ગં.સ્વ. ઈંદિરા ગાંધી, ગં.સ્વ. સોનિયા ગાંધી, ગં.સ્વ. લીલાવતી લાલબહાદુર શાસ્ત્રી, ગં.સ્વ. મહારાણી લક્ષ્મીબાઈ. ગંગા સ્વરૂપ લખવાથી માલૂમ પડે કે સ્ત્રીનો પતિ હયાત નથી. આપણા ધર્મમાં પવિત્રતાની દ્રષ્ટિએ ગંગા નદીનું નામ સર્વશ્રેષ્ઠ છે જ એટલે કે વિધવા સ્ત્રી ગંગા નદી જેટલી પવિત્ર છે, એમ કહેવાનો આશાય હોઈ શકે છે. તો તે સાથે એક બીજી વાત પણ દરેકે જાણવા જેવી છે કે મહાભારતની કથામાં લખેલું છે કે ગંગાનદી સાથે શાંતનુ રાજાનું લગ્ન થયું હતું તેમાં તેમને આઠ પુત્રો થયા હતા. તેમાંના સાત પુત્રોને ગંગાજીએ પોતાના પ્રવાહમાં પોતે જ વહાવી દીધા હતા. જેમાનો છેલ્લો આઠમો પુત્ર શાંતનુરાજાની વિનંતીને કારણે બચ્યો હતો કે જે પાછળથી ગંગાપુત્ર ભીષ્મ પિતામહ તરીકે વિખ્યાત થયા. હવે આટલી વાત જાણ્યા બાદ મારો સવાલ એ છે કે આપણે લોકો એક વિધવા સ્ત્રીના નામની સાથે ગંગા સ્વરૂપ શબ્દ વાપરીએ છીએ તે યોગ્ય છે કે કેમ?

હવે અંતમાં એ પ્રશ્ન આવે કે ગંગા સ્વરૂપ લખાય તેમાં બગડી શું ગયું? તો તે અંગે કહી શકાય કે બીજા માણસોને તો કંઈ ફરક નથી પડતો, પણ જે વિધવા માટે લખાય તેને આ વાંચતા જ માનસિક રીતે વ્યગ્રતા થતી હોય શકે કે: “મારો ધણી તો મરી ગયો છે. તેથી હું સક્ષમ નથી ન્યૂન છું, પરાધીન છું.” એમ વિચારી મન ખિન્‍ન બની જાય! મારી દ્રષ્ટિએ ગંગા સ્વરૂપને બદલે શ્રીમતી શબ્દ લખવો જોઈએ કે જેથી તે વિધવાને પતિ મરી ગયો હોવાનો ખેદ નહિ થાય અને એવી લાગણી થશે કે હું એક અબળાની અવદશા જેવી નથી પણ એક સ્વમાન અને ગણનાપાત્ર વ્યક્તિ છું. જેવી કે દેશની બીજી મહાન સ્ત્રીઓ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “અબળાઓની અવદશા – પ્રવીણચંદ્ર પરમાર”

Copy Protected by Chetan's WP-Copyprotect.