એક પુત્રનો પત્ર-માને – આશા વીરેન્દ્ર

(‘જનકલ્યાણ’ સામયિકના જુલાઈ, ૨૦૧૬ના અંકમાંથી સાભાર)

મારી વહાલી મા,

મારા અક્ષરો જોઈને તને આશ્ચર્ય થયું હશે કે, એક જ ઘરમાં રહેવા છતાં આ રીતે પત્ર લખવાની મને શું જરૂર પડી? પણ હું જાણું છું કે, મારે જે વાત તને કરવી છે એ તારી આંખમાં આંખ પરોવીને કરવાની મારામાં હિંમત નથી. મને ખબર નથી કે, આ પહેલાં કોઈ દીકરાએ પોતાની માને આ રીતે પત્ર લખ્યો હશે કે નહીં અને ભવિષ્યમાં લખશે કે નહીં, પણ એટલું તો ચોક્કસ કે, મૂંઝવણમાં મુકાયેલ અને તોફાનો વચ્ચે પોતાને એકલો અનુભવનાર દરેક પુત્ર માને આવો પત્ર લખવા તલસ્યો તો હશે જ.

કહેવાય છે કે, સ્ત્રીઓ સંકોચશીલ હોય છે, પણ આજે આ લખતી વેળા અનુભવું છું, પોતાના દુઃખદર્દ ‘શેર’ કરવામાં, પોતાની લાગણીઓ દર્શાવવામાં પુરુષો ખૂબ સંકોચ અનુભવે છે. પોતાની ‘મર્દ’ તરીકેની છાપ જાળવી રાખવાની મથામણમાં નાના બાળકથી માંડીને વયોવૃદ્ધ પુરુષો પણ આખી જિંદગી પોતાનાં અંતરમાં ધરબાયેલી લાગણીઓનું પોટલું પોતાના માથે જ ઉપાડીને ફર્યા કરે છે. એમના કરતાં સ્ત્રીઓ ઘણી સહેલાઈ અને સહજતાથી હસતાં હસતાં કે રડીને દિલનો ભાર ઉતારીને હળવી થઈ શકે છે. નાનપણમાં તારા ખોળામાં સૂઈને કે તારા ગળામાં બંને હાથ પરોવીને મનની બધી વાત કરી શકતો એ પાત્રતા આજે મારામાં રહી નથી એ જાણું છું એટલે જ આ કાગળ-કલમનો સહારો લેવો પડ્યો છે.

હું તારો એકનો એક દીકરો. મને પરણાવવાની ને ઘરમાં વહુ લાવવાની તને કેટલી હોંશ હતી ! આજે પણ જો કોઈ તને તારી એકમાત્ર ઇચ્છા પૂછે તો તું મને અને દિશાને જીવનભર સુખી જોવાની ઇચ્છા જ જાહેર કરે એની મને ખાતરી છે, પણ મા, મારી વાત ભલે તને કડવી લાગે તોયે કહેવા દે કે, તું તારી ગણતરીઓમાં ખોટી પડી છે. અમારા લગ્નજીવનની શરૂઆતથી જ તારે દિશાને અઢળક પ્રેમ આપીને એને જીતી લેવી હતી. તારે એની માનું સ્થાન લેવું હતું, પણ મા, વિચાર તો ખરી કે, જે યુવતી જીવનનાં વીસ-બાવીસ વર્ષ સુધી પોતાની જન્મદાતા માતાના પાલવ સાથે વીંટાયેલી રહી એ થોડા દિવસો, અઠવાડિયા કે મહિનામાં તારી દીકરી શી રીતે બની જાય અને શા માટે ? પોતાની માતાનો અદ્વિતીય દરજ્જો તને કેવી રીતે આપી શકે ? મા તો એક જ હોય ને ? હા, વહુ માટે તું દુનિયાની શ્રેષ્ઠ સાસુ હોઈ શકે, માથી વધીને હોઈ શકે, પણ મા નહીં. એવી જ રીતે વહુને ભલે તમે દીકરીથી અધિક માનો, પણ એ તમારી ‘દીકરી’ નથી બની શકવાની. મા, રખેને એવું સમજતી કે, આમ લખીને હું તારી લાગણીનો અનાદર કરું છું, ના, તારી ભાવનાઓનું મારે મને બહુ મોટું મૂલ્ય છે અને તેથી જ લાગણીનો અતિરેક તને દુઃખી કરે એ પહેલાં આ બધી વાતો લખવા બેઠો છું.

તારો ઉમંગ, તારી મમતા, તારી લાગણી હું તારો જ અંશ હોવાને કારણે સમજી શકું, પણ દિશાને ઘણીવાર આ બધાનો બોજ લાગે છે. તારે તો ખૂબ બધું આપવું છે, પણ એને એ જોઈએ છે કે નહીં એ પણ એક વિચારવા જેવો મુદ્દો છે. સવારની ચા વહેલી ઊઠીને તું જ બનાવે, અમારું બારણું ઠોકીને કહે કે, ચાલો, ચા-નાસ્તો તૈયાર છે એ બધું વધારે પડતું નથી લાગતું ? તેં થોડી ધીરજ રાખી હોત તો દિશા ચા બનાવીને તારા હાથમાં કપ આપત, પણ તારા ઉત્સાહે તને આમ કરવા ન દીધું. ઘરના નાના-મોટા દરેક કામનું આવું જ. મને ભાવતી રસોઈથી માંડીને મારા સુકાયેલાં કપડાંની ઘડી કરવા સુધીનાં કામ તારા હાથે જ કરવાનો આગ્રહ દિશાને સમજાતો નથી. ભલે તું સાથેસાથે એનાં કપડાંની ઘડી પણ વાળતી હોય અને અમારાં બંનેનાં કપડાંની અલગ અલગ થપ્પી કરીને અમારા બેડરૂમના પલંગ પર મૂકી જતી હોય, પણ એમાં એને અતિરેક લાગે છે.

યાદ આવે છે એ દિવસ, જ્યારે દિશાને ઑફિસે વહેલું પહોંચવાનું હતું એટલે ખૂબ ઉતાવળમાં એ નીકળી ગઈ હતી. એના ગયા પછી તેં જોયું કે, કબાટ ખુલ્લો રહી ગયો હતો અને એમાં કપડાં અસ્તવ્યસ્ત પડેલાં હતાં. તું મંડી તે એનો અને મારો બંનેનો કબાટ ખાલી કરી, બધા કપડાંની વ્યવસ્થિત ઘડી કરીને નવેસરથી ગોઠવેલાં. કદાચ તારા મનમાં ઊંડે ઊંડે એમ પણ હોય કે આ રીતે વગર બોલ્યે વહુને શીખવી શકાય કે જો, કામ આ રીતે કરાય. જે હોય તે, પણ તે દિવસે દિશા સખત નારાજ થયેલી. એની આંખમાં આંસુ આવી ગયેલાં કે, ‘મમ્મી આવું શી રીતે કરી શકે ? કબાટ ખુલ્લો રહી ગયો હોય તો એમણે બંધ કરી દેવો જોઈતો હતો, પણ આ રીતે દીકરા વહુના કબાટ… કબાટમાં અમારી કોઈ ખાનગી ચીજ-વસ્તુ પણ હોઈ શકે ને ?’ મા, આ રીતે એની નજીક આવવાના પ્રયત્નને લીધે ઊલટી એ મનથી તારાથી દૂર થતી જાય છે. આવી તાણને કારણે મારી માનસિક હાલત કેવી થતી હશે, વિચારી જો ! એવી બે વ્યક્તિ જેને હું સૌથી વધુ ચાહું છું એમની વચ્ચેની આ ખેંચતણ મને કેટલી પીડા આપતી હશે !

દક્ષામાસી તને મળવા આવ્યાં ત્યારે તેં દિશાના સાંભળતા એમને કહેલું કે, ‘દીકરો જનમ્યો ત્યારથી મેં વહુનું મોં જોઈને આપવા મારો કુંદનનો હાર સાચવી રાખેલો, પણ જ્યારે મને ખબર પડી કે, દિશાને ડાયમંડના બ્રેસ્લેટની હોંશ છે ત્યારે મેં એ હાર ભંગાવીને એને માટે બ્રેસ્લેટ કરાવ્યું.’ દક્ષામાસીએ જરૂર તેં કરેલા ત્યાગની પ્રશંસા કરી હશે, પણ આ સાંભળીને દિશાને કેવું લાગશે એ તેં ન વિચાર્યું ? આવી નાની વાતો મોટી થઈને એને ગૂંગળાવે છે.

તને ચોક્કસ એવું લાગશે કે, હું દિશાનું ઉપરાણું લઈને તારી સાથે વાત કરું છું. વહુ આવી કે તરત દીકરો એનો થઈ ગયો એવું વિચારીને તું દુઃખી થશે, પણ મા એવું જરાય નથી. તારી અને દિશા વચ્ચે નાની-મોટી ગેરસમજ ન રહે એ જ મારો આ પત્ર લખવાનો હેતુ છે. આ પત્ર લખતાં પહેલાં હું કેટલો રિબાયો છું એ કેવી રીતે સમજાવું ? લખું કે નહીં એ દ્વિધામાં મારી બે રાતની ઊંઘ હરામ થઈ છે, પણ અંતે મને લાગ્યું કે, શરૂઆતથી જ આ સંબંધોમાં સમજણનો સેતુ રચાય એ ઇચ્છવા યોગ્ય છે. તોયે હાથમાં પેન લેતાં પહેલાં મારે મનને મજબૂત કરવું પડ્યું છે.

છવ્વીસ વર્ષો સુધી તેં મને સમજાવી, પટાવી, ફોસલાવી કે વખત આવ્યે ધમકાવીને જીવનની રીત શીખવી છે. આજે હું તને આ બધી શિખામણ આપવા નીકળ્યો છું એ મને પોતાને વિચિત્ર લાગે છે, પણ એક છેલ્લી વાત કહેતાં મારી જાતને રોકી નથી શકતો. મા, તું નાનપણમાં મને એક વાર્તા કહેતી, ‘એક ચકી હતી અને એક ચકો હતો. એમને ત્યાં બે બચ્ચાં આવ્યાં. બંને નાના હતાં ત્યાં સુધી ચકા-ચકીએ એમની ખૂબ સંભાળ લીધી. એમને માટે માળો બનાવ્યો, એમને માટે ચણ લઈ આવ્યા, એમને ઊડતાં શીખવ્યું, પણ જ્યારે એમને બરાબર ઊડતાં આવડ્યું ત્યારે એમણે કહ્યું, ‘દીકરાઓ, આ આખું આકાશ તમારું છે. તારામાં શક્તિ અને આવડત હોય એટલું ઊડો.’ મા, તું પૂરેપૂરી નહીં તો થોડીથોડી એ વાર્તામાંની ચકલી ન બની શકે ?

જે આશયથી મેં આ પત્ર લખ્યો છે એ આશય તને બરાબર સમજાશે એવી આશા રાખું છું. છતાંય આમ કરવામાં મારી નાદાનિયતને કારણે જો તારા દિલ પર ઉઝરડો પડ્યો હોય તો… માફ કરીશ ને મા ?

લિ. તારા જ અસ્તિત્વનો અંશ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

8 thoughts on “એક પુત્રનો પત્ર-માને – આશા વીરેન્દ્ર”

Copy Protected by Chetan's WP-Copyprotect.