ચિત્તને પીડિત કરે એવી એક અવસ્થા – દિનકર જોષી

(‘જનકલ્યાણ’ સામયિકના જુલાઈ, ૨૦૧૬ના અંકમાંથી સભાર)

કુરુક્ષેત્રનું યુદ્ધ પૂરું થયું અને મહારાજ યુધિષ્ઠિરે આદરેલો અશ્વમેઘયજ્ઞ પણ સંપન્ન થઈ ગયો એ પછી શ્રીકૃષ્ણ હસ્તિનાપુર છોડીને દ્વારકા ગયા છે. કુરુક્ષેત્રની ઘટના પછી પૂરાં છત્રીસ વર્ષે યાદવાસ્થળી થઈ અને શ્રીકૃષ્ણનો દેહોત્સર્ગ થયો. છત્રીસ વર્ષનો આ કાળ શ્રીકૃષ્ણે એક નિવૃત્ત વડીલની જેમ દ્વારકામાં જ વ્યતીત કર્યો છે. આ ગાળામાં એમના પુત્રો-પૌત્રોએ પેટે તાંસળી બાંધીને ઋષિઓની મશ્કરી કરી અને શાપિત થયા. શ્રીકૃષ્ણે દ્વારકામાં મદ્યનિષેધ કર્યો, પણ આ મદ્યનિષેધ વહેવારમાં સાવ નિષ્ફળ ગયો હતો. એમની નજર સામે જ યાદવો પરસ્પર લડીને કાગડા-કૂતરાના મોતે મૂઆ. – કૃષ્ણે આ જોયું પણ કશું કરી શક્યા નહિ. એકાકી અવસ્થામાં જરા પારધીએ એમને પશુ સમજીને તીર માર્યું અને એમની લીલા સંકેલાઈ ગઈ.

છત્રીસ વરસના આ નિવૃત્તિકાળમાં એક વાર શ્રીકૃષ્ણે નારદને એકાંતમાં પૂછ્યું કે, ‘હે દેવર્ષિ ! મેં જે કંઈ પ્રાપ્ત કર્યું એ બધું જ મારાં પરિવારજનોને જ આપ્યું છે. મારી પાસે મેં કશું નથી રાખ્યું. આમ છતાં મારાં આ આપ્તજનો મારાથી અસંતુષ્ટ કેમ રહે છે ? તેઓ મને મહેણાં મારે છે અને મારા ગમાઅણગમાને લક્ષમાં લેતા નથી. આવું કેમ ?

આના જવાબમાં નાદરે કહ્યું કે, ‘હે અચ્યુત, એનું કારણ માત્ર એટલું જ છે કે તમે તમારી પાસે કશું રાખ્યું નથી, એટલું જ નહિ, જે કંઈ મેળવ્યું એ બધું પરિવારજનોની ક્ષમતા જોયા વિના જ એમને વહેંચી આપ્યું છે. આ કારણે તેઓની અપેક્ષાઓ વધી ગઈ હોય છે.’

નારદનો આ જવાબ સાંભળીને ચોંકી ઊઠેલા કૃષ્ણે કહ્યું : ‘જો એમ જ હોય તો, હે નારદ ! હું હજુય, મેં જે કંઈ એમને આપ્યું છે એ બધું પાછું મેળવી શકું એમ છું.’

આના જવાબમાં નાદર બોલ્યા છે : ‘કૃષ્ણ, તમે એમ નહીં કરી શકો. જો એવું કંઈ કરશો તો જે પરિવારજનો તમારાથી અત્યારે અસંતુષ્ટ છે તેઓનો અસંતોષ ખૂબ વધી જશે.’

શ્રીકૃષ્ણ અને નારદ વચ્ચેનો આ સંવાદ પ્રત્યેક સીનિયર સિટિઝને લક્ષમાં લેવા જેવો છે. સાઠ કે પાંસઠ વરસની ઉંમર સુધી સરેરાશ માણસ પોતાના અર્થોપાર્જન-કાળમાં જે કંઈ બચત કરે છે અથવા જે કંઈ સંપન્‍ન કરે છે એ અંતે તો એની વિદાય પછી એના સંતાનો માટે જ હોય છે એ પરંપરા છે. આમાં કશું ખોટું પણ નથી. પોતાના જીવનકાળ દરમિયાન પોતાની બચતમાંથી એને જે કંઈ ઉચિત લાગે એ સામાજિક કે ધાર્મિક ફરજો અદા કરે એ સારી વાત છે. પ્રત્યેક માણસે પોતાના ગજા પ્રમાણે આવો ઋણસ્વીકાર કરવો પણ જોઈએ.

પણ કેટલીક વાર એવું બને છે કે માણસ પરિવારજનો પ્રત્યેના સ્નેહને કારણે અથવા ક્યારેક જવાબદારીઓ અદા કરવાની ખોટી ગણતરીના કારણે પોતાની મુઠ્ઠીને ખુલ્લી કરી નાખે છે. પોતાની પાસે જે કંઈ છે એ અંતે તો આમનું જ છે એમ માનીને પોતાના હયાતીકાળમામ જ તેની વહેંચણી કરી નાખે છે. ક્યારેક પુત્રોના ધંધાધાપા માટે કે ક્યારેક કહેવાતાં વહેવારિક કામો માટે એ પોતાની પાસે જે કંઈ હોય એ વહેંચી દે છે. આમાં એના પક્ષે તો નર્યો વિશ્વાસ જ છે કે હવે આ પૈસાની પળોજણમાં મારે શું કામ પડવું જોઈએ ? અને મારા સંતાનો મારી સંભાળ ન લે એવું કદી ન બને !

ઘડીભર કલ્પના કરો કે આવું થયા પછી કોઈક ધર્મકાર્ય માટે, સામાજિક કાર્ય માટે કે પોતાના રોજિંદા વહેવાર માટે સંતાનો પાસેથી રકમ મેળવવી પડે ત્યારે, ચાર કે સાડાચાર દાયકા સુધી આર્થિક સ્વાતંત્ર્ય ભોગવી ચૂકેલા માણસને કેવું લાગે ? સંતાનો માવતરની આ જરૂરિયાત હોંશેહોંશે માગ્યા વિના જ પૂરી કરે એ સુખદ પરિસ્થિતિ છે; પણ વહેવારિક જગતમાં આ એક નર્યો આદર્શ છે. કોઈ વાર બે કે ત્રણ પુત્રો વચ્ચે મનમેળ ન હોય ત્યારે તેઓના ચિત્તમાં માતા કે પિતાની આવી કોઈ જરૂરિયાત પૂરી કરવી એ ટાળવા જેવું સ્પાર્ધાત્મક લક્ષણ બની જતું હોય છે. એક પુત્ર એની સાચેસાચી મર્યાદાને કારણે ક્યારેક પોતાની જવાબદરી અદા ન કરી શકે, ત્યારે બીજા પુત્રને માતાપિતાનું હોવું સુદ્ધાં વધારાની જવાબદારી લાગવા માંડે એવું બને છે.

આમાં સંતાનો પ્રત્યે ઓછો સ્નેહ હોવાની કે વિશ્વાસ નહિ હોવાની કોઈ વાત નથી. જે નઠોર વાસ્તવિકતાઓ વચ્ચે આપણે જીવી રહ્યા છીએ એમાં સહુ કોઈનું જીવન વધુ સુખમય અને શાંતિપૂર્ણ થાય એવા માર્ગ લેવામાં જ શાણપણ છે. કેટલી વાર નબળા સંતાનને વધુ સહાયભૂત થવું એ માતાપિતાની પણ ફરજ છે. કોઈ વાર એક પુત્ર સમર્થ હોય પણ ઉચ્છૃંખલતાને કારણે જો એ પોતાની જવાબદારીઓ અદા ન કરતો હોય તો માતાપિતાએ ‘અમારે મન તો બધા સંતાનો સરખા’ એ સુવર્ણાંકિત સિદ્ધાંતને કઠોરતાથી ઘડીકવાર વિસરાવી દેવો જોઈએ. ગોળ અને ખોળનું મૂલ્ય એક ન આંકી શકાય. જો આ બંનેનું મૂલ્ય એક જ આંકવામાં આવશે તો કોઈ ગોળ શા માટે વેચે ? આ ન્યાય તો અંધેરી નગરીમાં ગંડુરાજા જેવો જ થાય. જે પુત્રે પોતાની મર્યાદાઓ છતાં, જે કંઈ બની શક્યું એ બધું જ કર્યું છે અને જે પુત્રે કોઈ મર્યાદા ન હોવા છતાં ઉચ્છૃંખલતાપૂર્વક હાથ ખંખેરી નાખ્યા છે એ બંનેને જો વહેવારિક વહેંચણી વખતે સમકક્ષ ગણવામાં આવે તો ભવિષ્યમાં એ ખોટી પરંપરા પેદા થવાનો ભય રહે છે.

માણસમાં નબળું પાસું બળવાન હોય છે અને સબળું પાસું નબળું હોય છે. આમ હોવાને કારણે વખત જતાં કોઈ ગોળ નહિ થાય, બધા ખોળ થવાનું જ પસંદ કરશે.

વડીલોએ આ સંદર્ભમાં એક વધુ વાત પણ ધ્યાનમાં રાખવા જેવી છે. જો એક કરતાં વધુ સંતાનો હોય ત્યારે અથવા એક જ પુત્ર હોય તો પણ પોતાને માટે આ સંતાનોએ અવારનાવર જે કંઈ ખર્ચ કર્યો હોય એ બને ત્યાં સુધી એમને આપી દેવો જોઈએ. દા.ત. એક વડીલ પાસે પૂરતી બચત છે અને એમની તબીબી સારવારનો ખર્ચ લાખેક રૂપિયા થાય છે – (કેટલીક વાર સો રૂપિયા થતા હોય તોપણ) આ ખર્ચ જો પુત્રે કર્યો હોય તો પિતાએ એને આપી દેવો જોઈએ. અમારું ઘર તો એક જ છે એવી ચાંપલાશ કરનારાઓ ખરેખર માનવ સ્વભાવને જાણતા નથી.

મોટા ભાગે, માતાપિતા માટે કરેલો આવો ખર્ચ જ્યારે પાછો આપવામાં આવે છે ત્યારે પુત્રને ઘડીક સંકોચ થાય છે, પણ પછી એ એનો સ્વીકાર કરી લે છે, કારણ કે મનોમન તો એને પણ આ ગમે જ છે. આમ કરવાથી એક બીજો પણ લાભ થાય છે. પોતે ખર્ચેલી રકમ પાછી મળી જ જવાની છે એવો વિશ્વાસ પેદા થવાથી આવો ખર્ચ ટાળવાની પુત્રો વચ્ચે માંહોમાંહે અદીઠ સ્પર્ધા થતી નથી. આવી સ્પર્ધા ટાળવી એ પણ પિતાનું કર્તવ્ય છે. આ એક શુભ લક્ષણ છે.

અહીં એક પ્રસંગ યાદ આવે છે.
સમાજજીવનમાં જેમને અત્યંત વરિષ્ઠ કહી શકાય એવા એક વડીલ મિત્રના દીવાનખંડમાં બેસીને અમે ગપસપ કરી રહ્યા હતા. આ વડીલના પરિવારમાં પુત્રીઓ સાસરવાસે સુખી હતી અને બે પુત્રો નિકટમાં જ ક્યાંક પોતપોતાના પરિવારો સાથે અલગ રહેતા હતા. ઘર અભરે ભર્યું હતું. ઘરમાં નોકરચાકર પણ હતા. આ આયુનો શેષ સમય સંતોષપૂર્વક વ્યતીત કરી રહ્યાં હતાં.

અમારી વચ્ચે વાતો ચાલતી હતી ત્યાં એમનો એક પુત્ર પિતાને મળવા આવ્યો. બંને પુત્રો આ રીતે રોજ માતાપિતાને મળી જતા અને કંઈ કામકાજ હોય તો કરી આપતા. આજે આ પુત્રે ઔપચારિક વાતો પત્યા પછી પિતાને કેટલીક દવાઓ આપી. આ દવાઓ પિતાએ જ ગઈ કાલે આ પુત્ર પાસે મંગાવી હતી. દવાઓ લીધા પછી પિતાએ પેલા પુત્રને એની કિંમત જેટલા પૈસા આપ્યા. પુત્રે એ પૈસા લઈ પણ લીધા. થોડી વાર પછી આ પુત્રે રજા લીધી એટલે મેં મારા આ વડીલ મિત્રને પૂછી કાઢ્યું : ‘દવા જેવી ચીજની આટલી મામૂલી કિંમત તમે એને આપી એ મને જરા નવાઈભર્યું લાગે છે. તમે આવું કેમ કર્યું ?’

એમણે હસીને મને એક મોટો પદાર્થપાઠ શીખવ્યો : ‘જુઓ, ભાઈ, મારા આ બંને પુત્રો રોજ મારાં ખબરઅંતર પૂછવા આવે છે. આમ તો હું મારું બધું કામકાજ કરી લઉં છું. પણ ક્યારેક જરૂર પૂરતું કામ હું એમનેય સોંપું છું. બંને દીકરા ભૂલ્યા વિના મેં સોંપેલું કામ અચૂક કરી આવે છે. હવે જો હું એમણે મારા માટે કરેલો ખર્ચ ચૂકવી ન આપું તો વહેલામોડા ક્યારેક એમના મનમાં એવો ભાવ પેદા થાય ખરો કે દર વખતે પપ્પા મને જ કામ સોંપે છે અને મારે જ ખર્ચ કરવો પડે છે. બીજા ભાઈ પણ પપ્પાના ખર્ચનો આવો ભાર ઉપાડવો જોઈએ, એવો ભેદભાવ એના મનમાં પ્રગટે, મારી પાસે પૂરતા પૈસા છે એટલે જો હું એને એણે ખર્ચેલી રકમ પાછી આપું તો દર વખતે મારું સોંપેલું કામ કરવામાં બંનેમાંથી એકેયના મનમાં કોઈ પ્રકારનો આવો ભાવ પેદા જ ન થાય. બંને હોંશપૂર્વક મારું કામ કરે. અને અંતે હું એમને જે કંઈ આપું છું એ મારી હયાતી પછી એમનું જ છે ને ! એ રકમ એમને પહેલાં આપું છું એમાં ખોટું શું છે ?’

આ વડીલ મિત્રે પોતાના વહેવારિક વર્તનથી જે પદાર્થપાઠ શીખવ્યો છે એ એમના વર્ગમાં આવતા તમામ વરિષ્ઠ નાગરિકોએ ધ્યાનમાં લેવા જેવો છે. એમણે જે વિચારણાથી પ્રેરિત થઈને આવો વહેવાર ગોઠવ્યો હતો એ વિચારણાથી પ્રેરિત થઈને આવો વહેવાર ગોઠવ્યો હતો એ વિચારણા પૂરેપૂરી માનસશાસ્ત્રીય છે. સદ્‍ભાવ, પૂજ્યભાવ, સખ્ય, સ્નેહ – આ બધા સદ્‍ગુણોની ઉપરવટ જતી હોય એવું લાગે તોય આ વિચારણા માણસમાં રહેલાં પ્રાકૃતિક સંયોજનોને પૂરેપૂરી સમજે છે એ સ્વીકાર્યા વિના ચાલે નહિ. સદ્‍ભાવના સમયે જે બધું સારું લાગતું હોય છે એ બધું દુર્ભાવનો સમય આવી પડે છે ત્યારે રૂપિયા-આના-પાઈના નક્કર માપદંડથી જ મપાતું હોય છે. આવો સમય ક્યારેય ન આવે એટલા માટે પેલા સદ્‍ભાવને સતત જાળવી રાખવા માટે આ વડીલની વિચારણા ભારે ઉપયોગી છે.

આપણને ગમે કે ન ગમે, પરિવારમાં હોવું એક વાત છે અને માનવ પ્રકૃતિની મર્યાદા સમજવી એ બીજી વાત છે. એવા સંખ્યાબંધ કિસ્સાઓ આપણે જાણીએ છીએ કે જે આપ્તજનો વચ્ચે આજે દેખીતી રીતે અત્યંત સ્નેહ પ્રવર્તતો હોય, પુષ્કળ ઐક્ય પ્રવર્તતું હોય અને લોકબોલીમાં કહીએ તો એક ભાણે જમતાં હોય એવાં આપ્તજનો વચ્ચે પણ કાળાંતરે એવાં પ્રચંડ અંતરો પેદા થઈ જતાં હોય છે કે પરસ્પરનાં મોં જોવાં પણ પસંદ કરે નહિ. આવી વિષમ વેળાએ બધા જ પક્ષો જૂના સુસંવાદિતાનાં કાળમાં પોતે કેટલું જતું કર્યું હતું, પોતે કેટલું સહન કર્યું હતું – આવી અનેક નાની મોટી વાતો હક્કદાવાપૂર્વક સંભારી આપતાં હોય છે. આનો અર્થ એવો જ થયો કે સુસંવાદિતાના કાળમાં પણ આવું જતું કરવાની કે સહન કરવાની કહેવાતી પ્રક્રિયાની બધાં જ પૂરતી નોંધ રાખતાં હોય છે. આવી ગંદી નોંધો ઉપર ચળકાટભર્યો ઢોળ ચડાવેલો હોય છે એટલું જ ! અહીં કોઈ નિરાશાજનક વાત નથી કરવી, પણ માત્ર વાસ્તવિકતાનો સ્વીકાર કરવો છે. આપણે સહુએ અંતે તો જે વાસ્તવિકતાઓ આપણે બદલી શકતા નથી એમની વચ્ચે જીવવાનું હોય છે. આમ હોવાથી સહુ કોઈનું જીવન ઓછામાં ઓછું બેસૂરું થાય એવું વર્તન કરવું એ જ ડહાપણ છે. પતિ અને પત્ની બંનેને તો આવા ઉત્તરકાળમાં એક એકમ તરીકે જ આપણે જોતા હોઈએ છીએ, પણ આ કહેવાતા એકમની મર્યાદાઓ પણ યાદ રાખી લેવા જેવી છે.

પરિવારજીવનમાં પરસ્પર વચ્ચે અવિશ્વાસ કરવો એવું કહેવાનો મુદ્દલ આશય નથી. વિશ્વાસ અને સ્નેહ જીવનને હળવું બનાવે છે. ઉત્તરાવસ્થામાં તો એની વિશેષ આવશ્યકતા હોય છે, પણ જે છે એનો ઇન્કાર કરવાથી કોઈ લાભ થતો નથી, નર્યું નુકસાન જ થાય છે. શ્રીકૃષ્ણ જેવા પરમપુરુષને પણ આ અનુભવ થયો હોય અને આવા અનુભવ પછી એમના ચિત્તમાં પણ જો વિષાદની લાગણી પ્રવર્તતી હોય તો આપણા જેવા સરેરાશ માણસની તો વાત જ શી કરવી ? શ્રીકૃષ્ણને હૈયું ઠાલવવા માટે નારદ જેવા દેવર્ષિ પ્રાપ્ત થયા હતા, આપણી પાસે તો કોઈ નારદ પણ નથી. શ્રીકૃષ્ણે જે પ્રશ્ન નારદને પૂછ્યો એ પ્રશ્ને એમના જેવા પરમપુરુષના પણ ચિત્તને કેટલાં વર્ષો સેધી પીડા દીધી હશે !

વૃદ્ધોનાં ચિત્તને પીડિત કરે એવી બીજી એક અવસ્થા એમની નવરાશ છે. ‘તમારે હવે શું કામ છે ?’ આવો પ્રશ્ન જ્યારે કોઈ નિવૃત્ત થયેલા વરિષ્ઠ નાગરિકને પૂછવામાં આવે છે ત્યારે એનો ઇંગિત અર્થ તો એટલો જ થતો હોય છે કે તમારી પાસે હવે કશું કામ નથી. તમારી પાસે કરવા જેવું કંઈ કામ નથી એનો એક સૂચિતાર્થ એવો પણ થાય છે કે જેને કામ કહી શકાય એવું કશુંય કરી શકવાની ક્ષમતા તમે ગુમાવી દીધી છે. આ ધ્વનિ સાચો નથી.

કામની વિભાવના વિશેની આપણી આ ગેરસમજ છે. જેમાં કશુંક આર્થિક વળતર મળે એને જ આપણે કામ માનતા થઈ ગયા છીએ. સાચી વાત તો એ છે કે આર્થિક વળતરની અપેક્ષા વિનાનાં કેટલાંય કામો કરવા જેવાં છે, એની આપણને કશી ખબર જ નથી. આર્થિક વળતર આપણને એક જાતનો સંતોષ પ્રેરે છે. જો સંતોષ કે આનંદ એ જ અંતિમ ઉદ્દેશ હોય તો આર્થિક વળતરની અપેક્ષા વિના પણ એ મેળવી શકે છે. અને ખરું કહીએ તો અહીંથી જ કામની શરૂઆત થાય છે.

મારા સદ્‍ગત પિતાશ્રી ૮૧ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા ત્યારે લગભગ છેલ્લા શ્વાસ સુધી તેઓ કાર્યરત હતા. એમની જિંદગીનાં છેલ્લાં દશેક વર્ષમાં અમે એમને નિવૃત્ત થવાનો આગ્રહ કરતા ત્યારે તેઓ સામેથી પૂછતા : ‘નિવૃત્ત થઈને હું શું કરું ? પછી મારે શું કામ કરવું ?’

આના જવાબમાં અમે એમને કહેતા, ‘તમે આરામ કરો અને સવારસાંજ બે વાર અહીં મંદિરે કે હવેલીઓમાં જે સત્સંગ થાય છે એમાં જાઓ.’

આના પ્રત્યુત્તરમાં પિતાજી કહેતા, ‘આ સત્સંગોમાં જે ડોસાડગરાઓ જમા થાય છે એમની પાસે બીજો કોઈ કામધંધો નથી માટે વખત ખુટાડવા ત્યાં આવે છે. એમને સાચા અર્થમાં સત્સંગમાં કોઈ રસ નથી. અધ્યાત્મમાર્ગની એમનામાં કોઈ સૂઝ પણ નથી.’

પિતાજીનું આ નિરીક્ષણ જલદ લાગે એવું હોય તોપણ સાચું તો છે જ. નિવૃત્તિ-કાળમાં અધ્યાત્મમાર્ગે કે સત્સંગ ભણી વળવું એમાં કશું ખોટું નથી. આપણી આશ્રમધર્મવ્યવસ્થામાં શાસ્ત્રોએ આવો આદેશ પણ આપ્યો છે. પણ એને માટે પ્રત્યેક માણસે પોતપોતાના તંબુડે તરવાનું હોય છે અને માનસિક રીતે પૂરતી પૂર્વતૈયારી કરવાની હોય છે. માત્ર ટોળું વળીને સમય ખુટાડવા મંદિરના ઓટલે બેસી જવાથી સત્સંગ બનતો નથી.

સ્વામી વિવેકાનંદે જીવનનો મોટો ભાગ પ્રવાસ અને વ્યાખ્યાનોમાં વ્યતીત કર્યો હતો. આ એમનું કામ હતું. એમના ગુરુ સ્વામી રામકૃષ્ણ પરમહંસે દક્ષિણેશ્વર છોડીને ક્યાંય પ્રવાસ કર્યા નહોતા કે વ્યાખ્યાનો પણ આપ્યાં નહોતાં. આમ છતાં, એમને કોઈ કામ નહોતું એમ કહી શકાય ખરું ? સ્વામી રામકૃષ્ણ પરમહંસે પોતાના ‘સ્વધર્મ’ અનુસાર કામ મેળવી લીધું હતું અને જીવનના છેલ્લા શ્વાસ સુધી કર્યું હતું. એ જ રીતે સ્વામી વિવેકાનંદે પણ જીવનના છેલ્લા શ્વાસ સુધી પોતાનું કામ કર્યું.

આપણે સહુ રામકૃષ્ણ પરમહંસ કે વિવેકાનંદ ન બની શકીએ, પણ સાઠ વર્ષની ઉંમર સુધી આર્થિક ઉપાર્જનની કામગીરી નાછૂટકે કર્યા પછી શેષ વર્ષોમાં ‘પોતાની કામગીરી’ સાચા અર્થમાં શોધી શકીએ તો કામ ઘણું છે અને સમય ઓછો છે.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous એક પુત્રનો પત્ર-માને – આશા વીરેન્દ્ર
શિક્ષા – ડૉ. આઈ. કે. વીજળીવાળા Next »   

12 પ્રતિભાવો : ચિત્તને પીડિત કરે એવી એક અવસ્થા – દિનકર જોષી

 1. દરેક સિનિયરે વાંચવા જેવો લેખ.

 2. Chiman Patel says:

  આખી ગીતા વાંચવાનો સમય ન મળે એ સમજી શકાય.એટલે થોડો સમય આપી આ લેખ વાંચી આ ટૂંકી ગીતા વાંચનાર કંઈક મેળવશે. અને, બીજાઓને મેળવવા આ લેખ એમને મોકલશે.

 3. jyoti says:

  હુ પણ તમારા જેવી સદનસીબ છુ.

  મારા પિતાનુ જીવન પ્રેરણાદાયક રહ્યુ. નિવૃત્તિ-કાળમાં ૭ પુસ્તકો લખ્યા (એક પુસ્તક તો એમના દેવલોક પામ્યા પછી પુબ્લિશ થયુ), સમાજસેવા,આર્થિક ઉપાર્જન, નિયમિત સાત્વીક ખોરાક, ચાલવાનુ, અને
  અમે એમને નિવૃત્ત થવાનો આગ્રહ કરતા ત્યારે તેઓ સામેથી પૂછતા
  “નિવૃત્ત થઈને હું શું કરું? મારો સમયના જાય” આ જ શબ્દો…
  ૮૨ વર્ષનુ નિરામય જીવન જીવી એક ઉમદા ઉદાહરણ મુકતા ગયા.

 4. Subodhbhai says:

  MOST PERFECT AND PRACTICAL WAY EXPRESSED BY THE AUTHOR.

  ALMOST EVERY ASPECTS OF THE LIFE OF A SENIORS HAVE BEEN WISELY DISCUSSED.

 5. Bhailal Bhanderi says:

  સુસંવાદિતાના કાળમાં પણ જતું કરવાની કે સહન કરવાની ટેવ રાખવી જરુરી છે.
  પ્રત્યેક માણસે પોતપોતાના તંબુડે તરવાનું હોય છે અને માનસિક રીતે પૂરતી પૂર્વતૈયારી કરવાની હોય છે.

 6. sandip says:

  “માણસમાં નબળું પાસું બળવાન હોય છે અને સબળું પાસું નબળું હોય છે. આમ હોવાને કારણે વખત જતાં કોઈ ગોળ નહિ થાય, બધા ખોળ થવાનું જ પસંદ કરશે.”

  આભાર્…………

 7. Gita kansara says:

  Very nice and reality how to live restore life learn this artical. Aabhar.

 8. Harendra says:

  Bahuj talsparshi ane koher vasta vikta che.v na vlambe aachran karvaa javu.

 9. Viraj says:

  Great article. Very practicle thoughts.

 10. Dipti shah says:

  Very nice.every one should read & understand the article.Thanks a lot for an excellent article

 11. Ghani samajva jevi vaat chhe Parents ghanivarr lagnimay Bani jay chhee. bhale thodi potli kholo ,pan puri to kholsoja nahi

 12. ISHVAR K DABHI says:

  સંતાનો પ્રત્યે ની લાગણીઓ માં વહ્યા વિના વાસ્તવિક પરિસ્થિતી પ્રમાણે જીવન જીવવું જેથી પસ્તાવાનો વારો ના આવે.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.