સંવેદના – ગોવિંદ પટેલ

(‘અખંડ આનંદ’ સામયિકના સપ્ટેમ્બર, ૨૦૧૬ના અંકમાંથી સાભાર)

પચાસ હજારના પગારને આંબી ગયેલા, પરંતુ થોડા કૃપણ સ્વભાવ, ટૂંકી વિચારધારા અને સંકુચિત માનસ ધરાવતા સરકારી ઑફિસર મિ. વૈભવના સ્વભાવને સારી રીતે જાણતી પત્ની શ્વેતા આજે એમના સ્વભાવ વિરુદ્ધની માંગણી કરવાની હોઈ, પત્ની હોવા છતાંય, માંગણી કરવાની હકદાર હોવા છતાંય, ડરતાં-ડરતાં વિનંતીના સૂરમાં કહી રહી હતી.

“વૈભવ ! કાલે ભાભી આવ્યા હતાં. તમે તો જાણો જ છો મોટા ભાઈને ધંધામાં થોડું આર્થિક નુકસાન થઈ ગયું છે. થોડા અટવાઈ ગયા છે. એટલે ધંધાને ફરી ધીકતો કરવા એમણે આપણી પાસે બે લાખ રૂપિયા માંગ્યા છે….!”

ગરોળી જોઈને ચીસ પાડી ઊઠતી કોઈ ભડકણ સ્ત્રી સાપ જોઈને ઊછળે એવો જ ઉછાળ ખાતાં ઑફિસર વૈભવે ભડકતા સૂરમાં કહ્યું : “અરે !! અરે!! આ વળી શું નવું નાટક લાવી તું શ્વેતા ? તું તો જાણે જ છે કે આપણી પાસે હાથ ઉપર એવા કોઈ પૈસા નથી.” “જાણું છું તો.” શ્વેતાએ પણ દલીલને મજબૂત કરતાં કહ્યું : મોટા કરોડપતિઓ પણ ચોવીસ કલાક હાથમાં પૈસા લઈને નથી ફરતા, જો આપવા ધારો તો એકાદ એફ. ડી. તોડી શકાય, પચાસ હજારના પગારદાર માટે આટલી રકમ મોટી તો ના જ કહેવાય !!

પત્નીની ખોટકાતી ખોટકાતી ચાલતી આ લાગણી અને માંગણીની સ્પીડ પકડી લે તે પહેલાં જ એનું નિયમન કરવાના શુભાશયથી ઑફિસર વૈભવે થોડીક વ્યાવહારિક ગણિતની ફિલોસૉફી સમજાવતાં કહ્યું : “જો શ્વેતા, અમે બંને ભાઈ જ્યારે અલગ થયા ત્યારે કોઈને પણ અન્યાય ના થાય એ રીતે સરખા ભાગે વહેંચી લીધું હતું. એ પછી તો દરેકે પોતાની જવાબદારી સંભાળી લેવાની હોય, પછી આવું કાંઈક બની જાય તો એમાં આપણે શું કરી શકીએ?” ધારદાર નજર કરતાં પ્રશ્નાર્થ ભાવે કહ્યું : “માન કે આવું જ કંઈક આપણી સાથે બની ગયું હોત, તો શું એમણે આપણને મદદ કરે હોત ?” પતિના વાહિયાત તર્કથી ક્ષણ વાર માટે ધૂંધવાઈ ગયેલી શ્વેતાએ વાતને પાટે ચડાવવા વાણીમાં ભીનાશ અને શબ્દોમાં લાગણીનું મેળવણ કરતાં કહ્યું, “અરે ! વૈભવ !! જે બન્યું જ નથી એની કલ્પના કરવા કરતાં જે બની ગયું છે એના વિશે વિચારી તો ? ગમે તેમ પણ એ છે તો તમારા મોટા ભાઈ, તમે તો સરકારી ઑફિસર છો એટલે તમને નહીં સમજાય, તમારે તો મહિનો થાય એટલે મતું મારી પગાર ગણી લેવાનો. બાકી ધંધામાં તો ક્યારેક ઉપર નીચે થતું જ હોય, ક્યારેક તડકી છાંયડી આવતી જ હોય સમજ્યા ?” લાગણીભરી નજર પતિની આંખોમાં નાંખી છેલ્લો પાસો ફેંકતી હોય એમ, “વૈભવ, હું તો પારકી છું છતાંય કાલે ભાભીની આંખોમાંથી ટપકતી લાચારીએ મારા સ્ત્રી-હૃદયને વિહ્‍વળ કરી દીધું એટલે વિનંતી કરું છું. એવું પણ બને ને કે આપણી મદદથી ફરી પાછા બેઠા થઈ જાય ?” “ના !! ના !! મારું મન નથી માનતું..”

…પત્નીની લાગણી અને માંગણી જીદ કે જકમાં પલટાઈ જાય એ પહેલાં આંખોના ભવાં ચઢાવી પતિએ રુઆબ દાખવતાં તીખી આંખે છણકો કરતાં કહ્યું : “બસ ! શ્વેતા ! મારે આ બાબતે હવે કોઈ ચર્ચા કે દલીલ ના જોઈએ. પ્લીઝ સ્ટોપ ધીસ મેટર હિયર….” એકાએક સ્ફૂટ થયેલા ગુસ્સાથી લાલ થયેલી આંખોને થોડી નરમાઈ આપી, વાત પૂરી કરતાં પહેલાં જૂના થયેલા એક કડવા અનુભવની પુરવણી પૂરતાં કહ્યું : “ખબર છે તને ? તારા કહેવાથી મેં એક વાર વીસ હજાર અપયા હતા. પાંચસો-પાંચસો અને હજાર હજારના ટુકડા કરી મને પરત કર્યા હતા, એ વીસ હતા આ બે લાખની વાત છે સમજી ?”

પતિની જીદને સારી રીતે જાણતી શ્વેતાએ અપમાનનો કડવો ઘૂંટ ગળી, લાચર ચહેરે માત્ર : “ભલે ટુકડે તો ટુકડે પરંતુ તમને પરત તો આપ્યા હતા ને !!’ કહી પોતાની લાગણીઓને સમેટી લીધી. સામે થોડાક અપસેટ થયેલા વૈભવે પણ બૂટની દોરી ખેંચી રૂમાલ-પેન ખિસ્સામાં સેરવી બૅગ લઈ ઑફિસ જવા રવાના થયા.

નાઈધર લેન્ડ નોર બોરોના સ્ટ્રોંગલી બિલિવર, નાના સંકુચિત મનના ઑફિસર વૈભવની લાગણીઓને ના ઢંઢોળી શકી પત્નીની વિનંતી કે ભાભીની લાચરી. એ તો પોતાની જાત સાથે બસ એક જ દલીલ કરતા રહ્યા. ‘આમાં હું શું કરી શકું ? આ દોષ મારો થોડો છે ? આ કંઈ મારી જવાબદારી થોડી છે ?’

આમ વીતી ચૂકેલા અઠવાડિયા સાથે સાથે વાત પણ વિસારે પડી ગઈ, પરંતુ આજ અઠવાડિયા પછી, પેલા ઑફિસરના પટાવાળાએ.. પટાવાળો એટલે ? વરસંગ !! ખૂબ વાચાળ, નાની વાતને પણ જુદા જુદા પાટે ચઢાવી રબરની જેમ ખેંચતો, અવિરત વહેતો એનો વાણીપ્રવાહ, ભયંકર ઘોંઘાટિયા સૂર… એના આવા અવાજથી તોબા પોકારી ઊઠતી ઑફિસની મહિલા કર્મચારીઓ તો એની પાસે પાણી મંગાવતા પહેલાં જ કૉલબેલ દાબીને જ મંગાવતી એટલે એના વાણી વિસ્ફોટથી તો બચી જતી પરંતુ પરમ્તુ એના લાંબા ચાલતા લેક્ચરથી બચી ના શકતી…

“બધીઓ ઘેરથી જાણે શું ખાઈને આવતી હોય છે ! આખો દા’ડો પાણી-પાણી… કામ કશું કરવું નહીં, નવરીઓ બધી મારા ટાંટિયાની કઢી કરી નાંખે છે…” એક વાર તો એકાઉન્ટ વિભાગનાં જુનિયર કલાર્ક રશ્મિ મૅડમના હાથમાં પાણીનો ગ્લાસ થમાવતાં હળવી ટકોર કરતાં કહ્યુંયે ખરું : “મૅડમ ! આખો દા’ડો મારા ઉપર તો હુકમ ઝાડ્યા કરો છો… પરંતુ જે દિવસે ભૂલથી તમારા ઘરે તમારા ઘરવાળા સાહેબ ઉપર હુકમ થઈ જશે એ દિવસે ભરાઈ જશો…”

ત્યારે રશ્મિ મૅડમે પોતાના સંગેમરમરી પારદર્શક ગળા નીચે પાણીનો ઘૂંટ ઉતારતાં રમતિયાળ કાજલી આંખોની નજાકતભરી નજરને મજાકી મોડ આપતાં વરસંગના નિર્દોષ ચહેરા સામે નચાવતાં કહ્યું : “અરે વરસંગ, તારી પાસેથી કામ લેવું એના કરતાં તો એમની પાસેથી કામ લેવું સહેલું અને સસ્તું પડે.” પુરુષ કર્મચારીઓ પણ વરસંગને રોજ એક જ સલાહ આપતા : “ભાઈ વરસંગ, ભલે એકાદ કામ ઓછું કર, તું કહેતો હોય તો પાણી અમે જાતે પી લેશું…. પરંતુ તારાં આ વાક્યો અને મહાવાક્યો ઉપર અલ્પ કે પૂર્ણવિરામ મૂકવાનું રાખ, અને તારો આ ઘોંઘાટિયો ટોન થોડો નીચો રાખ…”

આવા આ વાચાળ વરસંગે પોતાની કૅબિનમાં ફાઈલોમાં વ્યસ્ત બની ગયેલા ઑફિસર વૈભવને “હું આવું સા…હે.હે.બ.બ.બ.” ના ઘોંઘાટિયા અવાજથી હલબલાવી દીધા, ઑફિસરે પણ ઑફિસરી સૂરમાં ઝાટકી નાંખ્યો.. “વરસંગ, આ ઑફિસ છે : અવાજ નીચો રાખ.” “સૉરી સાહેબ” પોતાની પડી ગયેલી આદતની માફી માંગી લેતાં ઑફિસરે પણ થોડા કૂણા પડતાં કહ્યું : “ઈટ્સ-ઓ-કે.. બોલ શું હતું ?”

વરસંગે પોતાના હાથમાં ભરેલું ફોર્મ ઑફિસરના હાથમાં આપતાં કહ્યું : “સાહેબ, મારા પ્રૉવિડન્ડ ફંડમાંથી પચાસ હજારની ઉપાડ કરવા માટેનું આ પાર્ટફાઈનલનું ફોરમ છે.”

ઑફિસરે ઊડતી નજર ફોર્મ ઉપર નાંખી થોડી ઠપકાભરી નજર વરસંગ તરફ ખેંચતાં કહ્યું : “વરસંગ તું જાણે છે ? આ પ્રૉવિડન્ડ ફંડ એટલે ભવિષ્ય નિધિ, ભવિષ્યની બચત. જોકે પૈસા તારા છે. છતાંયે એક ઑફિસર તરીકે તને સલાહ આપું કે આમ વચ્ચે વેડફી નાખશો તો છેલ્લે ખાલી થઈ જશો.” “હા-હા સાહેબ તમારી વાત સાચી.” પોતાના સાહેબની પોતાના તરફની કૂણી લાગણીથી થોડા ભાવુક બનતાં વરસંગે કહ્યું : “હા, સાહેબ, તમારી વાત સાચી, પૈસા વેડફી તો ના જ નંખાય ને. પરંતુ સાહેબ હું આ પૈસા વેડફી નથી રહ્યો. આ તો સફળ કરી રહ્યો છું.. મારી ભત્રીજી એટલે કે મારા મોટા ભાઈની દીકરીનાં લગ્ન છે. એટલે ઉપાડું છું.” કહી સાહેબનો પ્રતિભાવ જાણવા નજર સાહેબ તરફ ઊંચી કરી. ઑફિસરે પણ થોડા મજાકિયા સૂરમાં કહ્યું : “ખૂબ પ્રેમ કરતો લાગે છે મોટા ભાઈને ?”

“ના સાહેબ, ન-ફ-ર-ત કરું છું. હું મારા મોટા ભાઈને !” બોલતાં, બોલતાં વરસંગના ચહેરા ઉપર આગ વરસી ગઈ :
“હા… સાહેબ, હું નફરત કરું છું મારા મોટા ભાઈને. એમણે તો એમનું જીવન દારૂ અને જુગારમાં વેડફી નાંખ્યું… ના બની શક્યા ભાઈ, ના પતિ કે ના દીકરીના બાપ, પરંતુ મારી ભાભીએ મહેનત મજૂરી કરી ઘર ઊભું રાખ્યું, દીકરી મોટી કરી છે. પરંતુ તમે તો જાણો જ છો, સાહેબ ! આ મોંઘવારીમાં મહેનત અને મજૂરી ઉપર બે વખતના રોટલા જ નીકળે, લગ્ન તો ના જ થઈ શકે. એટલે ઉપાડું છું. સાહેબ.. !”

“ઓહ, એમ વાત છે!” ઑફિસરે પણ પોતાના સ્વભાવનો પડઘો પાડતાં કહ્યું : “તો પછી ભાઈ, તારે આ બધી લમણાકૂટમાં પડવાની ક્યાં જરૂર હતી ? તારા ભાઈએ જાતે એના પગ ઉપર કુહાડો માર્યો છે તો વળી તારે દાનેશ્વરી કર્ણ બનવાની શું જરૂર ?”

પોતાના મોટા સાહેબની નાની વાતથી એકદમ ધૂંધવાઈ ગયેલા વરસંગે લાગણીસભર બની પોતાના સ્વભાવનો પડઘો પાડતાં કહ્યું : “કેમ, એમ બોલ્યા, સાહેબ ? ગમે તેમ પણ મારા મોટા ભાઈ છે. એ કેવા છે, શું કરે છે એવાં લેખાં-જોખાં કરવાનો આ સમય થોડો છે, સાહેબ? અને આમ પણ હું મારા ભાઈની રીસ મારી નિર્દોષ ભાભી અને ભત્રીજી ઉપર ઉતારી મારા મનને મનાવી તો ના જ શકું ને ? સાહેબ હું તો આઠ ધોરણ ભણેલો, મને વળી, નોકરી ક્યાંથી મળે ? આ તો નસીબ જોગે મળી ગઈ. બાકી ના મળી હોત તો મારી પણ સ્થિતિ તો એવી જ હોત ને ? કોણ જાણે સાહેબ, આપણે કોના નસીબનું ખાઈએ છીએ ?”

એકદમ ભાવુક બની ગયેલા વરસંગે સંબંધોનું સરવૈયું કાઢતાં કહ્યું : “શું કરીએ સાહેબ, ગમે તેટલું તારું મારું કે તું…તું…મેં…મેં…ની નૌંટકી કરી લઈએ તોયે લોહીના સંબંધોથી કિનારો કરવો મુશ્કેલ હોય છે.” બોલતાં-બોલતાં જ સડસડાટ ચાલતી વરસંગની જુબાન લડખડાઈ ગઈ. આગળ દલીલ ના કરી શક્યો. માત્ર બે હાથ જોડી વિનંતી કરતાં કહ્યું : “વિનંતી કરું છું સાહેબ, મહેરબાની કરી ભલામણ કરી, ફોરવર્ડ કરી દેજો અને હું જાઉં સાહેબ.. નહિતર પાછા તમે કહેશો પૂર્ણવિરામ નથી મૂકતો…”

પોતાની વાક્‍ધારામાં ક્યારેય અલ્પ કે પૂર્ણ વિરામ ના મૂકતો આ વરસંગ, સંવેદનાનું એક સબળ તીર ઑફિસરના મર્મ સ્થાન ઉપર ચુભાવી બહાર નીકળી ગયો…

થોડી ક્ષણો માટે તો સ્તબ્ધ અને શૂન્ય બની ગયેલા ઑફિસર કળ વળતાં જ પોતાની જાતને ઢંઢોળવા લાગ્યા : “અરે આ નાનો માણસ પોતાના ભાઈને નફરત કરતો હોવા છતાંય ફરજથી વિમુખ નથી થઈ શક્તઓ, જ્યારે હું તો ઑફિસર છું. ભલે વરસંગે એની જબાનને છૂટો દોર આપ્યો હોય પણ એટલું જ ગજાવંત બનાવ્યું છે એણે એના હૃદયને, એની સામે હું ઑફિસર હોવા છતાંય વામણો છું.” ઑફિસરના કોરા અવાવરુ હૃદયકૂપમાં એકદમ લાગણીના ચુવા ફૂટી નીકળ્યા. એક પટાવાળા જેવા નાના માણસના મનની મહાનતા ઑફિસરના હૃદયને સ્પર્શી ગઈ.

દારૂ અને જુગારમાં બધું જ વેડફી નાખનાર ભાઈ ઉપર પણ હજી એની લાગણીમાં ઓટ આવી નથી જ્યારે મારા મોટા ભઈ… બાપુજીના મૃત્યુ પછી પણ એમણે મને એકલો તો નો’તો જ પડવા દીધો, આર્થિક સંકટોની ઝીંક ઝીલીને પણ મને પાળ્યો, પોષ્યો, ભણવું હતું એટલું ભણાવી ઉચ્ચ નોકરીને લાયક બનાવ્યો. પછી પણ શ્વેતા જેવી ગુણિયણ, લાગણીશીલ પત્નીના હાથમાં મારી જવાબદારી સોંપીને ન મને નોખો કર્યો, મેં માત્ર અલગ થયા પછીનો જ હિસાબ કર્યો. બાકી મારી પાછળ મોટા ભાઈએ ખર્ચેલા એક દાયકાનો તો હિસાબ બાકી જ રહી ગયો. ઑફિસરની આંખ ભીની થઈ ગઈ. થોડી સ્વસ્થતા કેળવી, રૂમાલથી આંખો લૂછી. ફરી પાછા વરસંગને પાછો બોલાવવા માટે કૉલબેલ દાબી…

કૉલબેલ રણકતાં જ એની આદત મુજબ “એ આવ્યો. સા…હે..બ…બ…બ..”ના ઘોંઘાટિયા અવાજથી ચેમ્બર ગજવી મૂકી. “કેમ સાહેબ, ફોરમમાં કોઈ ભૂલ છે ?”

થોડી ક્ષણો પહેલાં જ વરસંગાના ઘોંઘાટથી હલબલી ગયેલા ઑફિસરે અત્યારે એટલા જ ઘોંઘાટમાં પણ શાંત અને સ્થિર રહી સંવેદના ઘૂંટ્યા સૂરમાં કહ્યું : “ના, ના, ભૂલ તો થતાં થતાં રહી ગઈ, જા.. હેડ ક્લાર્ક મિ.મહેતા પાસેથી જ આવું જ કોરું પાર્ટ ફાઈનલનું ફોર્મ લેતો આવ, બીજું એક સફળ ફોરમ ભરી નાખીએ..” “હે…”

કંઈ જ ના સમજી શકેલા વરસંગના મોઢેથી નીકળી ગયેલું ‘હેં’ વણઉકેલ્યું જ રહી ગયું. એને તો બિચારાને એ પણ ક્યાં ખબર હતી કે આજે માત્ર એનું પાર્ટફાઈનલનું ફૉર્મ નહીં પરંતુ એની વિચારધારા પણ એક સંકુચિત માનસ ધરાવતા ઑફિસરને બદલવા માટે સફળ થઈ ગઈ હતી.

***
સંપર્ક :
તા. ખોરજ, જિ. ગાંધીનગર
મો. ૯૩૨૭૧૫૨૦૧૫

Leave a Reply to MUKESH T.CHANDARANA Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

13 thoughts on “સંવેદના – ગોવિંદ પટેલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.