નર્મદાને તીરે તીરે – જયંત રાઠોડ

(‘અખંડ આનંદ’ સામયિકના જુલાઈ, ૨૦૧૬ના અંકમાંથી સાભાર)

રોજના ક્રમ મુજબ મિત્રો બાગમાં એકઠા થયેલા. હું અને મારો મિત્ર અરવિંદભાઈ કોઈ પ્રવાસની રૂપરેખા આપી રહેલા. નર્મદા નદીને કિનારે એક સાધના કેન્દ્ર ખુલ્લું મૂકવાના પ્રસંગે હાજર રહેવાનું આમંત્રણ મળેલું. સ્થળ હતું રાજપીપળા પાસેનું નાનકડું ઓરી ગામ… રાત્રીની ટ્રેનમાં નીકળવાનું. સવારે વડોદરા. ત્યાંથી બસ દ્વારા રાજપીપળા. રાજપીપળાથી ઓરી-સિસોદ્રા-શિનોર-માલસર-નારેશ્વર-કબીરવડ. અમારા મિત્રવૃંદમાં મારા સહિત એકાદ-બે મિત્રોને બાદ કરતાં બાકીના સૌ વનપ્રવેશ કરી ચૂક્યા છે. એમાંના અમુક તો વનમાં પણ ખાસા આગળ નીકળી ગયા છે. મારે હજુ વનપ્રવેશમાં ઘણાં વર્ષોની વાર, એટલે સાધના કેન્દ્રની મુલાકાત કરતાં મેં જરા જુદો પ્રવાસ સૂચવ્યો. જેમાં રાજપીપળા જિલ્લામાં નદીકિનારા પરનાં પ્રાચીન મંદિરો, માર્બલના ખડકો, નૃવંશશાસ્ત્રીય અભ્યાસનાં સ્થળો, નદી ઉપર બનેલા બંધ, કૅનાલો, શુરપાણેશ્વરનું વન્યજીવ અભ્યારણ, ડેડિયાપાડા વિસ્તારમાં આવેલા નિનાઈ જળ-ધોધ વગેર જોવા મળે. પણ અરવિંદભાઈએ સૂચવેલ પ્રવાસ નક્કી થઈ ગયેલો.

મેં સૂચિત પ્રવાસની વધુ વિગતો જાણવા ગૂગલ ઉપર નકશો જોયો. ખ્યાલ આવ્યો કે ચાંદોદ ગામ, જે નર્મદા, ઓરસંગ અને સરસ્વતી નદીઓનું મિલનસ્થળ કહેવાય છે, ત્યાંથી નારેશ્વર સુધીના વિસ્તારમાં નર્મદા સર્પાકારે વહી રહી છે. જો અમારા સૂચિત પ્રવાસનાં મુખ્ય સ્થળો ઓરી-સિસોદ્રા-શિનોર-માલસર-નારેશ્વરને નકશા પર રેખાંકિત કરીએ તો ગૂચળું વળેલ નાનું એવું સાપોલિયું બને. નકશાને ધ્યાનથી જોતાં સર્પાકારે વહેતી નર્મદા, ચાંદોદના મલ્હારરાઓ ઘાટથી વળાંક લઈ આગળ વધે છે. બદ્રિકાશ્રમથી આગળ એનો વિસ્તાર એક બોટલ જેવો નકશા ઉપર દેખાય છે. મને એક વિચિત્ર કલ્પના આવી, જો ચાંદોદને સ્ટેન્ડ તરીકે કલ્પીએ તો ચાંદોદના સ્ટૅન્ડ પર નર્મદા ગ્લુકોઝના બોટલ સ્વરૂપે લટકેલી છે, ત્યાંથી ઓરી-સિસોદ્રા-શિનોર-માલસર-નારેશ્વર સુધી ટ્યૂબ આકારમાં આ વિસ્તારોને પુષ્ટ કરતી આગળ ઉપર અંતે ખંભાતના અખાતમાં સમાઈ જાય છે.

મને લાગ્યું આટલા વિસ્તારમાં જ રેવાનો પ્રવાસ અત્યંત ટૂંકો કહેવાય. ચિંતન કર્યું, પ્રવાસ એટલે શું ?… આ પૃથ્વી પર શું નથી ? મહાસાગરો, ઉત્તુંગ પર્વતઓ, જંગલો, જ્વાળામુખીઓ, નદીઓ, સરોવર, પ્રપાતો, રણો, જળાચર, ખેચર, વનચર, હજારો વર્ષો પુરાણી સંસ્કૃતિના અવશેષો-ઉત્ખનનો, એ અબજોની મનુષ્ય વસાહતો…. આપણું પરિચિત વર્તુળ કેટલું સીમિત ? જ્યાં જન્મ થયો એ ગામ-શહેર-જિલ્લો-રાજ્ય, કે દેશના જ કેટલા ભાગોમાં એક આયુષ્યમાં ફરી શકાય ? એટલે જ્યારે અવસર આવે ત્યારે પ્રકૃતિ સાથે થોડી ગોષ્ઠી કરી શકાય, ઉઘાડા પગોથી આ ધરતીનો કેટલોક ભાગ ખૂંદી વળાય. આપણા અબજો માનવબંધુઓમાંથી ચપટીક સાથે ઉષ્માસભર હાથો મિલાવી શકાય, તેમના જીવનના આછેરા રંગો જોઈ શકાય, તેઓની ભાષાને આંખો બંધ કરી સાંભળી શકાય. જે માનવસભ્યાતાઓ હજારો વર્ષો પહેલાં અસ્તિત્વમાં આવી એના ઉત્ખન્ન થયેલા અવશેષોમાંથી એકાદ સ્થળે પણ જઈ અને આશ્ચર્યચકિત થઈ શકાય… તો સાર્થક ! બાકી તો અન્ય જીવો માફક આહાર, નિદ્રા, ભય અને મૈથુન કરતાં કરતાં એક દિવસ પૃથ્વી ઉપરથી ભૂંસાઈ જશું… એટલે મેં જાતને કહ્યું ભૂંસાઈ જતાં પહેલાં, જે ભમવા મળે એ ભમી લે જીવ ! ભલે બે ચાર સ્થળો ભમવા મળશે પણ રેવાને તીરે તીરે… જ્યારથી મેં રેવા-સ્મરણીય લેખક અમૃતલાલ વેગડનું પુસ્તક ‘પરિક્ર્મા નર્મદા મૈયા’ની નું આચમન કર્યુ છે. ત્યારથી નર્મદાનું જબરું આકર્ષણ. આમ હું પણ જોડાઈ ગયો.

નક્કી થયા મુજબ પ્રથમ ટ્રેન મારફતે સવારે અંજારથી વડોદરા, ત્યાંથી બસ દ્વારા રાજપીપળા પહોંચ્યા. કૌશિકસાહેબે ગામના ‘કાલાઘોડા’ ચોકથી જ અમને પરિક્રમાવાસીઓની જેમ આવકાર્યા, મિત્ર ગોવિંદભાઈના એક ચિંતનાત્મક પુસ્તકના પ્રસંગે મિત્રોને એમનો પરિચય થયેલો. મને વિચાર આવ્યો ચોકમાં કાળાઘોડા પર આસીન રાજાનું નામ કાળે ભૂલાઈ ચૂક્યું છે. જ્યારે કાળો ઘોડો ચોકનું નામકરણ પામ્યો છે. સમયની બલિહારી ! કૌશિકસાહેબે અમને સાતે મિત્રોને પ્રેમપૂર્વક ચા-નાસ્તો કરાવ્યાં. તેમની શાલીનતા અને સાદગી, અમલદારશાહીના આક્રમણથી અક્ષુબ્ધ રહેવા પામી છે. તત્વને પામવાની સહજ જિજ્ઞાસા અને ‘ગોવિંદ’ પ્રત્યેનો અનન્ય પ્રેમ, આવી માટીનો માણસ અમલદારશાહીની ઈન્દ્રજાળમાં રહીને કઈ રીતે સમત્વ જાળવતો હશે એનું સાનંદાશ્ચર્ય થયું. એમના આગ્રહને કારણે બપોરનું ભોજન સર્કિટહાઉસમાં લઈ ચાલી નીકળ્યા ઓરીગામ જવા, જે રાજપીપળાથી ૧૩-૧૪ કિલોમીટર દૂર છે.

ઓરી ગામ નજીક નર્મદાકિનારે સાધકો માટે કેન્દ્ર બનાવ્યું છે, જે આવતી કાલથી વિધિપૂર્વક ખુલ્લું મુકાશે. શહેરની ભીડભાડ અને કોલાહલના એક નાના શા ભાગરૂપ હું, શહેર છોડ્યાના ચોવીસ કલાક બાર નીપટ ગ્રામ્ય વાતાવરણમાં રોપાઈ રહ્યો હતો. જ્યાં લાકડાના હલેસાનો નાવ સાથે ટકરાવાનો દૂર નર્મદા નદી પરથી આવતો અવાજ જે સાધના કેન્દ્ર પરથી આકાશમાં ટહુકીને ઊડી જતા કોઈ પક્ષીનો અવાજ પણ, અનાયાસ સંભળાય એટલી નીરવ જગ્યા. સાધના કેન્દ્રની સામેથી જ વહેતી રેવાનો વિશાળ પટ. કિનારા પરના ઢોળાવ પર તુવેરના છોડ, કેળાનાં ઝુંડ અને આંબાનાં વૃક્ષો, કોઈ વાડમાં કેદ ન હોવાથી નરવા અને નૈસર્ગિક લાગ્યા. સાધના કેન્દ્ર એટલે ગામડાંઓમાં જોવા મળતું પથ્થર-ગાર-માટીનું ઠીક ઠીક મોટું મકાન, ઉપરથી ઘાસ અને વાંસથી આચ્છાદિત. આગળના ભાગો ગાયના છાણ અને માટીના મિશ્રણથી લીંપાયેલું વિશાળ આંગણ, એક મોટો તુલસીક્યારો, ફૂલવેલો… બસ એકાદ હરણના બચ્ચાને અને નાનાશા ઋષિબાળને પૌરાણિક સમયમાંથી ઊંચકી લાવી ત્યાં મૂકી દેવાની જરૂરત હતી ! રેવાનાં પાણી, ઢળતી બપોરના સૂરજના ઘડામાંથી જાણે અબરખ ઢોળાયું હોય એમ ઝગમગતાં હતાં ! જીવનમાં પહેલી વાર રેવાને તીરે કોઈ સાધના કેન્દ્રમાં ઉપસ્થિત હતો બે હાથ અનયાસ જોડાઈ ગયા. નમામિ દેવી નર્મદે !

સાધના કેન્દ્રની બાજુમાં એક નિવૃત્તિ-આશ્રમની જગ્યા ઘણા સમયથી ખાલી છે. ગોવિંદભાઈને મેં કહ્યું, અહીં ‘ગોવિંદ આશ્રમ” ખોલવાનો ગૂઢ સંકેત છે. તેઓ માર્મિક હસ્યા. પણ મિત્ર સુરેશે સંકલ્પ જાહેર કર્યો. “જો ગોવિંદભાઈ ‘બાબા’ બનવા તૈયાર હોય તો જમીનમાં રોકાણ કરવા હું તૈયાર છું” મિત્ર નલિનભાઈ ભવિષ્યવેત્તાના લહેજામાં બોલ્યા – “ગોવિંદભાઈના હાલના ગ્રહોની સ્થિતિ જોતા, આવતા પુરુષોત્તમ માસમાં એ ચક્રવર્તી સ્થાને બિરાજવાન, સિવાય કે તેમની કુંડળીમાં સપ્તમે રાહુ હોય !” હવે જોઈએ સુરેશનો સંકલ્પ કામ કરે છે કે અમારા ‘ગોવિંદ આશ્રમ’ના પાયામાં, ગોવિંદભાઈની જ કુંડળીના સપ્તમાં બેઠેલો રાહુ જામગરી ચાંપે છે !

નજીકમાં કોટેશ્વર આશ્રમ આવેલો છે, ત્યાં પ્રાચીન મંદિર જોયું, જેની પૂજા-અર્ચના અરવિંદભાઈના પરિચિત કરે છે. એમને મળીને વિચાર આવ્યો કે, હર્યોભર્યો સંસાર, ફૅક્ટરી, ઘર ને સ્વજનો છોડી રેવાને શરણે ગયેલા. આવા કેટલા સિદ્ધાર્થોનું ‘મહાભિનિષ્ક્રમણ’ રેવાએ પખાળ્યું હશે ? મંદિરમાં એક માતાજી રહે છે, એમના વિશે એવું કહેવાય છે કે છેલ્લાં ૨૦-૨૫ વર્ષોથી કેવળ કૉફી પર રહીને અહીં સાધના કરે છે. સૌ માતાજી સન્મુખ થયા, પણ સત્સંગ થઈ ન શક્યો, માતાજી મોટે ભાગે મૌન જ રહે છે. અહીં મંદિરમાં પરિક્રમાવાસીઓ માટેની સૂચનાઓ લખેલી જોઈ ને રોમાંચ થયો કે ચાલો કમ સે કમ પરિક્રમાના રસ્તામાં આવતા સ્થાનકને તો જોયું.

રાત્રે સાધના કેન્દ્ર પર પાછા જવાનું હતું. આ વિસ્તારમાં દિવસ દરમિયાન વીજળી હોતી નથી, રાત્રીના ૧૦ વાગ્યા બાદ આવે છે. અમે રાત્રીના અંધકારમાં કેળાનાં ઝુંડોની વચ્ચેથી, કોટેશ્વર મંદિરના પૂજારીની રાહબરી નીચે સાધના કેન્દ્ર પર જવા નીકળ્યા. અંધકાર એટલો ઘટ્ટ કે કશું સૂઝે નહિ. એકબીજાના અવાજને સહારે અમે પહોંચ્યા. સાધના કેન્દ્રના વિશાળ, લીંપાયેલ આંગણામાં ફાનસના અજવાળે વાળુ કર્યું, સામેથી રેવાનાં પાણી વહેવાનો જાણે અણસારો સંભળાય એવી શાંત રાત્રિ. વાળુ પતાવી અમે કોટેશ્વર મંદિરના પૂજારીના ઈજન પર કિનારા નજીકના વિસ્તારમાં રાત્રિચર્યા કરવા નીકળ્યા. સુરેશ પાસે ટોર્ચ હતી. આમ પણ સુરેશ પ્રવાસ માટે જરૂરી વસ્તુઓ જેમ કે દવાઓ, સોય-દોરા, બામ-વિક્સની શીશીઓ, મધની નાની બૉટલ, માચીસ, નેલકટર, કાંસકો, નાનો અરીસો, ઓળખકાર્ડ-કોઈ ચીજ એવી નહિ હોય જે સાથે લાવવાનું ભૂલે. ટૉર્ચના પ્રકાશમાં ગાઢ અંધકારની થોડી દુનિયા ઉજાગર થઈ રહી હતી. ઊડતી જીવાત પ્રકાશના લિસોટામાં ઘુમરાતી હતી. પ્રકાશના પરિઘમાં ક્યારેક કોઈ વૃક્ષ, કોઈ ચરતું જાનવર, કોઈ મકાન, કોઈ વૃક્ષોની ઘટામાંથી નીકળીને ઝડપથી ઊડી જતું પક્ષી, નદીના પટમાં લાંગરેલી કોઈ નાવ આંખો સામે ક્ષણિક ઝબકીને પાછા અંધકરમાં ઓગળી જતાં. એક ઘેઘૂર વડના વૃક્ષ નીચે આવીને બેઠા. સુરેશે ટૉર્ચ બંધ કરી. થોડી વાર પછી અંધકારમાં ઊડતા ‘આગિયા’ પણ જોવા મળ્યા. જાણે અંધકરની ઓઢણી પર આભલા ઝગમાગતા હોય ! તમરાનો અવાજ હવે વધુ સ્પષ્ટ સંભળાવા લાગેલો. અમે વૃક્ષ નીચે એકબીજાના ચહેરાઓ પણ ન જોઈ શકાય એવા અંધકરમાં વાતોએ વળગ્યા, વાતોનું કેન્દ્ર મંદિરનાં માતાજીનું મૌન !

રાત્રે જ્યારે લાઈટ આવી ત્યારે ઊઠ્યા, ‘જંગલની નાઈટ સફારી’ ટૂંકાવી સાધના કેન્દ્ર પરત ફર્યા. રેવાને કિનારે આવ્યા ને થોડા કલાકો જ થયેલા પણ અમારી પાસે સમય જ સમય હતો. જેની શહેરમાં કારમી અછત વર્તાતી હતી. મને થયું શહેરીજનો જાણેઅજાણે પ્રવાસ…આ સમયની કંગાલિયતને દૂર કરવા-પોતાને સમયની કેદમાંથી મુક્ત કરવા અને સ્વયં માટે સમય કાઢવા માટે પણ કરતા હોય છે. પ્રકૃતિ-દર્શન, ધર્મ-દર્શન, સંસ્કૃતિ-દર્શન, ઈતિહાસ-દર્શન કરતાં સ્વયં-દર્શન પ્રવાસની અગત્યમાં સૌથી ઉપલા ક્રમે હોવું જોઈએ.

રાત્રિએ ખુલા આકાશ નીચે સૂવાની જાણે લૉટરી લાગી. કૃષ્ણપક્ષને કારણે વર્ષો બાદ તારાઓને આટલા પ્રકાશમય જોયા, છેલ્લે અમારા જિલ્લાના એક ગામડે આયોજિત આકાશ-દર્શન કાર્યક્રમ દરમિયાન મળેલો અવસર ફરીથી આજ મળ્યો. મને એક પંક્તિ સૂઝી જે મેં મારી ડાયરીમાં ટપકાવી લીધી… આકાશના ચંદ્ર, તારા અને નક્ષત્રના અંબાર જોઈ ગ્રામ્ય કન્યા પિયુના વિરહમાં સખીઓને કહે છે…

“આ નભનો સઘળો અંબાર તો લેશું કદીક ટાંચમાં,
સખી કહો ચાંદનીને આમ અંગેઅંગ ના દઝાડે.”

હવામાં ઠંડક હોવા છતાં આ ઐશ્વર્ય ત્યજી દેવા જેટલા ત્યાગી ન હતા અમે, કોઈક રાશિ તો કોઈક નક્ષત્ર પણ સ્પષ્ટ ઓળખ્યાં. મન ભરી ભરીને આકશ-દર્શન કર્યું.

બીજા દિવસે નદીના સામેના કિનારે ફરવા હોડીમાં સવાર થયા. રેવાના પાણીનો અર્ધ્ય સૂર્યને, ભૂમિને, દિશાઓને અને અંતે રેવાને પણ અર્પ્યો. નાવિકે હલેસા મારવાં શરૂ કર્યાં… પાણીમાં ફેલાતાં અર્ધ-વર્તુળોને પાછળ છોડી હોડીએ સામેના કિનારા તરફ પ્રયાણ કર્યું. મને વિચાર આવ્યો કેટલાંય શહેરોમાં અત્યારે માતાઓ પોતાનાં બાળકોને રિક્ષા કે સ્કૂલ-બસોમાં ઝપાટાબંધ વળાવતી હશે, પુરુષો નોકરી-ધંધાએ જવા ઉતાવળા ઉતાવળા બસો કે ટ્રેનો પકડવા દોડતા હશે, ફેરિયાઓ ઘરોમાં છાપાંઓ ફેંકતા ભાગતા હશે. લોકો દોડતા હશે. શહેરની સવાર એટલે ઝડપ. ઉતાવળ, દોડ અને રઘવાટ. જ્યારે અહીં અમારા સંજોગો નદી અને અત્યારે નાવ એમ ‘નદી નાવ સંજોગ’ના સહારે અમે હળવા હલેસે પાણી પર વહી રહ્યા હતા ! સવાર એ જ હતી, અમે પણ એ જ હતા પણ સમયનું ચોથું પરિમાણ આને માટે જવાબદાર હતું !

સામેના કિનારા પરના આશ્રમ અને અન્ય સ્થાનો જોઈ અમે બપોરે હોડીમાં પરત ફર્યા, એક વીસ-બાવીસ વર્ષના યુવાન સાથે મુલાકાત થઈ, ઝાંસીથી આવી છેલ્લાં ત્રણેક વરસોથી અહીં રહી કોઈ સાધના કરે છે. એ યુવાનની એક વાત સ્પર્શી ગઈ કે “કાચબાની જેમ સુસ્તીમાં સો વરસ જીવવાં કરતાં ઘોડાની જેમ હણહણતા ૨૦-૨૫ વરસ જીવવું.” મને થયું કાચબાના લાંબા અને અન્ય પ્રાણીઓના પ્રમાણમાં ટૂંકા આયુષ્ય પાછળ આ હોર્સ-પાવર ખર્ચાઈ જવાને કોઈ સંબંધ હશે ?

સાધના કેન્દ્રે પહોંચ્યા, ત્યાં મંત્રોચ્ચાર થતા હતા. હવનમાં અગ્નિ પ્રજ્વળી રહ્યો હતો. આસપાસાના આશ્રમો અને ઓરી ગામના કેટલાક ગ્રામ્યજનોની હાજરીમાં સાધના કેન્દ્ર વિધિપૂર્વક ખુલ્લું મૂકવાનો વિધિ થઈ રહ્યો હતો. હાજર આમંત્રિતોએ સાથે ભોજન કર્યું. ભોજન બાદ વામકુક્ષિ માટે બે-ચાર મિત્રોએ રાત્રીનું પેલું વડનું વૃક્ષ શોધ્યું. મને થયું ઊર્જાને બચાવવી જોઈએ, શું ખબર આયુષ્યને એની સાથે કોઈ સંબંધ હોય, થોડો સમય કાચબાની જેમ સુસ્તાઈ લેવામાં શું વાંધો ?

મને વડના વૃક્ષ નીચે નીંદર આવી નહિ, ચિંતન શરૂ થયું. વૃક્ષોના શબ્દકોશમાં સાધના શબ્દ હશે ? યુગોથી વહેતી નદીઓ આમ જ વહ્યા કરે છે. એને તપ કે અનુષ્ઠાન કરવાની કોઈ વિધિ જાણમાં હશે ? વૃક્ષોમાં માળા બનાવી રહેતાં પક્ષીઓને નિર્વાણ બાબત શું અભેપ્રેત હશે ? ડાળીઓમાં જાળા ગૂંથીને ઉદ્યમી રહેતા કરોળિયાને મુક્તિની કોઈ અભીપ્સા નહિ હોય ? મનુષ્યને જ શા માટે પ્રશ્નો થયા ? જન્મ-મૃત્યુનો મર્મ શું ? ઘાટ જે તત્વોથી ઘડાયો – આકાશ, વાયુ, જળ, અગ્નિ અને પૃથ્વી – તે ફરીને આ તત્વોમાં જ વિસર્જિત થવા માટે ? કે જે તત્વની ઉપસ્થિતિ, પાંચેય તત્વોને સંયોજે છે અને વિસર્જિત કરે છે, એ અદ્રશ્યતત્વને જાણવાનો છે ? આ જાણવાની મથામણ કેટલાય પુરુષો કરી ગયા… કરી રહ્યા છે અને ભવિષ્યમાં પણ કરતા રહેશે. મને આશ્ચર્ય થયું મેં શું વન-પ્રવેશ કર્યો છે ? આ રીતે પૂર્વે મનન થયું હોય એવું સ્મરણ થયું નહિ. શું વાનપ્રસ્થ આશ્રમ સમયે વનમાં નહિ પણ ‘સ્વ’માં વિચરણ કરવાનું કહેવાયું છે ? જે હોય તે ખરું પણ એક વાત ચોક્કસ છે, ‘સ્વ’ સાથે સંવાદ માટે પ્રકૃતિની નજીક બેસવું જરૂરી છે. ઘરથી બહર નીકળી પડવું જ્યાં તમે પહાડો, નદીઓ, વૃક્ષોના સાંનિધ્યમાં આવી શકો… મારું સ્વ-વિચરણ અટકી પડ્યું. મુકેશના નસકોરાંના અવાજથી ! કોઈક આત્માઓ જ્યારે ગાઢ નિદ્રામાં સરી પડે ત્યારે નસકોરાં બોલાવતા હોય છે, પણ મુકેશ જ્યારે નિદ્રા પૂરી કરી ઊઠવાનો હોય તેની છડી નસકોરા વાટે પોકારે છે !

સાંજ ઢળવા આવી હતી. અમે ચારે મિત્રો વડના ઝાડ નીચે જાગ્રત થયા. જાગૃતિ અને વૃક્ષને શું સંબંધ છે એવું મેં અશોકને પૂછ્યું, એનો જવાબ હતો, “જાગ્રત અવસ્થામાં પહોંચવા માટે દેવોને પણ પ્રિય પીણું ચાય અતિ આવશ્યક છે, તે સુલભ ન થાય ત્યાં સુધી આ પ્રશ્નનો ઉત્તર મેળવવા તું પ્રશ્નોપનિષદના રચયિતા પાસે જા.” અમે બધા હસતા હસતા ઊઠ્યા. આવતી કાલે સવારે અહીંથી સિસોદ્રા ગામ જવાનું હતું એટલે વહેલા જ જમી પરવારી સૂઈ ગયા.

બીજા દિવસે સવારે ચાર વાગ્યે પથારી છોડી દેવી પડી, શહેરી બોડી-ક્લોકથી સંચાલિત મારા ખોળિયાને વર્ણવી ન શકાય એટલી આપત્તિઓ વહેલા ઊઠવામાં પડી ! રાત્રીનો ત્રીજો પહોર એટલે શું એનું સ્વયંજ્ઞાન થયું. અક્ષુબ્ધ શાંતિના ખોળામાં પ્રકૃતિ જાણે જંપી ગયેલી, તારાઓથી ગૂંથેલી રજાઈ ઓઢીને આકાશે પણ સોડ તાણેલી ન હોય ! નદીનો વિશાળ પટ અંધકારમાં ભયાવહ લાગી રહ્યો હતો. સૌ મિત્રોએ આ નીરવ શાંતિમાં ભંગ ન પડે માટે મૌન ધરીને નિત્યક્રમ પતાવ્યું. અમરા ઉચ્છવાસો પણ સાંભળી શકાતા હતા. ભરભાખળું થયું, આકાશમાં તારાઓનો પ્રકાશ ઝાંખો પડવા લાગ્યો. પક્ષીઓના અવાજો સંભળાવા શરૂ થયા, માણસોની અવર-જવર થવા લાગી, કોઈ બળદોને લઈને જઈ રહ્યું હતું તો કોઈ સાઈકલ પર, સ્ત્રીઓ પાણીનાં બેડાંઓ ભરીને નદી તરફથી આવી રહી હતી, બે નાનાં બાળકો બકરીઓને દોરીને લઈ જતાં હતાં. આકાશની કિનારીએ લાલશ પકડી, ધીરે ધીરે સૂરજદાદા પ્રગટ થયા. મુકેશે ત્રાંબાના લોટામાં ભરેલા રેવાના પાણીથી અર્ધ્ય આપ્યો. મેં ઠંડી હવાનો પ્રાણવાયુ ઊંડા શ્વાસથી ફેફસાંમાં ભર્યો શરીરમાં ગરમાવો લાગ્યો. સાધના કેન્દ્રને અલવિદા કહીને સૌ ચાલી નીકળ્યા સિસોદ્રા ગામને મળવા… અહીંથી સિસોદ્રા આશરે પાંચ-છ કિલોમીટર જ દૂર હતું. ગ્રામ્યજનો ચાલીને જ જતા. અમે પણ ગ્રામ્યજન બની ગયેલા, એટલે પદયાત્રા કરી. રસ્તામાં શેરડીના ખેતરોની તાજી મીઠી શેરડી ખાતા ખાતા ક્યારે સિસોદ્રા પહોંચી આવ્યા તેનો સમય કે શ્રમ ના જણાયો. સિસોદ્રાથી જવા માટે સિનોર જવા માટે નદી ઓળંગવાની હતી.

નદીનો કિનારો રેતાળ અને વિશાળ હોવાથી જો ચોપાટી કહીએ તો આટલી અણીશુદ્ધ ચોપાટી ક્યાં જોવા મળે ? કિનારા પરની રેતમાં બામ્બુઓ ખોસીને લાકડાના મંચ જેવું બનાવેલું હતું. જ્યાંથી લોકો અહીંથી બજારમાંથી હટાણું કરીને લાવેલા સામાન સાથે હોડીમાં બેસતા, મોટરસાઈકલો પણ હોડી મારફતે લઈ જવાતી જોઈ અમારા સિવાય બાકીના નદીના માર્ગે આવન-જાવન કરનારા ગ્રામયજનો લાગ્યા. અમે પણ હોડીમાં ગોઠવાયા. એક આશ્ચર્ય જોયું. એક ખેડૂત હોડી પાસે નદીના પાણીમાં બે બળદો ખેંચી રહ્યો હતો, એક બળદ પાણી જોઈને વધારે ગભરાયેલો લાગી રહ્યો હતો. હોડીમાંથી બે માણસો ખેડૂતને મદદ કરવા ઊતર્યા અને મુશ્કેલીથી હોડીની બંને તરફ એક એક બળદને લાંબા દોરડાથી બાંધવામાં સફળ થયા. આમ અમારો હોડી પ્રવાસ શરૂ થયો. બળદોને પણ નદી માર્ગે હોડીના સહારે લઈ જવાતા હશે એવી કલ્પના અમને ક્યાંથી હોય. હોડી આગળ વધતી રહી અને પેલા બળદોના ધમપછાડા પણ વધતા ગયા. બળદો કદાચ નવા હશે, પાણીથી ટેવાયેલા નહિ હોય, વિભ્રાંત નેત્રે ઘડીક બળદો અમને તો વિવશ નજરે અમે તેમને જોઈ લેતા. આ નંદીઓએ ક્યાંક હોડી ઉથલાવી તો ? કિનારો હતો એનાથી દૂર લાગવા માંડ્યો. જ્યારે સામે કિનારે પહોંચ્યા ત્યારે બળદો કરતાં અમે ઝડપી કિનારે ઊતરી પડ્યા ! મને લાગ્યું, વૈતરણી પાર કરવા પુરાણોમાં ગાયનો ઉલ્લેખ થયો છે એ યોગ્ય જ છે, બળદોનું કામ નહિ ! ગ્રામ્યજનોની મુશ્કેલીનો થોડો ખ્યાલ આવ્યો. શહેરમાં ઘરના વાહનમાં પત્નીને બેસાડી બજાર જવામાં આટલું જોખમ નથી, એમ સમજાયું.

સિનોરની જમીન પર ઉઘાડા ડગ માંડતાં થડકાર થઈ ગયો, હોડીથી છીછરા પાણીમાં ઊતરતાં પગરખાં હાથમાં લેવાં પડેલાં એટલે ઉઘાડા પગે જ થોડું ચાલ્યા. આ જમીન હતી ગુજરાતીના મૂર્ધન્ય સાહિત્યકાર રમણલાલ વસંતલાલ દેસાઈનું જન્મસ્થળ. એમના જન્મને એક સદી, તો નિધનને પણ અડધી સદીથી વધારે સમય થઈ ગયો હોવાથી હોય કે સિનોર સાવ નાનું ગામડું રહી જવા પામ્યું હોય, જેટલા લોકોને પૂછ્યું. ર.વ. દેસાઈથી અજાણ હતા. કોઈ સ્મારક ગામમાં હોવાની શક્યતા પણ જણાઈ નહિ. થોડું દુઃખ થયું. પછી યાદ આવ્યું ર.વ. દેસાઈને ‘ઠગ’ નવલે ખ્યાતિ અપાવેલ, આજ કાળ તેમને ઠગી રહ્યો હતો ! મને ર.વ. દેસાઈ ગુજરાતી સાહિત્યના આકાશમાંથી પસાર થઈ ગયેલા ધૂમકેતુ ભાસ્યા ! સિનોર ફળિયાંઓથી બનેલું ગામ છે. થોડાં નામો-દેવ ફળી-ભટ્ટ શેરી-નાગરવાડ-રબારીવાડ એક નામ પોપટશેરી.

‘સાધુ તો ચલતા ભલા’ તો ‘મુસાફર રુકતા ચલા’ની જેમ અમે ભ્રમણ કરી રહ્યા હતા. સિનોરના પાદરમાં બસની રાહ જોતા બેઠા હતા. પાદરમાં એક બરફના ગોળાની લારી જોઈ. આસપાસ નાનાં છોકરાંઓ વીંટળાઈ વળેલાં. ગોળાવાળાનું કૌશલ્ય જોવાલાયક હતું. હાથમાં રહેલા સુથારના રંધા જેવા ઓજારને બરફની પાટ પર આગળપછળથી ફેરવી, રંધાને ઊંધો કરી બીજા હાથની હથેળીમાં બરફના છીણને ઠાલવી બે હાથ વડે ગોળો બનાવતો જાય, વાંસની સળી ઉપર ગોળાને બેસાડી, તેના પર કાચની બૉટલોમાંથી થોડું રંગબેરંગી ઘટ્ટ પ્રવાહી રેડતો જાય અને બાળક હસતે ચહેરે ગોળો લઈને દોડી જાય. અમે મિત્રો પણ બાળકોની પાછળ ચુપચાપ આવીને ઊભા રહી ગયા. ગોળા ચગળાવા તો…! તે દિવસે સૌ મિત્રોએ ગોળા સાથે બાળપણનાં પણ અનેક સ્મરણો ચગળ્યાં…! બસ આવી ગયેલી. કંડક્ટરે અમારી વિનંતી માન્ય રાખી થોડી રાહ જોઈ, અમે ગોળાપાન વિધિ પતાવી બસમાં બેઠા માલસર જવા, જે માત્ર પાંચ સાત કિલોમીટર જ દૂર હતું. માલસરમાં પ્રસિદ્ધ કથાકાર ડોંગરેજી મહારાજનો આશ્રમ અને બીજાં સ્થળો જોઈ આવ્યા, હવે ભૂખ બરાબરની ઊઘડેલી, માલસરમાં એક વીશીવાળાને ખાસ ઑર્ડર આપી જમ્યા.

સાંજ સુધી નારેશ્વરધામ પહોંચવાનું હતું. માલસરથી ફરીને હોડીમાં બેસી નદી ઓળંગી, પણ અહીં હોડી નાની હતી. અમે જ ભાડું ઠરાવી લઈ ગયેલા, હોડીમાં બેસવાને ટેવાયેલ ન હોવાથી અમારા બેસતાં હોડી ડોલવા લાગેલી, મિત્ર જુસબભાઈએ પૂછ્યું, ‘અહીં પાણી કેટલું ઊંડું હોય છે ?’ નાવિકે ‘વાંભ’ના એકમથી ઊંડાઈ કહી જે અમારા માટે સમજવું મુશ્કેલ હતું. પણ જુસબભાઈનો ચહેરો યાદ છે જેના પરથી સમજાયેલું ઘણું ઊંડું હતું. જુસબભાઈ અમારા સંઘમાં સાચા પ્રવાસી હતા, એમની પૂર્વગ્રહ કે પક્ષપાત વગરની નજરે થયેલ ભ્રમણના અનુભવો એ લખે તો ઉત્તમ પ્રાવસવર્ણન બને. અશોકે પૂછેલું, ‘હોડી ડૂબી જવાના કોઈ બનાવો બને છે ?’ નાવિક ‘કેવટ’ને બદલે ‘કંસ’ નીકળ્યો. કહે, “ચાર વરસો અગાઉ મારી જ હોડી ઊંધી વળી ગયેલી. એક જ કુટુંબના પાંચ સભ્યો મૃત્યુ પામેલા.” મુકેશથી કહેવાઈ ગયું કે “મને તરતાં તો આવડતું નથી.” વાસ્તવમાં અમને કોઈને આવડતું નહોતું. નાવિક તેના કહેવા મુજબ હાલમાં જ જામીન પર છૂટેલો. અમે સૌ ગંભીર થઈ ગયા, થોડા ભયભીત પણ, મોક્ષ બસ પાસે જણાતો હતો. આ તો સારું થયું નાવિકને બીજી વખત જેલ નહિ જવું હોય એટલે એણે અમારા સૌનું મૌક્ષ કર્મ કરવાનું સ્વીકાર્યું નહિ ! અમે હોડીમાંથી ઊતર્યા ત્યારે ભવસાગર પાર કરીને આવ્યા હોઈએ એવું લાગ્યું. નવીનભાઈ નર્મદાષ્ટકને યાદ કરી બોલ્યા, “કૃતાંત દુતકાલભૂતભીતિહારી નર્મદે…” પછી અર્થ સમજાવતાં કહ્યું, મૃત્યુદેવથી થતો ભય નર્મદાના શરણે જનારને થતો નથી. મેં કહ્યું, આ જ્ઞાન તમારે પહેલાંથી આપવું જોઈતું હતું. મને ભેદ સમજાયો. નદીઓ પર હોડીઓમાં સવાર થઈ “સેલ્ફી” લેવી એ પિકનિક, નદીના શરણે છીએ એ ભાવથી નદી પાર કરીએ એ યાત્રા !

સામે કિનારે ઊતર્યા પછી અમારે જીપ દ્વારા જવાનું હતું. પણ એ તો ખીચોખીચ હતી. અમારી જ રાહ જોવાતી હોય એમ ડ્રાઈવરે, જેમ ગૃહિણી રાતની વધેલી રસોઈ ભરચક ફ્રીઝમાં સમાવી દે એ જ કુશળતાથી અમને સાતે ને જીપમાં ભરી જીપ મારી મૂકી. માણસોથી લદાયેલું ટ્રૅક્ટર ફેવિકોલની ટી.વી. જાહેરતમાં જોયેલું ત્યારે જાગેલી શંકા આજે દૂર થઈ. ‘હાડમારી’ શબ્દ અહીં ઘણા લોકોને મોઢે સાંભળેલો. તેનો ભવાર્થ પણ સમજાયો. આમ હૈયાથી હૈયું ભીંસાવી ૨૦-૨૫ કિમી.ની યાત્રા કરી. ફરી નદીનો કિનારો, ફરી નાવ અને ગ્રામ્યજનો બધા સાથે ‘એક’ બની યાત્રા કરી પહોંચ્યા નારેશ્વર. સાંજનું અંધારું કિનારે ઊતરી ચૂકેલું. નાવ પણ આ કિનારે જ રહેવાની હતી. નાવિકે ફાનસ સાફ કરવા માંડ્યું. કિનારે ઝૂંપડા જેવી દુકાનોમાં પેટ્રોમેક્ષ સળગાવતા જોયા. દુકાનોમાં ચા ઊકળી રહી હતી અને ભજિયાની ગરમ સુગંધ આવી રહી હતી. અમારી તામસિક પ્રકૃતિ જાગી, ચાય-ભજિયાની જ્યાફત ઉડાવી.

કિનારે લાંગરેલી નાવમાંથી ફાનસનો ઝાંખો પ્રકાશ નદીના ઠંડા પાણી પર જાણે કંપી રહ્યો હતો. કિનારે પગથી પર બેસી બે સાધુઓ ચલમ પી રહ્યા હતા. ચલમના તિખારા અંધકારમાં ઝબકીને ઠરી જતા, ફરી ચલમની ફૂંકે ભડકી જતા હતા. નારેશ્વરના મંદિરમાં થતી આરતીનો અવાજ હવાનાં મોજાં પર સવાર થઈ વચ્ચે વચ્ચે કાનોમાં ભરાઈ જતો હતો. એક સંન્યાસી નદીના પાણીથી કમંડલ ભરી રહ્યો હતો. પાંચ સિતારા હોટેલના કોઈ ‘સી વ્યૂ’ રેસ્ટોરન્ટમાં પણ આવી જાહોજલાલી ક્યાંથી ?

નારેશ્વરમાં શ્રી રંગ-અવધૂતજીએ સાધના કરેલી, અહીં અમે એક રાત અને બે દિવસ રોકાયા. ધર્મશાળામાં ઉતારો, મંદિરના ભોજનાલયમાં બે વખત જમવાનું, બંને નિઃશુલ્ક. અહીંના રોકાણ દરમિયાન રેવામાં તો ખૂબ નાહ્યા. સૂર્યસ્નાનનો આનંદ પણ માણ્યો. કિનારો રેતાળ ને ખૂબ જ સ્વચ્છતા રાખવાનાં કોઈ સૂચનો મુકાયેલાં ન જોયાં. મને થયું પવિત્રતા અને સ્વચ્છતા વચ્ચે કોઈ સંબંધ હશે ?

બીજે દિવસે નારેશ્વરથી જીપ દ્વારા શુક્લતીર્થ પહોંચ્યા. નારેશ્વરથી આશરે ૩૦-૩૨ કિમી. દૂર છે. માર્ગમાં એક-બે ગામડાંઓ અને આશ્રમો આવે છે. એક આશ્રમમાં ગયા. થોડા લોકો એક કુટિર પાસે હારમાં ઊભેલા, જાણવા મળ્યું, કુટિરમાં સંત પાસેથી ભવિષ્ય જાણવા પોતાના ક્રમની રાહ જુએ છે. મને થયું મનુષ્યને અજ્ઞાતનું સદા આકર્ષણ રહ્યું છે. ભાવિના ગર્ભમાં શું છે એ જાણવામાં રોમાંચ હશે. થોડો ભય અને વધુ પડતી સલામતીની અપેક્ષા પણ હોઈ શકે, પણ વર્તમાનનું શું ? વર્તમાનમાં મોટે ભાગે ક્યાં વિદ્યમાન હોઈએ છીએ. ભવિષ્યની આશાઓ ગૂંથતા, ભૂતકાળ વાગોળતા, શું વર્તમાનમાં તરફડતા રહેવાનો મનુષ્યને શાપ છે ?

કહેવાય છે, સંત કબીરના દાતણમાંથી કબીરવડ પાંગરેલો. આવો વડ જેનો આરંભ-મધ્ય-અંત ન સમજાય, ક્યાંય ન જોયેલો. વડવાઈઓનું વિશાળ ઝુંડ, વડ નહિ વડદાદા રેવાને કિનારે જાણે ધ્યાનમાં બેઠા છે. શુક્લતીર્થમાં સ્નાનનું પણ ઘણું મહત્ત્વ છે. મોટી સંખ્યામાં લોકો નદીમાં સ્નાન કરી રહ્યા હતા. સાંજ સુધી જ રહ્યા. નારેશ્વર પાછા ફર્યા ત્યારે રાત્રિ જામી ગયેલી. મંદિરનું રસોડું બંધ થઈ ગયેલું. એક ચાની રેંકડી પરની ચા ગટગટાવી સૂઈ ગયા.

બીજો દિવસ પણ નારેશ્વરમાં રહ્યા. રાત્રે મંદિરના પ્રાંગણમાં આવેલ લીમડાના વૃક્ષ નીચે એક અંધ સંન્યાસી મળી ગયા. આખા ભારતના ભ્રમણ માટે નીકળ્યા છે. મેં એમને ભ્રમણ કરવાનું કારણ પૂછ્યું. એમનો જવાબ અદ્‍ભુત હતો. ‘ભ્રમણનો અવસર આંખોના અહોભાવમાં ખોઈ નાખવા માટે નહિ. પણ મનની ભ્રમણાઓ ભાંગવા માટે કરાય.’ દિવસોના ભ્રમણ પછી ફરીને રોજિંદી ઘટમાળમાં પોતપોતાની જગ્યા લઈ લેવાની હતી. મનમાં પ્રશ્નો ઊઠ્યા. ટૂંકી યાત્રામાં અનુભવનું ભાથું કેટલું બંધાયું ? કે પછી આંખોના અહોભાવમાં ખોવાઈ જઈ, ભ્રમણાઓ ઊલટી વધારી ? મૃત્યુ સમયે આ ભેગી થયેલી ભ્રમણાઓનું શું થતું હશે ? એ પણ ચિતા પરની આગમાં બળી જતી હશે ? સ્પષ્ટ જવાબો મળ્યા નહિ.

એટલું સ્પષ્ટ હતું રેવાએ અમને પરિપુષ્ટ કર્યા હતા, રેવાને પણ અમારો થોડો પરિચય થયો હોય તો કેટલું સારું. જેથી નર્મદાની જબલપુરથી ખંભાતના અખાત સુધીની આશરે ૧૩૦૦ કિમી.ની પરિક્રમા કરવાનો અવસર મળે ત્યારે એનું ઓળખપત્ર કામ લાગે ! આ વખતે તો હિંદુઓ જેમ ગાયના પૂંછને આંખે લગાડે એમ નર્મદા મૈયાના પૂંછ જેટલા વિસ્તારને આંખે અડાડી અમે પરિસંતોષ માન્યો.

સંપર્ક
‘આનંદ’, પ્લોટ નં. ૭૩/એ, યમુના પાર્ક,
અંજાર (કચ્છ) – ૩૭૦૧૧૦
મો. ૯૯૯૮૪૬૫૨૯૦

Leave a Reply to YOGI PANDE Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “નર્મદાને તીરે તીરે – જયંત રાઠોડ”

Copy Protected by Chetan's WP-Copyprotect.