ઉકેલ – અર્જુનસિંહ કે. રાઉલજી

(‘જનકલ્યાણ’ સામયિકના સપ્ટેમ્બર, ૨૦૧૬ના અંકમાંથી સાભાર)

ખરેખર તો ચિત્રા મૂંઝાઈ જ ગઈ હતી. ડોક્ટરના શબદો તેના મગજમાં હથોડાની પેઠે ભટકાતા હતા, ઘણની જેમ માથામાં અઠડાતા હતા, ‘જુઓ ચિત્રાબહેન… તમને બ્લડકેન્સર છે, જેનો કોઈ ઈલાજ નથી… આપણે શંકા ના રહે એટલા માટે ચાર-ચાર વખત તમારા બધા જ ટેસ્ટ કરાવ્યા છે, પણ દરેક વખતે તેનો પોઝિટીવ રિપોર્ટ જ આવ્યો છે એટલે શંકાને કોઈ સ્થાન નથી. તમારા ઘરમાં અને કુટુંબમાં તમે એકલાં જ છો અને આ નાનાં નાનાં બે બાળકો – અભય ને રીમા… જે હજુ આ બધું સમજી શકે એટલાં મોટાં નથી થયાં – નહીંતર આ બધી વિગતવાર વાત હું તમને કરત જ નહીં. તમારી પાસે માત્ર છ મહિનાનો સમય છે, માટે એક તો માનસિક રીતે તૈયાર થઈ જાવ અને આ નાનાં નાનાં ભૂલકાં માટે જે વ્યવસ્થા ગોઠવવી હોય તે ગોઠવી દો, જેથી તમારી હયાતી બાદ તેમને તકલીફ ના પાડે…’ ‘શું વ્યવસ્થા ગોઠવું ડોક્ટર સાહેબ ?’ ચિત્રાને ચીસો પાડી પાડીને કહેવાનું મન થતું પણ શબ્દો ગળામાં જ અટવાઈ જતા તેને ગભરામણ થતી, પણ આ પરિસ્થિતિનો કોઈ ઉકેલ દેખાતો નહોતો…! હજુ ચાર વરસ ઉપર જ તેના પતિ રમાકાંતનું અકસ્માતમાં મોત થયું હતું – રમાકાંતનું મરણ થયું તે વખતે આ નાની રીમા બે વરસની હતી અને અભય સાડા ત્રણ વરસનો. રમાકાંતની ખૂબ ખૂબ ઈચ્છા હતી તેનાં સંતાનોને ભણાવવાની – ડોક્ટર કે એન્જિનિયર બનાવવાની…! પણ હવે શું ? બધું જ પૂરું થઈ ગયું, તે તો ક્યાંયનીય ના રહી. છ મહિના પછી આ બાળકો નોંધારાં બની જશે – શું કરવું – તેની કોઈ સમજ ચિત્રાને પડતી નહોતી. તે એટલી બધી માલેતુજાર નહોતી કે પોતાનાં બાળકો માટે કરોડો રૂપિયાની ફિક્સ કરતી જાય. રમાકાંત પોતે પણ મામૂલી ક્લાર્કની નોકરી કરતો હતો અને ઘર ચલાવતો હતો. એક વિધવા સાસુ હતાં તે તો તે પરણીને આવી તે પહેલાં જ પ્રભુને પ્યારાં થઈ ગયાં હતાં. તેણે તો જોયું નહોતું પણ તેમને ઓળખનારાં કહેતાં હતાં કે રમાકાંતની પ્રથમ પત્ની તેમને એટલું બધું દુઃખ દેતી હતી, ખાવા રોટલો પણ આપતી નહોતી એટલે તેના ત્રાસથી જ ડોસી મરી ગઈ.

ચિત્રા સાથે રમાકાંતે ત્યાર પછી ફરીથી બીજું લગ્ન કર્યું હતું. આમ તો રમાકાંત સીધોસાદો માણસ હતો. નિશાળેથી નીસરી જવું પાંસરું ઘેર જેવા સ્વભાવવાળો…! આગલી પત્નીથી તેને એક દીકરી હતી, વહાલી… જેનું નામ તો વીણા હતું પણ રમાકાંત તેને પ્રેમથી વહાલી કહીને જ બોલાવતો હતો. ચિત્રા પરણીને આવી ત્યારે આ વહાલી પંદર-સોળ વરસની હતી. ખરેખર વહાલી લાગે તેવી જ હતી, પણ કોણ જાણે કેમ ચિત્રાને તો તે દીઠી ગમતી નહોતી, કદાચ પોતાની શોક્યની દીકરી હતી એટલે જ શોક્ય જેવી લાગતી હતી.

આ બધું તેને કનડવાનું જ ફળ હોય એમ હવે ચિત્રાને રહી રહીને લાગતું હતું. તેણે વહાલીને જે દુઃખ દીધું હતું તેનો જ બદલો હવે ભગવાન તેને આપી રહ્યો હતો એવું લાગતું હતું. આ ભવના પાપનું જ આ ફળ હતું. એક મા વગરની દીકરીને તેણે સતાવી હતી તેના જ નિસાસા હવે તેને લાગતા હતા અને તેનાં પોતાનાં સંતાનો પણ માત્ર મા વગરનાં નહીં પણ અનાથ બની જવાનાં હતાં. ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં જે કર્મનો સિદ્ધાંત સમજાવ્યો છે, તે હવે તેના જીવનમાં સાચો પડી રહ્યો હોય એમ તેને લાગતું હતું. પણ હવે પસ્તાવાનો કોઈ અર્થ નહોતો.

આમ તો વીણા રમાકાંતને ખૂબ જ વહાલી હતી, એટલે તો પ્યારથી તે તેને વીણાના બદલે વહાલી જ કહેતો હતો, પણ વીણાએ પણ આ અધિકાર માત્ર અને માત્ર તેના પપ્પાને જ આપ્યો હતો. રમાકાંત સિવાય બીજું કોઈ જો તેને વહાલી કહે એ તો તે તરત જ ગુસ્સે થઈ જતી અને મોંઢા ઉપર જ ચોપડી દેતી કે, ‘હું માત્ર મારા પપ્પાની જ વહાલી છું, બીજા કોઈએ મને વહાલી કહેવાનું નથી…!’ અને ચિત્રાને તો તે આંખના કણાની માફક ખૂંચતી હતી, ચિત્રા તો મનોમન એવું જ માનતી હતી કે આ વીણા જ તેના પ્રેમ અને લાડમાં ભાગ પડાવે છે, ચિત્રાના ભાગનો અને તેનાં સંતાનો અભય-રીમાના ભાગનો પ્રેમ પણ રમાકાંત આ વીણા ઉપર જ ઢોળી દે છે. આથી જ તે વીણાને ત્રાસ આપવામાં કશું જ બાકી રાખતી નહોતી. રમાકાંત ઘરમાં હાજર ત્યારે તો તે તેને બેટા… બેટા.. કરી લાડ કરવામાં પાછી પાની કરતી નહીં, પણ પછી જેવો રમાકાંતનો પગ ઘરની બહાર જાય કે તરત જ તેનું વર્તન બદલાઈ જતું. ઘરનું બધું જ કામકાજ એ વીણાને જ કરવું પડતું. કપડાં, વાસણ, કચરાં-પોતાં… બધું જ…! અને તેમાં પણ કોઈ ભૂલ કે ખામી નીકળે… અને નીકળે જ…! કોઈના પણ કામમાં ભૂલ કાઢવી એ તો રમત વાત હતી એટલે પછી તો ચિત્રા તેના ઉપર સવાર થઈ જતી, સાવરણી લઈને તેને ઝૂડી કાઢતી, પણ એ છોકરીએ ક્યારેય ઉફ… કર્યું નહોતું, ક્યારેય ચિત્રાની સામી નહોતી થઈ, એ તો ઠીક પણ ક્યારેય નવી મા વિરુદ્ધ તેના બાપને ફરિયાદ નહોતી કરી…! એની આ ભલમનસાઈને જ તેની નિર્બળતા માની, દિવસે દિવસે ચિત્રાનો ત્રાસ તેના ઉપર વધતો જ જતો હતો. એંઠું-જૂઠું ખાવાનું આપવું, વધ્યું ઘટ્યું ભિખારણને નાખતી હોય તે રીતે ચિત્રા તેને ખાવાનું આપતી.

તે દિવસે પણ રમાકાંત ઓફિસના કોઈ કામે મુંબઈ ગયો હતો – એક અઠવાડિયા માટે. એટલે ચિત્રાને ફાવતી આવી ગઈ હતી – વીણા ઉપર ત્રાસ ગુજારવાની. સવારમાં ક્યારનીયે તે વીણાને ઉઠાડી દેતી અને કામે લગાડી દેતી. જો રમાકાંત ઘેર ના હોય તો તે પોતે અને તેનાં બંને બાળકો મોડા સુધી પથારીમાં પડી રહેતાં. વીણા ઘરનું બધું કામ પરવારી જાય અત્યાર પછી જ એ લોકો ઉઠતાં. તેમને ચા બનાવી પીવડાવવાની જવાબદારી પણ વીણાની જ. તે દિવસે પણ એવું જ થયું હતું. રમાકાંત હતો નહીં. ચિત્રા અને અભય-રીમા દસ વાગ્યા સુધી ઊંઘ્યા કર્યાં. પછી ઊઠ્યાં ત્યારે વીણા બધું જ કામ પરવારી ગઈ હતી. અભયને ઘણા દિવસથી પૂરણપોળી ખાવી હતી એટલે ચિત્રાએ પૂરણપોળી બનાવી અને બપોરે જમવા બેઠાં ત્યારે વીણાની થાળીમાં તો રાતની વહેલી વઘારેલી ખીચડી જ મૂકી. વીણા ઘડીભર તો પૂરણપોળી સામે તાકી રહી પછી નિસાસો નાખીને તેણે પોતાની થાળીમાંથી ખીચડીનો કોળિયો ભર્યો, મોંમાં મૂકતાંની સાથે જ… થૂ…થૂ… કરીને થૂકી નાખ્યો, ‘મા… આ ખીચડી તો ઉતરી ગઈ છે…’ કરીને તેણે થાળી ઠેલી મૂકી…! તેની સાથે જ ચિત્રાનો ગુસ્સો ફાટી પડ્યો, ‘હં… પૂરણપોળી જોઈને ખીચડી ઉતરેલી લાગતી હશે કેમ ? પણ તને પૂરણપોળી નહીં મળે ખાવી હોય તો ખા આ ખીચડી – જેવી હોય તેવી, ઉતરેલી હોય તો પણ તારે જ ખાવાની છે – અન્નનો બગાડ કરવાનો નથી.’ કહીને ચિત્રાએ તેને રમરમાવી, સાવરણી લઈને ઝુડી કાઢી એટલે તે ઘર છોડીને નાસી ગઈ. ચિત્રાને ગમ્યું, આનંદ થયો, ચાલો ટાઢા પાણીએ ખસ ગઈ. રમાકાંત આવ્યો એટલે તેને ચઢાવ્યો કે, ‘તમારી લાડલીનાં લખ્ખણ કાંઈ સારાં નહોતાં પેલા નીચ વરણના છોકરા સાથે લફરું હતું અને મેં તેને રંગે હાથ પકડી એટલે નાસી ગઈ.’ રમાકાંતે પોતાની વહાલીની ખૂબ રાહ જોઈ, તેને એમ હતું કે છોકરી ગુસ્સામાં ચાલી ગઈ છે, જેવો ગુસ્સો ઉતરશે એટલે પાછી આવી જશે, પણ તેની વહાલી પાછી ના જ આવી. તેણે બધાંય પેપરોમાં જાહેરાતો આપી તો પણ વીણા પાછી ના જ આવી.

હવે રહી રહીને ચિત્રાને પોતાના એ વર્તન બદલ પસ્તાવો થતો હતો. તેને હવે તો એમ જ લાગતું હતું કે નક્કી તેને વીણાનો નિસાસો જ લાગ્યો છે. તેની આંતરડી કકળાવી તેણે સારું નથી કર્યું, તેના અંતરાત્માનો શાપ જ તેને લાગ્યો છે. તેનો હર્યો-ભર્યો સંસાર ફના ફાતિયા થઈ ગયો. પહેલાં રમાકાન્તને અકસ્માત ભરખી ગયો અને હવે તેને પોતાને બ્લડકેન્સર થયું. છ મહિના પછી તેનાં છોકરાં નોંધારાં થઈ જશે. તેનું શું કરવું ? તેનાં બાળકો માટે શું કરવું તે જ તેને સમજાતું નહોતું. ક્યાં અને કોના સહારે મૂકવાં આ બાળકોને ? તેને કશી ખબર પડતી નહોતી. તે બાળકોના અનાથાશ્રામમમાં પણ તપાસ કરી આવી પણ એ લોકો પણ અભય-રીમાને સ્વીકારવા તૈયાર નહોતાં. શું કરવું – તેનો કોઈ ઉકેલ ચિત્રાને મળતો નહોતો. કોઈકે કહ્યું કે નગરશેઠ દયાળુ છે તેમની પાસે જા અને દયાની ભીખ માગ, કદાચ તેઓ તને કોઈરસ્તો બતાવે, તો તેણે એ પણ કર્યું. નગરશેઠ પાસે પોતાનો ખોળો પાથરી મદદ કરવા વિનંતી કરી પણ તેઓ માત્ર બે-પાંચ હજાર રૂપિયા મદદ કરવા તૈયાર થયા, એથી વધારે બીજું કાંઈ નહીં.

શું કરવું ? પોતે મરણ પામે પછી આ બાળકોનું કોણ ? કોણ તેમનું પાલન-પોષણ કરશે ? કોના સહારે એ જીવશે ? ચિત્રા જેમ જેમ વિચારતી જતી હતી તેમ તેમ તેનું હૈયું કાંપી ઊઠતું હતું, રાતના અંધારામાં બાળકો ના જુએ એ રીતે તે રડી લેતી હતી… પણ આ પરિસ્થિતિનો તેને કોઈ ઉકેલ મળતો નહોતો… શું કરવું ? બાળકોને કોના ભરોસે છોડવાં ? કાંઈ જ સમજાતું નહોતું – ચિત્રાને…?!

ચાર-પાંચ રાતોથી તેની ઊંઘ હરામ થઈ ગઈ હતી અને કદાચ ઝોકું આવી જાય તો પણ ભયાનક સપનાં તેનો પીછો છોડતાં નહોતાં…! સપનામાં બાળકોને ભીખ માગતાં જોતી, ટાઢ અને તડકામાં કાળી મજૂરી કરતાં જોતી, મુકાદમ તેમને ચાબુકે ચાબુકે ફટકારતો…! તે સપનામાંથી જ ચીસ પાડીને બેઠી થઈ જતી… હવે તો તેને આ સમસ્યાનો માત્ર એક જ ઉકેલ દેખાતો હતો – પોતાના મૃત્યુ પહેલાં આ બંને બાળકોને પણ મોતને ઘાટ ઉતારી દેવાં, તો જ પોતે પણ શાંતિથી મરી શકશે. તેણે મનોમન પાકો નિર્ણય કરી લીધો, અને તેના અમલ માટેનો રસ્તો પણ વિચારી લીધો…!

બીજા દિવસે તે વહેલી સવારે લગભગ છ વાગ્યાની આસપાસ બાળકોને લઈને નીકળી ગઈ, બાળકોને પ્રિય કપડાં પહેરાવ્યાં, તેમને ભાવતી ચોકલેટો ખવડાવી અને તે નીકળી પડી – વાસદ બ્રિજ તરફ. વાસદ ડેપોમાં ઉતરી અને ડેપોમાં બાળકોને ભાવતી ચણાની દાળ ખવડાવી, પછી ચાલતી ચાલતી તે મહીસાગરના બ્રિજ તરફ આગળ વધી, બ્રિજ ઉપર આવી મહીસાગર માને પ્રણામ કર્યા, પુલની રેલિંગની બીજી બાજુ ગઈ, બે હાથની બાથમાં બંને બાળકોને દબાવ્યાં અને પુલ પરથી ભૂસ્કો મારવા તૈયારી કરી, ત્યાં તો બે મજબૂત હાથોએ તેને બાળકો સહિત પકડી લીધી – સાથે બૂમ પણ સંભળાઈ – ‘મા, આ તું શું કરે છે ?’ ચિત્રાએ જોયું તો તેની વીણા – વહાલી અને સાથે તેનો પતિ… પાસે જ ઊભેલી બાઈક…! તે વિસ્ફારિત નયને તેમને જોઈ રહી. વીણા બોલી, ‘મા… મને ના ઓળખી ? તારી વહાલી… આ તારા જમાઈએ… અને તને ચાલતાં આવતી જોઈ એટલે શંકા પડી અને તું આ બંનેને લઈને નદીમાં પડવા જતી હતી કે તારા જમાઈ તને પકડી લીધી, હવે તારે આપઘાત કરવાનો નથી, અમે આવી ગયાં છીએ, તારી બધી જ મુશ્કેલીઓ એ હવે અમારી મુશ્કેલીઓ છે, તને જે તકલીફ હશે તેનો હવે માત્ર એક જ ઉકેલ છે – તારી દીકરી વીણા… તારી વહાલી.. ચાલો અમારી સાથે…?!’

ચિત્રા તો શું બોલે ? દીકરીને બાઝીને ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “ઉકેલ – અર્જુનસિંહ કે. રાઉલજી”

Copy Protected by Chetan's WP-Copyprotect.