સંતોષી નર સફળ ગણાય કે નિષ્ફળ – ડૉ. ચંદ્રકાન્ત મહેતા

%e0%aa%b8%e0%aa%ae%e0%aa%be%e0%aa%9c%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b8%e0%ab%8b%e0%aa%a8%e0%ab%8b%e0%aa%97%e0%ab%8d%e0%aa%b0%e0%aa%be%e0%aa%ab%e0%ab%80(‘સમાજની સોનોગ્રાફી’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)

સંસ્કૃતના ‘સંતુષ્‍’ (સંતોષ પામવો) શબ્દ જેટલું મળે તેટલાથી ‘પ્રસન્ન’ રહેવું, તેવો ભાવ સૂચવે છે. ભાગ્યમાં માનનાર એમ વિચારી સંતુષ્ટ રહેવામાં માને છે કે નસીબમાં લખ્યું હશે તે મળશે, એટલે આનંદમાં રહેવું મતલબ કે અનાયાસે પ્રારબ્ધ યોગે જે પ્રાપ્ત થાય તે કોઈ પણ પ્રકારના ક્લેશ વગર સ્વીકારી લેવું. સંતોષવૃત્તિમાં સર્વ પ્રકારના ભોગોમાં આસક્તિ કે તૃષ્ણા ન રાખી અનાસક્ત રહેવાની વાત સૂચિત છે. સંતોષમાં તૃપ્ત રહેવાની ભાવના છે. એવી તૃપ્તિમાંથી સ્વભાવની પ્રસન્નતા અને ખુશમિજાજપણું પ્રગટે. સંતોષની ભાવના માણસને ધરપત રાખવાનું અને પ્રત્યેક પરિસ્થિતિમાં સંતોષને જ દોલત માનવાની વાત શીખવે છે. સંતોષની અધિકતા માણસને ‘પરિતોષ’ – પરિતૃપ્તિની અનુભૂતિ કરાવે છે. જીવનમાં માણસ સમક્ષ ઈચ્છાઓ, આશાઓ, આકાંક્ષાઓ, તૃષ્ણાઓ, વાસનાઓ, અપેક્ષાઓનો મહાસાગર ઘૂઘવતો હોય છે. પોતાની સઘળી ઈચ્છાઓ સંતોષાય એ માટે માણસ બાથોડિયા મારતો હોય છે. પણ માણસની સર્વ ઈચ્છાઓ સંતોષાય એ શક્ય નથી, કારણ કે ઈચ્છાઓ અનંત છે, બેશુમાર છે. ઈચ્છાઓને કોઈ સરહદ નથી કે નથી હોતું કોઈ અંતિમ સ્ટેશન ! નવાં-નવાં રૂપ ધરી નવી-નવી ઈચ્છાઓ જન્મ ધારણ કરતી હોય છે. ઈચ્છા એ નૃત્યદિગ્દર્શક જેવી ભૂમિકા ભજવે છે. માણસને નચાવે છે. પણ માણસને ઈચ્છાઓના મોહમાં ફસાયા બાદ ક્યાં અટકવું તેની ખબર પડતી નથી ! તૃષ્ણા ન છીપે તેવી તૃષા-તરસ છે. એવી તરસ પણ સ-રસ છે એટલે માણસ તૃષ્ણાની જાળમાં ફસાય છે.

સંતોષી કોણ ? મહોપનિષદ તેની સ્પષ્ટતા કરતાં કહે છે કે જે અપ્રાપ્ત એટલ કે નહીં મળેલી વસ્તુની ચિંતા નથી કરતો અને પ્રાપ્ત થયેલી વસ્તુ પ્રત્યે સમર્દષ્ટિ ધરાવે છે, જેને નથી દુઃખની પરવા કે નથી સુખની ચિંતા – એવા માણસને સંતોષી કહી શકાય.

સંતોષ એટલે મનોવિજય, મન પરનો કાબૂ, મન ભટકવાને બદલે તમારી આજ્ઞાથી અટકવાનું શીખી લે તો માનવું કે તમારામાં સંતોષનો ઉદય થયો છે.

સંતોષને પરમ સુખ એટલા માટે ગણવામાં આવે છે કે સંતોષને પગલે માણસમાં શાંતિ પ્રગટે છે. અસંતોષી માણસ અશાંત હોય છે કારણ કે તેનું મન પોતાની ઈચ્છાઓ સંતોષાય તે માટે ધમપછાડા કરતું હોય છે. એટલે તે અંદર અને બહારથી અશાંત હોય છે, ને ઉદ્વિગ્ન રહે છે, અપ્રસન્ન રહે છે, નાખુશ રહે છે, નારાજ રહે છે, બેચેન રહે છે એટલે પ્રસન્નતાથી અળગો રહેવાને કારણે રાજીપો અનુભવી શકતો નથી. એટલે જ માણસે જીવનમાં સંતોષને પોતાનો આરાધ્ય બનાવી હૃદય-મંદિરમાં તેનું સ્થાન સ્થાપિત કરવું જોઈએ. ‘બુદ્ધિચરિતં’માં અશ્વઘોષે એટલે જ સલાહ આપી છે કે પોતાની પાસે વધુ ધન હોવા છતાં જે અસંતુષ્ટ રહે છે, તે નિર્ધન છે. અને જે ધન વગરનો છે, પરંતુ જે સંતોષી છે તે (નિર્ધન હોવા છતાં) તવંગર છે. સંતોષ માણસને મસ્ત રહેવાની કળા શીખવે છે. ભાગવતમાં વર્ણવ્યું છે તેમ પૃથ્વી છે તો પછી પલંગનો પ્રયત્ન શું કામ ? હાથ છે તો પછી તકિયાનું શું પ્રલોભન ? ખોબો છે તો પછી પાત્રની શી જરૂર ? દિગંબરના વલ્કલ છે તો પછી રેશમી વસ્ત્રો શું કામ? મતલબ કે ચીજ-વસ્તુઓની પ્રાપ્તિનો મોહ છોડી જે મળે તેનાથી પ્રમુદિત રહો તો દુઃખી થવાનું કોઈ કારણ રહેશે નહીં.

માણસ સંતોષનો પાલવ ન પકડે તો તેનામાં લોભવૃત્તિ બળવત્તર બને. અને લોભને કોઈ વિરામસ્થળ હોતું નથી. લોભને પગલે મોહ વધે, માણસ વિવેક ગુમાવી બેસે, અને વિવેકશૂન્ય માણસનું અનેક રીતે પતન થવાની શક્યતા રહે. સંતોષી માણસને એવી ચિંતા હોતી નથી, કારણ કે એ પોતાના જીવનનો ઉદ્દેશ મનને બહેકવા દેવાનો નહીં, પણ પ્રસન્નતાથી મહેકવા દેવાનો ધરાવતો હોય છે એટલે સંતોષી માણસ અલગારી હોય છે. એની મનોવૃત્તિનું યથાર્થ ચિત્ર નઝીર અકરાબાદીએ રજૂ કર્યું છે –

“ગર યાર કી મર્જી હુઈ, ઘર જોડ કે બૈઠે.
ઘર-બાર છુડાયા તો વહીં છોડ કે બૈઠે !
મોડા ઉન્હેં જિધર બહીં, મુંહ મોડ કે બૈઠે,
ગુદડી જો સિલાઈ તો વહીં ઓઢ કે બેઠે !
ઔર શાલ ઊઢાઈ તો, ઉસી શાલ મેં ખુશ હૈ
પૂરે હૈ વહી મર્દ જો હર હાલ મેં ખુશ હૈ !”

એટલે મૂળ વાત છે પ્રત્યેક દશામાં, સ્થિતિમાં ખુશ રહેવાની ? ‘રામ રાખે તેમ રહીએ’માં આવી જ ઉદાત્ત ભાવના સમાયેલી છે.

સંતોષી માણસ રાજાઓનોય મહારાજા છે કારણ કે એનું મન અને હૃદય સંતોષના અમૃતથી ભરેલું છે. સંતોષી રહેવું એ પોતે જ એક પ્રકારની સફળતા છે એટલે સંતોષી માણસને નિષ્ફળ ગણાવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી !

શેખ સાદી કહે છે કે ભાઈ ! સ્થિતિ કે સમય પલટાય એટલે તું મનને ખાટું ન કરીશ, કારણ કે સંતોષ બહારથી કડવો લાગે, પરંતુ એ મધુર ફળ ધારણ કરનારો છે.

સંતોષી માણસમાં સમાધાનવૃત્તિ હોય છે, જતું કરવાની વૃત્તિ હોય છે. એટલે એણે ભોગી બનવાને બદલે ત્યાગી બનવાની તાલીમ મનને આપવી પડે છે, જે ગણતરીબાજોને મન મૂર્ખતા છે. પણ એ પણ હકીકત છે કે સંતોષી મનોવૃત્તિ વાળા લોકો કરતાં અસંતોષી મનોવૃત્તિ વાળા લોકો અંતે અધિક દુઃખી થયા છે. અસંતોષી માણસ મમત્વ છે ત્યાં દુઃખ છે અને જ્યાં સમત્વ છે ત્યાં સુખ અને શાંતિ છે.

‘કિંગ હેનરી સિક્સ્થ’માં સંતોષનો જયજયકાર કરતાં શેક્સપિયર કહે છે – “મારો મુગટ તો મારા હૃદયમાં છે, નહીં કે મસ્તક પર. મારો મુગટ નથી હીરાજડિત, નથી ભારતીય રત્નજડિત. મારો મુગટ બહારથી દેખાતો નથી. મારા મુગટનું નામ છે સંતોષ અને રાજા લોકો ભાગ્યે જ તેને ધારણ કરી શકે છે.”

અસંતોષે યુદ્ધોની અગનઝાળ પ્રગટાવી છે અને સંતોષે એને ઠારવાની કોશિશ કરી છે. આજે આપણે જેમને અવતારી પુરુષો, વિભૂતિઓ, સંતો-મહાત્માઓ, મહામાનવો તરીકે પૂજીએ છીએ તેમણે સંતોષનો પોતાના જીવનમાં ‘વ્રત’ તરીકે સ્વીકાર કર્યો હતો.

પાથેય :
“બહુત ખુશ હૂં મુસીબત મેં ખુદા કો યાદ કરતા હૂં.
મેરી કશ્તી કો એં તૂફાં યૂં હી જેરોજબર (ડગમગતી) રખના.”

[કુલ પાન ૧૭૦. કિંમત રૂ. ૧૮૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “સંતોષી નર સફળ ગણાય કે નિષ્ફળ – ડૉ. ચંદ્રકાન્ત મહેતા”

Copy Protected by Chetan's WP-Copyprotect.