વસિયત : મારું છેલ્લું સદ્‍કાર્ય – વિજયભાઈ ગાંધી

(‘જનકલ્યાણ’ સામયિકના સપ્ટેમ્બર, ૨૦૧૬ના અંકમાંથી સાભાર)

[શ્રી વિજયભાઈ ગાંધી લિખિત પુસ્તક : ‘વસિયત : મારું છેલ્લું સદ્‍કાર્ય’ શ્રી પુનિત સેવા ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થયેલું છે જેમાં કાયદાકીય, ભાવનાત્મક, આધ્યાત્મિક, વાસ્તવિક વસિયતનામું બનાવવા માટેનું સરળ/સચોટ માર્ગદર્શન આપવામાં આવેલું છે. પુસ્તક અત્યારે પણ ઉપલબ્ધ છે અને રૂ.૩૫/- સંસ્થાને મોકલી આ ઉપયોગી પુસ્તક આપ મેળવી શકો છો. અહીં નીચે પ્રસ્તુત ‘ફેમિલીસ એથિકલ વીલ-કુટુંબના નૈતિક મૂલ્યો સમજાવતું વીલ’ એ સ્થાવર- જંગમ મિલકતોના વીલ-વસિયત ઉપરાંતનું દસ્તાવેજીકરણ બની રહેશે.]

કુટુંબના નૈતિક મૂલ્યો સમજાવતું વીલ

આ Ethical Will એ વસિયતનામું નથી પરંતુ તમારા જીવનનો આ અંતિમ ઈચ્છાપત્ર છે. આ પત્ર વ્યક્તિએ એક અલગ કાગળ પર લખી જવાનો છે જે લખનારના જીવનના ઈતિહાસનું મહત્વનું પાનું બની જશે.

કુટુંબના નૈતિક મૂલ્યો એટલે કુટુંબના સભ્યોના વિચાર અને વર્તન. વિચાર અને વર્તન એટલે કુટુંબના સભ્યોના સામાજિક- આધ્યાત્મિક વિકાસ વાસ્તે અને તેમની સુખાકારી માટે જીવનમાં પ્રસ્થાપિત કરવાના વાણી, વ્યવહાર અને ધર્મ- ફરજો. એ વિચાર અને વર્તન જેટલા ભાવનાથી અને સેવાની વૃત્તિથી ભરેલા હશે તેટલા પ્રમાણમાં કૌટુંબિક નૈતિક મૂલ્ય ઊંચું ગણાશે-ઊંચું રહેશે.

નૈતિક મૂલ્યોનું વિચાર અને આચારમાં પાલન કરવાથી બાળપણથી માંડી વૃદ્ધાવસ્થા સુધી સફળતા, સુખ અને શાંતિ સહજ આવી મળે છે. પ્રત્યેક કુટુંબનું અંતિમ ધ્યેય સાફલ્ય, સુખ અને શાંતિ મેળવવાનું જ હોય છે એ સર્વવિદિત વાત છે.

‘ફેમિલી એથિકલ વીલ’માં વ્યક્તિ પોતાના કુટુંબના સભ્યોએ જીવનમાં ઉતારવા જેવા નૈતિક મૂલ્યો (વિચાર અને વર્તનને) કેમ કરતાં વધારી શકાય તે અંગેનું માર્ગદર્શન, પોતાના જીવનકાળ દરમિયાન લાધેલા અનુભવના જ્ઞાનના પ્રકાશમાં, નિરૂપી જાય – અંતિમ ઈચ્છાપત્રમાં કુટુંબીજનો વાસ્તે લખી જાય તેને Ethical Will કહે છે.

વિચાર – ૧. સૌ પ્રથમ નૈતિક મૂલ્યોમાં વિચારને મહત્વ આપવાનું છે. જેમ કે એમ લખી શકાય કે, મારા વિચાર મુજબ કુટુંબની સ્ત્રીઓ, દીકરીઓ, નાનામોટા પુત્રપૌત્રાદિ સૌ સ્વચ્છ, ૠતુને અનુકૂળ, આધુનિક પરંતુ મર્યાદાવાળા સારાં વસ્ત્રો ધારણ કરજો.

૨. કુટુંબની કોઈ પણ વાત સબબે જિદ્દી વલણ ન અપનાવશો. ક્રોધ પર કાબૂ કરતાં શીખજો. શિખામણ આપતાં કે પોતાનો અણગમો વ્યક્ત કરતાં, અણગમાની લાગણી પ્રગટ કરતાં કે વાદ-વિવાદ દરમિયાન ઊંચા અવાજે બોલતા નહીં.

૩. દરેક વ્યક્તિએ કાળજી લેવી જોઈશે કે શરીરનું વજન ખૂબ વધી ન જાય-સ્થૂળતા ન આવે. આ મુદ્દો ધ્યાનમાં રાખી ભાવતું ભોજન પ્રમાણસર લેવું.

૪. સ્વચ્છ ચોખ્ખું જળ પીવું-સ્વચ્છ પથારીમાં સૂવું.

૫. કુટુંબના પ્રત્યેક સારા-માઠા, નાના-મોટા પ્રસંગોમાં સૌએ સાથે હળીમળી, ખભેખભો મિલાવી મન દઈને કાર્ય પાર પાડવા વર્તવું.

૬. કુટુંબની એકતાનાં દર્શન આવેલ મહેમાનોને કરવા જરૂરી છે.

૭. કુટુંબના સભ્યની ઉપર્યુક્ત સેવા કર્યા બાદ ઈશ્વરસ્મરણ (સુમીરન), ભજન કે માળા-જપ-પૂજા અવશ્ય કરવાં. આનાથી ભાવ જાગે ને ભક્તિ કરતાં પ્રભુ શક્તિ પ્રદાન કરે જેથી દરેક પ્રકારના સત્કર્મો કરવામાં ને શાંતિ પામવામાં સહાય મળે-સુખ મળે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ॥

વર્તન – કુટુંબના સભ્યોના વાણી, વ્યવહાર અને ધર્મ-ફરજો સંબંધી સૂચનો-

૧. કોઈપણ સભ્ય, કૌટુંબિક કામગીરી કરતાં કરતાં, સ્વાર્થી વર્તન કરતો ન થાય તે અંગે જાગૃતિ રાખવી. લગ્નજીવન શરૂ થાય ત્યાર પછી કદીક કુટુંબના અન્ય સભ્યો પ્રત્યેની લાગણી પાતળી ન પડે તે સબબે સજાગ રહેજો.

૨. કુટુંબના કોઈપણ સભ્યના કે એના પાલ્યના ભણતર બાબતે, કોઈ પણ કળા કે વિદ્યાની સાધના બાબતે, નોકરી કે વેપાર સંબંધી સતર્ક ને સહાનુભૂતિભર્યું વલણ અપનાવવું. વાણી, વર્તન કે વિચારથી બુદ્ધિપૂર્વકની સમજ વાપરી, સમાધાનકારી અભિગમ અપનાવી કાર્ય કરવું. આમ થશે તો કોઈને વાણી-વર્તનથી દુઃખ નહીં પહોંચે ને કૌટુંબિક ઐકેય અકબંધ જળવાઈ રહેશે.

૩. ઉતાવળે, અજંપામાં કે રઘવાટમાં કાર્ય કરવાથી પૂરતી સફળતા મળતી નથી માટે શાંતચિત્તે, ચોકસાઈથી દરેક કામ સેવાના ભાવથી પ્રેમપૂર્વક પ્રભુસ્મરણ કરતા કરતા કરજો.

૪. પ્રભુસ્મરણ એટલે કતૃત્વભાવને નિઃશેષ કરવાનો ભાવ. ‘હે પ્રભુ ! આ કાર્ય હું કરતો નથી, પ્રભુ તું જ આ કાર્ય કરાવે છે-મને તારું સફળ માધ્યમ બનવામાં સહાય કરજે.’ એવી ભાવનાથી પ્રત્યેક કર્મ કરજો.

આપણા કુટુંબનું સર્જન જીવનમાં સફળતા, સુખ, શાંતિ માપવા વાસ્તે થયું છે, તો તે પામવા માટે ઉપર બતાવેલ વિચાર-વર્તન તાર્દશ કરવા જીવંત કોશિશ કરશો. એમ કરતાં મીઠા ફળ અવશ્ય પામીશું. આમ કુટુંબનું નૈતિક ધોરણ ઉપર ઊઠશે, તેથી સામાજનાં મૂલ્યો વિકસશે ને તેમ થતાં દેશનું નૈતિક મૂલ્યોનું સ્તર ઉપર ઊઠશે-વિકસશે.

કોઈપણ વ્યક્તિ જેને પોતાના કુટુંબને નૈતિક, મૂલ્યોની સમજ આપવાની અંતિમ ઈચ્છા હોય તે પ્રત્યેક જણ, પછી તે આર્થિક રીતે ગરીબ હોય કે તવંગર હોય, આવું Famiy’s Ethical Will બનાવી શકે છે.

આ લખનારની અંતરની ભાવના છે કે ઉપર જણાવ્યું તેવું એથિકલ વીલ, વધુ ને વધુ લોકો બનાવે જેથી ધન-દૌલતની જેમ, સંસ્કારનો વારસો પણ વારસદારો પામે. આ પ્રમાણેના એથિકલ વીલનું લખાણ તમારા કુટુંબજનો માટે ‘શિક્ષાપત્રી’ બની રહેશે – એમને તેથી તમારી ગેરહાજરીમાં સંસ્કાર અને માર્ગદર્શન મળતું રહેશે, વારંવારનું વાચન જલદીથી આચરણમાં ઉતરવાનું એ નિશ્ચે જાણજો.

*
આ બાબતમાં, વધુ જાણકારી કે માર્ગદર્શન આવશ્યક લાગે તો, લેખક સદ્‍ભાવનાપૂર્વક વિનામૂલ્યે મદદરૂપ થવા તૈયાર છે. સંપર્ક – જી-૪૦૨, સુમધુર ફ્લેટ્સ, આઝાદ સોસાયટી પાસે, આંબાવડી, અમદાવાદ-૩૮૦૦૧૫. ફોન : ૦૭૯-૨૬૭૪૫૯૪૪, મો. ૯૪૨૮૪૧૯૯૦૨. (૩૦-૧૧-૨૦૧૬ સુધી ભારતમાં છે.)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “વસિયત : મારું છેલ્લું સદ્‍કાર્ય – વિજયભાઈ ગાંધી”

Copy Protected by Chetan's WP-Copyprotect.