સોશિયલ મીડિયાની માયાજાળ.. – વિજય શાહ

(રીડગુજરાતીને પ્રસ્તુત લેખ મોકલવા બદલ શ્રી વિજયભાઈ શાહનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો vijayshah113@gmail.com અથવા 90676 96577 પર સંપર્ક કરી શકો છો.)

હું ખડખડાટ પેટ પકડીને હસી પડ્યો.. આંખની પાંપણો હાસ્યઅશ્રુઓથી ભીંજાઈને અરધી મીંચાઈ ગઈ જ્યારે મેં ગુજરાત સમાચારના એક પ્રખ્યાત લેખકના લેખમાં વાચ્યું કે ટેકનોલોજી માનવજીવન સરળ બનાવવા અને લોકોને એકબીજાથી જોડવા અને માણસોનો સમય બચાવવા માટે છે…

શું ખરેખર આ હકીકત છે શું આ વાસ્તવિકતાની નજીક પણ છે.

આજની યુવાપેઢી વોટ્‍સ એપ, ફેસબુક, સ્નેપચેટ, ઈન્સટાગ્રામ અને આવી ઘણી ઘણી સોશિયલ નેટવર્કિંગ એપ્સ (એપ્સનો એક ગુજરાતી અર્થ વાંદરાઓ પણ થાય પણ અહીં એપ્લિકેશનસ્‍ સમજવો) ઉપર સતત સકારણ કે અકારણ.. અંગૂઠો ફેરવ્યે રાખતા જોઈને લાગે છે કે હવેના ગુરુઓએ પણ દ્રોણાચાર્યએ એકલવ્યો અંગૂઠો માંગ્યો હતો એમ આ પેઢીની ભલાઈ માટે અંગૂઠો જ માંગી લેવો જોઈએ…

તેમાં કોઈ શંકાને સ્થાન નથી કે ટેકનોલોજીના સહારે એક સામાન્ય માણસ પણ રાજા મહારાજાઓ એમના સમયમાં કલ્પના પણ નહોતા કરી શકતા તેની સુવિધાઓ અને સવલતો ભોગવે છે, દા.ત. જો એ સમયમાં ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રે ક્રાંતિ આવી ગઈ હોત તો ઈ.સ. ૧૮૫૭ નો વિપ્લવ એટલે કે અંગ્રેજો સામેની ગુલામીમાંથી મુક્તિની પ્રથમ ચળવળ જ ભારતમાં સફળ બની ગઈ હોત.. સમયસર સાચા હાથોમાં સંદેશા પહોંચ્યા હોત અને આપણને ૧૮૫૭માં જ આઝાદી મળી ગઈ હોત..

પરંતુ વાત હવે બીજા પ્રકારની આઝાદીની છે… હાલમાં જ એક સુપ્રસિદ્ધ યુનિવર્સિટીએ હાથ ધરેલા સર્વેમાં એવું તારણ બહાર આવ્યું કે ફેસબુક અને વોટ્‍સ એપ પર વધારે સમય વીતાવવા વાળા લોકોમાં ઈર્ષા, નિરાશા અને તણાવનું પ્રમાણ તેનાથી અળગા રહેતા લોકો કરતા ૪૦ ટકા વધારે હોય છે.. સોશિયલ મીડિયા ઉપર મોટાભાગે લોકો પોતાના જીવનની આનંદિત પળો જ શેર કરતા હોય છે… જેની સામે જોનાર વ્યક્તિ પોતાના જીવનની નકરાત્મક પળોને સરખાવે છે અને ઈર્ષા અને તણાવમાં ગરકાવ થઈ જતાં હોય છે.. દા.ત. જે મૂરતિયાના હજારો પ્રયત્ન પછી પણ લગ્ન ન થઈ રહ્યા હોય તે તેના ફેસબુક મિત્રોની સગાઈ, સગપણ અને હનીમૂનનાં ફોટા જોઈને માનસિક ત્રાસમાંથી પસાર થાય છે.

તો બીજા એક સર્વે પમાણે ભારતમાં ઈ.સ. ૧૯૨૦-૩૦ ના દાયકામાં જે સ્તરના તણાવ માટે લોકો મનોરોગના ચિકિત્સક પાસે જતા હતા.. હાલમાં તે સ્તરનું તણાવ ૮-૧૦ ધોરણમાં અભ્યાસ કરતાં બાળકોમાં જોવા મળે છે.. અને કૉલેજીયનોની તો વાત જ ન કરો.. અને આ તણાવનું એક મસમોટું કારણ સોશિયલ મીડિયા છે.

ઘણીવાર વાયુવેગે અફવાઓ અને દંગાઓ ફેલાવવામાં પણ સોશિયલ મીડિયાએ મોટો ભાગ ભજવ્યો છે.. તાજેતરમાં દિલ્હીની એક વેરભાવથી એક છોકરાનો ફોટો પાડી સોશિયલ મીડિયામાં વહેતો મૂક્યો અને આરોપ લગાવ્યો કે આ છોકરાએ તેની છેડતી કરી છે.. દેશ વિદેશના લોકોએ ટપોટપ શેર કરવા મંડ્યું.. પોલીસે કિસ્સો હાથમાં લઈ સમગ્ર ઘટનાની તપાસ કરતાં જાણવા મળ્યું કે તે છોકરો નિર્દોષ હતો.. એક ન્યુઝ ચેનલે માફી પણ માંગી.. પણ તે છોકરાના ચરિત્રનું કારણ વિના પતન કરવામાં આવ્યું તેની ભરપાઈ કોણ કરશે.

તો બીજી આવી ઘટનામાં તમિલનાડુની એક કૉલેજની યુવતીની કોઈક અજાણ્યા ઈસમે તેના ફોટા સાથે ચેડાં કરી અર્ધનગ્ન સ્થિતિમાં ફેસબુક પર પોસ્ટ કરી.. યુવતીના પિતાએ પોલીસ ફરિયાદ કરી.. પરંતુ પોલીસે સમગ્ર મામલામાં રસ ન ધરાવ્યો.. અને તે યુવતીએ બદનામીના ડરે આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું.. શું સોશિયલ મીડિયા એક પિતાને તેની લાડકવાયી પુત્રી પાછી લાવી આપશે.

પાટીદાર અનામત આંદોલન વખતે આવી જ ઘટનાઓની ભીતિથી ગુજરાત સરકાર નેટ બંધ કરી સોશિયલ મીડિયા પર સંકજો કસ્યો હતો.. નેટ બંધ થયું તો ગુજરાત ભરનાં યુવાનીયાઓને લાગવા લાગ્યું કે જાણે ઑક્સીજનની કમી થઈ ગઈ..

અને એ તો હકીકત છે કે સુવાના સ્થાનની પાસે મોબાઈલ ચાર્જીંગ પોઈંટ મળી જાય તો સ્વર્ગ સુખ મળ્યાની અનુભૂતિ થાય અને જ્યારે પણ આપણા મોબાઈલની બેટરી ખતમ થાવાની ત્યારે ગમે તેટલો શાંત મગજ વાળો માણસ પણ થોડી ક્ષણો માટે તો તણાવમાં આવી જ જાય છે..

આજની પેઢીને જો એવું કહેવામાં આવે કે વૃક્ષો વાવવાથી મફત વાય ફાય મળે તો ૧૦૦ ટકા વૃક્ષો વાવશે.. પણ કમનસીબે હાલમાં તો વૃક્ષો માત્ર છાંયો અને ઓક્સીજન જ આપે છે જે કદાચ વાય ફાય કરતાં વધારે મહત્વનું નહીં હોય, નહીં?

– વિજય શાહ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

9 thoughts on “સોશિયલ મીડિયાની માયાજાળ.. – વિજય શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.