ઈશ્વરનો ઉપકાર – ગિરીશ ગણાત્રા

(‘નવચેતન’ સામયિકના ઑગસ્ટ, ૨૦૧૬ના અંકમાંથી સાભાર)

ઘણા વખત પહેલાંની વાત છે.

રમેશ અને વિપુલ ગાઢ મિત્રો. સ્કૂલમાં એક જ ક્લાસમાં ભણે; સાથે ભણવા જાય, લેસન કરે અને સાથે જ રમવા જાય. કોઈ તહેવારને દિવસે બંને મંદિરમાં પગે લાગવા ગયા. રમેશ કહે – “આજે હું ભગવાન પાસે કશું માગીશ.” વિપુલ કહે – “હું પણ માગીશ.”

બંનેએ શાંતિથી પ્રાર્થના કરી અને પછી ઈશ્વર પાસે મનમાં ને મનમાં કંઈક માગ્યું, રમેશ કહે – “વિપુલ, તેં શું માંગ્યું ?”

“અરે ગાંડા, ઈશ્વર પાસે આપણે જે કંઈ માગ્યું હોય તે કોઈને કહેવાતું હશે ? એ તો ખાનગી રખાય.”

“હું તો કોઈ વાત ખાનગી રાખતો જ નથી. મેં જે માગ્યું તે હું તને કહીં જ દઉં છું, બીજાને ભલે કહું કે ન કહું. સાંભળ મેં શું માગ્યું તેં ખબર છે ? મેં તો ભગવાનને કહ્યું કે હું ખૂબ ભણું, સારા માર્ક્‍સે પાસ થાયું અને પછી ડૉક્ટર બનું. ડૉક્ટર બનીને ખૂબ ખૂબ પૈસા કમાઉં અને બંગલો-ગાડી ખરીદું. એ પછી હું પરણું. ખૂબ ખૂબ સુંદર, રૂપાળી, ઍક્ટ્રેસ જેવી પત્નીની સાથે લગ્ન કરું. અમને બે દીકરા ન એક દીકરી થાય. મોટા દીકરાને હું ડૉક્ટર બનાવું અને નાનાને એન્જિનિયર, દીકરીને નૃત્ય-સંગીતની તાલીમ આપું અને દેશભરમાં એના નામના ડંકા વાગે…”

“પછી ?”

“પછી શું ? આટલું આપણી પાસે હોય તો ઘણું ઘણું… પણ વિપુલ તેં શું માંગ્યું તે તો કહે. આપણે તો ગાઢ મિત્રો છીએ.”

“હમણાં નહીં, વખત આવે ત્યારે કહીશ.”

બંને મિત્રોએ શાળાનો અભ્યાસ પૂરો કર્યો અને પછી કૉલેજમાં દાખલ થયા. રમેશ હોશિયાર હતો પણ મેડિકલ લાઈનમાં જવા એના માર્ક્સ ખૂટ્યા એટલે એટલે એણે બી.એસસી. કર્યું. બી.એસસી. થઈને એ એક દવાઓ બનાવતી કંપનીનો રીપ્રેઝેન્ટેટિવ બન્યો. જ્યારે જ્યારે એ ટ્રાવેલિંગ કરતો ત્યારે હંમેશાં ભગાવાનને કોસતો – “અરે ઈશ્વર ! આ તેં શું કર્યું ? ડૉક્ક્ટર બનાવવાને બદલે મને તેં દવાની કંપનીનો સેલ્સમૅન બનાવી દીધો.

રમેશ થોડું કમાતો થયો એટલે એના મા-બાપે એને માટે કન્યા શોધી. કન્યા નામે રૂપા પણ એ રૂપાળી નહોતી. ઘઉંવર્ણી અને નમણી. એ ડાહી હતી, હોશિયાર હતી અને ઘરરખ્ખુ હતી. એની ન્યાતમાં સૌ એનાં ખૂબ જ વખાણ કરતાં. એક દવાની કંપનીમાં નોકરી કરતા યુવાનને રૂપરૂપના અંબાર જેવી, નમણી નટી જેવી યુવતી થોડી મળવાની ?

સૌએ રૂપાનાં વખાણ કર્યાં એટલે એ એને પરણી ગયો. પરણ્યા પછી રૂપાએ ઘર-વ્યવહાર સંભાળી લીધો. એની રસોઈનો સ્વાદ, વ્યવહારકુશળતા અને જીભની મીઠાશ સૌને ભાવી ગયાં. રમેશે ફરી ઈશ્વરને યાદ કર્યા – ‘અરે ભલા ભગવાન, ડૉક્ટર ન બનાવ્યો તો કંઈ નહીં, પણ રૂપાળી પત્ની તો દેવી હતી કે જેથી બધા મારી અદેખાઈ કરે.’

રમેશ-રૂપાના લગ્નજીવનમાં ત્રણ સંતાનો થયાં, – બે છોકરાં અને એક છોકરી. રમેશ ખુશ થયો. ચાલો, ભગવાને એક ઈચ્છા તો પૂરી કરી. હવે હું મોટા છોકરાને ડૉક્ટર બનાવીશ, નાનાને એન્જિનિયર અને પુત્રીને નૃત્ય-સંગીત-વિશારદ.

પણ મોટો છોકરો ભણવામાં નબળો નીવડ્યો. જેમતેમ કરીને એણે કૉલેજમાં બે-ત્રણ વર્ષ કાઢી નાખ્યાં અને છેવટે દવાની દુકાન શરૂ કરી. નાનો નાટક-ચેટકમાં અટવાયો અને પછી મોટા ભાઈની સાથે દુકાનમાં ગોઠવાઈ ગયો. બંને ભાઈઓએ ધંધાને ખૂબ જ વધાર્યો. સારું એવું કમાયા અને એક મોટો ફ્લૅટ ખરીદી લીધો. નાની દીકરી નાનપણથી જ પોલિયોનો ભોગ બની હતી એટલે નૃત્યમાં તો પારંગત ન થઈ શકી પણ સંગીતમાં એણે નામ કાઢ્યું. અલબત્ત, ઓપરેશન કરાવી એણે પોતાનો પગ સીધો કરી લીધો પણ નૃત્યનું નામ તો એ ન જ લઈ શકી.

રમેશે ફરી ઈશ્વરને સંભાર્યો – ‘અરેરે ભગવાન ! શું ધાર્યું હતું અને શું થઈ ગયું ! તું ઘણાની ઈચ્છાઓ પૂરી કરે છે પણ મારી એકેય ઈચ્છા પૂરી ન કરી ? મારો મિત્રો વિપુલ સુખમાં આળોટે છે અને હું ? તેં તો મને દુઃખી દુઃખી કરી મૂક્યો.’

સતત ઈશ્વરને યાદ કરતો રહેતો, એને અન્યાયી ઠેરવતા રહેતો રમેશ એક રાત્રે ઊંઘમાં હતો ત્યારે એને સ્વપ્નમાં ઈશ્વર દેખાયા.

“અરે પ્રભુ, તમે ? તમે કેવા નિર્દય છો ! મારી જિંદગી ધૂળધાણી કરી નાખી. તમારી પાસે મેં માગ્યું હતું શું અને આપ્યું શું ? મારી એકેય ઈચ્છા તમે પૂરી ન કરી…”

“અને તેં પણ ક્યાં મારી ઈચ્છા પૂરી કરી છે ?” ઈશ્વરે હસતાં હસતાં કહ્યું.

“તમે ? તમારી વળી મારી પાસેથી શું ઈચ્છાપૂર્તિ હોઈ શકે ?”

“કેમ ? તું માનવ નથી ? તને માનવજન્મ નથી મળ્યો ? મેં તો તને ઘણું ઘણું આપ્યું છે…”

“માફ કરજો, પ્રભુ, પણ તમે મને કશું આપ્યું નથી…”

“તું સારું એવું નથી ભણી શક્યો ? તારી જેમ કેટલા માણસો કેળવણી પામી શક્યા છે ? જે કેળવણી દ્વારા તમે આજીવિકાનું સાધન ઊભું કરી શકો એ સાચી કેળવણી. ડૉક્ટરી વિદ્યા દ્વારા તું કમાઈ શક્યો હોત પણ આજે દવાની એક કંપનીના રિજીઓનલ મૅનેજર તરીકે કમાય છે ને ! તને ડાહી, ઘરરખ્ખુ, આદર્શ પત્ની આપી એ ઓછું છે ? તારા પુત્રો કમાતા નથી ? તું જે ફ્લેટમાં રહે છે તે તારા પુત્રોની કમાણીમાંથી જ ઊભો થયો છે ને ! તારી પુત્રીએ સંગીતમાં નામ કાઢ્યું છે, રામ રશિયા કલાકાર જોડે પરણી છે… મેં તને આ જિંદગીમાં કેટલું બધું સુખ આપ્યું છે !”

“પણ મારી ઈચ્છા મુજબ તો નહીં ને ?”

“વધુ પડતી અપેક્ષા જિંદગીને ખારી બનાવે છે. અપેક્ષાના ઘોડાઓને લગામ હોતી નથી, તારી વધુ પડતી અપેક્ષાએ તને દુઃખી બનાવ્યો છે. અપેક્ષાઓ પૂરી ન થાય ત્યારે નિરાશા થાય. તું તારી જાતે જ, આટલા સુખ વચ્ચે દુઃખી છે. હવે તું તારા મિત્રને પૂછી જો કે એણે શું માગ્યું હતું !”

“એણે શું માગ્યું હતું, પ્રભુ ?”

“એણે મારી પાસેથી એવું માગ્યું હતું કે…”

પવનના એક જોરદાર ઝપાટાથી બારી અથડાઈ અને એના અવાજથી રમેશ જાગી ગયો, પેલો પ્રશ્ન તો અધૂરો રહી ગયો !

બીજે દિવસે એ વિપુલ પાસે ગયો અને કહ્યું, “વિપુલ, આટલાં વર્ષો પછી હવે તો તું મને કહે કે એ દિવસે મંદિરમાં તેં પ્રભુ પાસેથી શું માગ્યું હતું ?”

વિપુલ ખડખડાટ હસી પડ્યો અને બોલ્યો,

“મેં તો પ્રભુ પાસેથી કશું નહોતું માગ્યું. મેં એટલી જ પ્રાર્થના કરેલી કે તું જે કંઈ મને આપશે તેને આશીર્વાદ સમાન ગણીને અપનાવી લઈશ.”

“પણ ઈશ્વરે તને ઘણું ઘણું સુખ આપ્યું છે.”

“એ તું માને છે. જોકે હુંયે એમ જ માનું છું. ઈશ્વરે મને કંઈ તારા કરતાં વધારે સંપત્તિ આપી નથી. હું સારા પગારે નોકરી કરું છું. છોકરાંઓ એની મેળે પગભર થઈ ગયા છે. એક નાનકડું ઘર છે. તારાં ફ્લેટ જેવો મોટો ફ્લૅટ તો નહીં, પણ સૌ સાથે હળીમળીને રહી શકીએ એવડો મારો ફ્લૅટ નાનો છે પણ અમારાં કોઈનાં દિલ નાનાં નથી, સૌ સંપીને રહીએ છીએ અને ખાધેપીધે સુખી છીએ. આથી વધુ સુખની અપેક્ષા કઈ હોઈ શકે ?”

રમેશ હવે સુખી છે. એ ઈશ્વરને કોસતો નથી, એને આ જિંદગીમાંથી જે પ્રાપ્ત થયું છે એને એ હવે ઈશ્વરનો ઉપકાર ગણે છે, કારણ કે ‘સુખ’ની વ્યાખ્યા બાંધી શકાતી નથી. જે મળ્યું તેનાથી રાજી રહે તે સુખી અને ન રહે તે દુઃખી.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous સોશિયલ મીડિયાની માયાજાળ.. – વિજય શાહ
દિવાળીના દિન આવતાં જાણી… – રતિલાલ બોરીસાગર Next »   

15 પ્રતિભાવો : ઈશ્વરનો ઉપકાર – ગિરીશ ગણાત્રા

 1. ખુબ જ સરસ રચના. લક્ષ્યાંક હંમેશા બનાવો પણ અસંતોશી ન બનો. લક્ષ્યાંક તમારા આજીવીકાની પ્રવ્રુત્તીમાં સીમાચીહ્ન બને તે હોવો જોઈએ નહી કે ભૌતીક સુખના સાધનો કે પૈસો. That what mr. ranchhod das chaanchad said in 3 idiots.

 2. sandip says:

  “વધુ પડતી અપેક્ષા જિંદગીને ખારી બનાવે છે. અપેક્ષાના ઘોડાઓને લગામ હોતી નથી, તારી વધુ પડતી અપેક્ષાએ તને દુઃખી બનાવ્યો છે.”

  ખુબ સરસ લેખ્………..
  આભાર્……………….

 3. જીવનમાં જે પણ આવે અને જે રીતે આવે
  તેને
  પૂર્ણ રીતે, પ્રેમપૂર્વક સ્વીકારવાની કળા
  હાંસલ કરવા જેટલો વિકાસ
  તમે કરી શકો -તે
  તમને તમે પોતે આપેલી સૌથી મોટી ભેટ છે.

  ***
  જીવનની પ્રત્યેક ઘડી
  પૂર્ણ ધ્યાન અને શક્તિ સાથે ગાળી,
  એક સાથે માત્ર એક જ ડગલું ભરવાની કળા
  તમારા જીવનને
  નવી તાજગી,
  નવી તાકાત
  અને
  સર્જનાત્મકતાથી
  સભર કરી દેશે.
  ———————
  – ઓશો

 4. Sanjay patel says:

  Khub saras

 5. Arvind Patel says:

  જીવનમાં થી બે વસ્તુઓ ની બાદબાકી કરી નાખો. અપેક્ષા અને ફરિયાદ. તમે તમારી જાતની સાથે એવા ભળી જાવ કે તમને દુનિયાની કોઈ અપેક્ષા ના રહે. સાથે ફરિયાદ કરવાની કુટેવ કાઢી નાખો. જે વ્યક્તિ અપેક્ષા અને ફરિયાદ કરવાનું ભૂલી ગયો તે સૌથી સુખી છે. આને કહેવાય, પ્રસાદ બુદ્ધિ. જીવન માં જે પણ પ્રાપ્ત થાય તેને ઈશ્વરનો પ્રસાદ સમજાવો. હા, સાથે બીજી વાત, પ્રયત્નો માં કોઈ જ કચાસ રાખવી

 6. Arvind says:

  ખુબ જ સરસ લેખ,
  સન્તોશિ નાર સદા સુખિ!!
  આપડે ભગવાન પાસે ઘનુ બધુ માગિયે છેીએ…
  પણ આપડે એ નથિ જોતા-વિચારતા કે સમય સમય પર ભગવા આપણ ને બધુજ આપેે છે. માણસ નામનુ પ્રાણિ જ વધારે લાલચુ છે.

  Very good Article…

 7. ભિખારિઓ મન્દિરનિ બહાર જ્યારે અન્દર ર્જનારા કઇક્ને કઇક માગવા જ જતા હોય છે. કશેક વાચવામા આવેલુ કે “અભરખા બહાર હશે તો પગરખા અદર ચાલશે””

 8. NIPA MAYUR PATEL says:

  વધુ પડતી અપેક્ષા જિંદગીને ખારી બનાવે છે. અપેક્ષાના ઘોડાઓને લગામ હોતી નથી
  જે મળ્યું તેનાથી રાજી રહે તે સુખી અને ન રહે તે દુઃખી

 9. Vijay Panchal says:

  મેં તો પ્રભુ પાસેથી કશું નહોતું માગ્યું. મેં એટલી જ પ્રાર્થના કરેલી કે તું જે કંઈ મને આપશે તેને આશીર્વાદ સમાન ગણીને અપનાવી લઈશ.”

  Superb Story……

 10. Nausad says:

  જિન્દગિ મા સુ નથિ મર્યુ તેના પર રદવા કરતા જે મર્યુ એમા ખુસ રેહવુ એ બેહ્તર

 11. SHARAD says:

  ઇશ્વર જે આપે તે ઘનુ સમજાય તો સુખ નો અર્થ બદ્લાય્

 12. suresh ganatra says:

  સારું કથાનક છે…

 13. MANISH DHARDA says:

  good story.a moral story.

 14. Jigar Thakkar says:

  Very nice

 15. Aruna parekh says:

  Very nice

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.