દિવાળીના દિન આવતાં જાણી… – રતિલાલ બોરીસાગર

(‘નવનીત સમર્પણ’ સામયિકના ઓક્ટોબર, ૨૦૧૬ના દીપોત્સવી વિશેષાંકમાંથી સાભાર)

સ્વ. ઈન્દુલાલ ગાંધીની ‘ભાણી’ નામની એક કવિતા છે. આ કવિતાની પ્રથમ પંક્તિઓ નીચે મુજબ છે :

દિવાળીના દિન આવતાં જાણી,
ભાદરમાં ધુએ લૂગડાં ભાણી.

એક વાર દિવાળીના દિવસોમાં ઉપરની બે પંક્તિ પરથી મને નીચેની પંક્તિઓ સૂઝી હતી :

દિવાળીના દિન આવતાં જાણી,
બાવાંજાળાં જુઓ પાડતી ભાણી.

મૂળ કવિતામાં ‘ભાણી’નો અર્થ છે ‘ભાણી’ નામની ગરીબ સ્ત્રી. મારી કવિતામાં – જોકે કવિતામાં તો ન કહેવાય, કારણ કે અત્યાર સુધી આગળ કશું સૂઝ્યું નથી. પણ મારી પૂરી નહિ થયેલી અને મોટે ભાગે પૂરી નહિ થનારી એવી કવિતાની ઉપરની પંક્તિઓમાં ‘ભાણી’નો અર્થ છે સ્ત્રી. પણ ના કોઈ પણ સ્ત્રી એવો અર્થ તો નહિ કરી શકાય, કારણ કે એશિયા, આફ્રિકા, યુરોપ વગેરે દેશોમાં કે અમેરિકા, રશિયા, ઈંગ્લેન્ડમાં સ્ત્રીઓ બાવાં-જાળાં પાડે છે કે નહિ, દિવાળીના દિવસોમાં તો નહિ તો નાતાલના દિવસોમાં બાવાં-જાળાં પાડે છે કે નહિ તેની મને ખબર નથી. ભૂગોળના પ્રાધ્યાપક એવા એક મિત્રને પૂછ્યું તો કહે, ભૂગોળના કોઈ પુસ્તકમાં આ અંગે કશું વાંચવામાં આવ્યું નથી. પણ તમે ઈન્ટરનેટની મદદથી જાણી લો, બાવાં-જાળાં વેબસાઈટ હશે. કદાચ લગભગ અર્ધોપોણો દિવસ કમ્પ્યુટર સામે બેસી રહેતા એક મિત્રને પૂછ્યું તો કહે, ‘બાવાં-જાળાં’ વિશેની કોઈ વેબસાઈટનો મને ખ્યાલ નથી, પણ હું પ્રયત્ન કરીશ.’ પરંતુ, આજ સુધી એમના તરફથી કશી માહિતી મળી નથી.ભારતનાં જુદાં જુદાં રાજ્યોમાં સ્ત્રીઓ દિવાળી ઉપર બાવાં-જાળાં પાડે છે કે નહિ તેની માહિતી પણ, જાણકારોને પૂછવા છતાં, મળી શકી નથી. એટલે હાલ તુરત તો ‘ભાણી’ એટલે ગુજરાતી સ્ત્રી. દરેક ગુજરાતી સ્ત્રી કોઈને કોઈ ‘મામા’ની ‘ભાણી’ તો હશે જ. મામો નહિ હોય તેનેય કાણો મામો (અહીં પાછો ‘કાણો’ નો અર્થ ‘અંધ’ નહિ, પણ ‘કહેણો-કહેવાનો મામો’ એવો છે.) તો હશે જ. એટલે ‘ભાણી’નો અર્થ ‘ગુજરાતી સ્ત્રી’ એવો કરી શકાય એવો મત અમારા એક ભાષાવિજ્ઞાની મિત્રનો છે.

દિવાળીના દિવસો પાસે આવે છે ને ભાણીઓને શૂરાતન ચડે છે બાવાંજાળાં પાડવાનું. ઈસવી સન પૂર્વેની ભાણીઓને પણ આવું શૂરાતન ચડતું ને એકવીસમી સદીની ભાણીઓને પણ એવું જ શૂરાતન ચડે છે. હાથમાં ખુલ્લી તલવાર લઈ ઘોડા પર બેસી સમરાંગણમાં ઝઝૂમેલી ઝાંસીની રાણી જેવું જ શૂરાતન હાથમાં ઝાડૂ લઈ, લાકડાના ઘોડા પર ચડી ગૃહાંગણમાં બાવાં-જાળાં પાડતી ભાણીઓમાં પ્રગટે છે (અલબત્ત, અત્યારે કોલેજમાં ભણતી ‘ભાણીઓ’ બાવાં-જાળાં પાડશે કે નહિ – તે વિશે કશું કહી શકાય તેમ નથી.) ગૃહાંગણ સમરાંગણમાં ફેરવાઈ જાય છે. જે રૂમનાં બાવાં-જાળાં પાડવાનાં હોય એ રૂમનો સામાન ડ્રોઈંગ રૂમમાં વચ્ચોવચ ખડકાય છે. ડેડ સ્ટોક કરતાં – સજીવ સ્ટોકનો પ્રશ્ન વધુ વિકટ હોય છે. ગૃહરાણીના ગૃહરાજાને હુકમ છૂટે છે – ‘પાંચ કલાક બહાર જતા રહો,’ ‘ત્રણ કલાક પેલા રૂમમાં ને રૂમમાં રહો…’ વગેરે વગેરે. બાવાં-જાળાં પાડવાના દિવસોમાં એક મિત્રને ઘેર ગયો તો એ ઊર્ધ્વાસન (ઊંચા આસાન) પર બેઠા હતા. પલંગ, એના પર પાટ, એના પર પંદર ગાદલાં, અને એના પર મિત્ર ! બાકીન બેય રૂમનાં બાવાં-જાળાં પાડી લેવામાં ન આવે ત્યાં સુધી મિત્રને ઊર્ધ્વાસન પરથી નીચે ઊતરવાની મનાઈ હતી.

બાવાં-જાળાં પાડવાના મુદ્દા પર વરના બે પ્રકાર જોવા મળે છે. ‘ગુડ ફોર નથિંગ’ કશાય કામના નહિ એવા. (મારો સમાવેશ આ પહેલા પ્રકારમાં કરવામાં આવે છે) આવા ગુડ ફોર નથિંગ હસબન્ડોની બાવાં-જાળાંના દિવસોમાં બહાર નિકાસ કરી દેવામાં આવે છે. આવા અમારા એક નિષ્કાસન પામતા – સાદા શબ્દોમાં કહીએ તો કામચલાઉ ધોરણે હાંકી કાઢવામાં આવતા એક મિત્ર દર વરસે બાવાં-જાળાંના દિવસોમાં પાંચ રજા લે છે. એમણે ‘બાવાં-જાળાં નિષ્કાસન મંડળી’ની રચના કરી છે. એમાં અગિયાર સભ્યો છે. આ નિષ્કાસિત સભ્યો આ દિવસોમાં પ્રવાસે જાય છે, ને જલસા કરે છે. આવા બીજા અનેક પતિઓ આ મંડળીમાં જોડાવા આતુર છે, પણ એમની પત્નીઓ મંજૂરી નથી આપતી. અમારા બીજા એક મિત્રની પાંચ સાળીઓ શહેરમાં છે. એમનાં પત્ની અને બીજી પાંચ બહેનો – આ છયે બહેનોએ સિંડિકેટ બનાવી છે. ત્રણ બહેનોને ત્યાં એક સાથે બાવાં-જાળાં પડે અને આ ત્રણેયનાં બાળકો-પતિઓ બીજી ત્રણ બહેનોને ત્યાં એટલો વખત રહે – આવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. છેલ્લાં ત્રણ વરસથી આ વ્યવસ્થા સફળતાપૂર્વક ચાલી રહી છે. આ વ્યવસ્થાને કારણે સાઢુભાઈઓને એકબીજા સાથે હૈયું ખોલવાની તક મળી છે. પરિણામે એકને ડાયાબિટીસમાં અને બીજા ત્રણને બ્લેડપ્રેશરમાં ઘણી રાહત રહે છે.

બીજો પ્રકાર છે બાવાં-જાળાં પાડવાના દિવસોમાં પત્નીને મદદ કરનારા પતિદેવોનો. આના પાછા બીજા બે પેટાપ્રકારો છે. એક પ્રકાર છે પત્નીને હૃદયપૂર્વક મદદ કરબારા પતિદેવોનો. (સ્વાભાવિક રીતે જ આવા પતિદેવોની સંખ્યા બહુ જ ઓછી હોય છે !) બીજો છે કમને પરાણે જોતરાયેલો. (સ્વાભાવિક રીતે આવા પતિદેવો જંગી બહુમતી ધરાવે છે.) આ પતિદેવોનો પાછા બે પેટાપેટા પ્રકાર છે. એક પ્રકારના આવા પતિદેવો જોડાય છે કમને પણ જોડાયા પછી નિષ્ઠાપૂર્વક કામ કરે છે. બીજો પ્રકાર છે ડાંડ પતિદેવોનો; એ લોકો કામ કરે છે ખરા પણ કામમાં ડાંડાઈ કરે છે.

આ ડાંડપતિના પાછા બે પેટાપેટાપેટા પ્રકારો છે. પહેલા પ્રકારના પતિ ડાંડ તો ખરા જ, પણ પાછા અણઘડેય એટલા. કામમાં તો હૃદયપૂર્વકની ડાંડાઈ કરે જ, પણ પોતાના અણઘડપણાથી ઘરમાં નુકસાન પણ કરે. અમારા આવા એક ડાંડ મિત્ર દર વરસે દિવાળીની સાફસૂફી દરમિયાન ચાર-પાંચ રકાબીઓ ફોડે છે; પાંચ-સાત કપને કર્ણવિહીન (નાકા વગરના) બનાવે છે; ત્રણચાર ઈલેક્ટ્રિક બલ્બ ફોડે છે, તક મળે તો એકાદ ટ્યુબલાઈટ ફોડે છે, સ્ટીલનાં વાસણોને ચિંરજીવ ગોબા પાડે છે… વગેરે વગેરે. અમારા બીજા આવા ડાંડ અને અણઘડ મિત્ર અત્યારે પાંચ ઓશીકાં ગોઠવી એના પર પ્લાસ્ટરવાળો પગ લટકાવીને પડ્યા છે.

બન્યું એવું કે એમનાં પત્ની એમને ટ્યુબલાઈટ સાફ કરવાની કામગીરી સોંપી ઘરથી નજીક આવેલા ગલ્લે શાક લેવા ગયાં. મિત્રે થોડો સમય તો મેગેઝિન વાંચવામાં ગાળ્યો. પત્નીનો પાછા આવવાનો સમય થયો એટલે મિત્રે એક બીજુ ટેબલ લઈને એના પર ચડી ટ્યુબલાઈટ સાફ કરવા લાગ્યા. પત્નીએ આવીને બેલ વગાડી. પત્ની પોતાને ઓન ડ્યુટી એટલે કે ઓન ટેબલ જોઈ શકે એવી સદ્‍ભાવનાથી મિત્રે ટેબલ પરથી જ હાથ લંબાવી સ્ટોપર ખોલવાનો હેરતભર્યો પ્રયોગ કર્યો. એમાં એમનાથી ટેબલના છેડે આવી જવાયું. ટેબલે પોતાના માલિકને બદલે સર ન્યૂટન તરફ પોતાની વફાદારી બતાવી ગુરુત્વાકર્ષણનો નિયમ સાચો પાડવાનો આગ્રહ રાખ્યો, પરિણામે મિત્ર પણ ટેબલ સાથે ભોંયતળિયા તરફ આકર્ષાયા. ટ્યુબલાઈટના આધારે ન લટકી શકાય એટલું તો મિત્ર સમજતા જ હોય, પણ ‘ડૂબતો તરણું ઝાલે’ – કહેવત સાચી પાડવા મિત્રે એક ટ્યુબલાઈટ ઝાલી; ટ્યુબલાઈટે પણ નીચે પડવામાં એમનો સંગાથ કર્યો, આમ છતાં એ વીર પુરુષે થોડું ઘસડાઈને પછી એક પગે ઊભા થઈ બારણું ખોલ્યું અને પત્નીનું ભાવભીનું સ્વાગત કર્યું. હું ખબર કાઢવા ગયો ત્યારે મિત્રે મને ખાનગીમાં કહ્યું, ‘એકંદરે આપણે ફાયદામાં છીએ. બાવાં-જાળાં પાડવામાંથી મુક્તિ મળી ને આટલો બધો આરામ મળ્યો ને પ્રભુકૃપાથી હજુ થોડા દિવસ મળશે.’

હે પ્રિય પુરુષ વાચકો ! તમે આમાંથી ક્યા પ્રકારમાં આવો છો ?


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ઈશ્વરનો ઉપકાર – ગિરીશ ગણાત્રા
તમે મારા મનના માનેલ છો – યશવન્ત મહેતા Next »   

1 પ્રતિભાવ : દિવાળીના દિન આવતાં જાણી… – રતિલાલ બોરીસાગર

  1. હા હા હા.. જોરદાર… છેલ્લે પુછેલ સવાલ ખાનગીમાં પુછવો. બહુ જ હાસ્ય સભર (વાસ્તવીક) લેખ. ઃ) ઃ)

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.