તમે મારા મનના માનેલ છો – યશવન્ત મહેતા

(‘અખંડ આનંદ’ સામયિકના ઓક્ટોબર-નવેમ્બર, ૨૦૧૬ના દીપોત્સવી વિશેષાંકમાંથી સાભાર)

ટપાલ આવી. રજિસ્ટર્ડ પરબીડિયું હતું. અનંત માટે આવી ટપાલ અસમાન્ય હતી. સામાન્ય રીતે તો બે-પાંચ દિવસે એકાદ પોસ્ટકાર્ડ કે એકાદ પરબીડિયું આવે. એમાં કોઈ સગાંવહાલાં કે જૂના દોસ્તોની સામાન્ય ખરખબર હોય.

વાસ્તવમાં, અનંતનું જીવન દરેક પ્રકારે સામાન્ય હતું. આજે એ પાંસઠની વયનો સામાન્ય નાગરિક હતો. સાવ સામાન્ય. એક છાપખાનામાં સામાન્ય નોકરી કરીને બે વર્ષ અગાઉ નિવૃત્ત થયો હતો. જુવાનીમાં એક સામાન્ય છોકરી સાથે પરણ્યો હતો. સંતાનમાં એક દીકરી હતી. એને સામાન્ય શિક્ષણ અપાવીને એવા જ સામાન્ય જુવાન સાથે પરણાવી હતી. પોતે જીવનભર જે નોકરી કરી તેમાં નિવૃત્તિવેતનની જોગવાઈ નહોતી. એટલે પહેલેથી જ સમજીને દંપતીએ પાઈ-પૈસો બચાવવા માંડ્યો હતો. થોડીક બચત થઈ હતી. જેના વ્યાજમાંથી ઘડપણ પસાર કરવાની આશા હતી. નિવૃત્ત થઈને યુરોપ અમેરિકા ફરવાની કે ચાર ધામની યાત્રા કરવાની પણ દંપતીની ખ્વાહીશ નહોતી. માત્ર એટલી જ તમન્‍ના હતી કે કશો એવો રોગ ન થઈ આવે, જે અત્યાર સુધીની નાનકડી બચતને ખાઈ જાય.

શહેરના મધ્યમવર્ગીઓના વિસ્તારમાં સામાન્ય ઘરમાં વસતા અનંત માટે રજિસ્ટર્ડ ટપાલ અસામાન્ય ઘટના હતી. ટપાલીએ તેની સહી લઈને પરબીડિયું એના હાથમાં મૂક્યું તે પછી ઘણી વાર લાગી અનંત એને હાથમાં ફેરવતો રહ્યો. કોની ટપાલ હશે ? શાની હશે ? પરબીડિયા પર મોકલનારનું નામ-સરનામું નહોતું. કેમ એમ હશે ? કશી નોટિસ હશે ? જાસા ચિઠ્ઠી હશે ? એણે દિમાગ કસ્યું. મકાન, નોકરી, નાણાંરોકાણ, કશાને લગતી કશી તકરારનો મુદ્દો નહોતો. પોતે જીવનભરમાં કદી વનવેમાં પેસી જવાનો ગુનો પણ કર્યો નહોતો…

આખરે નક્કી કર્યું કે પરબીડિયું ફોડવું. અરે, નક્કી ન કર્યું હોત, લાંબો વિચાર જે કર્યો તે ન કર્યો હોત, તોય પરબીડિયું ફોડવાનું તો હતું જ. માણસને રજિસ્ટર્ડ ટપાલ મળે તેની ઉપેક્ષા કરી શકાય નહિ. સામાન્ય ટપાલ સામાન્ય વાત ધરાવતી હોય છે. રજિસ્ટર્ડ ટપાલનું એવું નથી. કશોક ખૂબ જ મહત્વનો સંદેશો હોય તો જ રજિસ્ટર્ડ ટપાલ મોકલાય છે.

અનંતના હોઠ મલક્યા. રે મન ! પરબીડિયું ખોલવાનું નક્કી કર્યા પછી પણ કેવા કેવા વિચારોના ઘોડા દોડ્યા ! હવે મનને લગામ લગાવીને એણે પરબીડિયનો છેડો ફાડવા માંડ્યો. પહેલાં ખૂણો ફાડ્યો. જોઈ લીધું કે એની અંદરની ટપાલને ઈજા નથી થતી ને ! પછી એકથી બીજા ખૂણા સુધી કાગળ ચીર્યો. અંદર ગડી વાળેલા કાગળ હતા. બે આંગળીઓ અંદર નાખીને ગડી ખેંચી. પરંતુ ખેંચાઈ નહિ. પરબીડિયું બંધ કરતી વેળા ગુંદર એવી રીતે લાગેલો હતો કે ગડી જરાક ચીપકી ગઈ હતી, જરાક ક. અનંતને હંમેશાં જે અનુભવ થતો તે યાદ આવ્યો. સામાન્ય રીતે, મહિલાઓ પરબીડિયાને વધારે પડતી લાગે એવી કાળજીથી ચીપકાવે છે, અને એ દરમિયાન અંદરના કાગળ સુધી ગુંદર પહોંચાડે છે. મહિલાઓ હંમેશાં સૂક્ષ્મ કાળજીથી કામ કરે છે. પત્ની જ્યારે જ્યારે પિયર જતી ત્યારે જે પત્રો લખતી તેમાં પરબીડિયાં આમ જ ચીપકેલાં…

અનંતને વળી માથું ધુણાવ્યું. પરબીડિયા-પુરાણ છોડીને પત્ર પર ધ્યાન આપવા ઠરાવ્યું. અંગૂઠા અને પ્રથમ આંગળીથી જરાક જોર કરીને પત્ર ખેંચી કાઢ્યો. એની ગડીઓ ઉકેલી. ઝીણા મરોડદાર અક્ષરે લખેલો પત્ર હતો અને એને મથાળે ટાંકણી વડે એક ચેક ભરાવવામાં આવ્યો હતો.

ચેક રૂપિયા દસ લાખનો હતો.

અનંતના નામનો હતો.

મૃણાલિનીએ મોકલ્યો હતો.

સાથેના પત્ર પર નજર કરી. એ મૃણાલિનીએ લખેલો પત્ર હતો. એના જ અક્ષર આવા નાજુક અને સુંદર હતા. અનંતને તાજેતરનાં વર્ષોમાં ટીવી પર જોવા મળતી એક પેન્સિલની જાહેરખબર યાદ આવી. ભાઈ-બહેન પોતપોતાને મળેલા ગુણની ચર્ચા કરે છે. ભાઈને એકસો ગુણ આવ્યા છે, પરંતુ બહેનને તો એકસો પાંચ ગુણ મળ્યા છે. એ પાંચ એને હસ્તાક્ષાર માટે મળ્યા છે. ભાઈ બહેનને ટપલી મારીને કહે છે આ વધારાના ગુણ તો સારી પેન્સિલને કારણે છે. તેં શી ધાડ મારી ! જોકે મૃણાલિનીને દરેક વેળા સુઘડ હસ્તાક્ષર બદલ પાંચ-દસ વધારે ગુણ મળે ત્યારે પોતે ટપલી નહોતો મારતો અને પેન્સિલને યશ નહોતો આપતો. બધો યશ, બધી પ્રશંસા, બધો અહોભાવ મૃણાલિનીને.

કેટલા વર્ષ થયાં ? પંચાવન ? સાઠ ? છેક બાળવર્ગથી પોતે અને મૃણાલિની ભણવામાં સાથે હતાં. બાળક હતાં ત્યારે એકબીજાનો સાથ ગમતો. કિશોરવયે રોમેન્ટિક ફિલ્મો જોઈ અને રોમૅન્ટિક નવલકથાઓ વાંચી. અંગ્રેજીમાં જેને ‘કાફ લવ’ કહે છે, વાછરડાંનો પ્રેમ કહે છે, એવો સ્નેહ બંધાયો. બંને જણાં એવા પરિવારમાંથી આવતા હતા જ્યાં નર-નારી સંબંધની એક શિસ્ત હોય છે. એકબીજાના મનની-વિચારની સાથે ચાલવાની અને સાથે હોમ વર્ક કરવાની નિકટતા ખરી; એકબીજાની નિકટતાથી અનહદ આનંદની પ્રાપ્તિ ખરી પરંતુ સ્થૂળ નિકટતા નહિ.

કૉલેજમાં પહોંચ્યા એટલે હળવામળવાનું ઊલટાનું ઓછું થઈ ગયું. કાંઈક લોકલાજે, કાંઈક પાળ ઓળંગાઈ જવાની બીકે, એકાંત સેવવાનું બંધ કર્યું. પરંતુ મનમાં તો સુખી સહજીવનનાં સપનાં રચાતાં જતાં હતાં. અનંતને યાદ છે કે એ કૉલેજના બીજા વર્ષમાં હતો ત્યારે મોટા ભાઈ એમના દોસ્તના મોટા ભાઈની દીકરીની વાત લાવ્યા હતા. કહેતા હતા કે સંબંધ પાકો કરી લઈએ પછી લગ્ન ભલે બે વર્ષ પછી, બી.એ. થયા પછી ગોઠવીશું. પણ અનંતે ઘસીને ના પાડી દીધી. બહાનું એવું કાઢ્યું હતું કે સંબંધ થયા પછી પત્ર-બત્ર અને આવનજાવન શરૂ થઈ જાય અને ભણતરમાં ધ્યાન એટલું ઓછું રહે.

પણ… પણ… કૉલેજના ત્રીજા વર્ષમાં હતાં અને અચાનક મૃણાલિનીનાં લગ્ન લેવાયાં હતાં ! સમાચાર મળતાં જ અનંત ઘડીભર ક્ષુબ્ધ થઈ ગયો હતો. એ મૃણાલિની સાથે વાત ક્રવા માગતો હતો. પરંતુ લગ્ન લેવાતાં જ મૃણાલે કૉલેજ આવવાનું બંધ કરી દીધું હતું; અને એને ઘેર જઈને ક્યાંક રસ્તામાં એને આંતરીને એનો જવાબ માગવાનું અનંતના સંયમધન ઉછેરમાં નહોતું. એ નહોતો મવલી કે નહોતો બેલગામ આશિક. સાધારણ ઘરનો દીકરો હતો અને જે યુવતી પરણી રહી હતી એને સંગે ઊહાપોહ કરીને એને શરમાવવાનું એના સંસ્કારમાં નહોતું.

પછી વહેતી વહેતી વાતો એના કાન સુધી પહોંચી કે મૃણાલિનીનાં લગ્ન કોઈ ધનકુબેર પરિવારમાં થયાં છે. એ સોનારૂપામાં આળોટશે ! મધ્યમવર્ગના દરેક સંસ્કારી યુવકની જેમ, અનંતે પણ દુઆ કરી કે મૃણાલ સુખી થાય. બસ.

અને ચાળીસેક વર્ષ પછી…

આજે અચાનક મૃણાલિનીનો પત્ર આવ્યો હતો અને પત્ર સાથે પૂરા દસ લાખ રૂપિયાનો અનંતના નામનો ચેક હતો ! અનંતે સ્મૃતિઓમાંથી જાગીને આ ચેક તથા પત્ર તરફ ધ્યાન ફેરવ્યું. પત્ર આમ હતો –

પ્રિય અનંત !
કેમ ? સંબોધનની નવાઈ લાગે છે ? ખરેખર તો જિંદગીના છ એક દાયકા સુધી તું જ મારો પ્રિય રહ્યો છે. સંજોગોની ક્રૂરતામાં ગત સમગ્ર સમય દરમિયાન હું તને રૂબરૂ આ સંબોધન કરી ન શકી, પરંતુ મનથી તો તું જ પ્રિય રહ્યો છે.

કૉલેજના ત્રીજા જ વર્ષમાં મારાં વડીલોએ મારાં લગ્ન કરી નાખ્યાં. મેં ઘસીને ના પાડી.. પહેલાં તો ભણતર પૂરું કરવાની દલીલ મૂકી પછી મારા મનની વાત કરી. એથી તો પિતાજીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. તું જાણતો જ હશે કે એમને ધનનું ગુમાન હતું. તું એમને મન મુફલીસ હતો. નાલાયક હતો. કહે કે એવા ભિખારડા સાથે તને કદાપિ ન પરણાવું ! અને અમે જે મુરતિયો શોધ્યો છે તે આપણા સમોવડિયો પરિવારનો છે. તું ત્યાં જ સુખી થઈશ.

ના, ત્યાં હું સુખી ન થઈ. મનથીં મેં તને પતિ માન્યો હતો. પરિણામે ચિન્મય સાથે… હા, મારા ધનકુબેર પતિનું નામ ચિન્મય હતું… એ હવે નથી… હું એની સાથે કદી એકાકાર થઈ શકી નહિ. શરીરના ધર્મ બજાવતી વેળા જાણે વચ્ચે એક પોલાદી દીવાલ ખડી થતી જતી. હું કદી સંતાન પેદા કરી શકી નહિ. ચિન્મય સાથે એકાંતની પળો સર્જાતાં જ હું થીજી જતી. બરફ બની જતી.

પાંચેક વર્ષ અગાઉ ચિન્મયનું અવસાન થયું. હું તને જ સ્મરતી દિવસો કાપતી રહી અને પછી મારી સાથે ભાઈબંધી કરવા કૅન્સરે આગમન કર્યું. એનો આભાર. મારી સુખવંચિત જિંદગીનો એ જલદીથી અંત આણશે. જગતમાં જે જન્મે છે નું મરણ તો નિશ્ચિત જ છે. પણ હાર્ટઍટેક અને કૅન્સર પ્રમાણમાં કમ સમય રિબાવે છે.

એટલે હું આજકાલની મહેમાન છું જતાં જતાં આ રકમ તને સોંપતી જાઉં છું, એના પર તારો જ નૈતિક અધિકાર છે. ના, આ નાણાં ચિન્મયનાં કે એના પરિવારનાં નથી. મારા પિતાજીએ મને જે દાયજો આપેલો તેનું મૂલ્ય વધીને દસ લાખ થયું છે. એ મારું ધન છે. એના પર મારા પછી કોઈનો અધિકાર હોય તો તે તારો છે. સ્ત્રીને એની આગવી સંપત્તિ તરીકે જે કાંઈ મળ્યું હોય એના પર એના મરણ પછી એના પતિનો અધિકાર હોય છે. એ કારણે આ રકમ તારી છે, કારણ કે તું મારા મનનો માનેલ પતિ છે.

લિ. તારી છતાં તને નહિ પામી શકેલ મૃણાલિની.

– યશવન્ત મહેતા
સંપર્ક : ૪૭/એ, નારાયણનગર સોસાયટી, પાલડી, અમદાવાદ – ૩૮૦૦૭, મો.: ૯૪૨૮૦ ૪૬૦૪૩

Leave a Reply to SHARAD Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

12 thoughts on “તમે મારા મનના માનેલ છો – યશવન્ત મહેતા”

Copy Protected by Chetan's WP-Copyprotect.