નૂતન વર્ષના પ્રભાતે… – સંપાદકીય

સર્જકમિત્રો, વાચકમિત્રો, સહયોગીઓ, પ્રકાશકો અને સર્વે સ્નેહીજનો..

રીડગુજરાતીના વિશ્વવ્યાપી તમામ વાચકમિત્રોને નવા વર્ષના સાલ મુબારક. આવનારું નવું વર્ષ આપ સર્વેને જીવનમાં સર્વ રીતે સંતોષપ્રદ, આનંદસભર, ઉલ્લાસમય અને સફળતા આપનારું હોય એવી ઈશ્વરને અભ્યર્થના. ગત વર્ષે રીડગુજરાતી ઈશ્વરકૃપાથી સરસ ચાલતું રહ્યું. વાચકમિત્રોનો અનન્ય સ્નેહ અને પ્રેમ, લેખકમિત્રોનો એ જ અનહદ વિશ્વાસ અને પ્રકાશકો તથા અન્ય સહયોગીઓનો સતત સહકાર મળતા રહ્યા. આવનારા વર્ષે પણ એ જ ક્રમ ચાલતો રહે, આગળ વધે અને રીડગુજરાતી સતત આ સાહિત્ય સફરમાં આપ સૌને સાથે લઈને આ મહામાર્ગ પર અગ્રસર રહે એવી ઈશ્વરના શ્રીચરણોમાં પ્રાર્થના.

દિવાળી જેમ અંધકાર પર પ્રકાશના વિજયનો, અસત્ય પર સત્યના વિજયનો અને નિરાશા પર ઉલ્લાસના વિજયનો ઉત્સવ છે, તેમ સાહિત્ય આપણા જીવનની અજ્ઞાનભરી ગલીઓમાં જ્ઞાનનો પ્રકાશ પાથરે છે. દિવાળીની રંગોળીમાં જીવનના તમામ રંગો પોતાની આભા રેલાવે છે અને એકસાથે એ બધાય મળીને એક સરસ રંગોળી બનાવે છે તેમ જ સાહિત્યના અનેકવિધ પ્રકારો આપણા જીવનને અર્થ અને પ્રેરણા આપે છે. હાસ્ય હોય કે પ્રેરક નિબંધ, ટૂંકી વાર્તા હોય કે પ્રવાસ વર્ણન, ગઝલ હોય કે અછાંદસ, દરેક સાહિત્યકૃતિ એક વિચાર લઈને આવે છે અને એ આપણા મનના સંવેદનો સાથે, આપણો પોતાનો વિચાર, આપણી પોતાની વૈચારિક સર્જનાત્મકતાને પ્રેરે છે. નૂતન વર્ષે એકબીજાને સાલમુબારક પાઠવીએ ત્યારે આવનારા નવા વર્ષમાં તેમનું બધા પ્રકારે શુભ થાય તેવી પ્રાર્થના કરીએ છીએ, તેમાં જ્ઞાનનો પ્રકાશ, જીવનની સતત સરળ ગતિ અને તેના સાતત્યની વાત પણ નિહિત છે. સાહિત્ય પણ એ જ રીતે આપણા મનને, આપણી અજાગૃત કે અર્ધજાગૃત મનોઈચ્છાઓને બેઠી કરીને તેની પ્રાપ્તિ તરફ આપણને પ્રેરે છે.

સોશિયલ મિડીયા, મોબાઈલ સાધનો અને અનેકવિધ પ્રકારોથી આપણી આસપાસ સતત વાંચનનો ધોધ ઠલવાઈ રહ્યો છે. સારતત્વ ગ્રહણ કરવું એ આજના સંજોગોમાં ખૂબ કપરું કામ છે કારણકે અહીં નીર ક્ષીરનો વિવેક અવશ્ય હોવો જોઈશે. આપણે શું વાંચવુ, કયા પ્રકારનું સાહિત્ય જીવન ઉપયોગી છે અને કયું ફક્ત સમય પસાર કરવાનું માધ્યમ છે એ આપણે ઓળખવું જ પડશે. હવે પસંદગીના સાહિત્યને બદલે લેખનના અને પ્રકાશનના સ્ત્રોત જે રીતે વધ્યા છે એ જોતા આપણે આપણી જાતને હકારાત્મક બનાવે અને સદવિચારો આપે એવું સાહિત્ય વાંચવુ જરૂરી છે. સાહિત્યના ક્ષેત્રમાં આવનારા વર્ષો ક્રાંતિના છે. સર્જનવિશ્વે કદી ન જોયેલી એવી સર્જનની સુનામી આવી રહી છે, સોશિયલ મિડીયાએ સર્જકોને એક સરસ મંચ આપ્યો છે, પણ એ મંચ પરના બધા જ સર્જકો નથી એ આપણે ઓળખતા શીખવું જોઈશે. નવા અને પ્રયોગશીલ લેખકોને રીડગુજરાતી સદાય મંચ આપતું રહ્યું છે. મને પણ એ જ્ રીતે મંચ મળ્યો હતો, એટલે નવસર્જનની પ્રક્રિયા, અને એ માટે એક માધ્યમ બનવાની રીડગુજરાતીની સતત પ્રક્રિયા અટકશે નહીં, પણ એ સાથે ગુણવતામાં કોઈ પણ પ્રકારની બાંધછોડ રીડગુજરાતીના વાચકોને મંજૂર નથી એ પણ એટલી જ અગત્યની વાત છે.

આ નૂતન વર્ષમાં આપણે વધુ સાહિત્યાભિમુખ બનીએ, વિચારપ્રેરક અને હકારાત્મક સાહિત્યનું વાંચન વધારીએ અને આપણી કલમને સબળ સર્જનો થકી આદરપાત્ર બનાવીએ, વાચકોને પ્રિય થઈએ એવી પ્રભુપ્રાર્થના.

આવનારું વર્ષ આપના આંતરિક વિકાસ સાથે આપની જ્ઞાનસમૃદ્ધિમાં, હકારાત્મકતામાં અને સંવેદનામાં સતત વધારો કરે એવી શુભેચ્છાઓ. ફરી એક વાર, રીડગુજરાતીના તમામ વાચકમિત્રો, લેખકો, યોગદાન આપનારા દાતાઓ, પ્રકાશકો તેમજ સર્વેને ‘સાલમુબારક’. નવ વર્ષ નિમિત્તે ૩ નવેમ્બર સુધી રીડગુજરાતી પર રજા રહેશે, આથી નવા લેખો પ્રકાશિત થઈ શકશે નહિ, જેની નોંધ લેશો. લાભપાંચમથી રોજ સવારે ફરી મળીશું. ત્યાં સુધી, આવજો…..

લિ.
જીજ્ઞેશ અધ્યારૂ
સંપાદક


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous શાહુકારોને સલાહ – વિનોદ ભટ્ટ
મારું ટીવીદર્શન – મૃગેશ શાહ Next »   

6 પ્રતિભાવો : નૂતન વર્ષના પ્રભાતે… – સંપાદકીય

 1. Ekta Patel says:

  જીતી ને ઝુકીએ..
  અને..
  હસી ને હારીયે..!!
  સંબંધો ને સોના ના વરખ થી નહિ…. પણ,
  નવા વર્ષને હૈયા ના હરખ થી શણગારીએ…
  ।। નવા વર્ષની શુભકામના ।।

 2. sandip says:

  રીડગુજરાતી ટીમને નુતન વર્ષ અભિનંદન.

  આભાર્……………………….

 3. કાલિદાસ વ. પટેલ { વાગોસણા } says:

  રીડ ગુજરાતી ટીમને સાચા દિલથી નૂતન વર્ષાભિનંદન. આપણું આ રીડ ગુજરાતી સર્વાંગી વિકાસ કરતું રહે તેવી પરમ કૃપાળુ પરમેશ્વરને પ્રાર્થના.
  કાલિદાસ વ. પટેલ { વાગોસણા }

  • gopalkhetani says:

   કાલિદાસભાઈ, ઘણા લાંબા સમય પછી આપના તરફથી કંઈ આવ્યું. નુતન વર્ષાભિનંદન.

 4. Jayesh Sanghani says:

  રીડ ગુજરાતીને તથા જીગ્નેશભાઈ, આપને પણ નૂતન વર્ષાભિનંદન. શ્રી મ્રુગેશભાઈના આ સેવાભાવી કાર્યને ચાલુ રાખવા બદલ આપની ટીમને અભિનંદન.

 5. gopalkhetani says:

  જીગ્નેશભાઈ તથા રિડ ગુજરાતી ટિમને સાલ મુબારક. વાંચકોને પણ નુતન વર્ષાભિનંદન.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.