મારું ટીવીદર્શન – મૃગેશ શાહ

(મૃગેશભાઈએ તા. ૧૪ ફેબ્રુઆરી, ૨૦૦૫ના રોજ લખેલો એક હાસ્ય લેખ આજે પ્રસ્તુત કરી રહ્યા છીએ. મૃગેશભાઈના ઘણાં અપ્રગટ લેખો છે જેમાંથી સપ્તાહમાં એકવાર રીડગુજરાતી પર લેખ મૂકવાનું પ્રયોજન છે. અનેકવિધ શ્રેણીઓમાં લખેલા આ લેખોમાંથી આજે પ્રસ્તુત છે હાસ્યલેખ..)

રાત્રિનો સમય, બધે નીરવ શાંતિ. મેં પણ જમી કરીને સોફા પર લંબાવીને ટીવીનું રીમોટ હાથમાં લીધું. પાક્કો ધનુર્વિદ જેમ શરસંધાન કરે તેમ તેને ટીવીની બરાબર સામે ધર્યું. બરાબર નિશાન તાકીને બંદૂકમાંથી ગોળી છોડવા માટે ટ્રીગરની જે સ્ટાઈલથી ઉપયોગ થાય, તે જ પ્રમાણ મેં ટીવી ચાલુ કરવાનો વિધિ આટોપ્યો.

પણ આ શું? મારી આંખોને જરા પણ વિશ્વાસ ન થયો. ચેનલ જરા બદલીને જોઈ – તો પણ, કંઈ સમજાયું નહીં.

જે ચેનલ જુઓ તે ચેનલ પર પ્રાણીઓ વિશે મોટા મોટા ભાષણો. મનુષ્યોની કિંમત જ નહીં. બધી જ ચેનલોને જાણે કોઈ ગાય ભેંસ બકરીના સ્પોન્સરરોએ ખરીદી લીધી હોય તેવા માત્ર અને માત્ર પશુલક્ષી પ્રોગામો.

પહેલી ચેનલ પર ગુજરાતી ચિત્રપટ ‘હું ગાય ને તું મારો ગોવાળિયો’. બીજી ચેનલ પર ઢોર નિષ્ણાત મગન પોપટ સાથે ખેતરમાં વાર્તાલાપ. (અદ્‍ભુત પ્રાકૃતિક સંગમ)

મારી જિજ્ઞાસાવૃત્તિ અને સંશોધનવૃત્તિ ઓર વધી.

ત્યાં વળી ત્રીજી ચેનલ પર ‘ભેંસના દૂધની વિવિધ વાનગીઓ’.

થોડું વળી ઓર આગળ જતાં મને ન્યૂઝ ચેનલ દેખાઈ. મને થયું “હાશ ચાલો ! ગાયો ભેંસોમાંથી છૂટ્યા, હવે કંઈક દુનિયા વિશે જાણીએ.”

ત્યાં ન્યુઝ રીડરે બ્રેકિંગ ન્યૂઝ વાંચ્યા.
– દિલ્હીથી મળતી ખબર અનુસાર કાળી કૂતરીને ચાર ગલૂડિયાં આવ્યા છે. આ પ્રસંગે ખબર કાઢવા ખાસ મુંબઈથી ચાર મદનિયાં રવાના થઈ ગયા છે.
– બેંગ્લોરમાં જાહેર રસ્તામાં બે ગાયોની ઉગ્ર લડાઈ. ચારેબાજુ અફરાતફરીનો માહોલ. બે દિવસ દૂધ અને બીજી જરૂરિયાત ચીજો બંધ રહેવાની શક્યતા.
– વધુ બે ગધેડાના જન્મ સાથે ૭૦૦ ગધેડા ભેગા કરવાનો દેસાઈ સાહેબનો અદ્‍ભુત રેકોર્ડ. અમે તમને સીધા જ લઈ જઈએ છીએ દેસાઈ સાહેબના ઢોરવાડામાં.

“દેસાઈ સાહેબ તમારું સ્વાગત છે. તમે આ સિદ્ધિ કેવી રીતે હાંસલ કરી ?”

“ત્યમ કોણ સો ? તમારે મારા ઢોરોનું જાણીનું કામ સ્યે ? સિદ્ધિબિદ્ધિ અમે કંઈ નથ જાણતા.”

“૭૦૦ ગધેડાઓની માવજત તમે કેવી રીતે કરો છો ?”

“ત્યમ ગધેડાને જઈને પૂછો. મને મારા મુબાઈલમાં હોંસી… હોંસી સંભળાય છે એટલે કોઈનું ફુન આવતું લાગે સ. મને ટેમ નથી.”

મારી આંગળી આગળની ચેનલ પર પડી અને મગજ ચકરાવે ચડવા લાગ્યું. હવે હતો સ્પૉર્ટસ ચેનલોનો વારો.

“બુલફાઈટ આજ રાત નૌં બજે.” એમ મેં સાંભળ્યું અને મારા મગજનો પિત્તો ગયો.

“આ શું છે આજે ? આ ટીવીમાં બધું આવું કેમ આવે છે ? કાંઈ અભ્યારણ્યમાંથી આ ટી.વી. ઉઠાવી લાવ્યા છે કે શું ?”

મેં શ્રીમતીજીને જોરથી બૂમ પાડી. શ્રીમતીજી બેબાળકા થઈને દોડતા આવ્યાં. તેમણે પણ એટલી જ જોરથી બૂમ પાડી.

“શું છે ? શું થયું ?”

“આ ટીવીને આજે શું થયું છે એમ પૂછ.” મેં કહ્યું, “આજે વાંદરા, બિલાડા, બકરાં ને કૂતરાં જ કેમ ટીવીમાં દેખાય છે ?”

“ઓહો ! એમાં તો જાણે વાઘ જેવી ત્રાડ નાખો છો !” –શ્રીમતીજી ઉવાચ.

મને થયું શ્રીમતીજીએ પણ ત્રણ-ચાર કલાક ટીવીનું રસપાન કર્યું લાગે છે.

“મને તો એમ કે તમને હાર્ટએટેક આવ્યો.” – શ્રીમતીજીએ તીણી નજરથી મારી આંખો સામે આંખ મિલાવીને કહ્યું.

“હજી મારો ઈન્સ્યોરન્સ પાકવાને વાર છે. જરાક તો ધીરજ રાખ ! અને મને મૂળ વાતનો જવાબ આપ ! આજે આ બધું ટીવીમાં આવું કેમ આવે છે ?” મેં પણ મક્કમતાથી ડરતાં ડરતાં કહ્યું.

“તમને ખબર નથી ?”

“શું ? શું ખબર નથી.”

“એ જ.”

“એ જ વળી શું જરા ફોડ પાડ ને?”

“એ જ એટલે કે એ જ કે આજે વર્લ્ડ એનિમલ ડે છે.”

“તો તેનું શું છે ?” – મેં કહ્યું અને ઉમેર્યું, “વર્લ્ડ એનિમલ ડે હોય એટલે આ ચેનલોવાળાએ ગાયો ભેંસોના તબેલા બતાવવાના ? તું જો તો ખરી કે આ બધા રિપોર્ટરો ગાયો ભેંસોના ધણ વચ્ચે દોડાદોડી કરે છે. ભરચક ટ્રાફિકમાં માણસોની વચ્ચે, વાહનોના રસ્તામાં દોડતી ગાયોના દ્રશ્યો લગભગ હું રોજ સવારે ઑફિસ જતાં જોઉં છું, પણ આ માણસો ગાયો ભેંસોના ધણ વચ્ચે શું કરે છે ? બધા ‘ડે’ ઉજવીને કંટાળ્યા એટલે આ વર્લ્ડ એનિમલ ડે ઉજવવા નીકળ્યા?” મેં મારો અંતરનો બળાપો વ્યક્ત કર્યો.

“તે એક દિવસ ટીવીને આરામ આપો ને ! આમેય ચોવીસ કલાક ટીવી ટીવી ટીવી. ક્યારેક તો જીવનમાં બીજા શોખ કેળવો.” શ્રીમતીજીએ સલાહનો ધોધ વરસાવ્યો.

પણ હું કંઈ ભીંજાઉં એવો હતો નહીં. મેં પણ જુસ્સાથી બૂમ પાડીને કહ્યું. “હું જાઉં એવો નથી. હું આનો વિરોધ કરીશ. ચેનલોવાળા સામે મોરચો કાઢીશ, દિલ્હી જઈને માહિતી અને પ્રસારણ ખાતામાં અરજી કરીશ. તેમણે મારી એક દિવસની ખુશી છીનવી લીધી છે. હું છોડીશ નહીં, હું વિરોધ કરીશ, હું વિરોધ કરીશ.” એમ મેં બબડવાનું ચાલુ જ રાખ્યું ત્યાં એક જોરદાર આંચકો આવ્યો.

મને લાગ્યું કે ધરતીકંપ હશે કે શું ?

ત્યાં સામે જોયું તો શ્રીમતીજી મોટેમોટેથી બૂમો પાડતા હતા.

“ઉઠો હવે સવારના સાત વાગી ગયા. ઊંઘમાં બબડવાની ટેવ હજી તમારી છૂટી નહીં.” ગળું જરા ખંખેર્યું અને પાછા તાડૂક્યા, “બારણે પેપર આવ્યું હશે જુઓ જરા. રજા એટલે જાણે ચોવીસ કલાક આરામ. શનિવારથી જ આરામની શરૂઆત થઈ જાય છે. ટીવી જોતા જોતા સૂવાની આદત હજી તમારી ગઈ નહીં.”

સ્વર્ગમાંથી મારું પૃથ્વી લોકમાં પતન થયું હોય તેમ હું ધ્યાન સમાધિમાંથી જાગ્યો. પછી અમારું મન જાગ્યું અને ત્યારે સમજાયું કે ઢોરોની ચેનલો આઈ મીન ચેનલે ચેનલે ઢોરોને જોયેલા એ મારું એક સ્વપ્ન હતું. મગજના બત્રીસ કોઢે દીવા થયા ત્યારે તેનો તાગ મળ્યો કે તે સાંજે રસ્તામાં બે ગાયોને લડતી જોઈ હતી અને પછી રાત્રીના ચેનલ દર્શનનો ક્રમ જાળવતાં જાળવતાં ઊંઘી ગયેલો. આ બંનેના મિશ્રણે મનમાં વિચારોના વિવિધ વર્તુળો બનાવેલાં ! વળી જોતાં જોતાં નેશનલ જીયોગ્રાફી ચેનલ થોડીવાર જોઈને સુઈ ગયેલો એટલે આવા અદ્‍ભુત પ્રાણી જગતના વિરાટ દર્શનનું સાયુજ્ય મને સાંપડ્યું.

મનોમંથનમાંથી બહાર આવીને શ્રીમતીજી તરફ હકારમાં ડોકું ધુણાવી, “હા ઊઠું છું.” એટલા બે શબ્દો કહ્યા.

“ઊઠો ત્યારે જલ્દી. શું બબડતા હતા ઊંઘમાં ? શેનો વિરોધ કરવાનો છે ? ઓફિસમાં હડતાલ પાડવાની છે કે શું ? જો હડતાલમાં જોડાતા નહીં હોં. રજા પર ઊતરી જજો. આપણે પગાર કપાવવો નથી.” શ્રીમતીજીએ બાફવાની શરૂઆત કરી.

હું તેને કેમ કરીને સમજાવું ?

“આ બધી વાતો છે અગમની ને મોટી,
તમારી સમજમાં કંઈ જ આવે પાનબાઈ.”

એવી પંક્તિ બબડતાં મેં કહ્યું, “એવું કશું નથી. તું તારું કામ કર.”

પથારીમાંથી ઊભા થઈને બારીની બહાર મેં ડોકિયું કર્યું અને એક ગાયને ઊભેલી જોઈ. વળી પાછું મન વિચારોના ચગડોળે ચઢ્યું પણ પછી મનમાં સંકલ્પ કર્યો કે રાત્રે સૂતાં ટીવી જોવાનું ટાળવું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “મારું ટીવીદર્શન – મૃગેશ શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.