છેવટનાં આકરાં ચઢાણ – મીરા ભટ્ટ

મારા અને મૃગેશભાઈના ખૂબ વહાલા, પ્રેમાળ, પ્રેરણાસ્ત્રોત અને આપણી ભાષાના જાણીતા સાહિત્યકાર શ્રીમતી મીરાબેન ભટ્ટનું ૪ નવેમ્બરે વડોદરામાં અવસાન થયું. કૅન્સરનું નિદાન થયું ત્યાર પછી આવતા મૃત્યુને જોઈને તેમણે લખેલો આ લેખ તેમના મનની અંતિમ સમયની નજીકની વાત આપણને સૌને કહે છે. મીરાબેનના આત્માને ઈશ્વર શાંતિ આપે એવી ઈશ્વરના શ્રીચરણોમાં પ્રાર્થના સહ જન્મભૂમિ પ્રવાસીનો તેમનો લેખ અહીં મૂક્યો છે.

(જન્મભૂમિ પ્રવાસી, મધુવન પૂર્તિ, તા. ૧૫-૧૦-૨૦૧૬ માંથી સાભાર.)

20161106_155614જીવનનો પ્રવાહ એ જ એની કાયમની સમથળ સપાટીએ વહ્યો જતો હતો. સામાન્ય માંદગીઓ વચ્ચે વચ્ચે ડોકિયાં કરી જતી હતી. કશું ગંભીર – ચિંતાજનક કે ઉપદ્રવજનક જોજનો દૂર દેખાતું નહતું. ત્યાં અચાનક બે દિવસ પેશાબ બિલકુલ બંધ થઈ ગયો. ડૉક્ટરે સોનોગ્રાફિક તપાસ કરી અને જીવનમાં મહાભયંકર, ભીષણ કહેવાય એવું નામ લઈને નવો વ્યાધિ ટપકી પડ્યો.

પરંંતુ કોણ જાણે કેમ લોકો કેન્સરને ગમે તેટલો ભયંકર, પ્રાણઘાતક રોગ ગણતા હોય, પરંતુ આજ દિન સુધી મને એની ભીષણતા – ભયંકરતાનો કોઈ સ્પર્શ જ થતો નથી. સમાચાર સાંભળીને ચારે બાજુથી સ્વજનો – મિત્રો – પ્રિયજનોનો પારાવાર પરિવાર ઉમટી વળ્યો અને જાણે પ્રેમનો ધોધ વરસ્યો. અનેક વાર આવતો અનુભવ પારિજાતકનાં ફૂલની સુગંધ ફેલાવતો ફરી એકવાર અનુભવાયો. બાબા તેરી નગરી મેં પ્યાર મિલા, પરિવાર મિલા@

તેમાં વળી થોડા જ દિવસો બાદ, રેંટિયા બારસે મારી વર્ષગાંઠ આવી, વળી સ્વજનો ઘેરાઈ વળ્યા. કાંઈક કહેવાનો આગ્રહ થયો તો તત્ક્અણે મનોજગતમાંથી જે ઊભરાઈ આવ્યું તે આવું કાંઈક હતું – આજે મારી વર્ષગાંઠ – વર્ષગાંઠ તો વરસોવરસ આવે એ, પરંતુ આ તો છે મારી ચોર્યાસી વર્ષની વર્ષગાંઠ. આપણા ભારતમાં ૮૪ વર્ષના આંકડાનું આગવું મહત્વ છે. ચોર્યાસી લાખ વર્ષનો એક ફેરો ગણાયો છે. ચોર્યાસી લાખ વર્ષે જીવાત્માની યોનિ બદલાય. હમણાં છેલ્લે છેલ્લે મારો કઠોપનિઅદનો સ્વાધ્યાય ચાલતો હતો, જેમાં મૃત્યુદેવના સાક્ષાત્કારની સુંદર અનુભૂતિ આલેખાઈ છે. મૃત્યુદેવનું યથાર્થનામ ‘યમદેવ’ એ. યમ એટલે યમ-નિયમ-સંયમની સુંદર આગવી સુગંધ અને પાવિત્ર્ય લઈને ખીલતું જીવનનું ફૂલ. જેના જીવનમાં યમ-નિયમ-સંયમની ર્ંગોળી પૂરાય છે તેનું જીવન પ્રસન્ન પ્રફુલ્લિત પુષ્પ સમું નિર્મળ, સુગંધ અને પ્રકાશ ફેલાવનારું હોય છે. આવો જીવનના પણ જીવન સમો ચૈતન્યમય સાવ અચાનક સામે આવીને ઊભો રહ્યો ત્યારે મને એનું કશું જ અજાણ્યાપણું ન લાગ્યું. તે જ સવારે મેં અરુણને કહ્યું કે મને મકરંદભાઈનું ગીત સંભળાવો –

ખૂબ જેનું નામ લીધું, આખરે આવ્યા જ તે,
ગામમાં નહીં, ઠેઠ ઘરના ઉંબરે આવ્યા જ તે.

આ તો માત્ર ઉંબરે જ નહીં ઠેઠ ભીતર, ગભારામાં, ડૉક્ટર કહે = આ પેન્રિયાના કૅન્સરની ગાંઠ ખૂબ ઉંડી હોય છે અને એ બહાર દેખા દે તે પહેલાં ઘણું કામ કરી ચૂકી હોય છે! આમ મૃત્યુ દેવ સાવ દબાતે પગલે આવ્યા!
આમ તો દર વર્એ યમરાજા વીતેલા વર્ષની ગાંઠ મારવા આવે. જીવનના એક મુકામની ગાંઠ! જોઈ તપાસી લો, જીવાયું તે કેવું જીવાયું, પરમ ધ્યેયની કેટલી નજીક પહોંચાયું, કેટલું અંતર બાકી રહ્યું એનો તાળો મેળવતા રહેવું અને તદનુસાર પુરુષાર્થને જાગૃત કરવો. આપણે વીતેલા વર્ષોના લેખાંજોખાં કાઢી શકીએ, એટેલે યમદેવ જીવનનું પડીકું ઢીલુંઢાલું બાંધે, જેથી વેરી નાખવા જેવા દાણા વેરાઈ જાય અને બાકીના સચવાયેલાં રહે. પરંતુ આ તો ચોર્યાસી વર્ષ પૂરાં થયાની ગાંઠ! યમદેવ એને સજ્જડ બાંધે, ગાંઠે જે કાંઈ બંધાય તે સાથે, બાકી બધું અહીંનું અહીં.

આવી આ જીવનયાત્રા એક મુકામે પહોંચી છે ત્યારે અનુભવું છું કે જીવનયાત્રાની તમામ વાટે પ્રભુ સાથે ને સાથે જ રહ્યા છે! જીવનમાં જે કાંઈ લાધ્યું તે બધું એના જ પ્રતાપે. એ જ મારા અંતરનો પરમ વિશ્રામ. પરંતુ હા, મારે એટલું સ્વીકારવું પડે કે જીવનયાત્રાના પ્રત્યેક માર્ગે, આગલા માઈલ સ્ટોને પહોંચતા રસ્તામાં ક્યાંય અટવાઈ ન જવાય તે માટે સહાયરૂપ એવો મારી જિંદગીનો હમસફર પણ સદા સાથેને સાથે છે. જીવનમાં વિયોગના ઘણાં દિવસ આવ્યા, કહોને? અડધું આયુષ સમાજને નામે, છતાંય એ વિયોગ ન લાગ્યો. સતત એ દિલાસો દેતા રહ્યા કે બાઈ રે, જરીક વધુ જો વેઠે! આ રહ્યો એ મુકામ આપણો, આ જીવનના તરભેટે!.. હવે જીવનના આ પરમ ત્રિભેટે પણ પ્રભુની ને એમની આંગળી પકડી રાખીને પહોંચી જઈશ.

સાચે જ કોઈ તાપ નથી, પરિતાપ નથી. ભયનું તો નામોનિશાન નથી, બસ આનંદ જ આનંદ અને એક પ્રકારની ગાઢ શાંતિ અનુભવાય છે. છેલ્લા મહિનાઓમાં મારી ઊંઘ રીસાઈ ગઈ હતી. રાતોની રાતો મેં પુસ્તકને સહારે કાઢ્યા. એને બદલે હમણાં હમણાં હું એવી ઊંઘી જાઉં ઉં કે કોઈ આવે તો મને જગાડવી પડે છે. બસ, ફરિયાદમાં માત્ર દાહ – બળતરા અને ખંજવાળ છે.

પરંતુ નક્કી કર્યું એ કે સારવારમાં બાયોપ્સી કે કેમો વગેરેનો રસ્તો ન લેવો. શાંતિથી જે થાય તે કરવું અને ઉપદ્રવના શમન માટે સહજ સરળ રીતે જે પ્રાપ્ય હોય તેવા ઉપચારો કરવા. બાકી જે કાંઈ સામે આવે તે સહન કરવું. ખબર નથી, પંથ અજાણ છે, માર્ગે કેવા કેવા તોફાનો, સંઘર્ષો આવશે તેની કોઈ ભાળ નથી. પણ જે કાંઈ આવે તે સહન કરી લેવું એવું વિચાર્યું છે. કહેવાય છે કે, શરીરમાં જેટલી સહનશક્તિ વધારો તેટલી સામનો કરવાની શક્તિ આવી મળે છે. બાકી હું તો ઝીણી ફોડકી થાય તોય થથરી ઉઠતી કે કૅન્સર તો નહીં હોય ને! પણ જોઈએ હવે શું થાય છે? સાથીઓ, હમસફરની દુવાઓ હમદર્દ બની જશે? મને મંઝિલે પહોંચાડી દેશે એવી આશા છે.

મૃત્યુનો ભય તો લગભગ ક્યારેય લાગ્યો નથી. અસહ્ય લાગતું હોય તો તે સ્વજનોની વિદાય પરંતુ ધીરે ધીરે વિનોબા વિચાર કેળવાતો ગયો કે અનંત સંબંધનો કોઈ છેડો નથી. કોઈ અંત નથી, આત્મસાત થયેલા સાથીઓ એક યા બીજા સ્વરૂપે આવી જ મળે છે અને જ્યારે સફળ દિવસ સાથે અનુબંધ જોડાઈ જાય છે પછી વિયોગ જેવું કશું રહેતું જ નથી. सियाराम सम सब जग जानी તો જ્યારે સધાય ત્યારે સાચું પરંતુ સૌમાં અંતરની છબીની છાયાઓ રમતી જોવા મળે એ સદભાગ્ય પણ ક્યાં ઓછું છે? મુક્તિ રૂપે કેવળ પરમ પ્રિય પ્રભુ સાથે જ રહેવાનું કોને ન ગમે? પરંતુ જ્યાં સુધી પૃથ્વી પરના અંતિમ માણસનાં આંસુ ધોવાઈ ન જાય ત્યાં સુધી જંપ વાળીને બેસી જવું ન ગમે. છતાંય અંતિમ નિર્ણયનો દ્વાર કેવળ પરમાત્માના હાથમાં છે. राजी हैंं हम उसीमें जिसमें तेरी रजा हो!

મૃત્યુ પછીના દેહ સંસ્કાર વિશે હું કરુણાવાન કરતાં વેદાંતવાદી વધારે છું. હિંદુ ધર્મનો પિંડ છે એટલે भस्मान्तम शरीरम સંસ્કાર જ વધારે આત્મસાત થયો હોય. મારી ચિતા ખડકાઈ હોય અને એની અગનજ્વાળામાં અકેક શરીર ભસ્મીભૂત થતા હોય એમ ચોમેર ઘેરાઈને ઉભેલા સ્વજનો – પરિજનોની આંખોમાં જ્વાળાના લબકારે લબકારે જિંદગીની વીતેલી ક્ષણૉ અનંત કાળમાં વિલોપાતી જતિોય એવા દ્રશ્ય જોયા હોય. ક્યારેય કરુણાવાન બનીને બીજાની અંગપૂર્તિ કરવાનું કરુણાકાર્ય કરવું એ ઈશ્વરી યોજનામાં દખલગીરી લાગે, પરંતુ એક વાર સાંભળ્યું કે મારી એક પરમ મિત્રના મૃત્યુ બાદ દેહદાન કરવાની વાત વિસરાઈ ગઈ ત્યારે મનમાં તત્ક્ષણ સંકલ્પ જાગ્યો કે તો પછી એમની ઈચ્છા હું પૂરી કરીશ. ત્યાર બાદ સ્વજનોને જણાવી દીધું છે કે સહેલાઈથી વ્યવસ્થા થતી હોય તો દેહદાન કરવું બાકી ચક્ષુદાન તો થઈ જ શકે.

વળી એક શર્દ્ધા નાનપણથી પોષાતી આવી છે કે મૃત્યુની ક્ષણ નિશ્ચિત છે. ભલે એના પ્રકાર બદલાતા રહે. એટલે નિશ્ચિંત રહેવાય છે બસ, માત્ર છેવટની જ નહીં, પરંતુ હવે પછીની એકેએક ક્ષણ પ્રભુ સ્મૃતિમાં ઝબોળાયેલી રહે એવી જ આકાંક્ષા રહે છે. મૃત્યુની ગોદ મને હૂહાળી લાગે છે. એમાં ચિંતાઓ અને ચિંતનો ઈશ્વરને સમર્પણ કરી લપાઈને સૂઈ જાઉં છું. ઈશા કુંદનિકાએ નાનકડી ચબરખીમાં પણ એ જ સંદેશો મોકલ્યો છે કે ‘ઈશ્વર સદાય તમારી સાથે રહો.’

જ્યાં સુધી શરીરમાં શક્તિ હશે અને અંતઃપ્રેરણા થશે ત્યાં સુધી અંતિમયાત્રામાં વાચકોને સાથે રાખીશ. બાકી તો-

હમણાં જ સાંજ પડશે
પંખી તમામ પોતે
પોતાના માળામાં પાછા ફરશે..
મારી પણ એ જ પ્રાર્થના રહે છે કે
મને એક સાંજ આપો, રાત આપો,
મને આપો એક એવો આશ્લેષ
ફરફરવા લાગે આ સાત સાત જન્મોના તાણીને બાંધેલા કેશ
ગાવાથી સાવ મને અળગી કરીને નાથ,
કાયમની કેદ મને આપો?…

– મીરાબેન ભટ્ટ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “છેવટનાં આકરાં ચઢાણ – મીરા ભટ્ટ”

Copy Protected by Chetan's WP-Copyprotect.