બે પદ્યરચનાઓ – શીતલ ગઢવી, દિવ્યેશ સોડવડીયા

૧. દિવાળી જેવું લાગે – શીતલ ગઢવી

(રીડ ગુજરાતીને પ્રસ્તુત રચના મોકલવા બદલ શીતલબેન ગઢવી (અમદાવાદ)નો ખૂબ ખૂબ આભાર. રીડ ગુજરાતી પર તેમની આ પ્રથમ રચના છે. આપ તેમનો 9974581290 અથવા mannzeel10@gmail.com પર સંપર્ક કરી શકો છો. લેખનક્ષેત્રે તેઓ સતત પ્રગતિ કરતા રહે તેવી શુભકામના.)

આંખોની ભીતર રોજ તમસ જેવું લાગે,
આવે મળવા તું તો દિવાળી જેવું લાગે.

બનાવું હું ઘૂઘરા અને મીઠાઈ તણાં ભોગ,
આરોગે આવીને તું તો દિવાળી જેવું લાગે.

સજાવી છે રંગોળી મોરપીંછના રંગો લઇ,
પગલી પાડી રગદોળે તું તો દિવાળી જેવું લાગે.

ઝૂમખાં લટકાવ્યાં બારસાખે સજાવ્યાં તોરણ,
એક નજર નીરખે તું તો દિવાળી જેવું લાગે.

શણગાર સજ્યા નવોઢા થઈને રચી હાથોમાં મહેંદી,
ગળે લગાવી નવું વર્ષ મનાવે તું તો દિવાળી જેવું લાગે.

રાહ ભટકે નહિ અંધકારમાં ગગનદીપ મૂક્યો અટારીએ,
આગંતુક બની દ્વાર ખટકાવે તું તો દિવાળી જેવું લાગે.

રામે કર્યો પૂરો વનવાસ કર્યો મેળ સીતાને સાથ,
અંતરથી દ્વેષ હટાવે તું તો દિવાળી જેવું લાગે.

– શીતલ ગઢવી ‘શગ’

૨. આખરે તું પણ એક સ્ત્રી છે… – દિવ્યેશ સોડવડીયા

(રીડ ગુજરાતીને પ્રસ્તુત રચના મોકલવા બદલ શ્રી દિવ્યેશભાઈ સોડવડિયા (સુરત)નો ખૂબ ખૂબ આભાર. રીડ ગુજરાતીને પાઠવેલી આ કવિતા થોડા સમય પહેલા રિલીઝ થયેલ ‘પિંક’ ફિલ્મ પરથી પ્રેરણા લઈને રચાઈ છે. આપ તેમનો 9638689821 અથવા sodvadiyadivyesh4@gmail.com પર સંપર્ક કરી શકો છો. લેખનક્ષેત્રે તેઓ પ્રગતિ કરતા રહે તેવી શુભકામના.)

તું ભૂલીશ નહીં…
તું એક સ્ત્રી છે, સૌને અવતારનાર તું છે.
તો કેમ અન્યોની નજરમાં નમીને ફરે છે ?
આખરે તું પણ એક સ્ત્રી છે…

તું જરા વિચાર…
‘હું’ એક શબ્દ, ને ‘તું’ પણ એક શબ્દ છે.
સાથે સંકળાયેલો ‘સંબંધ’ સ્વયં શબ્દ છે.
તો કેમ તું ડરીને સંબંધ બાંધે છે ?
આખરે તું પણ એક સ્ત્રી છે…

તું યાદ કર…
તું રડે છે ત્યારે અશ્રુ કોણ લૂછે છે ?
તું હસે છે તો ઈર્ષાળુ દૂર ખસે છે.
તો કેમ તું સૌને પૂછીને હસે છે ?
આખરે તું પણ એક સ્ત્રી છે…

તું કંઈક બોલ…
પ્રત્યેક પ્રશ્નોનાં જવાબ તારી પાસે છે.
છતાં હૈયામાં ધરબીને તું મૌન નાચે છે.
તો કેમ તું અચકાઈને ઉત્તર આપે છે ?
આખરે તું પણ એક સ્ત્રી છે…

તું નજર કર…
તારી ઈચ્છાઓનાં પોટલા ઢોળાય છે.
જો… તારા સિવાય બધાને કળાય છે.
તો કેમ તું ઈચ્છાઓને મારીને જીવે છે ?
આખરે તું પણ એક સ્ત્રી છે…

તું અસ્તિત્વને આંબ…
તું સદાય સૌની દિવાળી છે.
તું રોશની, ભલે રાત અંધારી છે.
તો કેમ તું ખુદને બુઝાવીને પ્રગટે છે ?
આખરે તું પણ એક સ્ત્રી છે…

તું ભૂલીશ નહીં…
તું જરા વિચાર…
તું યાદ કર…
તું કંઈક બોલ…
તું નજર કર…
તું અસ્તિત્વને આંબ…
તું એક સ્ત્રી છે…
આખરે તું પણ એક સ્ત્રી છે…

– દિવ્યેશ વિ. સોડવડીયા

(સ્ત્રીનાં અસ્તિત્વને સમર્પિત)


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous છેવટનાં આકરાં ચઢાણ – મીરા ભટ્ટ
પંચાતિયા ગામમાં કોઈ ગર્યશો મા – જોરવરસિંહ જાદવ Next »   

1 પ્રતિભાવ : બે પદ્યરચનાઓ – શીતલ ગઢવી, દિવ્યેશ સોડવડીયા

  1. gopalkhetani says:

    શીતલબેન, તમારી કવિતા વાંચીને ખરેખર દિવાળી જેવું લાગે છે. ખુબ સરસ.
    દિવ્યેશભાઈ,સ્ત્રી સમર્પીત રચનાને સો સો સલામ. ખુબ સરસ.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.