પંચાતિયા ગામમાં કોઈ ગર્યશો મા – જોરવરસિંહ જાદવ

(‘અખંડ આનંદ’ સામયિકના ઓક્ટોબર, નવેમ્બર-૨૦૧૬ના દીપોત્સવી વિશેષાંકમાંથી સાભાર)

લોકવાણીમાં કહેવાય છે કે ‘પક્ષીઓમાં ચતુર કાગડો અને માણહજાતમાં ચતુર વાણિયો.’ બુદ્ધિચાતુર્યમાં વાણિયાને કોઈ નો પોગે, પણ વાણિયાની બુદ્ધિને ભૂ પાઈ દે એવી ગામડા ગામના પટલિયાઓની પંચાતની વાત આજે માંડવી છે. આ વાતને વરહ થિયા હશે સાઈઠેક.

ભાલ, કનેર અને કાઠિયાવડના સીમાડા જ્યાં આંટિયું નાખીને ઊભા છે ઈની કાંધ માથે ગોધાવટા નામનું ગાયની ખરીરોખું નાનું એવું ગામડું રહી ગયું છે. આ ગામમાં ગવરીશંકર કરીને ગોરમહારાજ રિયે. મહારાજ રોજ ઊઠીને તળાવના ટાઢા પાણીમાં ખંખોળિયું ખાઈ મોંસૂઝણામાં શંકરની દેરીએ જાય. ભોળાનાથની પૂજા – પ્રદક્ષિણા કરી, ઘેર જઈ ચા પાણી કરી-કરાવી હાથમાં બોઘરણું ને છાલિયું લઈ ગામમાં ‘દયા પ્રભુ’ની કરવા નીકળી પડે. નિત્યનો આ નિયમ. કણબી, રજપૂત, વાણિયા વગેરે ઉજળિયાતોના ફળિયે ફરે અને ખડકીમાં પગ મૂકતાં જ બોલે :

પુણ્ય પરબડી
દયા પ્રભુની
આજ સાતમ ને સોમવાર

ગવરીશંકરના ઘરમાં ગરીબાઈ આંટો દઈ ગયેલી. ભાગ્યશાળીનો વસ્તારવેલો મોટો. ત્રણ દીકરિયું ને બે માણસ પોતે. કરમની કઠણી એવી કે ગોર ગામ આખું ફરે ને ટાંટિયાનું તોરણ કરે ત્યારે ‘દડિયું’ લોટ માંડ મળે.

ગરવું ગમ ગોધાવટુ ને
પડોશમાં આવ્યું વડિયું
બે ગામ માગે ત્યારે
લોટ થાય ગડિયું.

જનમની ઓશિયાળી ગોરાણી ગરીબડું મોં કરી રોજ મહારાજને કહે : ‘આમ ગામમાં લોટ માગી ખાવાથી આપણું દાળદર નંઈ મટે. માગ્યા લોટે સાત જણનું પોહાણ શ્યે થાય ?’

‘ત્યારે ?’

‘ત્યારે શું ! ઈશ્વરે બરામણ જેવું ખોળિયું દીધું છે. ‘હોઠ સાજા ઈના ઉત્તર ઝાઝા.’ ચઈંકથી રામાયન મહાભારત જેવી પોથી લાવી આપણાં ભાલગાળાનાં ગામડાં ફરવા માંડો. કથા-સપ્તાહ કરો તો ખપજોગાં ફદિયાં તો હાથમાં આવે. પુણ્ય-પરબડી કર્યે ક્યારે દિ’ વળે ?’

‘ગોરાણી ! તારી વાત તો સોળવલ્લા સોના જેવી છે. ઝાઝું ભણ્યો નથી પણ કથાવારતા માંડતા તો મને આવડે છે. નાનપણમાં બટુકબાપા કનેથી બઉં કથાયું સાંભળી છે. તું મને ભાતુંપોતું બંધાવી દે. કલ્યથી પોથી-પાનાં લાવી ગામડાં ફરવા માંડું.’

બ્રાહ્મણી તો પડોશીને ત્યાંથી લોટ માગી લાવી. વાડાના વેલા પરથી દૂધી તોડી લાવી ને હરખભેર ઢેબરાં બનાવી, ભાતું બાંધી આપ્યું. વહેલી સવારે બગબગામાં ગવરીશંકર બહારગામ જવા સાબદો થયો. બરોબર ઈ ટાંણે સામે આવતી કાળુડી કૂતરીએ કાન કર્યા. વહેમીલી ગોરાણીએ ઢેખાળો મારી કૂતરી કને ઉંઆઉ કરાવ્યું. ગવરીશંકરે ગામ મૂક્યું. ઓતરાદિ દિશાએ ચાલતો ચાલતો વહ્યો જાય છે. સૂરજ મહારાજને મેર બેસવાનું ટાણું થયું છે. ઝાલર-આરતી ટાંણે ગોર ધંધૂકા જેવા ગામમાં આવ્યો. હવે અહીં ધંધૂકામાં અંબાપરા દરવાજાના મોઢામાથે બેઠો બેઠો એક માણભટ્ટ કથા-વારતા કરે. સાંભળનારાઓનો કોઈ સુમાર નઈં. આ બ્રાહ્મણ તો હાલી હાલીને થાકી ગયેલો એટલે એક ખૂણે જઈને બેસી ગયો. કથા પૂરી થઈ. શ્રદ્ધાળુ ભક્તોએ પોથી આગળ અનાજ, લીલું શાક-બકાલું, કેળાં, પપૈયાં, ગાજર, મૂળા ને શેરડીનો ઢગ કર્યો. નાની-સૂની હાટડી જેવો દેખાવ જોઈને ગવરીશંકરે કથા કરતા પુરાણી મહારાજને પૂછ્યું :

‘પુરાણી બાપા, કથા-વારતા કરો છો ?’

‘મહાભારત વાંચું છું. મહાભારતનો મહિમા આપણા સમાજમાં બઉ મોટો છે.’

આ સાંભળી ગવરીશંકર બે હાથ જોડીને બોલ્યો :

‘બાપા, ઈ મહાભારતની પોથી મને નો આલો ? હુંય ગરીબ બ્રાહ્મણ છું. ઈ વાંચીને કથા-વારતા કરું તો પેટનો ખાડો પુરાય. ઘેર પાંચ છોકરા હમચી કુંડું ખૂંદે છે. કપાણ્યનો પાર નથી. પોથી આલો તો તમારારોખો ભગવાનેય નઈં.’

‘અલ્યા ગોર ! તુંય સાવ ગાંડો જ છું ને ! ગામમાં જરાક આઘો હાલ્ય. ધાર્મિક ચોપડિયુંવાળાને ત્યાં જો’વી એવું ભારત મળે છે. ઈ ચિયું આઘું છે ?’

આ કહે : ‘ભૈશાબ, ભાળ્યા વિના હું ભાટકું ? જે પૈસા થાતાં હોય ઈ આલું. તમે બીજું નવું લઈ લેજો.’

પુરાણીને ગરીબ બ્રાહ્મણની દયા આવી. એણે મહાભારત મફતમાં આપી દીધું. બીજે દિ’ હરખાતો હરખાતો ગવરીશંકર વધામણી આપવા ઘેર આવ્યો ત્યારે બાઈ બોલી :

‘લાવ્યા ભારત (મહાભારત) ?’
તો કહે : ‘હા.’

‘તો હવે કાલ્ય સવારના સોમવાર સારો વાર હે. ઉત્તમ એવું અમૃત ચોઘડિયું જોઈને નીકળી પડો. ભાલનાં ગામડાં બહુ દૂબળાં છે. કાઠિયાવાડનાં ગામડાં ગોતો, ન્યાં વાડિયુંનો રૂડો પ્રતાપ છે. ધરતીમાતા બહુ દુઝે છે, ને પટલિયાવ બઉ બળમાં છે, પણ આપણા દિવેશ્વરદાદા શિખામણ દઈ ગ્યા છે કે ‘પંચાતિયા ગામમાં ગરવું નંઈ’ એટલું યાદ રાખજો.’

બ્રાહ્મણને તો હરખમાં ને હરખમાં રાતબધી ઊંઘ આવી નહીં. સવાર થયું. ગામની ગાયું ગોરમાં આઢવા મંડાણી ઈ વખતે શુભ ચોઘડિયું જોઈ, ગવરીશંકર ખભે ખડિયો ને ખેસ અને માથે ચકરી ઘાટની લાલ પાઘડી નાખી કથાકારની અદાથી ચાલી નીકળ્યો. ચાલતા ચાલતા પંદરેક ગાઉનો પલ્લો કાપ્યો ત્યાં નમણી નારીના કપાળના ચાંલ્લા જેવું નાની વાવડી કરીને એક ગામ આવ્યું. ગોર ગામની ઊભી બજારે હાલ્યા જાય છે ને ઘરખોરડાં જોતાં જાય છે. ગામ સુખી જણાતાં ગવરીશંકરે તો ભાઈ ગામના ચોરે જઈને અડિંગો નાખ્યો. બીજે દિ’ ગામના બે-ચાર નાતપટેલોને મળીને વાત કરી કે ‘બાપા, બરામણ છું. ગામમાં મહાભારતની સપ્તાહ બેસાડવી છે. ગામની રજા લેવા આવ્યો છું.’

‘ગોર મહારાજ, અમારા ગામમાં રોજ મહાભારત જ ભજવાય છે તમે મહાભારત માંડશો તો બળતામાં ઘી હોમાશે. અમારે કથાબથાની કાંઈ જરૂર નથી. ભલા થઈને બીજું ગામ ગોતી લ્યો.’

‘અરે બાપા ! આવું કા બોલો ! ભાગ્યશાળી ગામ છે. લીલી-કુંજાર વાડિયું દૂઝે છે. સુખી પટેલિયા છો. ગરીબ બ્રાહ્મણના આશીર્વાદ મળશે, લક્ષ્મીમાતાની વધુ મે’ર થાશે. ધર્મની જય હો બાપા. તમારા આશરે આવ્યો છું. ખોબો ખોબો ધાન દેશો તો ખૂટી નઈં જાય. અભરે ભરાશે.’

ત્યાં પાંચા પટેલે ડાઢાવાણી ઉચ્ચારી : ‘મહારાજ ! આ કિયો મઈનો હાલે છે ?’

‘માગશર વદ સાતમ ને સોમવાર. કથા માંડવા માટેનું ઉત્તમ મુહૂર્ત છે. પુણ્યની પરબ બંધાશે.’

‘મહારાજ ! તમે માનો છો એવા અમે સાવ કાડા નથી. અમેય સિત્તેર દિવાળિયું ને હોળિયું જોઈ છે. કથા ક્યા મઈનામાં બેહારાય ?’

‘ઈ તો બાપા, બેહારવી હોય ત્યારે બેહારાય.’

‘મહારાજ ! બ્રાહ્મણ છો ? કાશી ભણ્યા છો કે પછી ટીલાં તાણી, જનોઈ ટીંગાડી, પોથી હાથમાં લઈને બસ હાલી જ નીકળ્યા છો ? ખેડુવરણનાં ગામડાંમાં કથા સરાવણ મઈનામાં થાય. મે’ગારાના હંધાય ખેડુ નવરા હોય. માગશરમાં પોથિયું લઈને ઊતરી પડ્યા છો તે અટાણે તમારી કથા હાંભળવા કોણ નવરું હોય ? વાડિયુંમાં કપાસની વીઅણી હાલે છે. ગામમાં કોઈ નવરું નથી તમારી કથા હાંભળવા.’

ગવરીશંકરને તો પહેલે કોળિયે જ માખી આવી. એને થયું આ પંચાતિયા પટેલિઆઓએ મારી બોણી બગાડી નાખી. ઘડીભર તો એને ધરતીમાતા મગન આપે તો મંઈ સમાઈ જવાનું મન થયું. ગોરાણીએ કહેલી દાદાની વાત પણ યાદ આવી. એને થયું કે હું પોદળા જેવો સાવ ઢીલો રહીશ તો લોકો મને કોઈ ગામમાં કથા જ નહીં કરવા દે. મક્કમ બનીને આ જ ગામમાં કથા કરવાનો એણે સંકલ્પ કર્યો. ભાગ્યમાં જે માંડ્યા હશે ઈ બે પૈસા મળશે એમ વિચારીને ગવરીશંકરે બીજે દિ’ સવારે ગામના ચોરે પોથી છોડીને મહાભારતની કથાનું મંગલાચરણ કર્યું.

પહેલા દિ’સાવ એકલા એકલા કથા કરી. સમ ખાવાય કોઈ સાંભળનારું ના મળ્યું. બીજે દિ’ બે આવ્યા. ત્રીજે દિ’ પાંચ-સાત આવ્યા. ચોથે દિ’ પંદર ને પાંચમે દિ’ પચ્ચીસ આવ્યા. પછી તો અમથી ડોશી, જીવી ડોશી, શીવી ડોશી, કડવી ડોશી, મોંઘી મા, જીવકોરમા, ગંગાડોશી, મોરજીમા, છોટામા, મોટામા, ભાભુમા ઘઉંના વાટકા ભરી ભરી કથા સાંભળવા આવ્યાં. બે ત્રણ જણ તો કાને સાવ ધબોધબી હોવા છતાંએ કથાનાં બે વેણ કાનમાં જાય તો પરિતર થવાય એવી ભાવનાથી ભારત સાંભળવા આવ્યાં. ડોશિયું દોટું કાઢે પછી ડોહલા શું લેવા બાકી રિયે ? આપવા લેવાનું તો કાંઈ હતું નહીં. ‘ઘેર બેઠા ગંગા આવે’ તો ખંખોળિયું ખાવામાં શું ખોટું ? એમ સમજીને આંખે મોતિયાનાં ચશ્માં ચડાવીને ચતુરકાકા આવ્યા. જાડા કાચનાં ચશ્માંમાંથી ઈમની આંખ્યનો ડોળો જુઓ તો સાંઢિયાના ડોળા જેવો. હાથમાં બડિયો હલાવતા બાઘુભા આવ્યા. ગામના મોટાં માથાં કથા સાંભળવા બા’રા નીકળવા મંડાણા એટલે દરમાંથી ઉંદરડાં નીકળે એમ ઈમની વાંહે ઘરમાંથી પટોપટ કરતાં પોપટભઈ, છગનભાભા, વશરામભાભા, તખશિયા ભાભા, કળશિયાભાભા, માવજીભાભા, ઝુંઝાકાકા, મોહનભાઈ, મથુરભાભા એમ ભાભાએ ભાભા ઊમટી પડ્યા. પછી તો વાયે અડી ને કથા વખણાવા માંડી. કાલાની વીઅણી પડતી મૂકીને ગામના દાડિયા, દપાડિયા ને ઉભડકવર્ગ આખો કથારસ માણવા ઊમટી પડ્યો. ગામ આખાએ અગતો પાળ્યો હોય ઈમ કાલાંની વીઅણી ઠામુકી બંધ થઈ ગઈ. છેલ્લે દિ’ તો ગામનો ડાયરો આખો ઓઘુભા, જટુભા, કનુભા, છનુભા, મનુભા, ભાદાજી, કાકુભા, શિવશિંહજી, ગુલાબસિંહજી, જોરૂભા, પોટુભા, મયુભા, પચાણજી, નોંધુભા, સરદારસંગ, વખતસંગ, સંધાય કથા સાંભળવા ને કાવાકસૂંબા પી સુવાણ્ય કરવા ચોરે ઊમટી પડ્યા.

આ માહોલ જોઈને ગવરીશંકરના અંતરના આનંદમોરલા એકસામટા ટહુકી ઊઠ્યા. એને થયું કે માળું ગામ તો શ્રદ્ધાળુ છે. મેં અડધું આયખું લોટ માગવામાં ને પુણ્ય પરબડી કરવામાં કાઢી નાખ્યું. પીસ્તાળી જોડ્ય જોડાં ઘસીને ટાંટિયાનું તોરણ કરી નાંખ્યું ઈના કરતાં જરાક વહેલા કથા કરવા માંડી હોત તો ઘરના મેડીબંધ મકાન ન થઈ ગ્યાં હોત ! છોકરાં હાથમાં સોનાના વેઢ ને વીંટિયું પે’રી રૂપાના ઘૂઘરે ન રમતાં હોત ! ત્યાં તો એને યાદ આવ્યું. શાસ્ત્રોમાં કહ્યું છે કે ‘કરોડ ઉપાય કરો પણ કિરતારે કપાળમાં લખ્યું હોય એટલું જ કાળા માથાના માનવીને મળે છે. સમયથી વહેલું અને નશીબમાં માંડ્યું હોય એથી વધુ કોઈને મળતું નથી. ભગવાન પાસે ધરમકરમનો કાંટો હોય છે.’

આજ કથાનો છેલ્લો દિવસ છે. ગામ, પરગામ ને પંદર ગાઉના પંથક માથેથી ઘરડાં બુઢ્ઢા સૌ શ્રદ્ધાળુઓ કથા સાંભળવા આવ્યા છે. કથા માંડવાની ના પાડનારા પટાલિયાય ચોમાસાની માલીપા ખડમાંકડાં આવીને લીલા છોડવા માથે બેસી જાય એમ ચોરે આવીને ટપોટપ બેસી ગયો છે. ભરતીયા ગાડામાં સટરપટર ચીજજણસું ભેળો કપાસિયાનો કોથળો ખડક્યો હોય એમ જમાનાના ખાધેલા વહતાભાભાય આવીને પહોળો પલોંઠો મારીને બેહી ગયા છે. સાત સાત દિવસથી શ્રદ્ધાપૂર્વક માંડેલી મહાભારતની કથા પૂરણ કરી પોથી બાંધતા મોર્ય ગવરીશંકરે ભાવવિભોર બની ગળગળા અવાજે ગામેળા (ગામ લોકો) આગળ અરજ ગુજારી : ‘બાપા, ગામ આખાને બે હાથ જોડીને પૂછું છું કે મારી કંઈ ભૂલ થઈ છે ? મારો કંઈ વાંકગુનો હોય તો કઈ બતાડો. હું સાત સાત દિ’થી સતત અહીં બેસીને કથા કરું છું. તમે સઉ સાંભળો છો. સાત સાત દિ’થી પેટમાં અનાજ નાખ્યું નથી. ભૂખ્યા તરસ્યા બોલી બોલીને મારો અવાજેય બેસી ગયો છે. નથી કોઈ સીધા-સામાનનું પૂછતાં, નથી કોઈ સાચેખોટેય ખાવાપીવાનો ભાવ પૂછતાં. જેવું મારું નસીબ ! આજ કથા પૂરી થાય છે. તમે સૌ ઉદાર આત્માઓ છો. બ્રાહ્મણને દેવાનું છે. શ્રદ્ધાથી જે કંઈ દેવુંલેવું હોય ઈ અનાજ ને રોકડનો ખરડો કરી આલો. તમે ગામના પાંચ આગેવાન ઊભા થઈ, એકકોર્ય જઈ વહતી કરી આલવાનું નક્કી કરો. પંચ માબાપ છે, પંચ નક્કી કરે ઈ હું દાંત કાઢીને લઈ લઈશ.’

ત્યાં તો ચોમાસાનો પહેલો મેહુલિયો ખેતરમાથે સરવડું નાખે ને ધરતીમાં ધરવાયેલા બીમાંથી જેમ કોંટા ફૂટે ઈમ સભામાંથી વશરામ પટલ, વહતાભાભા, પોપટ પટેલ, પરભુ પટેલ, પ્રેમજી પટેલ, એમ પાંચ પટલિયાનું પંચ બેઠું થયું. વહતાભાભાની વાણીએ વહેતી થઈ. ‘અલ્યા ભૈ, મહરાજે બઉ હાચું કીધું. ગામ વચાળે કથા કરીને હાત હાત દિ રાગડા તાણ્યા ઈ બિચારા જીવને હમજીને કાંક દેવું તો જોંઈ.’

આમ બોલતાંકને પાંચ દહ પટાલિયા ને વહટિયા ઊભા થઈ, એકકોર્ય જઈ વહટીએ વળગ્યા.

‘આ મહારાજ સાતાઆઠ દિ’થી કથા વાંચે છે ઈને શું સમજવું છે ? બાપડા ગરીબ બ્રાહ્મણને અઢીક હજારનો ગામફાળો કરી દેવી.’ એક ઉત્સાહી આગેવાને વાત મૂકી. ત્યાં વહતા ભાભા બોલ્યા : ‘સામતભાઈ ! તમે કંઈ સમજો નઈં, સણો નઈં ને ખાધપરો જ વાતનો ઘા કરી નાખો છો ભલા માણસ !’

તો કહે : ‘કાં’

‘કાં શું ? મહારાજને અઢી હજારનો ખરડો કરી આલવી ઈની ના નઈં પણ કાલા ને કપાહ વીણવાની ભરમોસમમાં, માગશર મઈનામાં કથા માંડીને ગામને કેટલી ખોટ્ય ખવરાવી ઈનો તમે કંઈ વિચાર કર્યો ? ઈનો હિસાબ માંડ્યો ? કેટલા રૂપિયો થાય ?’

સંધાય વહટિયા વિચારમાં પડ્યા. માહબી વહતાભાભાની વત વિચારવા જેવી તો ખરી. એ પછી સૌ ભાંજગડ કરીને આવ્યા. ગવરીશંકર મહારાજ આગળ સૌના વતી પ્રેમજી પટેલ ઠાવકું મોં કરીને ઠબકાર્યું :

‘ગોરબાપા તમે કથા કરીને ગામમાં ધરમના સંસ્કારના બે છાંટા નાખ્યા. અમારા બરડ કાળજાંને કૂણા માખણ જેવા કરી નાખ્યાં ઈની ના નઈં. અમારે તમને ખરચી માટે ખરડો કરી દેવો એવી ઈનીય ના નઈં, એટલે ગામ આખું ભેગું મળીને તમને અઢી હજાર રૂપિયાનો ખરડો (ફાળો) કરી આલવાનું નક્કી કરે છે.’

આ સાંભળીને ગવરીશંકરને તો સાક્ષાત ભગવાન ભોળાનાથ સામા મળ્યા હોય એટલો આનંદ થયો. એને થયું ગોળનાં ગાડાં મળ્યાં. પાંચેય આંગળિયું ઘીમાં પડી. જિંદગીમાં હજાર રૂપિયાય મેં આટલી ઉંમરમાં કદી જોયા નથી. બગાસું ખાતાં મોંમાં પેંડો આવી ગયો હોય એમ એના અંતરમાં આનંદના રંગ સાથિયા પુરાણા. એ બોલ્યો :

‘જય હો… જય હો.. ગુણિયલ ગામનો જય હો. ધર્મભાવનાનો જય હો. પાતળિયા પ્રભુને જય હો… કુંજબિહારી કનૈયાનો જય હો…’

મહારાજ આશીર્વચન ઉચ્ચારી રહ્યા એટલે પ્રેમજી પટેલે અધૂરી વાતનો ઉત્તરાર્ધ જણાવવા વાતને પાછી રમતી મૂકી :

‘ગોરબાપા, તમે કાલા વીણવાની મોસમમાં આવીને કથોરી કથા માંડી. ઈમાં અમારા ગામને ભાર્યે મોટી ખોટ ખમવી પડી છે. અટાણે ખેતરમાં કાલાં વીણવાની ભરમોસમ ચાલે છે. ગામના સૌ ઉભડિયા ને નાનામોટા સૌ કાલા વીણવા દાડી દપાડિયે જાય છે. સાંજ પડતાં પાંચ રૂપિયા પેદા કરીને આવે છે. ઈ દાડિયે જવાનું પડતું મેલીને તમારી કથા હાંભળવા આવવા મંડાણા. રોજના ત્રણસો દાડિયાએ તમારી કથા પાંચ દિ’ લગી હાંભળી. ઈ હંથાય ગરીબ માણસોને કેટલું નુકસાન ગયું ? તમે ઈની ગણતરી મૂકી ?’ પંચે સાડાસાત હજારનો ઉબળક આંકડો ઠરાવ્યો, ઈમાંથી ખરડાના અઢી હજાર રૂપિયા બાદ કરી બાકીના પાંચ હજાર રૂઇયા નુકસાની પેટે ગવરીશંકર પાસે બાકી કાઢ્યા.

બ્રાહ્મણ કહે : ‘બાપા, પાંચ હજાર તો શું પચાહ રૂપિયાય મારી પાસે સિલકમાં નથી.’

‘તો પાંચ હજાર ભરપાઈ થઈ જાય ન્યાં લગી ગામમાં રહીને દાડિયું કરો. ઈ પૈસા નઈં આપો ન્યાં લગી શાસ્તર-પોથી બાંધવા દેશું નઈં ને ગામબા’રા જાવા દેશું નહીં.’

ત્યાં વાડી માવજી પટેલે મમરો મૂક્યો :

‘મહારાજને પરોઢિયે પોટલિયે (જાજરુ) જાવા ગામના પાદરમાં ને સનાન કરવા તળાવે તો જાવા દેવા પડશે ને ? કે ઈય નઈં ?’

‘હવે પોટલિયે જાવા જાય કે સનાન કરવા જાય તોય બે માણહ ધેન રાખવા વાંહે વાંહે વેંતા કરી દેવાના, શું સમજ્યા ?’

આ સાંભળાતા જ ગવરીશંકરના માથે આભ તૂટી પડ્યું. એને વગર ડાકલે પંડ્યમાં માતા આવી. જિંદગીમાંય બાપડાએ સામટા રૂપિયા ભાળ્યા નહોતા ઈમાં પાંચ હજાર આપવાની વાત ક્યાં રહી ? બ્રાહ્મણને બિચારાને ધોળે દા’ડે તારા દેખાવા મંડાણા. આંખ્યુંમાંથી સરાવણ, ભાદરવો વરસવા મંડાણો. બે હાથ જોડીને ગવરીશંકર પટલિયાઓના પંચના પગે પડ્યો ને બોલ્યો :

‘બાપા, હું ગરીબ બ્રાહ્મણ છું. મારી ભૂલચૂક થઈ હોય તો મને માફ કરી દો. હું કે મારા વંશવારસો સાત પેઢી લગી કથા કરવા આ ગામમાં નઈં આવવી. ભલા થઈને જાવા દયો. મને હવે આ ગામનું પાણીય નો ખપે. શાસ્તરપોથી બાંધીને અબઘડિયે ગામમાંથી વિયો જાઉં. બીજું ગામ ગોતી લઈશ. મારી કને પાંચ હજારની મૂડી હોય તો આંય લગી શું લેવા આવું ?’

પટલિયા બોલ્યા : ‘ભઈલા ગવરીશંકર, આ તો પંચનો નિર્ણય છે, હવે પંચની ખીલી નઈં ફરે. કે’વતમાં નથી કીધું કે ‘પંચ ત્યાં પરમેશ્વર’ તમે અમારી વાત કાને ધરી નઈં ને ઉપરવટ જઈ ગામમાં કથા કરી એટલે પંચનો ન્યાય માથે સડાવવો જ પડે. સૂરજ આથમણો ઊગે તોય ઈમાં કંઈ મીનમેખ થાય નહીં. આ તો પટલિયાની પંચાતનો ન્યાય છે. લોઢે લીટો આ તમારા કરમનું ફળ છે.’

બ્રાહ્મણની દશા ‘આગળ જાય તો કૂવો ને વાંહે જાય તો વાઘ’ એવી થઈ. મોં વીલું થઈ ગયું. ધોતિયું ઢીલું થઈ ગયું. મતિ મૂંઝાઈ ગઈ. હૈયાકબૂતર ફફડવા મંડાણું. કકળતી આંતરડીએ રવરવતો ગવરીશંકર દયામણા અવાજે બોલ્યો.

‘ગામ માબાપ છે. આપને સૂઝે ઈમ કરો. ગામમાં લોટ માગી ને સાત જીવનું મહાપરાણે પૂરું કરું છું. તમે મને ઘેર નઈં જવા દો તો મારાં બૈરાં-છોકરાં ભૂખે મરશે. ગરીબ બ્રાહ્મણના નિહાકા લાગશે.’

‘અમારે ચાં નિહાકા લેવા છે ? પાંસ હજાર રૂપિયા ભરી દો એટલે તમે છુટ્ટા. બાકી તો જમીનગતું આપો તોય નો જાવા દેવી.’

ગળે આવેલો ગવરીશંકર અકળાઈને મરણિયો થયો ને બોલ્યો :

‘ગરીબ બ્રાહ્મણની વાત તમારે પંચે કાને ધરવી જ નો હોય તો હવે ઈમ કરો, સૌ ઘેર જઈ સૂંડલો સૂંડલો છાણાંનો ભરી લાવો. અહીં ગામના ચોરા આગળ જ બળી મરું. મારો જલદી છુટકારો તો થાય.’

ગામવાળા સૌ કહેવા મંડાણા :

‘માળું હાવ હાચું. આપણે નાનાં હતાં ત્યારે સૂલામં સાંઠિયું સળગાવીને દુભાણાં કર્યા ને રાતના ચડિયુંય બઉં પલાળી છે. શિયાળામાં તાપણાંય બઉં કર્યાં છે. ફાગણ મહિનામાં પરગટતી હોળીયુંય જોઈ છે પણ જલમ ધર્યો ત્યારથી લઈને આજ લગી છાણાંનો ભડકો કરીને બરામણને ગામના ચોરે બળી મરતો કોઈ દિ’ ભાળ્યો નથી. આજ તો જોવાનો ભાર્યે મજો આવી જશે.’

આમ બોલીને સહુ ઊપડ્યા ઘરભણી. ઘેરથી સૂંડલાને બદલે ડાલું ડાલું છાણાં લાવીને ઢગલો કરવા મંડાણા. જોતજોતામાં છાણાંનો ગંજ ખડકાઈ ગયો. બ્રાહ્મણ ક્યારે ચિતા પર ચડે છે એની આતુરતાપૂર્વક રાહ જોવા મંડાણા. ગૌરીશંકરનાં તો સાડા ત્રણ કરોડ રૂંવાડાં બણણાટ દેતાં બેઠાં થઈ ગયાં. પવનમાં જેમ ઝાડનાં પાંદડાં ધ્રૂજે, સકરોબાજ વાંહે પડતાં હોલું ધ્રૂજે, ડાકલાનો અવાજ સાંભળતા બકરું ધ્રૂજે એમ થર… થર… થર ધ્રૂજે છે. બ્રાહ્મણને થયું ગામ મોટું છે પણ એકેય ડાયો માણહ દેખાતો નથી. હવે નક્કી મોત માથે ભમે છે. એણે શિવજીને આર્તનાદ કર્યો.

‘હે ભોળિયાનાથ ! ભાલિયે ભરાઈ ગયો છું. વિઘનનાં વાદળ માથે ઘેરાણાં છે. તમે ઉગારો તો આરોવારો છે, બાકી ગામ આખું ભેગું થઈને મને બાળી કૂટશે.’

બ્રાહ્મણને થયું : આપણા દિ’ ભરાઈ ગયા છે. ચિઠ્ઠી ફાટી ગઈ છે. જમ હમણાં ઘોડો ખૂંદતા આવશે ને મને ઉપાડી જશે. આજ મરવું ઈ સાચું. પછી ફરતી વાધરી (ટાળે) વળી ગયેલા ને જોણુ જોવા ઊભેલા લોકોને જોઈને છેલ્લી અરજ કરી :

‘ભૈશાબ, આજ સવારનો નહાયો નથી ભલા થઈને મને તળાવે નાહવા જવા દો. નાહીધોઈને પવિત્ર થઈને ભગવાનના ધામમાં જાઉં તો મારા જીવને શાંતિ થાય.’

‘હવે તારો ભરોંહો નહીં. તું ના’વા મશ્યે નાહી જા તો વાંહે દોટુ દેવા કોણ નવરું છે ? આદમજાતનું ખોળિયું જળથી ય પવિતર થાય ને અગનીથીય પવિતર થાય એમ શાસ્તરમાં કીધું સે. માટે તમે અટાણે જ અમારી આંખ્ય આગળ બળી મરો. ઝટ કરો, લ્યો, હું ચિતામાં અગ્નિ મૂકું છું. પછી અમેય અમારા કામધંધે વળગી જઈએને ? આમનામ ગામના આઠ દિ’ બગાડ્યા.’

ચોરાની રાંગમાં ચિતા પ્રગટી, ભડ ભડ ભડ છાણાં બળવા માંડ્યાં. થરથરતી જાંહે બ્રાહ્મણ ચોતરફ નજર કરવા મંડાણો ત્યાં તો બે જણાએ બાવડેથી ઝાલ્યો. ટોળામાં રીડિયારમણ થાવા મંડાણા. હવે કુદરતને કરવું તે આ ગામમાં બાદશાહનો મુકામ થયેલો. ચોરા સામે હવેલીના ઝરૂખામાં બાદશાહ અને એની હુરમ બેઠેલાં. જોયું કે ગામને ચોરે માણસોનું કીડિયારું ઊભરાયું છે, એણે હજૂરિયાને હુકમ કર્યો.

‘જા, ચોરે શાની ધમાલ છે ? જોઈ આવ્ય.’

હજૂરિયાએ આવીને જોયું તો હોળી પ્રગટાવી હોય એમ છાણાંનો ગંજ સળગી રહ્યો છે. બ્રાહ્મણ બિચારો ઊભો ઊભો રહ રહ રોવે છે. માણસો ફરતા વેઢ વળી ગયા છે. બ્રાહ્મણ વિચારે છે, નક્કી મને આ લોકો મારા બૈરાં છોકરાં ભેગો નઈ થવા દે. ઘડી બે ઘડીનો મામલો છે.

હજૂરિયાએ દોડતા જઈને બાદશાહને સઘળી વાત કરી કે : ‘ચોરે પરગામથી આવેલો બ્રાહ્મણ બળી મરવા તિયાર થઈને ઊભો છે. ઈને જોવા ગામ આખું ફરતું ફરીને ઊભું છે.’

બાદશાહે બ્રાહ્મણ અને પટેલિયાઓને બધાને હવેલી પર બોલાવ્યા. બ્રાહ્મણે માંડીને વાત કરતાં કહ્યું :

‘બાદશાહ સલામત ! આપ છોડાવો તો છૂટું. બાકી ગામ આખું ગરીબ, લાચાર બ્રાહ્મણને બળી મરતો જોવા તલપાપડ થઈને ઊભું છે. અન્નદાતાર, આપ મને ઉગારો તો ઊગરું બાકી ગામ મારા ગળે બેઠું છે. મારી ઘરવાળીએ મને કઈને મોકલ્યો’તો કે ‘પંચાતિયા ગામમાં કોઈ દિ’ ગરશોમા ?’ પણ હું ભૂલ કરી બેઠો. ઈની મને આ સજા થઈ છે.’

બાદશાહ દયાળુ હતો. પટલિયાઓ પાસેથી અઢી હજાર રૂપિયા લઈ એમાં બીજા અઢી હજાર દંડના ઉમેરાવીને ગવરીશંકર ગૌરને અપાવ્યા. બ્રહ્મહત્યાની કાળી ટીલી લેવા તૈયાર થયેલા પટેલિયાઓને ખખડાવીને કાઢી મૂક્યા. પછી બે ઘોડાની બગી મંગાવી મઈં બ્રાહ્મણને પોથીપતર સાથે બેસાડી એના ઘરભેગો કર્યો. ખાધું, પીધું ને રાજ કીધું. ત્યારથી કહેવતો કહેવાતી આવી કે ‘પંચાતિયા ગામમાં કોઈ ગરશો મા’, ‘પટલિયાઓને કોઈ નો પોગે.’

*
સંપર્ક :
૨, પ્રોફેસર્સ કૉલોની, વિજય ચાર રસ્તા, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૯
મો. : ૯૮૨૪૦૨૮૩૨૬

Leave a Reply to સુબોધભાઇ Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “પંચાતિયા ગામમાં કોઈ ગર્યશો મા – જોરવરસિંહ જાદવ”

Copy Protected by Chetan's WP-Copyprotect.