લંગડી જિંદગી – સુમંત રાવલ

(‘અખંડ આનંદ’ સામયિકના ઓક્ટોબર, નવેમ્બર-૨૦૧૬ના દીપોત્સવી વિશેષાંકમાંથી સાભાર)

મોટેભાગે લોકો તેની પીઠ પાછળ તેના નામને બદલે બીજો શબ્દ વાપરતા હતા : લંગડી ! તે જન્મજાત લંગડી હતી.. તેનો ડાબો પગ ઘૂંટીએથી વળેલો હતો.. તેનાં માબાપે આ ખોટ દૂર કરવા ખૂબ મહેનત કરી, પાણી જેમ પૈસો વેર્યો.. અમદાવાદના હાડકાના ખાસ ડૉક્ટર પાસે લઈ ગયા, પણ ડૉક્ટરે લાચાર બની બંને હાથ ઊંચા કરી દીધા : ઑપરેશનથી કંઈ ફાયદો નહીં થાય, ઊલટાનું નુકસાન થશે. એક વૈદરાજે ઘૂંટી પર માલિશ કરવાનું તેલ આપ્યું, દિવસમાં ચાર વખત માલિશ કરવાનું હતું. તેલની તીવ્ર ગંધ માથું ફાડી નાખતી હતી, છતાં તેની માએ દિવસમાં ચાર વખત પોતાની અપંગ દીકરીના પગે માલિશ કર્યું, છ મહિનાનો પ્રયોગ હતો.. દીકરીના પગની ખોડ દૂર ન થઈ પણ તેની માને માથાના દુખાવાની બીમારી લાગુ પડી ગઈ. ગંધીલી વાસને લીધે તેનું માથું ભમી ગયું.

તેનું નામ મીના હતું, પણ પરિવારના લોકો જ મીના કહીને બોલાવતા હતા. અજાણ્યા લોકો તો તેના ઉપનામનો ઉપયોગ કરતા હતા. કોણ પેલી લંગડી વિષે વાત કરો છો.. કોઈક તો નામ પાછળ ઉપનામનું પૂછડું લગાવી દેતું હતું : મીના લંગડી !

તે શાળામાં દાખલ થઈ. ગામથી સ્કૂલ એક કિલોમીટર દૂર હતી. તે ખભે દફતર લટકાવી ધીમે ધીમે ચાલતાં સ્કૂલે જતી, તેનાં માબાપે ટ્રાયસિકલ અપાવવાની વાત કરી પણ તે ચિડાઈ ગઈ.. ના ટ્રાયસિકલ પર બેઠા બેઠા હું ભદ્દી થઈ જઈશ, ચાલવાની કસરત થાય છે તે બંધ થઈ જશે.. તેનાં માબાપે તેની વાત માની લીધી. મીના કેટલી ડાહી છે. પોતાના શરીરની કેટલી ચિંતા કરે છે.. બે ચોપડી ભણશે એટલે નોકરી મળી જશે અને નોકરી મળી જશે તો આછુંપાતળું ઠેકાણું મળીજશે.. દરેક માબાપને પોતાની દીકરી ઘરેબારે થાય તેની ચિંતા સતાવતી હોય છે.. એ રીતે મીનાનાં માબાપ પણ મીનાની ચિંતા કરતાં હતાં.

પણ મીના ભણવામાં અવ્વલ હતી. સાતમા ધોરણ સુધી પરીક્ષામાં તે મોખરે રહી હતી. રોજ ચાલીને સ્કૂલે જતી, એટલે તેનો લંઘાતો પગ સુધરતો જતો હતો. શરીરનું વજન ન વધે તેની ખાસ કાળજી રાખતી હતી. ભણવામાં હોશિયાર હોવાથી તેનું માન સ્કૂલમાં વધી ગયું. બધા તેને મીનાબહેન કહીને બોલાવતા હતા.. સોળ વરસની ઉંમરે તો તે હાઈસ્કૂલમાં આવી ગઈ. પણ અફસોસ, માધપુર જેવા ગામમાં હાઈસ્કૂલ નહોતી, રાણીંગપુર ગામે સ્કૂલ હતી, ત્યાં જવા માટે મીનાએ સવારમાં નવની બસ પકડવી પડતી હતી. પ્રતાપપુરથી બસ આવતી અને રાણીંગપુર સુધી જતી હતી. મીના વહેલી જાગી જતી. ન્હાઈ ધોઈ તૈયાર થતી ત્યાં મા ટિફિન તૈયાર કરી દેતી… બસસ્ટેશન દૂર હતું એટલે દફતરનો થેલો ખભે ભેરવી, અંદર ટિફિન મૂકી તે ધીમે ધીમે ચાલતાં બસ સ્ટેશને પહોંચી જતી. ક્યારેક તેના બાપા પણ તેને બસસ્ટેશને મૂકવા આવતા.. બસનો કંડક્ટર ચંદુ મહેતા ઘણો માયાળુ હતો.

ચંદુ મહેતાનો રૂટ હતો પ્રાતપપુરથી રાણીંગપુર ! ચંદુ મહેતા પણ વહેલો જાગી જતો.. તેની પત્ની રમા ચા બનાવતી ત્યાં એ ન્હાઈ લેતો. ધૂપદીપ કરતો, ચા પીતો.. અને સીધો એસટી ડેપોએ પહોંચી જતો. ત્યાં બસનો ડ્રાઈવર રઘુનાથ આવી જતો. તે આઠ વાગે બસને પ્લેટફૉર્મ પર ગોઠવતો. બસના કાચ પર બોર્ડ ચાડવતો : પ્રતાપપુરથી રાણીંગપુર !

માધાપુર આવતું ત્યારે એક બુઝર્ગ પોતાની જુવાન દીકરીને મૂકવા આવતા હતા, દીકરીનો ડાબો પગ લંઘાતો હતો, ઘૂંટીએથી વળેલો હતો, એ પગને ફિટ થાય તેવા વળેલા બૂટને પગથિયાં પર ગોઠવતાં તે ધીમે ધીમે ચડતી હતી, ચંદુ મહેતા તેનો હાથ પકડીને ટેકો આપતો, ત્યારે છોકરી સ્મિત કરીને કહેતી, ‘થૅક્યૂ સર !’ ચંદુ મહેતાને સર કહીને બોલાવનારી આ પહેલી છોકરી હતી.. જોકે તે સ્કૂલ યુનિફૉર્મમાં વધુ સુંદર લાગતી હતી. બ્લૂ લૉંગ ફ્રૉક અને ખભા પર દફતર, પગમાં બૂટ મોજા.. પેલો આધેડ બાપ પણ ભલામણ કરવાનું ચૂકતો નહોતો : ‘માસ્તર સાહેબ.. મારી મીનાને સાચવીને રાણીંગપુર ઉતારી દેજો.’

‘ચિંતા ન કરતા વડીલ !’ ચંદુ મહેતા કહેતો ત્યારે પેલા આધેડને સંતોષ થતો..

‘મીનાબહેન આ લેડીઝ સીટ પર બેસો ! તમારા માટે અનામત રાખી છે..’

ચંદુ મહેતા પણ મીનાને મીનાબહેન કહીને સંબોધન કરતો તે મીનાને ગમતું. બસ દોડવા લાગતી.. અને ચંદુ મહેતા ટિકિટ કાપવા લાગતો.. મીના પોતાનો પાસ કાઢી બાતાવતી. એક પછી એક સ્ટૅન્ડ આવતાં જતાં, ચંદુ મહેતા પણ મીનાની બાજુની ખાલી સીટ પર મહિલા જ બેસે તેની કાળેજી લેતો. કારણ કે આજકાલ છેડતીના કિસ્સાનું પ્રમાણ વધી ગયું હતું.

એક વાર તેણે મીનાને કહ્યું : ‘મને સરબર નહીં કહેવાનું.. મારું નામ ચંદુ છે, ચંદુભાઈ કહેશો તો ય ચાલશે.’

‘હવેથી ચંદુભાઈ કહીશ..’ તેણે કહ્યું અને હસી પડી. તેનું હસવું પણ સુંદર હતું. ધીમે ધીમે પરિચય વધતો ગયો.. તેના દફતર પર લખ્યું હતું એમ.કે.રાઠોડ.. ચંદુએ પૂછ્યું : એમ કે રાઠોડ એટલે ? મીના કાલિદાસ રાઠોડ ! તેણે જવાબ આપ્યો.

ઘણી વાર આખી બસ ભરેલી હોય, કોઈ સીટ ખાલી ન હોય, મુસાફરો પણ એંગલ પકડી ઊભા હોય ત્યારે ચંદુ મહેતા ઊભો થઈ જતો અને મીનાને પોતાની કંડક્ટરની સીટ પર બેસાડતો. મીના આનાકાની કરતી, પણ ચંદુ પરાણે બેસાડતો. તે આભારવશ નજરે તાકી રહેતી.

જોતજોતામાં ત્રણ વરસ પસાર થઈ ગયાં.. મીના મૅટ્રિકમાં આવી ગઈ. પરીક્ષા નજીક હતી એટલે તે બસમાં જ ચોપડી ખોલી વાંચવા લાગતી તે કહેતી કે અભણ અને આંધળા બેઉ બરાબર.. અમારા ઘરમાં બધાં અભણ છે, ફક્ત મારા બાપુ થોડું ઘણું લખી વાંચી શકે છે.. એટલે મારે ખૂબ ભણવું છે અને કૈંક કરી બતાવવું છે. તન ભલે અપંગ રહ્યું, પણ મન મજબૂત છે. મગજ બહુ દોડે છે.

મને ખબર છે.. ચંદુ મહેતા કહેતો..

મીના બસમાંથી ઊતરતી અને લંઘાતી ચાલતી ત્યારે જુવાનિયા હસતા અને ચંદુ મહેતા ચિડાઈ જતો : તમારા ઘરમાં કોઈ લૂલુ લંગડું નથી ?

ના.. એક છોકરો કહેતો.

તો ભગવાન પેદા કરશે એટલે તનેય ખબર પડશે.

ચંદુ મહેતા મીનાના બૂટના આકારને જોતો અને એક સવાલ તેના હોઠ પર આવી જતો પણ હોઠ ફફડીને રહી જતા, સવાલ પૂછવાની હિંમત નહોતી ચાલતી, છેવટે એક વાર લાગ જોઈ સાહસ કરી દીધું : મીનાબેન ! આ તમાર પગના ખાસ પ્રકારના બૂટ કોણ બનાવી આપે છે ? ‘અમારા ગામનો બચૂ મોચી.. એ મોટો કારીગર છે. પહેલાં તે ભીની માટીવાળા કૂંડામાં મારો પગ ખૂંચાડે છે પછી હું પગ બહાર કાઢું એટલે એ માટીમાં મારા પગનું ચિહ્ન ઊપસી આવે છે. માટી સુકાય એટલે તેનું માપ લઈ ચામડું ગોઠવી વાંકોચૂકો બૂટ તૈયાર કરી આપે છે.. પહેલાં હું ચંપલ પહેરતી પણ એ પગમાંથી નીકળી જતાં પણ આ બૂટ ફિટ આવી જાય છે, પગની ચામડી છોલાતી નથી..’ એટલું કહી તે એસટી સ્ટૅન્ડના ખાલી બાંકડે બેસી જતી અને દોરી છોડી બૂટ બહાર કાઢીને ચંદુ મહેતાને બતાવતી.. ચંદુ મહેતા એ બૂટ હાથમાં પકડીને ગોળ ગોળ ઘુમાવતો અને આશ્ચર્ય મિશ્રિત નજરે જોયા કરતો : કમાલનો કારીગર કહેવાય.. પછી તેની નજર મીનાના મોજાવાળા પગ પર પડતી, મીના મોજુંય કાઢી નાખતી.. અને ચંદુ મહેતાના મોંમાંથી અરેરાટી નીકળી જતી.. કુદરતનો આ તે કેવો કોપ.. પગ પાનીએથી ત્રાંસો વળેલો હતો ! અને માંસ સુકાઈ ગયું હતું.

તેણે લાચાર નજરે જોતાં કહ્યું કે ઑપરેશનથી પણ કાંઈ ફેર પડે તેમ નથી, પગમાં હાડકાં જ નથી, નર્યું માંસ છે !

ચંદુ મહેતાનું હૃદય ભરાઈ આવ્યું, તે દિવસે તે પોતાનું ટિફિન પણ ન જમી શક્યો.

ત્યાં અચાનક ચંદુ મહેતાની ડ્યૂટીનો રૂટ બદલાઈ ગયો, નવા બદલાઈને આવેલા ડીપો મૅનેજરે ચંદુ મહેતાને નાઈટ ડ્યૂટી આપી દીધી. ડીપો મૅનેજર બહુ કડક હતો. નવો રૂટ પ્રતાપપુરથી પેથાપુર હતો, રસ્તો કાચો હતો અને ધૂળ બહુ ઊડતી હતી.. બપોરે પ્રતાપપુરથી નીકળી રાતે પેથાપુર પહોંચવાનું અને ત્યાં નાઈટહોલ્ટ કરી સવારે ડાઉન થવાનું ! બસમાં પ્રાતઃક્રિયા પતાવી, ગલ્લે ચા પીને આઠ વાગે બસ ઉપાડતા.

ક્યારેક બસમાં બેઠા બેઠા ચંદુ મહેતા વિચારતો કે મીનાનું શું થયું હશે ? બસની મુસાફરી પણ જીવનની મુસાફરી જેવી હોય છે, માયા બંધાય અને માયા તૂટી જાય. પંખીનો માળો હતો ! પંખી માળામાં બેસતાં અને ઊડી જતાં હતાં. મીના યાદ આવતી એટલે ચંદુનો જીવ બળતો.. બિચારી અપંગ છોકરી ભણી ઊતરી હશે કે પછી પરણી ગઈ હશે.. ક્યારેક એ રૂટના કંડક્ટરને પૂછપરછ કરતો પણ કંડક્ટર ઉડાઉ જવાબ આપી દેતો – લૂલા લંગડા, આંધળા બહેરા ઘણાય ચડે છે.. આંઈ કોણ ધ્યાન રાખે છે !

ચંદુ મહેતાની નોકરી પૂરી થવા આવી. રમાએ દીકરીના હાથ પીળા કરી દીધા અને દીકરો નોકરી મળતાં અમદાવાદ ચાલ્યો ગયો, ફરી બંને એકલાં થઈ ગયાં. ચંદુ મહેતા નિવૃત્ત થઈ ગયો હતો, બાંસઠ વરસ થઈ ગયાં હતાં, એટલે શારીરિક રીતે પણ અશક્ત થઈ ગયો હતો.. પતિપત્ની બંને ઘરડાં થઈ ગયાં હતાં, સાજાં માંદાં રહેતાં હતાં ! હરદ્વારની જાત્રાએ પણ જઈ આવ્યાં હતાં. થોડી ઘણી મૂડી હતી તે મકાનના સમારકામમાં વપરાઈ ગઈ હતી.. એસટી તરફથી પેન્શન મળતું નહોતું, છતાં અમદાવાદથી તેનો દીકરો મહિને ખાધાખરચીની રકમ મોકલતો હતો એટલે ગાડું ગબડતું હતું. !

તેની સાથે નોકરી કરનારમાં એક રઘુનાથ રામાનૂજ હયાત હતો. તેની સાથે ફોન પર વાત થતી હતી.. તે તંદુરસ્ત હતો, પણ ત્યાં એક વાર તેની પત્નીએ ફોન પર માઠા સમાચાર આપ્યા : રઘુનાથને હાર્ટઍટેક આવી ગયો હતો અને રામશરણ થઈ ગયો હતો ! ચંદુ મહેતાનો એક મિત્રનો નાતો પણ તૂટી ગયો. રઘુનાથ બસનું સ્ટિયરિંગ હાથમાં પકડી સીટ પર બિરાજમાન થતો ત્યારે ચંદુ મહેતા કહેતો હવે નિરાંત થઈ ગઈ.. મારા રથના સારથિ કિશન ભગવાન આવી ગયા ! પણ કિશન ભગવાન બસ નહીં આખા સંસારને છોડીને ચાલ્યા ગયા હતા. દુઃખ એ વાતનું હતું કે રઘુનાથને સંતાન નહોતું, તેની ઘરવાળી ઈન્દુમતી એકલી પડી ગઈ. બંને મોટા શહેરમાં રહેતા હતા. સરસ મકાન પણ બનાવ્યું હતું.

ચંદુ મહેતા અને રમા મહેતા રઘુનાથના ઘરે મળવા ગયાં. ઈન્દુમતી તો ચંદુ મહેતાને વળગી ધ્રુસકે ધ્રુસકે રડી પડી.. ચંદુ ગળગળો થઈ ગયો, માંડ બોલી શક્યો : ‘ભગવાનના હાથની વાત છે.. જીવન એ જ આપે છે.. અને જીવન એ જ લઈ લે છે..’ ઈન્દુમતીના પિયરમાંથી તેનાં ભાઈબહેનો આવ્યાં હતાં. એ બધાંના આગ્રહને કારણે બારમા સુધી રોકાઈ જવું પડ્યું, બધી વિધિ એ લોકોએ ચંદુ મહેતા પાસે કરાવી. ચંદુ પાસે કાગવાસ નંખાવી.. હાથમાં ખીર પૂરીનો વાટકો અને બીજાહાથમાં પાણીનો લોટો લઈ તે સીડી મારફત અગાસીમાં જતો હતો, ત્યાં પગ લપસ્યો. અને ધડામ્‍ કરતો જમીન પર અપટકાયો.. સદ્‍નસીબે માથું બચી ગયું પણ ડાબા પગનો ઢીંચણ ભાંગી ગયો.. તેણે ચીસ નાખી પછી પીડાને લીધે બેહોશ જેવો થઈ ગયો.

નજીકમાં જ ‘અસ્થિસર્જન’ નામની હૉસ્પિટલમાં એમને લઈ ગયા. કેસ કાઢાવ્યો : નામ : ચંદુલાલ શિવલાલ મહેતા ઉંમર : ૬૨ વર્ષ ધંધો : એસ ટી કંડક્ટરમાંથી નિવૃત્ત. એક્સ-રે કઢાવવો પડ્યો / ઍક્સ-રૅ સાથે ફાઈલ તૈયાર થઈને ઍર્થોપેડિક સર્જન પાસે ગઈ.. સર્જને કહ્યું : ઈમરજન્સી કેસ છે.. તાત્કાલિક મેજર ઑપરેશન કરવું પડશે.. લોહીની વ્યવસ્થા કરો..

ચંદુ મહેતાની પત્ની ચિંતામાં પડી ગઈ અજાણ્યું શહેર.. ખિસ્સામાં પૂરતી રકમ નથી અને સ્પેશલ રૂમનું બિલ, લોહીનું બિલ, ઑપરેશન બિલ, દવાનું બિલ.. તેનું દિલ ધડક્‍ ધડક્‍ થવા લાગ્યું. ઑપરેશન સફળતાપૂર્વક પૂરું થયું.. દોઢ કલાક ઑપરેશન ચાલ્યું.

ઓપરેશન પૂરું થયું એટલે ચંદુ મહેતાને ઈમરજન્સી વૉર્ડમાં ખસેડ્યો.. હજુ તે ભાનમાં આવ્યો નહોતો, ડાબા પગના ઢીંચણથી પિંડી સુધી પ્લાસ્ટર હતું, લોખંડના સ્ટૅન્ડ પર પગને સીધો ગોઠવ્યો હતો અને એડી નીચે વજન લટકાવ્યું હતું. ચંદુ મહેતા ચત્તો પાટ પડ્યો હતો, બૉટલ વડે સેલાઈન અને બ્લડ શરીરમાં દાખલ થતું હતું.. ધીમે ધીમે તે ભાનમાં આવી રહ્યો હતો, બંધ આંખો ખૂલતી નહોતી. એટલે જોઈ શકાતું નહોતું. ફક્ત કાન વડે સાંભળી શકાતું હતું, બે સ્ત્રીઓ વાતો કરતી હતી.. વાતોના ટોન ઉપરથી મહેતા સમજી ગયો એક લેડી ડૉક્ટર હતી અને બીજી નર્સ.. ‘મીસ શર્મા, આ પેશન્ટ મારા રિલેટીવ છે.. તેમને કંઈ તકલીફ ન પડે તેની કાળજી રાખજો..’ લેડી ડૉક્ટરનો અવાજ હતો..

‘યસ ડૉક્ટર..’ નર્સે બહુ શાંતિથી કહ્યું.. ‘મને ખબર છે ડૉક્ટર.. આપે કેસ પેપર પર જ લખી દીધું છે, નો ચાર્જ. સ્પેશ્યલ રૂમ ઍન્ડ સ્પેશ્ય ટ્રીટમેન્ટ..’

‘ધેર યુ આર !’ મહેતાએ કાન સરવા કર્યા, અવાજ પરિચિત ન લાગ્યો, મગજ પર ભીંસ દઈ યાદ કરવાની કોશિશ કરી, પણ કંઈ યાદ આવતું નહોતું, જરૂરી સૂચના આપી લેડી ડૉક્ટર ચાલતાં થયાં.. ચંદુ મહેતાએ બળપૂર્વક આંખો ખોલી, કોણ હશે આ પોતાના રિલેટીવ ડૉક્ટર જેણે ચાર્જ લેવાનો ઈન્કાર કરી દીધો હતો..પેલી નર્સે મોં નજીક લાવતાં કહ્યું : વાઘેલા મૅડમનું ઑપરેશન ક્યારેય ફેલ જતું નથી.. મિસ્ટર મહેતા હવે તમે ચાલી નહીં પણ દોડી શકશો..

ચંદુ મહેતાએ મહામહેનતે આંખો ખોલી તો નર્સનો ધૂંધળો ચહેરો નજરે પડ્યો. એસી રૂમમાં ઠંડક હતી અને કાચની બારીમાંથી ઝાંખા ઉજાસમાં ચાલી જતાં ડૉક્ટરની પીઠ અને પછી પગ પર નજર નાખી. તો ડાબા પગના બૂટનો વાંકોચૂકો આકાર નજરે પડ્યો.. ધીમે ધીમે લંઘાતા પગે શરીર લચકતું લચકતું પગલાં ભરી રહ્યું હતું !

*
સંપર્ક :
‘આનંદમંગલ’, છબીલા હનુમાન મંદિર પાસે, માધવનગર, મુ.પો. સુરેન્દ્રનગર-૩૬૩૦૦૧
મો. ૯૯૨૫૫૩૧૩૫૬ / ૯૪૦૮૨૧૦૨૯૩

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

16 thoughts on “લંગડી જિંદગી – સુમંત રાવલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.