આપણું કર્તવ્ય – મૃગેશ શાહ

(આપણી આસપાસ રહેલા પદાર્થો, વસ્તુઓ, ભૌતિકતાને સમ્યકરૂપી ઉપભોગ કરીને ભોગથી યોગ તરફની યાત્રા કરાવતો મૃગેશભાઈનો વિચારપ્રેરક અને ચિંતનાત્મક લેખ આજે પ્રસ્તુત છે.)

સવારથી સાંજ સુધીમાં આપણી મુલાકાત બે પ્રકારના માણસો સાથે થાય છે. એક પ્રકાર છે પ્રત્યક્ષ અને બીજો છે પરોક્ષ. આપણે જે મિત્રો, સગાસંબંધીઓને, વેપારીઓને તથા પરિચિત વ્યક્તિઓને મળીએ છીએ તે મુલાકાતનો પ્રત્યક્ષ પ્રકાર છે. આ પ્રકારમાં આપણે સંબંધોને વધારે મહત્વ આપીએ છીએ. ખરી મુલાકાત આપણી પરોક્ષ રીતે અનેક લોકો સાથે થાય છે. પરોક્ષ રીતે આપણે સમાજના નીચલા વર્ગને, ગરીબોને તથા શ્રમજીવીઓને મળતાં હોઈએ છીએ. આ મુલાકાત તેમણે આપણને આપેલી વસ્તુઓ સાથે થાય છે. એટલા માટે આનું નામ પરોક્ષ મુલાકાત છે. આપણે તે લોકો સાથે સીધા સંપર્કમાં નથી આવતા પણ આપણે જે કંઈ વૈભવ ભોગવીએ છીએ તે તેમનાં શ્રમનું પરિણામ છે. તેમનાં શ્રમને મૂલ્ય આપીને ચૂકવી શકાતો નથી. જેમ ડૉક્ટર લોકોની જિંદગી બચાવીને જે કામ કરે છે તે તેમણે લીધેલાં મૂલ્ય કરતાં અનેક ગણું વધારે છે તેમ આ શ્રમજીવી વર્ગે કરેલાં કામ પણ અમૂલ્ય છે. સમાજના નીચલા વર્ગના ટેકાથી જ આપણે આપણી ઊંચાઈને પ્રાપ્ત કરી શકાય છે, આપણે તેને ગણકારીએ નહીં એ પછી જુદી વસ્તુ છે ! ભૌતિક વિકાસ ગમે તેટલો થાય, શ્રમજીવીઓનો શ્રમ હજી દૂર નથી થયો. તેઓનું સમાજમાં આજે પણ એટલું જ પ્રદાન છે જેટલું પહેલા હતું.

રોજ સવારે આપણે ટુથબ્રશથી લઈને રાત્રે કોલ્ડકૉફી જેવી અનેક વસ્તુઓ / પદાર્થો / મશીનો અને સાધનો વાપરી છીએ. ભલે આજકાલ બધી વસ્તુઓ ઓટોમેટિક મશીનમાં બનતી હોય પણ એ મશીનોની મીલમાં કામ કરનાર કારીગર એક નીચલા વર્ગનો માણસ હોય છે. જે ઓવરટાઈમ કરીને પણ પોતાના કુટુંબનું ગુજરાન ચલાવે છે. આપણે જે મોંઘીદાટ મોટરકારો ફેરવીએ છીએ એનું પંક્ચર કરનાર સમાજનો શ્રમજીવી વર્ગ હોય છે. જેને આપણે ડીજીટલ કોમ્યુનિકેશન કહીએ છીએ અને જે ઈન્ટરનેટથી આપણે ‘ઓન-લાઈન’ વ્યાપાર કરીએ છીએ તેમાં ‘ઓપ્ટીક-ફાઈબર’ કેબલ નાખનાર અને ખાડા ખોદનાર મજૂરવર્ગ હોય છે. એ લોકો કદી હડતાલ પાડતાં નથી. એમનાં વગર આપની બધી રાજાશાહી ઠાઠમાઠ ધૂળ બરાબર છે. ઉનાળામાં આપણે દુકાનોમાં જઈને સારામાં સારું એરકન્ડીશનર બૂક કરાવીએ છીએ, પણ એ આપણી ઘરે પહોંચાડનાર, હાથલારી ચલાવતો એક શ્રમજીવી હોય છે. સમાજે તેમની ઉપેક્ષા ન કરવી જોઈએ તેમજ તેમનું શોષણ પણ ન થવું જોઈએ. જો દેશભરનાં તમામ પંક્ચરવાળાઓ પોતાનું કામ બંધ કરી દે તો આપણી ગતિ તુરંત રોકાઈ જાય. દેશભરનાં મીલ કામદારો, હાથલારી ચલાવનારાઓ અને ખાડા ખોદનારાઓનો મજૂર વર્ગ પોતાનું કામ બંધ કરી દે તો આપણી બધી ભૌતિક પ્રગતિ શૂન્ય થઈ જાય. આપણે એકલાં કંઈ જ કરી શકીએ તેમ નથી તે આપણે માની લેવું જોઈએ. એ લોકોનામાં હજી આપણા એટલી વધારે પડતી બુદ્ધિ આવી નથી તેથી તે લોકો કદી હડતાળ પાડતાં નથી. હા, કોઈક લોકો કામચોરી જરૂર કરે છે પણ એ આપણે કરેલાં શોષણનું પ્રતિબિંબ છે.

આપણે જરા કલ્પના કરીને જોઈએ કે જો કોઈ ધોબી આપણા કપડાંને ઈસ્ત્રી ન કરે તો ? જો વર્ષો સુધી કોઈ ગટરો સાફ ન થાય તો ? કોઈ હરિજન આપણું આગણું ન વાળે તો ? રસ્તા પર પડેલાં પશુ-પક્ષીના મૃતદેહો કોઈ ખસેડે નહીં તો ? આપણને જે થોડું મનોરંજન કરવાનો સમય મળે છે તે એ લોકોના પરિશ્રમને આભારી છે. આપણે કદાચ કોઈ ફાઈલ બીજે દિવસે ‘ક્લીયર’ કરીએ તો ચાલે પણ એ લોકો વગર આપણને એક દિવસ પણ ન ચાલે. નાનાં-નાનાં કામ કરનારનું સમાજમાં ખૂબ ઊંચું યોગદાન હોય છે. ભ્રષ્ટાચાર, કામચોરી એ બધાં તત્વો નીચલા વર્ગમાં ખૂબ ઓછા પ્રમાણમાં હોય છે.

કોઈ શાકવાળો આપણી પાસેથી ‘બે રૂપિયા’ વધારે લે તો તેની પાછળ તેનો હેતુ કુટુંબનું ગુજરાન પૂરું કરવાનો છે. પછી પોતાના બાળકોને બે ઘડી કોઈ વસ્તુ લાવી આપીને આનંદ કરવાનો હોય છે. આપણે કદાચ બુદ્ધિમાં એટલા બધાં આગળ નીકળી ગયાં છે જે આપણને તે ‘બે રૂપિયા’ આપવાના પણ ભારી પડે છે. આપણે જે ‘કમિશનો’ લઈએ છીએ તેની પાછળ આપણો શું હેતુ છે તે આપણે પોતાની જાતને પૂછવું રહ્યું. પરોક્ષ રીતે આપણને મળતા આ વ્યક્તિઓ પર જ સમાજ ચાલે છે.

આપણે એવું માનીએ છીએ કે ગરીબ લોકોને મદદ કરીએ તો તેઓ પૈસા દારૂ અને જુગારમાં વેડફી નાખે છે. તો પાછા આપણામાંથી કેટલાંય લોકો રોજ શેરબજાર અને રોજેરોજ ‘બાર’માં જાય છે તેનું શું ? આપણે તો કેટલીય ક્લબોના મેમ્બરો છીએ. વસ્તુના નામ બદલવાથી એનું મૂળ તત્વ નથી બદલાઈ જતું. સુધરેલા સમાજે ખાલી નામો બદલ્યાં છે બાકી કોઈ નખશિખ વ્યસન મુક્ત નથી. ગરીબ લોકોને વ્યસનો લગાડનાર અને ચિંતામાં નાખવા પાછળ આપણું શોષણ જવાબદાર છે. એક બાજુ આપણે શોષણ કરીએ છીએ અને બીજી બાજુ મદદ કરવાના બહાને સામાજિક પ્રતિષ્ઠા શોધતા હોઈએ છીએ. ગરીબ માણસોને પૈસા, શિક્ષણ, દવાદારૂ અને સાથે-સાથે તકલીફોમાં સાંત્વનની પણ જરૂર છે. પણ હાય રે નસીબ…! આપણે શિક્ષણને ‘પ્રોફેશનલ’ બનાવી દીધું છે. આપણને બધી જ જગ્યાએથી કમાવવાનું જ જોઈએ છે. આપણે માત્ર આપણો જ વિચાર કરવાનું શીખ્યા છીએ.

સમાજના નીચલા વર્ગને, શ્રમજીવીઓને, ગરીબોને, મજૂરોને જો પ્રેમથી અપનાવવામાં આવે, શિક્ષણ આપવામાં આવે, તેમની આર્થિક સ્થિતિને ઉપર ઊઠાવવામાં આવે તો ચોક્કસ સામાજિક ક્રાંતિ થઈ શકે. ‘રૂરલ મેનેજમેન્ટ’ પર પીએચ. ડી. કરવી કદાચ સહેલી હશે પણ તેમના અંતઃકરણ સુધી પહોંચીને તેમની જરૂરિયાતો સમજવાનું હજી આપણા માટે અઘરું જ રહ્યું છે. એ લોકોએ બનાવેલી કોઈ પણ વસ્તુ હાથમાં આવે તો તેની કદર કરીએ તથા સમાજના નીચલા વર્ગને તુષ્ટ-પુષ્ટ કરવાનો બનતો પ્રયાસ કરીએ એ જ સુખ, સમુદ્ધિ સાથે શાંતિનો રાજમાર્ગ છે. આપણું કર્તવ્ય સમજીને આટલું તો આપણે કરવું રહ્યું !

– મૃગેશ શાહ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “આપણું કર્તવ્ય – મૃગેશ શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.