કોર્ટની રમૂજ – મધુકર દિ. ધ્રુવ

(‘ગુજરાત’ના વિક્રમ સંવત – ૨૦૭૨ના વર્ષ – ૨૦૧૬ના દીપોત્સવી વિશેષાંકમાંથી સાભાર)

ન્યાયાધીશ : આ કેસમાં પુરાવામાં એવું આવે છે કે ફરિયાદીએ તમારી દુકાનમાંથી ઘડિયાળ ખરીદેલી ત્યારે તેની ગુણવત્તા વિશે પૂછેલું.
આરોપી : જી સાહેબ, તે વાત ખરી છે.
ન્યાયાધીશ : તમે ફરિયાદીને જણાવેલ કે આ ઘડિયાળ આખી જિંદગી ચાલશે.
આરોપી : જી નામદાર સાહેબ, મેં એવું કહેલું.
ન્યાયાધીશ : પરંતુ ઘડિયાળ છ માસમાં જ બગડી ગઈ. આથી તમે ફરિયાદી સાથે છેતરપિંડી કરી તેમ કહી શકાય. આ બાબતમાં તમારે શું કહેવું છે ?
આરોપી : નામદાર સાહેબ, મેં કોઈ જ છેતરપિંડી કરી નથી. ખરી હકીકતે જ્યારે તે ઘડિયાળ ખરીદવા આવેલા ત્યારે શારીરિક રીતે ઘણા નબળા અને બીમાર જેવા લાગતા હતા તે ઉપરથી મેં કહેલું કે ઘડિયાળ આખી જિંદગી ચાલશે.

*

ન્યાયાધીશ : તમે કહો છો કે છેલ્લાં દશ વર્ષ ઉપરાંતથી તમારાં પત્ની તરફથી તમને હેરાનગતિ થાય છે. તો તમે આ કેસ આટલાં બધાં વર્ષો પછી કેમ કર્યો ?
પક્ષકાર (પતિ) : નામદાર સાહેબ, દશ વર્ષ સુધી તો હું તેણીને કાબૂમાં રાખી શક્યો પણ હવે તેમ કરવું મુશ્કેલ બન્યું છે.
ન્યાયાધીશ : તો પહેલાં દશ વર્ષની વાત જણાવો.
પક્ષકાર : પહેલાં શરૂઆતમાં તો સાહેબ તેણી અવાર-નવાર…
ન્યાયાધીશ : મારી પહેલાં એ જાણવું છે કે, દશ વર્ષ સુધી તમે તમારા પત્નીને કેવી રીતે અને કઈ રીતે કાબૂમાં રાખી શક્યા ?

*

ન્યાયાધીશ : પુરાવામાં એવું આવે છે કે છેલ્લા પંદર દિવસમાં તે સમયે તમે દશ વખત ચોરીઓ કરેલી. તે બાબતમાં શું કહેવું છે ?
આરોપી : મહેરબાન સાહેબ, હું પહેલાંથી જ મહેનતુ માણસ છું.

*

ન્યાયાધીશ : પુરાવો જોતાં જાહેરખબરમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવેલું છે કે જવાબદાર થઈ શકે તેવા ઉમેદવારે જ નોકરી માટે અરજી કરવી તે વાત ખરી છે.
અરજદાર : તે વાત ખરી છે.
ન્યાયાધીશ : તમારી રજૂઆત એ મતલબની છે કે, તમે નોકરી માટે લાયકાત ધરાવતા હોવા છતાં પ્રથમ તબક્કે જ તમારી અરજી નામંજૂર કરવામાં આવી છે.
અરજદાર : નામદાર સાહેબ, હું જવાબદાર માણસ તરીકેની લાયકાત ધરાવું છું.
ન્યાયાધીશ : તે અંગેની વિગત શું છે ?
અરજદાર : મહેરબાન સાહેબ, મેં અગાઉ જે જે જગ્યાએ અને સ્થળોએ નોકરી કરેલી તેના કામકાજમાં મને જ જવાબદાર ગણીને નોકરીમાંથી મુક્ત કરવામાં આવેલો.

*

ન્યાયાધીશ : પરંતુ તેમાં તમારા સસરા વિરુદ્ધ બોલવાનું કારણ શું ?
આરોપી : સર, ઘા પર મીઠું ભભરાવવા જેવું કામ કરે છે.
ન્યાયાધીશ : એવી તે શું બાબત છે?
આરોપી : સાહેબ તેઓ વારે ઘડીએ પૂછ્યા કરે છે કે ‘મારી દીકરી સાથે લગ્ન કરીને તમે ખુશ તો છો ને ?’

*

ન્યાયાધીશ : પુરાવામાં એવું આવે છે કે આ હથિયાર છરી ઉપર તમારા હાથની આંગળીઓનાં નિશાન છે. તે બાબતમાં શું કહેવું છે ?
આરોપી : તેમ હોઈ જ ન શકે. કોઈએ હાથનાં મોજાં પહેર્યા હોય તો તે કઈ રીતે શક્ય છે ?

*

ન્યાયાધીશ : તમને ફાંસી આપવામાં આવે તે પહેલાં કોને મળવા ઈચ્છો છો ?
દોષિત : પત્નીને.
ન્યાયાધીશ : તમારા માતા-પિતામાંથી કોઈને નહીં ?
દોષિત : સાહેબ, મા-બાપ તો આવતા જન્મે પણ મળે પણ પત્ની માટે તો રાહ જોવી પડે.

*

વકીલ : તમે પહોંચ્યા અને સ્થળ છોડ્યું ત્યાં સુધી બધો સમય તે સ્થળે જ હતા તે બાબતમાં શું કહેવું છે ?
સાક્ષી : તે વાત ખરી છે.

*

ન્યાયાધીશ : તમારા પતિ સવારમાં ઊઠ્યા ત્યારે સૌથી પહેલાં શું બોલ્યા ?
અરજદાર (પત્ની) : એ બોલ્યાં ‘હું ક્યાં છું, મંજૂલા ?’
ન્યાયાધીશ : તમે શું કહેવા માગો છો ?
પત્ની : સાહેબ, મારું નામ સરલા છે.

*

વકીલ : તે ગુજરી ગયેલી વ્યક્તિને તમે ઓળખતા હતા ?
સાક્ષી : હા જી.
વકીલ : તેના ગુજરી જતાં પહેલાં કે ગુજરી ગયા પછી ?

*

ન્યાયાધીશ : તમારા સામે આક્ષેપ છે કે હંમેશા તમે ફરજ ઉપર હો ત્યારે દારૂ પીઓ છો.
આરોપી : ખોટી વાત છે, સાહેબ. જો હું નશો કર્યા વગર ફરજ ઉપર ગયો હોઉં તો જ તેમ કરું છું.

*

વકીલ : તમે નિર્દોષ છૂટી ગયા. હવે તો રાજી છો ને ?
આરોપી : ના જી. નિર્દોષ છુટવામાં પાંચ વર્ષ ગયા તેના કરતાં પોલીસની વાત માની હોત તો કેસ જ થયો ન હોત.

*

ન્યાયાધીશ : ખૂનની કોશિશના ગુના માટે તમારા સામે શા માટે આ ઈન્સાફી કાર્યવાહી કરવામાં આવી છે અને ચાલે છે તેનું કારણ તમને ખબર છે ?
આરોપી : જી સાહેબ, જેને ઈજા થઈ તે જીવતો છે માટે. નહીં તો ખૂનના ગુના માટે કાર્યવાહી થાય.

*

ન્યાયાધીશ : જ્યારે તમારાં પત્નીએ તમને કહ્યું કે કોઈએ તેણીને ‘આઈ લવ યુ’ મેસેજ મોકલ્યો છે તો તમે શું સલાહ આપી ?
પતિ (સાહેદ) : મેં કહ્યું, ‘જેણે મોકલ્યો હોય તે નંબરવાળાને પાછો મોકલી દે.’

*

ન્યાયાધીશ : સારવારની વાત બરોબર પણ તે ક્યા પ્રકારના ડૉક્ટર છે ?
સાહેદ : તેઓ સામાવાળાના ડોક્ટર છે.

*

ન્યાયાધીશ : તો શું તમારા વગર તમારા શેઠનું કામ થઈ શકે તેમ નથી ?
સાક્ષી : થઈ શકે તેમ છે. પણ સાહેબ, તેની તેમને જાણ ન થાય તેની કાળજી રાખું છું.

*

ન્યાયાધીશ : આ કેસમાં પુરાવામાં એવું આવે છે કે સમયાંતરે તમારી કંપનીના માલિક સ્ટાફની મીટિંગ રાખી મનોરંજનનો કાર્યક્રમ ગોઠવે છે તેમાં દરેકે ભાગ લેવાનો હોય.
કર્મચારી : તે વાત ખરી છે.
ન્યાયાધીશ : પુરાવામાં એવું આવે છે કે, મનોરંજનના કાર્યક્રમમાં તે દિવસે તમે હાજર રહેલા, પરંતુ શેઠને ઉતારી પાડવાના ઈરાદાથી શેઠે જે રમૂજી ટુચકા કહ્યા ત્યારે કોઈ પ્રતિભાવ આપેલો નહીં અને તેમને બિરદાવવામાં જોડાયેલા નહીં.
કર્મચારી : નામદાર સાહેબ, તે વાત ખરી છે કે ટુચકા સાંભળી બધાની સાથે હું હસ્યો ન હતો કે કોઈ પ્રતિભાવ આપેલો નહીં પણ, તેનું કારણ એ હતું કે તે સમયે બીજી કંપનીમાં મારી નોકરીની નિમણૂકનો પત્ર મને મળી ગયો હતો.

*

ન્યાયાધીશ : તો આ કેસમાં તમારે શું કહેવું છે ?
પક્ષકાર : સાહેબ એ વાત ખરી છે કે, મેં તેણીને કહેલું કે દિલ ચીરીને જો. તેમાં તારું જ નામ હશે. પણ એ તો મેં મજાકમાં કહેલું.

*

ન્યાયધીશ : ટ્રાફિકના નિયમોના અનુસંધાનમાં તમારા ખાતા તરફથી “નિશાળ, ધીમે હાંકો”નું બોર્ડ મૂકવામાં આવ્યું છે. પરંતુ શૈક્ષણિક સંસ્થા કોલેજ પાસે એવું બોર્ડ કેમ નહી મૂક્યું ?
અધિકારી (સાહેદ) : મહેરબાન સાહેબ, વાહનો હંકારનારા કોલેજ પાસેથી પસાર થાય ત્યારે આપોઆપ જ વાહન ધીમા ચલાવતાં હોય છે.

*

ન્યાયાધીશ : તમારે સંપીને રહેવું જોઈએ. જે પોતાની વાત બીજાને સમજાવી ન શકે તે માનસિક રીતે નબળો કહેવાય.
સાક્ષી પક્ષકાર : સાહેબ મહેરબાન, આપની વાતમાં મને કંઈ સમજાયું નહીં.

*

લેખકનો સંપર્ક : એ-૩૭, રોહાઉસ, સોમેશ્વર વિભાગ-૨, જોધપુર ચાર રસ્તા પાસે, સ્ટાર બજાર સામે, સેટેલાઈટ રોડ, અમદાવાદ-૩૮૦૦૧૫. મો. ૯૮૨૫૩૨૫૪૯૨

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “કોર્ટની રમૂજ – મધુકર દિ. ધ્રુવ”

Copy Protected by Chetan's WP-Copyprotect.