ચાચા નહેરૂને બાળકનો પત્ર – શૈલેષ સગપરિયા

(‘સમજણનો સઢ’ પુસ્તકમાંથી. આ પુસ્તકમાં પ્રેરણાસભર ૧૦૧ વાર્તાઓ આપવામાં આવી છે, તેમાંથી કેટલીક પસંદગીની વાર્તાઓ પૂર્વે રજૂ થઈ હતી. આજે તેમાંથી એક પત્ર અહીં પ્રસ્તુત કરીએ છીએ. પુસ્તક પ્રાપ્તિની વિગતો પત્રના અંતે આપવામાં આવી છે.)

બાળદિને એક બાળકે ચાચા નહેરૂને પત્ર લખ્યો :

વ્હાલા વ્હાલા નહેરૂચાચા, આજે તમારો હેપી બર્થ ડે છે એટલે મને થયું કે તમને થોડી વાતો કરું, કારણ કે અમને સાંભળનારા બીજા કોઈ નથી. ચાચાજી, આજે બધા લોકો અમારા જેવા નાના ભૂલકાને યાદ કરશે. ટીવીમાં પણ આખો દિવસ અમને બતાવ્યા કરશે. બહુ મોટા મોટા વિદ્વાનો અમારા જેવા બાળકો પાસે મજૂરી કરાવવી એને દેશનું કલંક કહેવાય એવી વાતો પણ કરશે. આજે અમે કારખાનામાં મજૂરી કરવા નથી જતા અને છતાંય મજૂર છીએ.

અમારા મા-બાપ જ અમને મોટા મજૂર બનાવી દીધા છે. ૬ થી ૭ કલાકની શાળા એમાં પણ પાછા રવિવારના કે જાહેર રજાના દિવસે એકસ્ટ્રા લેક્ચર હોય. આટલાથી પૂરું ન થતું હોય તે શાળાએથી આવીને ટ્યુશન ક્લાસમાં જવાનું અને પછી મ્યુઝીક અને ડાન્સ ક્લાસ તો ખરા જ. હવે ચાચા તમે જ કહો અમારા કરતા તો કારખાનામાં કામ કરતા બાળ મજૂર વધારે સુખી ન હોય ?

ઘરે કોઈ મહેમાન આવે તો અમે જાણે પ્રદર્શનનું સાધન હોય એમ સહેજ રમવા ગયા હોય તો ત્યાંથી બોલાવીને ‘આ આંટીને ડાન્સ બતાવ, જો જરા પેલું પોએમ સંભળાવ.’ આમ કહીને ચાવીવાળું રમકડુ હોય એમ નાચવા-ગાવા ધરી દે. અમારી ઈચ્છા હોય કે ના હોય અમારે બસ મૂંગા મોઢે આદેશનું પાલન જ કરવાનું. ચાચા તમારા પપ્પા કે મમ્મી તમારી પાસે આવું કરાવતા ? અમને જાણે કે અમારી કોઈ ઈચ્છા જ ન હોય એવું વર્તન અમારી સાથે કરવામાં આવે છે. અમે ભલે નાના રહ્યા પણ અમારી પણ કેટલીક ઈચ્છા હોય ને ? હા કદાચ અમારી સમજશક્તિના અભાવે અમે અમારૂ સારું-નરસું ન જોઈ શકતા હોય તો અમારી સાથે બેસીને અમને પ્રેમથી અને ધીરજથી સમજાવવા ના જોઈએ ? પણ એવો સમજાવવાનો સમય જ ક્યાં હોય છે ? મમ્મીને પોતાની સીરિયલ વહાલી હોય અને પપ્પાને વોટ્‍સએપ પર કેટલા બધા સાથે વાતો કરવાની હોય એટલે મારા માટે તો કોઈને ટાઈમ હોય જ નહીં.

ઘણીવર દાદા ઘરે આવે તો પપ્પા શેરીમાં કેવી ધમાચકડી કરતા એની વાતો કરે ત્યારે મને થાય કે હું થોડો મોડો જન્મયો છું. આજે મળે છે એવી સગવડો ન મળતી હોત તો પણ ચાલત કારણ કે રમવા તો મળતું હોત અને એ પણ પેટ ભરીને. ‘માત્ર ૩૦ મિનિટમાં પાછો આવી જજે.’ એવું બંધિયાર રમવાનું તો ન હોત. પપ્પાને એમના દાદા વાર્તાઓ પણ કરતા પણ મારા દાદા મારી પાસે નથી અને એટલે પપ્પાએ સ્ટોરીબુક અને જાતજાતની કેસેટ લાવી આપી છે એ મનોરંજન માટે હશે કે મારું જ્ઞાન વધારવા એ તો પપ્પાને જ ખબર.

ચાચા, આ શાળાઓ પણ અમારા પર કંઈ ઓછા અત્યાચાર નથી કરતી. એક વાત કહું ચાચા, અમારી શાળામાં રમતગમતનું મેદાન જ નથી, બોલો છે ને કમાલ ! અમે જાણે બળદીયા હોય એ રીતે લખાવ લખાવ જ કર્યા કરે, કારણ કે સમજાવીને શીખવાડતા આવડતું હોય એવા શિક્ષક તો માંડ એકાદ હોય બાકીના તો પરાણે શિક્ષક બનેલા હોય. અને એમાંય શાળાના સંચાલકો કે સરકાર એને પૂરતો પગાર ન આપે તો દાઝ અમારા પર ઉતારે બોલો. શાળામાં અમારામાં છુપાયેલું બહાર કાઢવાને બદલે બહારનું બધુ જ અમારામાં ઠાંસી-ઠાંસીને ભરવામાં આવે છે. અમને માત્ર અને માત્ર માર્કનું મશીન જ બનાવી દેવામાં આવે છે. સમજાય કે ના સમજાય ગોખાવીને પણ માર્ક વધારે આવવા જોઈએ આ એક જ પ્રયાસ હોય છે એમનો અને એ પણ બિચારા શું કરે કારણ કે અમારા મમ્મી-પપ્પાને પણ અમારા માર્કમાં જ રસ છે. અમને ખબર છે કે મમ્મી-પપ્પા કે શિક્ષકો અમારા દુશ્મન નથી પણ એ લોકોને પણ સમજાવું જોઈએને કે અમે માત્ર મજૂર નથી. ચાચાજી હજુ તો ઘણું ઘણું કહેવું છે પણ જુઓ હવે મમ્મી બરાડા પાડીને બોલાવે છે એટલે જવું જ પડશે, કારણકે અમારે ઈચ્છા જેવું ક્યાં કંઈ હોય છે. અમારે તો મમ્મી-પપ્પાની અને શિક્ષકોની ઈચ્છા એ જ અમારી ઈચ્છા. ચાચાજી તમારી બહુ યાદ આવે છે. આઈ મીસ યુ. અને હા મેની મેની હેપી રીર્ટનસ ઓફ ધે ડે અગેઈન.

…આપનો લાડલો

***
હું બાળક છું કોઈ રોબોટ નથી,
મારા મનની વાતો સમજતા કેમ નથી.
***

[પૃષ્ઠ સંખ્યા : ૨૧૬, કિંમત રૂ. ૨૦૦/-, પ્રાપ્તિસ્થાન : વન્ડરલૅન્ડ પબ્લિકેશન, ૪૦૧/બી, સર્વોત્તમ કૉમ્પલેક્સ, પંચનાથ મેઈન રોડ, રાજકોટ-૩૬૦૦૦૧ ફોન : (૦૨૮૧) ૩૦૫૩૫૭૭]

લેખકનો સંપર્ક :
શૈલેષ સગપરિયા, ‘અનિર્દેશ’, એ-૩૬, આલાપ રોયલ પામ, મવડી ગામ પાસે, રાજકોટ – ૩૬૦ ૦૦૪
Email : shaileshsagpariya@yahoo.com

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “ચાચા નહેરૂને બાળકનો પત્ર – શૈલેષ સગપરિયા”

Copy Protected by Chetan's WP-Copyprotect.