તર્ક વિતર્ક કુતર્ક – વિજય શાહ

(રીડ ગુજરાતીને પ્રસ્તુત લેખ મોકલવા બદલ શ્રી વિજયભાઈ શાહનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો vijayshah113@gmail.com અથવા 90676 96577 પર સંપર્ક કરી શકો છો.)

“જુઓ આ દ્રષ્ટિકોણની અને તર્કની વાત છે ધારો કે આ એક દરવાજો અડધો બંધ છે એનો અર્થ એ છે કે તે અડધો ખુલ્લો છે..”

‘‘અચ્છા તો તમારા તર્ક પ્રમાણે જો આ દરવાજો આખો બંધ હોય તો એને આખો ખુલ્લો કહેવાય નહીં ?’’

ચીડ આવે છે ને આવો સંવાદ સાંભળીને..

પણ આપણા રોજ બરોજના જીવનમાં આવા તર્ક વિહોણા વિતર્ક અને કુતર્ક કરતા અનેક માથાઓ આપણને ભટકાય છે અને આપણને તેમને બે ખેંચીને તમાચા મારવાની તીવ્ર ઈચ્છાને સમાજની શરમે વ્યવહારમાં દબાવીને મારી નાખવી પડે છે.

કોઈને કહો કે, ‘ભાઈ આ કચરો આમ રોડ ઉપર ન નાંખો, અહીં પિચકારી ના મારોને. ગંદકી ના કરો.’ એટલે પોતે કોઈ મોટી સલ્તનતનો શહેનશાહ હોય એમ ડિંગાઈ હાંકતા સામો જવાબ આપે.

‘કેમ તારા ઘરમાં કરું છું ? હા, ભાઈ તું જ નવાઈનો સ્વચ્છતા પ્રેમી ! મોદીને કહે તને સ્વચ્છ ભારતનો બ્રાંડ એમ્બેસડર બનાવી દે.. મારા એકલાથી શું થવાનું છે ? કામ કર તારું.’

એક તો પોતે ભૂલ કરે, ઉપરથી કોઈ ભૂલ ઉપર ધ્યાન દોરે તો પોતાની અજ્ઞાનતાની પરાકાષ્ઠાએ પહોંચી તેનું જ અપમાન કરે !

મારા એક મુસ્લિમ મિત્રને હું શાકાહારી કેમ છું એમ સમજાવી રહ્યો હતો. મેં થોડીક તર્કવાળી વાત કરી કે, ‘ભાઈ માંસાહાર એ તામસી ખોરાક છે. આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે તેને પાચનમાં ૭૨ કલાક લાગે. તેને પકાવવામાં શાકાહારી ભોજન કરતા વધારે ઉર્જાનો વ્યય થાય અને આ બધા ઉપરાંત કોઈ નિર્દોષ જીવની હત્યા કરીને પોતાનું પેટ ભરવું ક્યાં સુધી યોગ્ય છે ?’ તે ભાઈ મારી ઉપર ગુસ્સો કરવા લાગ્યો અને મને કહેવા લાગ્યો કે, ‘ખુદાએ આપણને આ જે રાક્ષસી દાંત આપ્યા છે એ માંસાહાર કરવા જ આપ્યા છે અને માંસાહાર ન કરનારા ખુદાનું અપમાન કરે છે. જા ગુગલ કરીને જોઈ લે.’

ગુગલમાં સર્ચ કરતાં જાણવા મળ્યું આવા કુતર્કો ઝાકીર નાયકના (મુસ્લિમ ધર્મગુરુ જે હાલમાં યુવાનોને આંતકવાદ તરફ દોરનાર આરોપી છે) વક્તવ્યો સાંભળીને તેના મગજમાં ઘર કરી ગયાં હતા.

મારે તેને કહેવું હતું કે માણસો સિવાય ઘણાં બધા પ્રાણીઓ જેવા કે હાથી, હરણ, બારાશીંગા ને પણ એ જ ખુદાએ રાક્ષસી દાંત આપ્યા છે. તેઓ શાકાહારી છે તો શું તેઓ પણ ખુદાનું અપમાન કરે છે ?

પણ આટલું સાંભળવાની તેનામાં ધીરજ જ નહોતી.

આ સિવાય પણ રોજબરોજના જીવનની ઘણી બધી ઘટનાઓમાં આપણને આવા કુતર્ક પ્રેમીઓ મળી જતાં હોય છે. જેમનું કમનસીબે આપણે કાંઈ જ નથી કરી શકતા.

જેમ કે ટ્રાફિક સિગ્નલ ખુલતાની સાથે જ જોર જોરથી હોર્ન વગાડનારા લોકો ને ધ્વનિ પ્રદૂષણ ફેલાવનારા લોકોને હોર્ન વગાડવાની ના પાડશો તો વધારે હોર્ન વગાડશે. આખા રસ્તે વગાડશે. પણ એમને કોણ સમજાવે કે કારણ વગર તો કૂતરાઓ પણ નથી ભસતા.

તર્કવાળી વાત કરવાથી અને સમજવાથી સમાજમાં પરસ્પર પ્રેમભાવ અને બીજાની પરિસ્થિતિની સમજ કેળવાય છે તથા સાચા જ્ઞાનનો ઉદય થાય છે. દેશોના તથા રાજ્યોના જે ભાગલા પડે છે તે પણ આવા વિતર્કો અને કુતર્કોના જ પરિણામો છે. ઓનર કિલિંગ (સમાજ બહાર લગ્ન કરનારા પ્રેમીઓની પરિવાર દ્વારા જ હત્યા) પણ કુતર્કના દૂષણનું પરિણામ છે.

અમારા ધર્મમાં તો આવું જ હોય ! અમારા સમાજમાં તો આમ જ ચાલે. પણ આમ કેમ ચાલે તેનો કોઈ તર્ક સંગત તાળો મળતો નથી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “તર્ક વિતર્ક કુતર્ક – વિજય શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.