એકવીસમી સદીમાં પ્રગતિ – મૃગેશ શાહ

(‘સમ્યક જીવન’ શીર્ષક હેઠળ મૃગેશભાઈએ “આપણી આસપાસમાં રહેલા પદાર્થો, વસ્તુઓ, ભૌતિકતાને સમ્યકરૂપી ઉપભોગ કરીને ભોગથી યોગ તરફની યાત્રા કરાવતા ચિંતનાત્મક લેખો સંગ્રહ” માં પાંચ લેખ છે. ‘એકવીસમી સદીમાં પ્રગતિ’ એ પહેલો લેખ છે.)

આપણી પ્રવૃત્તિઓ ઘણી વાર ખૂબ વિચિત્ર પ્રકારની અને ન સમજાય એવી હોય છે. પ્રત્યેક મનુષ્યની રસ અને રૂચિ તો ભિન્‍ન હોવાં જ જોઈએ, પણ સમાજમાં આજ કાલ પરસ્પર વિરોધી પ્રવૃત્તિઓમાં રોકાયેલા માણસો વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. આપણે પણ કદાચ એવી કોઈ અસહજ પ્રવૃત્તિમાં રોકાયેલા હોઈ શકીએ !

એ પ્રવૃત્તિઓ ઘણા પ્રકારની છે. જેમ કે, એકબાજુ આપણે શારીરિક શ્રમ ઘટાડવા માટે વિજ્ઞાને વિકસિત કરેલાં સાધનો જેવા કે વોશિંગ મશીન, મિક્સર, ઘરઘંટી તથા વાહનો વગેરેનો ઉપયોગ કરતાં હોઈએ છીએ અને બીજી બાજુ શરીર વધી ન જાય અને સપ્રમાણ રહે તે માટે યોગ, કસરત અને સ્વિમિંગ સેન્ટરોનો સહારો લઈને ડાયાબિટીસ પર કાબૂ રાખતાં હોઈએ છીએ. બહારનું ખાવા-પીવાની વાત આવે ત્યારે આપણે એક પણ હોટલનો સ્વાદ બાકી રાખવાનું ચૂકતા નથી અને સાથે સાથે ઘરના ખાવાનામાં પણ વૈવિધ્ય જોઈએ છે અને હોટલનું ખાવાનું પણ ઘર જેવું જોઈએ છે. આ રીતે આપણી પસંદગી મૂળ કયા પ્રકારની છે તે કહેવું મુશ્કેલ છે.

આ બધાની સાથે સાથે આપણી સમાજવ્યવસ્થા, રહેવાની રીત, સામાજિક વ્યવહારો એ બધું પણ ખૂબ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. એક બાજુ આપણને શહેરોનો ઘોંઘાટ ગમે છે, વૈભવી અને આલિશાન બનાવવા માટે રાત-દિવસ પૈસા પાછળ દોડધામ કરીએ છીએ અને બીજી બાજુ શાંતિની શોધમાં, ઘોંઘાટથી દૂર ભાગવા માટે, શહેરોની નજીકમાં ફાર્મહાઉસો બનાવીએ છીએ. આપણને પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને એક સાથે જોઈએ છે. કોઈ ચીજવસ્તુ ખરીદવાની હોય ત્યારે ગરીબ ફેરિયાને બે રૂપિયા વધારે આપવા પડે તો આપણે ‘ટેવ પડી જાય’ એમ કહીએ છીએ અને કથાઓ-સત્સંગમાં ‘લોકોનો સ્વભાવ ના સુધરે’ એમ કહેવામાં પણ આપણો પહેલો નંબર હોય છે. સમાજનો ઉચ્ચ વર્ગ ભણતરને અતિશય મહત્વ આપીને ‘બોજ’રૂપ બનાવી દે છે અને વળી પાછું તુરંત પોતાના ભૂલની પ્રાયશ્ચિતરૂપે ‘ભાર વગરના ભણતર’ની ખોજ કરતાં હોય છે. એક એક મિનિટના સમયનું આયોજન આપણા ‘પ્લાનર’માં તૈયાર હોય છે અને બીજી બાજુ ‘ટાઈમપાસ’ પ્રવૃત્તિઓ પણ આપણે શોધતાં હોઈએ છીએ. ખરેખર ! આપણી રસ અને રૂચિ ખૂબ બદલાઈ ગઈ છે. આપણી પ્રવૃત્તિઓમાં વૈવિધ્યતાને બદલે વિચિત્રતાઓ આવી ગઈ છે.

સમાજને બતાવવા માટે માનદ્‍ પદવીઓ, સમારંભો અને સન્‍માનોની ઈચ્છા આપણે રાખતાં નથી પણ તેમ છતાં ઘરે બેઠાં બેઠાં ટી.વીના દરેક ‘ગેમ-શો’માં ભાગ લેવાનું ચૂકતાં નથી. આપણને શેરબજારમાં પણ રસ છે અને સત્સંગમાં જવું પણ ગમે છે. પરદેશ જનારાં લોકો પોતાના કર્મો ભોગવે છે એમ આપણે કહીએ છીએ અને જ્યારે આપણે પોતે જવાનું થાય ત્યારે ‘वसुधैव कुटुम्बकम्’ ‘આખું વિશ્વ મારું કુટુંબ છે’ એવી ભાવના સમાજ સામે રજૂ કરીએ છીએ. સમાજમાં આપણે સંસ્કારની વાતો કહેતા હોઈએ છીએ અને જ્યારે આપણા પોતાના છોકરાં જુદા રહેવા ચાલ્યા જાય ત્યારે તેને ‘સગવડ’ એવા સુંદર નામે છુપાવતા હોઈએ છીએ.

હકીકતમાં આપણે શું કહેવું છે, શું કરવું છે એ બધામાં આપણે ગૂંચવાઈ ગયાં છે. આ પરસ્પર વિરોધાભાસી વ્યક્તિત્વ એ ‘પાણીનો બહિષ્કાર કરીને બરફ ખાવા’ જેવી વાતો છે. આપણે આ બધાં પરસ્પર વિરોધી વિચારોમાંથી બહાર આવવું જોઈએ. જીવનને જો યોગ્ય ગતિ આપવી હશે તો આપણે આમ ગોળ-ગોળ ફરવાનું બંધ કરવું પડશે. ‘રાત્રે ઉજાગરા કરીને દિવસે સૂવાની’ વાત જેવી આ પ્રવૃત્તિઓને શાસ્ત્રકારો દંભ કહે છે. જેને સરળ, સહજ અને નિખાલસ જીવન જીવવું છે તેમણે આ બધામાંથી બહાર નીકળવું જોઈએ.

અત્યારના સમયમાં વિજ્ઞાનના સાધનો, હોટલોનો ઉપયોગ, આધુનિક સાધનો અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો ખોટાં નથી પણ તેમાં ‘અતિ’ નામનું જે તત્વ ઉમેરીને આપણે દોટ મૂકી છે તે આપણને વધારે થકવી દે છે અને તેના જ પરિણામે જીવનમાં શાંતિનો અનુભવ, ભૌતિક વિકાસ હોવા છતાં થતો નથી. મનની અસ્વસ્થતાને કારણે ડનલોપના ગાદલાં પર આપણને ઊંઘ આવતી નથી, રૂમનું એ.સી. આપણને ઠંડક આપતું નથી અને સગાંવહાલાંને ત્યાં ક્ષણમાં પહોંચી જવાય તેવા વાહનો હોવા છતાં સ્નેહનો તંતુ જોડાતો નથી. જીવનમાં જે કંઈ મળે તેને સહજતાથી પ્રાપ્ત કરવાની જરૂર છે, દેખાદેખીથી ઉધામા કરવાથી જે આપણી પાસે હોય તે પણ ભોગવી શકાતું નથી. પ્રસન્‍ન ચિત્તથી વિવેકપૂર્વક વસ્તુઓનો ઉપયોગ કરવો એ જાગૃત મનુષ્યનું લક્ષણ છે.

આપણે પરસ્પર વિરોધી પ્રવૃત્તિઓને છોડીને થોડી જાગૃતિ કેળવીશું તો એ એકવીસમી સદીમાં આપણી સાચી પ્રગતિ ગણાશે.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous તર્ક વિતર્ક કુતર્ક – વિજય શાહ
મંગલ મંદિર ખોલો – નીલમ દોશી Next »   

4 પ્રતિભાવો : એકવીસમી સદીમાં પ્રગતિ – મૃગેશ શાહ

 1. થોડી જાગૃતિ.
  બધે કામ લાગે તેવી એક માત્ર ચાવી.

 2. sandip says:

  “જીવનમાં જે કંઈ મળે તેને સહજતાથી પ્રાપ્ત કરવાની જરૂર છે, દેખાદેખીથી ઉધામા કરવાથી જે આપણી પાસે હોય તે પણ ભોગવી શકાતું નથી. પ્રસન્‍ન ચિત્તથી વિવેકપૂર્વક વસ્તુઓનો ઉપયોગ કરવો એ જાગૃત મનુષ્યનું લક્ષણ છે.”

  આભાર્………

 3. Arvind Patel says:

  એકવીસ મી સદી ની પ્રગતિ વૈજ્ઞાનિક, તથા દરેક ક્ષેત્ર માં ખુબ જ સુંદર છે. આજ થી ૧૫૦ વર્ષ પહેલા ની જિંદગી અને આજ ની જિંદગી માં ખુબ જ ફરક છે. આપણને ગમે અને ગર્વ અનુભવીએ તેવા છે. જોકે , આ બધામાં આપણે ક્યાંક ખોવાઈ ના જઇયે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. સાધન નો ઉપયોગ કરો પણ સાધનના ગુલામ ના બનો. પ્રગતિ ની દોડ માં આપણે આપણું પોતાનું વ્યક્તિત્વ ગુમાવી ના દઈએ તેનું ધ્યાન રાખવું પડશે. દારૂ નો નશો અને પ્રગતિ નો નશો બંને સરખા જ છે. પ્રગતિને પચાવી જાણીયે, ગુલામી નો અનુભવ ના થવો જોઈએ. જે કઈ થૈ રહ્યું છે, મૉટે ભાગે સારું જ છે. હકારાત્મક અભિગમ રાખીશું તો સુખીથી આનંદ માં રહી શકીશું.

 4. swapnil upadhyay says:

  પ્રસન્‍ન ચિત્તથી વિવેકપૂર્વક વસ્તુઓનો ઉપયોગ કરવો એ જાગૃત મનુષ્યનું લક્ષણ છે.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.